વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ 2018માં વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "બીટ પ્લાસ્ટિક પ્રદૂષણ" આપી હતી, તે સમયે 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' નો ઉપયોગ બંધ કરવા સૌ નાગરિકોને હાકલ કરી હતી. પ્લાસ્ટિક મુક્ત ભારત નું આહવાન કર્યું.હાલે આપણે સૌએ વિચાર કરવાનો સમય આવી ગયો છે કે શું આપણે આ આહ્વાનને સ્વીકારી શકીશું ખરા?
વર્તમાન સમયમાં આપણા ગામ શહેર અને દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ દિનપ્રતિદિન સતત વધતો જાય છે જે પર્યાવરણ માટે અને માનવજાત માટે ભવિષ્યમાં ઘાતક નીવડી શકે છે.સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે એવું પ્લાસ્ટિક જેને આપણે રોજબરોજ ઉપયોગમાં લઈએ છીએ અને એકવાર ઉપયોગમાં લીધા પછી તે ફેંકી દઈએ છીએ. વર્ષ 2015ના સેન્ટ્રલ બોર્ડ પોલ્યુશન ના સર્વે ની વિગત મુજબ ભારતના 60 શહેરોમાં રોજ ૧૫ હજાર ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે.આવું પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા જીવનમાં વધતો જાય છે. આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ફળ શાકભાજી ખરીદવામાં વપરાતી થેલીઓ, જમણવાર માં વપરાતી ડીસ્પોઝેબલ ડીશો, પાણીની બોટલ અને ચા પીવા માટે વપરાતા પ્લાસ્ટિકના કપ single use plastic છે. તેનો એક વખત ઉપયોગ કર્યા બાદ ફેંકી દઈએ છીએ, પરંતુ તે બાયોડિગ્રેડેબલ નથી. આવું પ્લાસ્ટિક એ ખૂબ જ હાનિકારક હોય છે જો તેને જમીનમાં દાટવામાં આવે તો તે જમીનમાં ભળતું નથી. એ વર્ષો સુધી એવું ને એવું જ રહે છે અને જમીનના બંધારણ ને નુકસાન કરે છે.
કંટ્રોલ બોર્ડ 2015ના નિરીક્ષણ મુજબ જેટલી પણ પ્લાસ્ટિક પેકેજિંગ પ્રોડક્ટ છે તેમનું 70% પ્લાસ્ટિક એક કચરામાં ફેરવાય છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે ૧૩૦ લાખ ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે જેમાંથી ૯૦ લાખ ટન પ્લાસ્ટીક કચરા માં ફેરવાય છે. વર્ષ 2016 ના કાયદા મુજબ 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક બેગ પર બંધી લગાવવામાં આવી છે. recycle plastic નો ખોરાક અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગમાં ઉપયોગ નહીં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઘરથી લઇને સામાજિક સ્તર સુધી આ મેનેજમેન્ટને લગતાં પગલાં લેવા જોઈએ જો પ્લાસ્ટિકના વપરાશ પ્રત્યે જાગૃતિ લાવવી હશે તો તેની શરૂઆત એક નાગરિક તરીકે આપણે આપણા ઘરથી જ કરવી પડશે. ચા-પાણી માટે કાચ અથવા સ્ટીલના વાસણોનો ઉપયોગ કરી શકાય ઘરમાંથી નીકળતાં પ્લાસ્ટિકનો કચરો બહાર શેરી પર ન કરતા તેને નગરપાલિકા કે ગ્રામ પંચાયત ના ડમ્પિંગ વાહનમાં અલગથી નાખીએ. શેરીએ-શેરીએ, ચોકે -ચોકે ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ અલગથી મૂકવી જોઈએ. આપણે કપડાં માટે પ્લાસ્ટિક ફાઇબર ન વાપરતા, તેને બદલે કોટન, સિલ્ક ના વસ્ત્રો વધુ પસંદ કરીએ. રસ્તે ઉડતું ખાદ્ય પદાર્થ સાથેનું પ્લાસ્ટીક પશુઓ માટે ખૂબ જ જોખમી છે. પ્લાસ્ટિકની થેલી આરોગી જતાં પશુઓના પેટમાં જમા થતાં તે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવા ઉપરાંત ક્યારેક મોતનું કારણ પણ બને છે!
યુનાઇટેડ નેશન ના એક રિપોર્ટ મુજબ ૪૦૦ મિલિયન ટન single plastic ઉત્પાદન થાય છે જે કુલ પ્લાસ્ટિકના 48% પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ છે. જેમાંથી કદાચ માત્ર ૯ ટકા પ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે, ત્યારે વેસ્ટ મેનેજમેન્ટ એ સૌથી ઉત્તમ ઉપાય છે.
ખાસ તો વર્તમાન સમયમાં એ જરૂરી છે કે દેશનો દરેક યુવાન વ્યક્તિ સંકલ્પ કરે કે તે પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યારેય પણ નહીં કરે અને પર્યાવરણને એક બહુમૂલ્ય ભેટ આપશે.. સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે આપણા ઘરથી લઇ સમગ્ર વિશ્વ સુધી પ્લાસ્ટિક હટાવોનો સંકલ્પ લઈ તે અંગે જાગૃતિ ફેલાય એવા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ અને પર્યાવરણની દિશામાં યોગ્ય પ્રદાન કરવું જોઈએ.