વસુધા - વસુમાં - પ્રકરણ-96 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-96

વસુધા પાસે રાજલ બેઠી હતી. એને વસુધાની પીડાનો પુરો એહસાસ હતો. વસુધાની પીડામાં એનાં પર ગૂજરી ગયેલી પીડા યાદ આવી ગઇ હતી. વસુધાને એણે બધુજ કીધેલું એક એક એ કારમી પીડાની ક્ષણ વર્ણવી હતી.

વસુધાને સહન નહોતું થઇ રહેલું એની સાથે આવો ધૃણાસપદ બનાવ બની ગયો... કોઇ એની સાથે આવું કરીજ કેવી રીતે શકે ? શું મારાં સ્વમાનની આભા ઓછી થઇ છે ? એણે હિંમત કરતાં પહેલાં મારાં ગુરુરનો રોબ ના જોયો? ના નડ્યો ? મારાં પવિત્ર ઓરાને ચીરીને મને સ્પર્શ કેવી રીતે કર્યો ? એ ચંડાળની આટલી હિંમત ?

વસુધા માનસિક ભાંગી પડી હતી એનાં હૃદયમાં કાળીયા અને એનાં મિત્રોને કરમચંડાળોને પાઠ ભણાવવા વૃતિ બળવત્તર બની રહી હતી પણ એનું અપમાન એનું જાણે શિયળભંગ થયું હોય એમ સહી નહોતી શક્તી વારે વારે મૂર્છા આવતી હતી.

વસુધા ફરીથી ચીસ પાડીને આક્રોશનાં આવેગમાં ફરીથી મૂર્છીત થઇ... એની ચીસ બીજા રૂમમાં સૂતેલી એની દીકરી આકાંક્ષાએ સાંભળી એ માં.... માં.. કરતી મોટેથી રડવા લાગી. કુટુંબીજનો અને હાજર ગ્રામજનો આવું દ્રશ્ય જોઇને સહમી ઉઠયાં હતાં બધાની આંખમાં આંસુ આવી ગયાં બધાં અંદર અંદર વાતોનો ગણગણાટ કરી રહેલાં કે આટલી હોશિયાર આટલી બહાદુર વસુધા ઉપર હુમલો કરવાનિ હિંમત પેલાની કેમની થઇ ?

તો સામાન્ય ગામની છોકરી કે મહીલાની શું હેસીયત એમની સુરક્ષા કોણ કરે ? ગામનો આ ઉતાર કપાતર સાલાને કોગળીયું આવે નખ્ખોદ જાય એનું એનાં આખા કુટુંબનું. ગામની વૃધ્ધ અને પ્રૌઢ સ્ત્રીઓ કાળીયાને શ્રાપ ઉપર શ્રાપ આપી રહી હતી.

ટોળામાં બેઠેલી એક યુવાન છોકરી બોલી “વસુધાભાભી કર્મઠ અને બહાદુર છે પણ એ એટલાં સુંદર છે કે ભલભલાની નજર બગડે આતો આમેય રખડેલ અને રોમીયો જેવો છે વળી ગામનાં ખરાબામાંથી એનો ટાંટીયો કઢાવ્યો એનાં બાપને બીજાઓને જેલમાં નંખાવ્યાં... ભાભી ડેરીએથી એકલા પાછા આવતાં કાર બગડી એનો પેલાં પિશાચે બદલો લીધો એ અમારી સામે પણ ગંદા ઇશારા કરતો હતો.”

ત્યાં બેઠેલા એક વડીલે સાંભળીને કીધુ.. “જુઓ છોકરીઓ અત્યારે સમયકાળ ખરાબ ચાલે છે હળાહળ કળીયુગ છે તમારે જાતેજ તમારું રક્ષણ કરવું પડશે.. જો આજે આપણી વસુધા સાથે થયુ છે કાલે કોઇની પણ સાથે આવું દુષ્કૃત્ય થઇ શકે છે.”

ત્યાં બાજુમાં બેઠેલા માજીએ કહ્યું “વાત સાચી છે બધાં પાસે ધારીયું દાતરડું હોયજ છે આવાં નરાધમોને એનાંથીજ વધેરી નાંખવાનાં.”

ત્યાં વસુધા ફરીથી ભાનમાં આવી.. વસુધાની માં પાર્વતીબહેને કહ્યું “દીકરી આમ વારે વારે તને કેમ આવું થાય છે ? જે થઇ ગયું છે એને નિવારી નથી શકવાનાં. હવે આગળ શું કરવાનું છે એનો વિચાર કર. તારી પીડા દુઃખ ખૂબ સમજું છું પણ આકાંક્ષાનો વિચાર કર એનું રડવાનું અટકતું નથી તારે એનું વિચારી સ્વસ્થ થવાનું છે. એને તારી જરૂર છે”.

વસુધાએ અશ્રુભરી આંખે માં સામે જોયું અને બોલી “માં હું બધું સમજુ છું પણ... હું આંખ ખોલું છું અને મને સામે એ હરામી દેખાય છે એની આંખમાં મારાં માટેની વાસના, નફ્ટટાઇ, ક્રૂરતા દેખાય છે એને જ્યાં સુધી સજા નહીં આપું મને ચેન નહીં પડે.”

“માં હુ શું કરુ ? હું બધુ સમજું છું પણ મારું એ ચિરહરણ અને અપમાન ભૂલી નથી શકતી મને બધાં સમજાવે છે ભૂલી જા.. ભૂલી જા... આવું કેમ ભૂલાય ? એ સમયની એની ગંદી આંખો, અભદ્ર સંવાદ મારી પવિત્રતાને અભડાવી... હું.. માં.. પીતાંબરનાં ગયાં પછી બધુ સંકેલી લીધું હતું. બધું મન આકાંક્ષા અને કામમાં વાળી લીધેલું. મારું શરીર એક હાલતું ચાલતું મારાં પોતાની ઇચ્છાઓને દાબી કામ કરતું પીંજર માત્ર રહેલું.”

“મારી હજી ઉંમર શું છે ? પણ મેં મારી વાસ્તવિક્તા સ્વીકારી છે કોઇ દંભ કે ડોળ નથી કરતી મારાં પ્રારબધમાં જે છે એજ સ્વીકારી આગળ વધી છું.”

“એ શેતાને મારાં કપડાં ઊંચા કર્યા મને નગ્ન કરવા પ્રયત્ન કર્યો એની વાસનાનાં શ્વાસ મારી નજીક હતાં. મારામાં એજ સમયે માં એ પ્રવેશ કર્યો જગદંબાની કૃપાથી મારાં પગમાં એવું જોર આવ્યું. એને લાત મારી દૂર ફેંકી દીધો”. પાર્વતીબેને કહ્યું “વસુ દીકરા હું બધું સમજું છું તારાં સાથમાં સાક્ષાત જગદંબા છે મારાં મહાદેવ તારી સદાય રક્ષા કરશેજ. બસ હવે આગળ વધ તારે જે કરવું હોય એ કર.. જેવો બદલો લેવો હોય તું લે હું તારાં સાથમાં છું.”

વસુધા માંની વાત સાંભળીને એને વળગી ગઇ રડતાં રડતા બોલી “બસ માં મારે એને એવો પાઠ ભણાવવો છે કે કદી કોઇ નીચ પુરુષ કોઇ છોકરીની ઇજ્જત ના લૂંટી શકે ખરાબ નજરે જોઇના શકે.”

ત્યાં ભાનુબહેને કહ્યું “વસુધા તું બહાદુર છે તારે જે કરવું હોય એ કર અમે બધાં તારી સાથે છીએ”. ગુણવંતભાઇએ કહ્યું “દીકરા મારે પોલીસ પટેલ સાથે પણ વાત થઇ છે તને બધાંજ સાથ આપશે અમે બધાંજ ઇચ્છીએ છીએ કે તું પાઠ ભણાવીને સમાજમાં દાખલો બેસાડ જેથી કોઇ લફંગો કોઇ બહેન દીકરીની ઇજ્જત પર હાથ ના નાંખે.”

વસુધાનો ચહેરો હવે સ્વસ્થ થયો એણે આંસુ લૂછ્યાં અને રાજલની સામે જોયું. રાજલ જાણે સમજી ગઇ હોય, એમ બોલી “હવે બધાં ઘરે જાવ વસુધા સ્વસ્થ છે તમારાં બધાની લાગણી તથા આશીર્વાદે બચી ગઇ અને હવે સારુ છે.”

ગુણવંતભાઇ, પુરુષોત્તમભાઇ, સરલા સર્વે એ બધાનો હાથ જોડી આભાર માન્યો. વસુધા બેડ પરથી ઉભી થઇ અને પાછળ વાડામાં જઇને લાલી પાસે ગઇ લાલીને પંપાળી, લાલીએ વસુધાની સામે જોયું. બંન્નેની આંખો મળી.. વસુધા જાણે એની ભાષા સમજતી હતી એને લાલી પાસેથી જાણે બળ મળી રહેલું. એ લાલીનાં કાન પાસે જઇને એનાં કાનમાં કંઇક ગણગણી, લાલી એ તરતજ એનું ડોકું ધુણાવ્યું અને વસુધાનો ગાલ ચાટવા લાગી વસુધાની આંખોનાં જાણે આંસુ લૂછ્યાં.

વસુધા લાલીને વળગી ગઇ. ઘર પાસેથી હવે ગામનાં બધાં વિખરાઇ ગયાં હતાં. વસુધા આકાંક્ષા પાસે ગઇ. એણે રાજલને પોતાની પાસે અંદર બોલાવી અને દિવાળી ફોઇને બહાર જવા કહ્યું. આકાંક્ષા વસુધાને વળગી ગઇ. વસુધાએ રાજલને...

વધુ આવતા અંકે - પ્રકરણ-97