Ambalal Patel books and stories free download online pdf in Gujarati

અંબાલાલ પટેલ

એક તરફ આપણો ભારત દેશ આઝાદ થઈને પોતાની ખુશીઓ મનાવતો હતો આ તરફ અમદાવાદના વિરામગામના રૂદાતલ ગામમાં કે જે હાલમાં દેત્રોજ નામથી ઓળખાય છે એ ગામમાં પહેલી સપ્ટેમ્બર 1947ના રોજ અંબાલાલ પટેલનો જન્મ થાય છે. ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ છોકરો મોટો થઈને આખા ગુજરાતના હવામાન અંગે આગાહી કરશે અને એ સાચી પણ પડશે. ત્યારબાદ અંબાલાલ પટેલે પ્રાથમિક શાળાનું શિક્ષણ ગામમાં જ લીધું અને માધ્યમિક શાળા માટે તેઓ બાજુના ગામમાં બાણતાઈ ગામમાં ભણ્યા. ત્યારબાદ 1970-1971ની સાલમાં તેઓએ અંગ્રેજી મીડિયમ સાથે એગ્રીકલ્ચરનો BSCનો કોર્સ આણંદ ખાતે કર્યો. ત્યારબાદ તેમનું ભણવાનું પુરુ થયું અને નોકરી મળી.

અંબાલાલ પટેલનું નાનપણ

નાનપણની વાત કરતાં અંબાલાલ જણાવે છે કે મે ખેતી કામ કર્યું, પિતાજીને કામમાં મદદ કરી. એમને ભાથું આપવા જતો અને પછી હું શાળાએ જતો. બધા સાથે મજાક મસ્તી કરતા. નદીના પાણીમાં ન્હાવા જતા, તળાવમાં તરવાનો આનંદ પણ લીધો. ગામમાં રમતો રમ્યા. નાનપણથી જ મંદિરે જવું અને ભગવાનના ભજનો કરવા ખુબ ગમતા અને હજુ પણ ગમે છે. પોતાના વાંચ વિશે અંબાલાલ જણાવતા કે દીવો અને ફાનસથી વાંચન કર્યું. એમાં પણ જ્યારે પિતાજીનું સાંજનું કામ પતે પછી ફાનસમાં મારો વારો આવતા અને હું વાંચન કરતો.

અંબાલાલનો પરિવાર

અંબાલાલ પટેલના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પત્નીનું કોરોના કાળમાં અવસાન થઈ ગયું છે. હાલમાં તેમને 3 બાળકો છે. એક દીકરી અને 2 દીકરા. સૌથી મોટો દીકરો રાજેન્દ્ર પટેલ અમેરિકામાં કેન્સર ક્લિનિક ચલાવતો હતો અને સારો ડોકટર છે. તે હાલમાં ધ્રાંગધ્રા ખાતે બાળકોની હોસ્પિટલ ચલાવે છે. બીજા નંબરનો નાનો દીકરો સતીષ પટેલ ઓસ્ટ્રેલિયામાં છે અને ફૂડ બિઝનેસમાં પોતાનું કામ કરી રહ્યો છે અને દીકરી અલ્કા ભરત પટેલ બારડોલી ખાતે નિવૃત પીડિયાટીશન છે. ઘરે જ રહીને સંતાનોના અભ્યાસમાં ધ્યાન આપી રહી છે.

અંબાલાલનું લગ્ન જીવન

આજનો યુગ જોઈએ તો ડેટિંગ, વાતો, છોકરીને જોવી, એના વિશે જાણવું અને પછી નિર્ણય લેવો. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ જણાવે છે કે અમારે એવું કશું જ નહોતું. મારા માતા પિતા છોકરી જોઈ આવ્યા અને નક્કી કરી નાખ્યું. મે સગાઈ કરી ત્યારે મારી થનારી પત્નીને જોઈ પણ નહોતી. ખૂબ લાંબો સમય સુધી મારી સગાઈ રહી. ( અત્યારે તો લાંબા સમય સુધી સગાઈ રહે તો તૂટી જવાના પણ અઢળક કેસ આપણી સામે છે ) આ રીતે જોયા વગર જ છોકરી ગમાડી લીધી અને 1968 આસપાસ અંબાલાલના લગ્ન થયા. ત્યારે લાજ પ્રથા પણ હતી એ પણ મારા લગ્નમાં હતી.

અંબાલાલ જણાવે છે કે મારુ લગ્ન જીવન ખુબ જ સારુ રહ્યું છે. પત્નીનું જીવન એકદમ ભક્તિમય હતું. લાકડા કાપી લાવી એ રોટલા ઘડે અને પરિવારને ખવડાવે. હંમેશા મારી પત્નીએ મને ખુબ સહકાર આપ્યો. મારી નોકરી તો આખા ગુજરાતમાં ફરવાની હતી. એટલે હું તો આખો દિવસ બહાર જ હોઉ રાત્રે 12 વાગ્યા આજુબાજુ આવતો. છોકરાનો ઉછેર અને પરિવારના દરેક સંબંધો પણ મારી પત્નીએ અવ્વલ નંબરે નિભાવ્યા છે. હું જ્યારે 12 વાગ્યે આવું એટલે મને જમાડે અને પછી હું થોડું વાંચન કરું. બાળકોના વિકાસમાં પત્નીનો પુરો હાથ છે. દરેક બાળકો સરકારી શાળામાં ભણીને જ આગળ વધ્યા છે.

જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે મારી પત્નીનું દેહાંત થયું. હું રામાયણ વાચતો હતો અને એ મારી સામે જોયા કરતી હતી. કોઈ દવા કે ઓક્સિજન આપવા વાળું નહોતું. કોરોના હતો કે નહીં એ ખબર નહીં પણ બિમાર પડતાં વેંત જ મારી પત્નીનું અવસાન થયું. મારી સામે જોતા જોતા એમના દેહનો ત્યાગ થયો.

અંબાલાલ પટેલનું અંગત જીવન

પોતાના શોખ અને અંગત જીવન વિશે વાત કરતાં અંબાલાલ પટેલ જણાવે છે કે જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે. ભક્તિનો મને ખૂબ શોખ છે. નરસિંહ મહેતા અને મીરાભાઈના ભજનો, પદો તેમને ખુબ ગમે છે અને તેઓ નિયમિત અભ્યાસ પણ કરે છે. પોતાને ભક્તિભાવથી તરબોળ રાખવામા માનું છું. ગાંધીબાપુ તેમની પ્રેરણા છે. આધ્યાત્મિક જીવન જીવવાનો શોખ છે. શ્રીમદ ભગવત ગીતાનો અભ્યાસ પણ તેઓ કરે છે. વાંચનમાં વેદોનો અભ્યાસ, વિહંગાવલોકન, વૈદિક સાહિત્ય, જ્યોતિષીના પુસ્તકો વગેરે ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ છે. સૌથી મોટી વાત એ છે કે હવામાનના આટલા મોટા નિષ્ણાંત હોવા છતાં તેઓ પોતાને એક સામાન્ય માણસ જ સમજે છે અને ગાંધીનગર ખાતે સાવ સામાન્ય જિંદગી જીવે છે. સાદા મકાનમાં રહેવાનું અને કોઈપણ માણસ આવે એમને માન સન્માન સાથે હોંકારો આપવાનો. તેઓ આજના દિવસે પણ કહે છે કે જે કંઈ છે એ બધું ભગવાનના લીધે છે. ઉપર વારો બધું કરે છે.

અંબાલાલની કાર્ય પ્રણાલી

અંબાલાલ પટેલે નોકરીની શરૂઆત 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે કરી. આખા ગુજરાતમાં ફરવાનું અને ખેડૂતોના બીજનું સુપરવાઈજિંગ કરવાનું. બીજનું ગુણવત્તા શું છે, સારી ગુણવત્તા માટે શું કરી શકાય એની સલાહ પણ ખેડૂત ભાઈઓને અંબાલાલ આપતા. ત્યારબાદ 1986માં અંબાલાલ સેક્ટર-15 ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં આવ્યા. અહીં તેઓ કેમેસ્ટ્રી વિભાગમાં ખાતર ચકાસણીની લેબોટેરટીમાં ફરજ બજાવતા હતા. ત્યારબાદ 1989-1980માં તેઓનું એગ્રી. ઈન્સપેક્ટરમાંથી એગ્રી. ઓફિસર તરીકે પ્રમોશન થયું. એ રીતે હોદ્દા પર રહીને તેમણે સરકારને સેવા આપવાનું શરૂ રાખ્યું. એ પછી 2004-2005ની આજુબાજુ તેઓ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મદદનીશ ખેતી નિમાયક તરીકે જોડાયા. ત્યારબાદ જૈવિક નિયંત્રણ કંટ્રોલ એટલે કે બાયો કન્ટ્રોલ ખાતામાં ફરજ બજાવી અને આખરે 2005માં તેઓ રિટાયર્ડ થઈ ગયા અને હાલમાં ગાંધીનગર ખાતે સેક્ટર 24માં રહીને પોતાનું જીવન જીવી રહ્યાં છે.

અંબાલાલે આ રીતે કરી આગાહીની શરૂઆત

અંબાલાલને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આગાહી કરવાની શરૂઆત કઈ રીતે કરી અને પહેલી આગાહી ક્યારે કરી ત્યારે અંબાલાલ જણાવે છે કે હું જ્યારે બીજ ચકાસણી વિભાગમાં કામ કરતો ત્યારે મારે અલગ અલગ જગ્યાએ આખા ગુજરાતમાં ખેડૂતોને મળવાનું થતું. તો ઘણા ખેડૂતોના પાકમાં ખૂબ જ ખરાબી હોય અને બીજનો ભાવ ન મળતો. ખેડૂતો પણ ચિંતાતુર હોય. એટલે મે સહજ રીતે પૂછ્યું કે ભાઈ તમારા બીજમાં કેમ ગુણવત્તા નથી. ત્યારે ખેડૂતો જવાબ આપતા કે સાહેબ વરસાદનું કંઈ નક્કી નથી રહેતું. જો અમને ખબર હોય કે વરસાદ ક્યારે આવે અને કેવો આવશે તો અમે એ રીતે તૈયારી કરીએ જેથી નુકસાન ઓછું થાય. ગુજરાતના દરેક ગામડામાં આવી જ પરિસ્થિતિ હતી અને જગતનો તાત ચિંતામાં હતો.

દરેક જગ્યાએ દરેક ખેડૂતની આ ચિંતા અંબાલાલ પટેલને ખૂંચી. તેઓ વિચારવા લાગ્યા કે આ કેટલો સાર્વજનિક પ્રોમ્લેબ છે. માટે તેઓ જપી ન શક્યા અને એમણે મનોમન વિચાર કર્યો કે મારે કંઈક કરવું છે. અંબાલાલે વિચાર્યું કે વરસાદ પણ કંઈક તો સંશોધન કરવું જોઈએ કે જેથી ખેડૂતોને રાહત રહે. પછી અંબાલાલ જ્યાં જ્યાં જાય ત્યાંથી જ્યોતિષની બૂકો લાવે અને વાંચે. એસ.ટી. ડિપોમાંથી પણ બૂકો લીધી. અંબાલાલને જ્યાં જ્યાં એવું લાગ્યું કે આ બૂક મને ઉપયોગમાં આવી શકે એ બધી જ બૂકો લીધી અને ઉંડો અભ્યાસ શરૂ કર્યો. એ રીતે અંબાલાલ બધું જોવા અને જાણવા લાગ્યા. ગ્રહો, નક્ષત્રો અને બૂક... બધું જે જરૂરી લાગ્યું એનો તમામનો અભ્યાસ કર્યો અને પછી 1980માં પહેલી વરસાદની આગાહી કરી અને સાચી પડી. ત્યારબાદ અંબાલાલ આગાહી કરવા લાગ્યા.

જ્યારે 1980મા શરૂઆત કરી અને વરસાદની આગાહીઓ સાચી પડવા લાગી ત્યારબાદ અંબાલાલનું નામ પણ ધીરે ધીરે લોકોના હોઠ પર રમવા લાગ્યું. જો કે આજે તો કોઈ એવું નહીં હોય જે અંબાલાલને ન ઓળખતું હોય. ત્યારબાદ અંબાલાલ ધીરે ધીરે ન્યૂઝ પેપરમાં પણ પોતાની આગાહીઓ લખતા થયા. અલગ અલગ 15 ન્યૂઝ પેપરમાં તેમની આગાહીઓ છપાતી. જેમાં સંદેશનું બપોરનું આવતું સેવક પેપર જનસત્તા પેપર, ગુજરાત સમાચાર પેપર, પ્રભાત, જયહિંદ, અંગેજી પેપર... વગેરે જેવા અલગ અલગ 15 ન્યૂઝ પેપરમાં ગુજરાતીઓ અંબાલાલ પટેલની આગાહીઓ વાંચતા હતા. ત્યારબાદ અંબાલાલ પટેલે ઠંડી અને ગરમી વિશે પણ આગાહી કરવાનું શરૂ કર્યું અને 5 વર્ષ બાદ એટલે કે 1985થી અંબાલાલે વરસાદની સાથે સાથે ગરમી અને ઠંડીની આગાહીઓ કરવાનું પણ શરૂ કર્યું. 1980થી લઈને 2023 સુધી હજુ અંબાલાલની આગાહીઓ થતી આવી છે અને સાચી પણ પડતી આવી છે. અંબાલાલ કહે છે કે હજુ મારી અમુક આગાહીઓ ખોટી પડે છે જેના કારણે મારે વધારે અભ્યાસ કરવાની જરૂર છે અને હું કરતો પણ રહું છું.

સરકાર પણ અંબાલાલ પટેલને ઘણી વખત આગાહી કરવા બોલાવતા, ન્યૂઝ ચેનલો વાળા પણ હાલમાં અંબાલાલ પટેલને આગાહી અંગે વારંવાર બાઈટ લેવા માટે પડાપડી કરતાં હોય છે. જ્યારે નોકરી શરૂ હતી ત્યારે અંબાલાલ પટેલે અનેક વખત સરકાર વતી આગાહી કરેલી છે. બિન અધિકૃત તરીકે અંબાલાલે સરકારમાં ખુબ આગાહી કરી અને સેવા આપી છે. જ્યારે અમે સવાલ કર્યો કે જો હાલમાં સરકાર તમને હવામાન શાસ્ત્રી તરીકે નોકરી પર રાખે અથવા ઓફર કરે તો તમે જાઓ ખરા? ત્યારે અંબાલાલ કહે છે કે ના મારી કોઈ ઈચ્છા નથી અને હું જઈ શકું એવી હાલતમાં પણ નથી એ સરકાર પણ જાણે છે.

શું જોઈને અંબાલાલ પટેલ આગાહી કરે?

હાલમાં લોકોને અંબાલાલ પટેલની આગાહી પર પુરો ભસોરો છે અને અંબાલાલની આગાહીઓ સાચી પણ પડે છે. ત્યારે સામાન્ય રીતે એવો સવાલ થાય કે અંબાલાલ કયા કયા ફેક્ટરો જોઈને આગાહી કરતા હશે, શું એમની પાસે કોઈ એવા સાધન છે કે જેમાં બતાવતું હશે ક્યારે કેટલો વરસાદ પડે. તો જ્યારે અમે આ વિશે અંબાલાલ પટેલને પૂછ્યું ત્યારે જણાવ્યું કે હું પંચાગ, ગ્રહો, નક્ષત્રો જોઈને આગાહી કરું છું. ક્યારેક ક્યારેક છાસવારે સેટેલાઈટમાં વિહંગાવકોન પણ જોઈ લઉ છું. પરંતુ મેઈન વસ્તુ છે પાંચાંગ, ગ્રહો અને નક્ષત્રો.

અંબાલાલ જણાવે છે કે શિયાળામાં જ ખબર પડી જાય કે વરસાદ કેવો પડશે. કારણ કે શિયાળામાં વરસાદનો ગર્ભ બંધાઈ જતો હોય છે. જ્યારથી ગર્ભ બંધાઈ ત્યાર પછી 195 દિવસે એટલે કે સાડા 6 મહિના બાદ વરસાદ થતો હોય છે. શિયાળામાં હવામાન કેવું રહે છે એના પરથી ચોમાસાના વરસાદનો અંદાજો લગાવી શકાય છે. એ જ રીતે ઉનાળામાં કેવી ગરમી પડે એનું પણ અવલોકન કરવામાં આવે છે. ઉનાળાના પવનો, હોળીમાં કેવો પવન રહે છે, વસંત સંપાદમાં કેવું વાતાવરણ રહે છે, ત્યારબાદ અલગ અલગ પવનચક્રો પણ જોવા પડે જેના પરથી મેઘરાજા કેવા ખાબકશે એ નક્કી થતું હોય છે.

આગળ વાત કરતાં અંબાલાલ જણાવે છે કે અખાત્રીજનો પવન, ચૈત્ર મહિનામાં કેવી ગરમી રહે એ પણ જોવું પડે. ઘણીવાર ચૈત્ર મહિનામાં વરસાદના ગર્ભનો વિલય થઈ જતો હોય છે એટલે કે ગર્ભ તુટી જતો હોય છે. જો એ ગર્ભ વિલય પામે તો પણ વરસાદને અસર કરે. એ જ રીતે જેઠ મહિનામાં ભડ પણ ના ગાજવું જોઈએ નહીંતર વરસાદ ઓછો થાય. જેઠ મહિનામાં શરૂઆતમાં પણ વરસાદ ન થવો જોઈએ. ત્યારબાદ અષાઠી મહિનાનો પવન, પૂનમનો હાંડો અને અને આઠમનો બાંડો એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.

અંબાલાલ જણાવે છે કે ગ્રહોમાં પણ ધ્યાન રાખવામાં આવે છે. ગ્રહોને લઈ આગાહી કરતી વખતે 3 નળી જોવામાં આવે છે. જળદાયક નળી, પવનવાહક નળી અને દહન નળી. આ સાથે જ સપ્તનળી ચક્ર હોય એને પણ ધ્યાને લેવામાં આવે અને અન્ય અનુભવો પરથી વરસાદની આગાહી કરવામાં આવે છે. સુર્ય ચંદ્રના નક્ષત્રો પણ એટલા જ ઉપયોગી બનતા હોય છે. હાથીઓ પાછળથી ગાજે તો સમજવાનું વાતાવરણ સારુ રહેશે. પવનવાહક નળીમાં દરિયાકાંઠે કેવો પવન વાશે એ જોવામાં આવે અને વરસાદનું અનુમાન લગાવી શકાય છે. સાથે જ પવનવાહક ગ્રહો જોવાના તેમજ જળદાયક ગ્રહો જોવાના.

ગુજરાતીઓ મહિના વિશે જણાવતા અંબાલાલ પટેલ કહે છે કે શિયાળામાં કારતક સુદ બારસના દિવસે આકાશ રક્તવર્ણનું રહેવું જોઈએ.
માગશર સુદ બીજે ચંદ્ર પૂર્વ સાધા નક્ષત્રમાં રહેવો જોઈએ. જ્યારે ચંદ્ર એ નક્ષત્રમાં આવે ત્યારથી વરસાદની આગાહી કરી શકાય.
માગશરમાં સહેજ ગરમી પડવી જોઈએ. માગશર અને મહામાં વાદળો રહેવા જોઈએ.
પોષ મહિનામાં હિમ રહેવું જોઈએ એટલે કે ઠંડી પડવી જોઈએ.
મહા મહિનામાં વાદળો રહેવા જોઈએ.
ફાગણ મહિનામાં પવન ચાલવો જોઈએ.
વૈશાખ મહિનામાં આંધી વંટોળ થવું જોઈએ.
આ સાથે જ 10 ગર્ભ પ્રમાણ પણ જોવામાં આવે છે, જેમ કે વાદળ, વિજ, થોડોક વરસાદ પડવો જોઈએ, સુર્ય અને ચંદ્રનો પરિવેશ, હિમ પડવું, શિયાળામા મેઘધનુષ દેખાવું, જો આ 10 લક્ષણો બરાબર હોય તો વરસાદનો ગર્ભ બરાબર રહ્યો એવું કહી શકાય અને વરસાદ સારો પડશે એવું અનુમાન લગાવી શકાય. જો શિયાળામાં વધારે વરસાદ થાય તો ગર્ભ તૂટી જાય. એ જોવાના પણ ઘણા માપ હોય જેવા કે આધક અને દોણ.

પુસ્તકો વિશે વાત કરતાં અંબાલાલ જણાવે છે કે હું ઘણા પુસ્તકોનો પણ રેફરન્સ લઈને આગાહી કરું છું. જેમાં વારાહી સંહિતા, યાને બૃહત સંહિતા, ભદ્ર બાહુ સંહિતા, મેઘ મહોદય, ભદલી વાક્યો, મેઘ માલા... વગેરે બૂકનો અભ્યાસ કરીને પણ વરસાદની આગાહી કરું છું એમાં ખાસ કરીને યાને બૃહત સંહિતા અને ભદ્ર બાહુ સંહિતા પુસ્તકનો વધારો ઉપયોગ કરું છું. સાથે જ વરસાદના વરતારાના અન્ય અનુભવો પણ મને કામ લાગે છે. ટૂંકમાં દરરોજની ઘટનાને ધ્યાનમાં રાખીને, દરરોજના વાતાવરણને ધ્યાનમાં રાખીને કોઈપણ આગાહી કરતો હોઉ છું.

અંબાલાલ પટેલની સોનેરી સિદ્ધિઓ

આમ તો અંબાલાલ પટેલની આગાહી અને મળતો પ્રેમ જ એમની ખરી સિદ્ધિ છે. સાથે સાથે 2003માં અંબાલાલને UNO એવોર્ડ મળેલો છે. રોટલી ક્લબ તરફથી અનેક સન્માન મળેલા છે. ગુજરાતની વિવિધ સંસ્થા દ્વારા પણ સન્માન મળેલા છે. ગુજરાતના અનેક જિલ્લામાં લેક્ચર આપવા ગયા છે અને અનેક હોલમાં સન્માનિત થયા છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED