The mystery of the car accident books and stories free download online pdf in Gujarati

કાર અકસ્માતનું રહસ્ય

કાર અકસ્માતનું રહસ્ય

-રાકેશ ઠક્કર

ગુજરાતના સાપુતારા જતા ઘાટ ઉપર વાહનોની અવરજવર સતત ચાલુ હતી. સાંજ પડતી ગઇ એમ અવરજવર પાંખી થતી ગઇ અને પર્વતોએ રાતની કાળી ચાદર ઓઢી લીધા પછી એકલદોકલ બસ અને કાર આવવા-જવા લાગી હતી. ટ્રક અને ટેમ્પો જેવા કમર્શિયલ વાહનોની સંખ્યા એનાથી થોડી વધુ હતી. રાત્રે પર્વતના ટેકરા- ઢોળાવવાળા રસ્તાઓ પર જોખમ વધુ રહેતું હતું.

પ્રવાસીઓ વહેલી સવારથી સાંજ સુધીના સમયમાં એ વિસ્તારમાંથી પસાર થવાનું પસંદ કરતા હતા. જ્યારે વ્યવસાયિક વાહનો માટે રાત્રિનો સમય વધુ અનુકૂળ રહેતો હતો. રાત્રે હોંશિયાર ડ્રાઇવરો જ સાહસ કરતા હતા. આ વિસ્તારમાં કુદરતી વાતાવરણ તન-મનને પ્રફુલ્લિત કરી દે એવું રહેતું હતું. પરંતુ રાતનું સ્વરૂપ વધારે રોદ્ર લાગતું હતું. એક તો સૂમસામ અને સાપ જેવા વર્તુળાકાર રસ્તાઓ હતા અને બીજું ભૂત-પ્રેતનો ડર પણ ફેલાયેલો હતો.

આજની રાત પણ રોજ હોય છે એવી જ હતી. પ્રવાસીઓના વાહનો દેખાતા ન હતા. ત્યારે સાપુતારા તરફ એક કાર ધીમી ગતિએ જઇ રહી હતી. એમાં એક સ્ત્રી અને એક પુરુષ મુસાફરી કરી રહ્યા હતા. બંને જે રીતે વાતો કરતા હતા એ પરથી પતિ-પત્ની જ લાગતા હતા. કદાચ પ્રેમી –પ્રેમિકા પણ હોય શકે.

સ્ત્રીએ પુરુષના ખભા પાછળ પોતાનો હાથ મૂકી રાખ્યો હતો અને બોલતી હતી:'આજનું અખબાર વાંચ્યું છે ને?'

પુરુષ બેફિકરાઇથી બોલ્યો:'કેમ? કોઇ ભવિષ્યવાણી થયેલી છે?'

સ્ત્રી હસીને બોલી:'ના, કેટલાક લોકો આ રસ્તા પર ભૂતકાળ બનીને રહી ગયા છે. સમાચાર છે કે ચાર દિવસ પહેલાં એક કારને અકસ્માત થયો હતો અને એમાં બેઠેલા ત્રણ જણ ગાયબ છે. સાથે એવો ભય વ્યક્ત થયો છે કે એ વિસ્તારમાં અગાઉ પણ આવા જ અકસ્માતો થયા હતા અને દરેક વખતે એમાં મુસાફરી કરતા માણસો ગૂમ થઇ ગયા હતા. જેનો આજ સુધી પત્તો લાગ્યો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ભૂત-પ્રેતનો વાસ છે અને એ લોકોને ગાયબ કરી દે છે...હવે લોકો સાવધ થઇ ગયા છે અને રાત્રે ત્યાંથી જવાનું ટાળવા લાગ્યા છે.'

પુરુષ પણ હસીને બોલ્યો:'અખબારમાં તો બધું આવ્યા જ કરે છે. વાહન ચલાવતાં ના આવડે તો અકસ્માત જ થાય ને? અને આ નીચે જોને? કેટલી ઊંડી ખીણ છે. માણસ એમાં ગબડે પછી ક્યાંથી પાછો આવે? પડ્યા પછી એકાદ હાડકું પણ સાબૂત ના રહે. એને કોઇ નીચે શોધવા જઇ શકે એમ છે? અને નીચે પડે એનું શરીર બચે પણ ખરું? આત્મા જ બચે ને? આપણે તો માજબૂર છીએ. કામ જ ખોટું કરવાના હોય એટલે રાતના અંધારામાં જ નીકળવું પડે ને?'

સ્ત્રી-પુરુષની વાતો સાથે કાર ધીમી ગતિએ આગળ વધી રહી હતી.

અચાનક એક જગ્યાએ કારને બ્રેક મારીને પુરુષ બોલ્યો:'આ ટ્રકવાળા બહુ ખરાબ લાઇટ મારે છે. પછી અકસ્માત થાય જ ને?'

'હા, આપણો તો કાયમનો અનુભવ છે. છતાં ધ્યાન રાખવું પડે છે...' સ્ત્રી આસપાસમાં નજર નાખતી બોલી.

'તને શું લાગે છે? ખરેખર આ વિસ્તારમાં ભૂત-પ્રેત ફરતા હશે? અખબારમાં એવું તો લખ્યું નથી ને કે કોઇને ભૂત ભટકાયું હતું?' પુરુષે કંઇક યાદ આવતાં પૂછ્યું.

'ના, અકસ્માત પછી કોઇ બચ્યું હોય કે પાછું ઘરે ગયું હોય તો ખબર પડે ને?' બોલીને સ્ત્રીએ કારનું ટેપ ચાલુ કર્યું. એમાં ગીત વાગવા લાગ્યું:'આયેગા આયેગા આયેગા, આયેગા આનેવાલા...'

'તને ડર લાગતો નથી?' પુરુષે સામે જ નજર રાખીને કાર ચલાવતાં પૂછ્યું.

'ના...' કહી સ્ત્રીએ પણ લતા મંગેશકરના અવાજ સાથે ગીત ગાવાનું શરૂ કર્યું.

અચાનક પુરુષે દૂર કંઇક જોયું અને બોલી ઊઠ્યો:'કોઇ હાથ બતાવે છે. મુસીબતમાં છે કે શું?'

'લાગે છે કે એની કારને અકસ્માત થયો છે...' સ્ત્રીએ ડોક આગળ લઇને જોતાં કહ્યું.

'આ તો ખરેખર કોઇ આવી ગયું...' બબડતા પુરુષે કારને અટકાવી દીધા પછી સ્ત્રી સામે સવાલિયા નજરે જોયું... શું કરીએ? સ્ત્રીએ સંમતિ સૂચક ડોક હલાવી.

કારને અટકેલી જોઇ એક મોટી ફાંદવાળો માણસ દોડતો નજીક આવ્યો. કારમાં પતિ-પત્ની જેવા સ્ત્રી-પુરુષને જોઇને જાણે એને રાહત થઇ હોય અને હિંમત આવી હોય એમ સ્ત્રી તરફના દરવાજાનો કાચ ખખડાવી કંઇક કહેવા માગતો હોય એવો ઇશારો કર્યો.

સ્ત્રીએ કાચ ખોલતા પહેલાં પુરુષ સામે જોયું. એણે હસીને સંમતિ આપતા કહ્યું:'બહુ મુશ્કેલીમાં લાગે છે. એની બોડી પરથી જ લાગે છે કે શરીફ છે!'

સ્ત્રીએ કાચ ખોલ્યો કે તરત જ એ માણસે મુશ્કેલીથી શરીરને વાળીને ઝૂક્યા પછી પૂછ્યું:'મદદ કરશો? મારી કાર ઝાડ સાથે અથડાઇ ગઇ છે. સાપુતારા સુધી લિફ્ટ આપશો?'

'તમે કોણ છો?' પુરુષે કડક અવાજે પૂછ્યું.

એ જાડિયા માણસે પાકિટમાંથી પોતાનું વિઝિટીંગ કાર્ડ કાઢીને ધરતાં કહ્યું:'હું લાલચંદ છું... લાકડાનો વેપારી છું.'

પુરુષે 'ઓકે બેસી જાવ' કહ્યું અને સ્ત્રીને ધીમા અવાજે પૂછ્યું:'આ ભૂત તો નહીં હોય ને? એના વજનથી આપણી કાર ગબડી નહીં જાય ને?' સ્ત્રીએ એને ટપલી મારી ચૂપ રહેવા કહ્યું.

લાલચંદ જાણે ભગવાન મદદે આવ્યા હોય એમ ઝડપથી અંદર બેસી ગયો.

પુરુષે કારને આગળ વધારી અને કોઇ શંકા હોય એમ પૂછ્યું:'તમે આટલી રાત્રે કેમ નીકળ્યા છો?'

લાલચંદ કહે:'અમારી લાકડા ભરેલી એક ટ્રક સાપુતારામાં પકડાઇ છે. એને છોડાવવા નીકળવું પડ્યું છે. કાર આમ તો હું બરાબર ચલાવું છું પણ ખબર નહીં કેમ જરાક કાબૂ ગુમાવ્યો અને ઝાડ સાથે અથડાઇ ગઇ... તમે કોણ છો?'

'હું અક્ષયકુમાર અને આ કૃતિ સેનન છે...' પુરુષ ગંભીર થઇને બોલ્યો.

'સારી મજાક કરી લો છો...' કહી લાલચંદ મોટેથી હસી પડ્યો. પછી બોલ્યો:'સોરી! તમે તમારી ઓળખ આપવા માગતા નથી એ સમજી ગયો. તમારો આભાર કે મને લિફ્ટ આપી. હું જલદી ઉપર પહોંચી શકીશ. આ ટ્રક- ટેમ્પોવાળા તો ઊભા જ રહેતા નથી. તમે મદદ કરીને મોટું અહેસાન કર્યું છે. દાન કરનારાની જેમ મદદ કરીને તમારું નામ પણ ગુપ્ત રાખવા માગો છો... સારી વાત છે.'

'હા.' કહી પુરુષે ટૂંકમાં પતાવ્યું.

લાલચંદે કારમાં નજર દોડાવી. એક મધ્યમવર્ગીય માણસની હોય એવી કાર હતી. આગળ એક પાણીની બોટલ હતી અને એની બાજુમાં સ્ટ્રોનું પેકેટ હતું. એની નીચે એક પુસ્તક જેવું લાગ્યું. પણ સ્ટ્રોનું આખું પેકેટ જોઇ નવાઇ લાગી અને પૂછાઇ ગયું:'આ આટલી બધી સ્ટ્રો? કોઇ ધંધો કરો છો? સેમ્પલ છે?'

'ના-ના, અમને પાણી ગ્લાસથી કે બોટલથી પીવાની ટેવ નથી. સ્વચ્છતા જાળવવા સ્ટ્રોથી જ પીએ છીએ...' સ્ત્રીએ ખુલાસો કર્યો.

લાલચંદને થયું કે વિચિત્ર લોકો છે. ત્યારે સ્ત્રી અને પુરુષ મનમાં વિચારી રહ્યા કે વિચિત્ર માણસ છે. બહુ પંચાત કરે છે. શાંતિથી બેસી રહેતો નથી.

કાર થોડી આગળ વધી અને એક પછી એક ત્રણ જોખમી વળાંક આવ્યા. લાલચંદે ડરીને કહ્યું:'સાચવીને... આ વળાંક બહુ ખરાબ છે...' પછી એક કારને રોડના કિનારે અકસ્માત થયેલી જોઇને ગભરાઇને બોલ્યા:'આ બીજો અકસ્માત થયો છે કે શું? પણ કોઇ દેખાતું નથી...'

'દિવસે અકસ્માત થયો હશે...' કહી પુરુષે એની નજીક પોતાની કારને અટકાવી.

સ્ત્રીએ પૂછ્યું:'કેમ ઊભી રાખી? આપણી કારમાં હવે જગ્યા નથી કે કોઇને મદદ કરી શકીએ...'

'જરા જોવા દે...' પુરુષે કુતૂહલ વ્યક્ત કર્યું.

'આટલી રાત્રે અહીં ઊભા રહેવામાં જોખમ છે. કહે છે કે આત્માઓ ફરે છે. જ્યાં પણ વસ્તી ઓછી હોય અને જંગલ વિસ્તાર વધુ હોય ત્યાં ભૂત-પ્રેતના ડેરા હોય છે. બહુ સાચવીને ચલાવજો...'

પુરુષે એની વાતોને અવગણતાં કહ્યું:'આ કાર ક્યાંક જોઇ હોય એમ લાગે છે....'

'હા... આજે અખબારમાં જે કારના અકસ્માતની તસવીર હતી એ જ લાગે છે. અથવા એ જ હોય શકે છે...' સ્ત્રીએ અનુમાન કરતાં કહ્યું.

'અકસ્માતના સમાચાર? આવા અકસ્માતો તો રોજ થતા હોય છે. એમાં સમાચાર આપીને અખબારો પાનાં જ ભરે છે...' લાલચંદ અખબારોને ભાંડતાં બોલ્યા.

પુરુષે કારને આગળ વધારતાં કહ્યું:'સમાચાર એટલે આવ્યા હતા કે આવા અકસ્માતો વધારે બની રહ્યા છે અને એમાં જે મુસાફરી કરતા હતા એ ગાયબ થયા હતા...'

'હા...હા...હા... હું નસીબદાર કહેવાઉં ને? મારી કારને અકસ્માત થયા પછી પણ હું બચી ગયો છું. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે...હા....હા...હા...' વારંવાર આભાર માન્યા પછી પણ લાલચંદની જીભ જાણે સુકાતી ન હતી. તે ખુશીથી હસવા લાગ્યો હતો.

સ્ત્રી અને પુરુષ એના હાસ્યથી ચોંકી ગયા હતા. પુરુષે ડોક પાછળ ફેરવી લાલચંદનો ચહેરો સહેજ નીરખી કહ્યું:'ભાઇ, આમ આભાર માનીને અમને શરમમાં ના મુકશો. અમે તો અમારી ફરજ બજાવી છે. અમે ઘણી વખત ઘણા લોકોને આવી રીતે લિફ્ટ આપી છે. અમારા માટે આ કંઇ નવું નથી. પણ તમે હવે હસશો નહીં...'

પુરુષને વાત પરથી લાગતું હતું કે એમણે લાલચંદને લિફ્ટ આપીને ભૂલ કરી છે. સ્ત્રીએ પુરુષને ઇશારાથી કંઇક પૂછ્યું પણ ખરું.

'હા, મારું હસવાનું ગંદું છે...બહેન ડરી ગયા નથી ને?' લાલચંદે દિલગીરી વ્યક્ત કરતાં પૂછ્યું.

'ના, પણ તમે ખરેખર માણસ જ છો ને?' સ્ત્રીએ શંકા અને ડર વ્યક્ત કરતાં પૂછ્યું.

'કેમ? હું તમને ભૂત લાગું છું?...હં...' બોલીને લાલચંદ હસવા ગયો પણ અટકી ગયો.

પુરુષે અચાનક કારને બ્રેક મારી અને રોડની બાજુમાં ઊભી રાખી. સ્ત્રીએ પાછળ મોં કરીને લાલચંદ પર નજર નાખી. જાણે કંઇક ચકાસતી હોય એમ લાગ્યું.

લાલચંદ બોલ્યો:'મને માફ કરી દો... મને ઉતારશો નહીં. હવે હું એક શબ્દ નહીં બોલું....'

'બોલવાનું જ નહીં જોવાનું પણ બંધ કરી દો. નહીંતર અહીં જ ઉતારી દઇશું...' પુરુષે સખત અવાજે આદેશ કરતાં કહ્યું. તેના અવાજમાં છુપો ડર હતો.

'ના, નહીં બોલું. વિશ્વાસ રાખો...' કહી લાલચંદે મોટી ફાંદ પર જેમતેમ ડાબા હાથની અદબ વાળી મોં પર આંગળી મૂકી નાના છોકરાની જેમ કહ્યું અને એકદમ ચૂપ થઇ ગયો.

'મોં સાથે આંખો પણ બંધ કરી દો. સાપુતારા આવશે એટલે અમે તમને કહીશું. આમપણ ચારે તરફ અંધકાર છે. કંઇ જોવા જેવું નથી. તમે કંઇક જોશો એટલે બોલવાનું કે પૂછવાનું મન થશે...' પુરુષ ફરી આદેશાત્મક સ્વરે બોલ્યો.

લાલચંદે વધારે દલીલ કર્યા વગર મોં પરથી આંગળી લઇ શરીરને પાછળ અઢેલીને ફેલાવી દીધું અને આંખો બંધ કરી બે હાથના ઇશારાથી પોતે હુકમનું પાલન કર્યું છે એવો ઇશારો કર્યો.

પુરુષે કાર ઉપાડી. બે મિનિટ સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. અચાનક લાલચંદને થયું કે કાર બહુ સીધી જઇ રહી છે. એણે અનુભવ્યું કે કોઇ વળાંક આવતા લાગતા નથી. આમ કેવી રીતે બની શકે? પણ આંખ ખોલવાની હિંમત થતી ન હતી. અચાનક કારનું એન્જીન બંધ પડી ગયું હોવાનું લાગ્યું. જરા પણ આંચકા આવતા ન હતા. કાર ઊભી રહી ગઇ કે શું?

લાલચંદે જોખમ લઇને સહેજ આંખ ખોલીને જોયું તો આગળ ગાઢ ધુમ્મસ હતું. કંઇ જ દેખાતું ન હતું. કારની લાઇટ પણ ચાલતી ન હતી. તે ગભરાયો. તેનું ભરેખમ શરીર ધ્રૂજવા લાગ્યું. તેણે બાજુના કાચમાં જોયું તો નીચે ઊંડી ખીણ લાગી. કાર રસ્તા પર ચાલી રહી હોય એમ લાગતું જ ન હતું. તેને એવો ખ્યાલ આવવા લાગ્યો કે કાર હવામાં ઊડી રહી છે. તેણે ચીસ પાડવા જેવા અવાજે પૂછ્યું:'આપણે કયા રસ્તે જઇ રહ્યા છે? ક્યાં જઇ રહ્યા છે?'

સ્ત્રી અને પુરુષે એકસાથે પોતાના ડોકા એની તરફ ફેરવ્યા. એમના ચહેરાના સ્થાન પર ખોપરીઓ જોઇ લાલચંદના ગાત્રો શિથિલ થઇ ગયા. તેની બોલતી બંધ થઇ ગઇ હતી અને આંખો ફાટી ગઇ હતી. તેને ખ્યાલ આવી ગયો કે બંને માનવીઓ નહીં પણ ભૂત છે. એમણે પોતાની જ વાતો મને કહી પણ ખબર સુધ્ધાં ના પડવા દીધી. તે કંઇ કરવા જાય એ પહેલાં જ પુરુષે એના ગળાને હાથથી ભીંસી નાખ્યું અને પ્રાણ હરી લીધા.

'હા...હા....હા...' આજે તો બહુ મોટો શિકાર મળ્યો છે. બે અઠવાડિયા સુધી નવો શોધવો પડશે નહીં અને અખબારોમાં થોડા સમય માટે અકસ્માત પછી ગૂમ થતા માણસોના સમાચાર આવશે નહીં..હા...હા...હા..' પુરુષે ખુશી વ્યક્ત કરી.

'હા, આપણે પ્રવાસી બનીને પ્રવાસીઓને ફસાવીને આપણી લોહીની પ્યાસ બુઝાવી રહ્યા છે. નક્કી આપણે ભૂત બનતાં પહેલાં નાટક કે ફિલ્મમાં કામ કરતા હોઇશું! કોઇ આપણા વિશે જાણી શકવાનું નથી...ઘાટીમાં થતા કારના અકસ્માતનું રહસ્ય કોઇ ઉકેલી શકશે નહીં...' સ્ત્રી ખુશીથી ચિચિયારીઓ પાડવા લાગી.

'લાલચંદને કલ્પના નહીં હોય કે એની કારને આપણે જ અથડાવી દીધી હતી. રસ્તામાં જે કાર આપણે બતાવી એ ખરેખર ચાર દિવસ પહેલાં આપણો શિકાર થયેલા માણસોની હતી એનો એને મરતા પહેલાં જરૂર ખ્યાલ આવી ગયો હશે. હા...હા...હા...'

અને જયાફત માણવા બંનેએ લાલચંદના શરીરને ઘડીના છઠ્ઠા ભાગમાં ચીરી નાખ્યું. પછી સ્ટ્રો લઇને લિજ્જતથી લોહી પીવા લાગ્યા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED