પ્રારંભ પ્રકરણ 19
સુધામાસીને આવેલી સુગંધની વાતથી કેતન સવારથી જ વિચારમાં પડી ગયો હતો. આખા ય બંગલામાં આટલી અદભુત સુગંધ સુધામાસીને કેવી રીતે આવી ? અને એ પણ સવારે ૭:૩૦ વાગે જ જ્યારે એને તંદ્રાવસ્થામાં ટ્રેઈનમાં સુરેન્દ્રનગર સ્ટેશને સાધુ સંતોનાં દર્શન થયાં અને એને ખાલી કમંડળમાંથી ગાંઠીયા જલેબીનો પ્રસાદ કાઢીને આપ્યો !
શું આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ પરસ્પર સંબંધ હશે ?
શું આ ગાયત્રી મંત્રનો પ્રભાવ હશે કે પછી ચેતન સ્વામી કે પરમ ગુરુ સ્વામી અભેદાનંદજીએ આજે સવારે મારા આ બંગલામાં હાજરી આપી હશે ? આટલી બધી દિવ્ય સુગંધ એમના સિવાય કોઈની ના હોઈ શકે !!
જામનગર આવ્યા પછી કેતનના જીવનમાં આ પ્રથમ ચમત્કાર હતો ! જ્યારે આવા આવા દિવ્ય અનુભવ થતા ત્યારે કેતન અદભુત ઊર્જાનો અનુભવ કરતો. એક અવર્ણનીય આનંદ એના દિલોદિમાગ ઉપર છવાઈ જતો !
કેતનને જામનગર આવ્યાને એક મહિના જેટલો બીજો સમય પસાર થઈ ગયો. રથયાત્રાના પવિત્ર દિવસે સિદ્ધાર્થભાઈની મુંબઈની દલાલ સ્ટ્રીટમાં આવેલી સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગની ઓફિસનું ઉદ્ઘાટન પણ થઈ ગયું.
આ પ્રસંગે કેતને મુંબઈ જઈને ખાસ હાજરી આપી હતી અને ભાઈની પ્રગતિ માટે ગુરુજીને પણ પ્રાર્થના કરી હતી. સુરતના કેટલાક વીઆઈપી મહેમાનોએ પણ ઉદ્ઘાટનમાં પોતાની હાજરી પુરાવી હતી અને સિદ્ધાર્થને શુભેચ્છાઓ આપી હતી !
સિદ્ધાર્થ પોતાની પત્ની રેવતી સાથે મુંબઈ ગયો હતો એટલે શરૂઆતમાં એને સેટ કરવા માટે જગદીશભાઈ અને જયાબેન પણ થોડા દિવસો માટે મુંબઈ ગયાં હતાં. પારલે ઈસ્ટની નહેરુ રોડ ઉપરની ગુજરાત સોસાયટીમાં હાલ પૂરતો એક મોટો ફ્લેટ ભાડે રાખ્યો હતો. બહુ જૂની સ્કીમ હતી એટલે જગ્યા પણ વિશાળ હતી. કેતનને પણ આ ફ્લેટ સારો લાગ્યો હતો.
મુંબઈની હવા જ કંઈક જુદી હતી. કેતન જ્યારે જ્યારે પણ અહીં આવતો ત્યારે એની મહત્વકાંક્ષાઓ જાગી ઉઠતી. આકાશને આંબવાની ઈચ્છા થતી ! કરોડો રૂપિયા અહીં જ બનાવી શકાય એવા વિચારો પણ એને આવી જતા. જ્યારે જામનગરની ભૂમિ પ્રમાણમાં થોડી સુષુપ્ત હતી !
બે દિવસ રોકાઈને કેતન જામનગર પાછો આવી ગયો હતો. એક મહિના જેટલો સમય પસાર થઈ ગયો હતો છતાં પણ હવે ભાવિ માં આગળ શું કરવું છે એની કોઈ રૂપરેખા કેતનના મનમાં તૈયાર થતી ન હતી.
ધરમશીભાઈ ઉત્સાહમાં દોડી રહ્યા હતા અને નવા પ્લોટમાં જમના સાગર બંગ્લોઝ ની સ્કીમ માટે બધી પરમિશન તેમણે લઈ લીધી હતી. જો કે હવે ચોમાસુ ચાલુ થઈ ગયું હોવાથી કન્સ્ટ્રક્શનનું કામ જોઈ વિચારીને કોરા દિવસોમાં કરવાનું હતું.
ધરમશીભાઈએ પોતાના આ નવા પ્રોજેક્ટ માટે બંગલાની ડિઝાઇનનું કામ કેતનની સૂચના પ્રમાણે જાણીતા આર્કિટેક્ટ દોશી સાહેબને સોંપ્યું હતું. કેતને દોશી સાહેબ સાથે બેસીને પોતાના માયાવી બંગલાની આખી ડિઝાઇન દોરીને બતાવી હતી અને એ જ ડિઝાઇન ઉપર તમામ બંગલાની સ્કીમ બનાવવાની એમને સૂચના પણ આપી હતી !
કેતનને ઓફિસનું પઝેશન પણ હજુ મળ્યું ન હતું. ફર્નિચર સાથે તૈયાર થતાં બીજા બે એક મહિનાનો સમય લાગે તેમ હતો. ઘરે બેસીને સમય પણ પસાર થતો ન હતો.
"કેતનભાઇ ધંધાનું કંઈક હવે વિચારો. ઘરે બેસી બેસીને કંટાળી ગયો છું. ઓફિસનું પજેશન મળે તો આપણી સ્કીમનું થોડું માર્કેટિંગ પણ ચાલુ કરી શકાય પણ એને પણ હજુ બીજા બે મહિના લાગશે. " જયેશ ઝવેરીએ એક દિવસ ફોન ઉપર કેતનને કહ્યું.
"જ્યાં સુધી આરામના દિવસો છે ત્યાં સુધી આરામ કરી લે. સેલેરી તને રેગ્યુલર મળ્યા જ કરશે ! અને નવી સ્કીમના માર્કેટિંગની મારે એવી કોઈ ઉતાવળ પણ નથી. સ્કીમ તૈયાર થશે ત્યાં સુધીમાં બધા જ બંગલા વેચાઈ જશે. " કેતને હસીને જવાબ આપ્યો.
પરંતુ આ બાજુ એક મહિનામાં અસલમ શેખે બહુ મોટી હરણફાળ ભરી હતી ! બે કરોડ જેટલી રકમ હાથમાં આવ્યા પછી એના મામુજાન કરીમખાન ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા. ઉત્તર પશ્ચિમ રાજકોટ ઝોનની સાથે સાથે જામનગરથી લઈને છેક ઓખા સુધીના નાના મોટા તમામ બુટલેગરો એમણે હાથમાં લઇ લીધા હતા અને અસલમને સર્વેસર્વા બૉસ બનાવી દીધો હતો !
અસલમને એક 'ભાઈ' બનાવવાની મામુજાનની ઈચ્છા હતી. જો કે અસલમની પોતાની પર્સનાલિટી પણ જબરદસ્ત હતી !! કરીમખાનનો ખાસ શાગિર્દ રશીદખાન ખૂંખાર માણસ હતો. એ શાર્પ શૂટર પણ હતો અને તમામ વેપારનું ધ્યાન આ રશીદખાન જ રાખતો હતો. કરીમખાને આ રશીદખાનને અસલમનો ખાસ જમણો હાથ બનાવી દીધો. આ ધંધાની તમામ આંટીઘૂંટી રશીદખાનને ખબર હતી.
છેક ઓખા સુધીના પોલીસ સાથેના બધા જ વ્યવહારો કરીમખાન પોતે સંભાળતો. સાંઠગાંઠ વગર આ ધંધો શક્ય જ નથી હોતો ! કરીમખાને તમામ ઓફિસરો સાથે અસલમનો નવા બૉસ તરીકે પરિચય પણ કરાવી દીધો અને બધાને મોટી ગિફ્ટ પણ આપી.
એક નવી ટ્રક પણ માલવહન માટે ખરીદી લીધી અને બે નંબરનો ઇંગ્લિશ દારૂ લાવવા માટે કરિમખાને ઓખા બંદરને પણ ખાસ કવર કરી લીધું. પાકિસ્તાન અને બીજા દેશોમાંથી દારૂનો મોટો જથ્થો ઓખા બંદરે આવતો અને એની તમામ જવાબદારી કરીમખાને પોતાના ખાસ માણસ સુલેમાનને સોંપી દીધી. એને બેટ દ્વારકામાં મકાન પણ લઈ આપ્યું.
સુલેમાન બહુ જ ચાલાક માણસ હતો. બેટ દ્વારકા ગયા પછી એ જંપીને બેઠો ન હતો. એના કાન સરવા હતા. કોઈપણ જાતની ગંધ એનું નાક પારખી શકતું હતું. આંખો શિયાળ જેવી હતી. વિદેશથી આવતા દારૂની સાથે સાથે ક્યારેક ક્યારેક બીજો કેટલોક માલ પણ આવતો. જો કે એના ખરીદનાર બીજા લોકો હતા. સુલેમાન આ બધું જ જોતો હતો.
એણે પોતાની આવડતથી બધી જ તપાસ કરી કે આ પાર્સલો ક્યાંથી આવે છે, કોણ ખરીદે છે અને રાતના અંધારામાં કેટલામાં સોદો થાય છે ! મોટાભાગના આ બધા કામો અંધારીયામાં એટલે કે અમાસની આજુબાજુ વધારે થતાં હતાં. એને જાણવા મળ્યું કે હેરોઈન ડ્રગ્સનો જથ્થો પણ બોટમાંથી ઉતરતો હતો ! મોટાભાગનો જથ્થો તો મુન્દ્રા પોર્ટ ઉપર જતો રહેતો હતો પરંતુ થોડોક માલ બોટ દ્વારા ઓખા બંદર પણ આવતો.
એણે આ વાત પોતાના નવા બૉસ અસલમ ખાનને કરી. સાથે સાથે કરીમખાનના કાનમાં પણ આ વાત નાખી. આ માલ બોટમાં તો સસ્તો મળતો હતો પરંતુ અનેક ગણા ઊંચા ભાવે ઇન્ડિયામાં વેચાતો હતો !
" અરે અસલમ સુલેમાન કા કોઈ ફોન આયા થા ક્યા ? " કરીમખાને રાત્રે જમતી વખતે એને પૂછ્યું.
"હા મામુ વો ડ્રગ્સકી બાત કર રહા થા કી ઓખા મેં તો દેશી દારૂ કે સાથ સાથ હેરોઈન ડ્રગ્સ કા ભી બહોત બડા જથ્થા ઈરાન પાકિસ્તાનસે આતા રેહતા હૈ. લેકિન ઉસકે લિયે બહોત તગડે પૈસે હાથ પે ચાહિયે મામુ. એક દો કરોડ સે કુછ ભી નહીં હોતા." અસલમ બોલ્યો.
"હમ્... તુમ્હારા વો દોસ્ત કુછ બડી રકમ ઉધાર દે સકતા હૈ ક્યા ? એક બાર કોઈ બડી રકમ મિલ જાય તો હમ વો દો તીન મહિને મેં હી લૌટા દેંગે. એક બાર ચેનલ સેટ હો ગઈ તો ફિર પૈસા હી પૈસે કો ખીંચતા હૈ. દોસ્ત કા પૈસા વાપસ દે દેંગે ઓર હમારે ખુદ કે પૈસો સે કારોબાર કરેંગે. પૂછ કર તો દેખ લે ક્યા બોલતા હૈ તેરા દોસ્ત ? " મામુ બોલ્યા.
"જહાં તક મેં કેતન કો જાનતા હું વો ઇસ કામ કે લિયે પૈસા નહીં દેગા. બહોત સીધા આદમી હૈ ઔર ખુદાકા બંદા હૈ મામુ. " અસલમ બોલ્યો.
"નહીં દેગા તો કોઈ બાત નહીં લેકિન પૂછને મેં ક્યા હર્જ હે ? કિસ્મત તો આજમાના ચાહિયે ના ? ક્યા પતા દો તીન મહિને કે લિયે ઉધાર દે ભી દે ! ઔર હમે ડ્રગ્સ કી બાત દોસ્ત કો ક્યોં બતાની ચાહિયે ? ધંધે કો બડા કરને કે લિયે કુછ મહિનો કે લિયે પૈસે ઉધાર ચાહિયે બસ. જ્યાદા બોલને કા હી નહીં. કિતની રકમ તક વો દે સકતા હૈ બસ ઇતના હી જાનના હૈ. " મામુજાન બોલ્યા.
" મેં કોશિશ કરુંગા લેકિન આપકો કોઈ પક્કા પ્રોમિસ નહીં દે સકતા મામુ." અસલમે જવાબ આપ્યો.
બીજા દિવસે સવારે અસલમે કેતન સાથે વાત કરવાનું નક્કી કર્યું પરંતુ એણે વિચાર્યું કે મોટી રકમની વાત ફોન ઉપર પૂછવી યોગ્ય નથી. સાથે બેસીને વ્યવસ્થિત રીતે ચર્ચા કરવી પડે અને વધુમાં વધુ એ કેટલી રકમ આપી શકે એ રૂબરૂમાં જ પૂછવું પડે. એ જો પૂછે તો ડ્રગ્સની વાત પણ એને કરવી પડે. કેતન જેવા મિત્રને અંધારામાં ના રાખી શકાય ભલે પછી પૈસા મળે કે ના મળે !
એણે કેતનને ફોન કર્યો. " કેતન રાજકોટથી અસલમ બોલું છું. બસ તારી મહેરબાનીથી ધંધામાં ઘણો આગળ વધી ગયો છું. હવે ધંધાની થોડીક ચર્ચા કરવા માટે રૂબરૂ મળવાની ઈચ્છા છે તો કેટલા વાગે ફાવશે ? તો હું અહીંથી એ પ્રમાણે નીકળું. " અસલમ બોલ્યો. કેતન સાથે અસલમ આ રીતે ક્યારેક ગુજરાતીમાં જ વાત કરી લેતો હતો.
"અરે મિયાં તારા માટે દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે. તું ગમે ત્યારે મને મળી શકે છે. સાંજે ડિનર સાથે જ લઈશું. મારા ઘરે પણ સરસ રસોઈ બને છે. હા નોનવેજ તને ક્યારેય પણ નહિ ખવડાવું. " કેતન હસીને બોલ્યો.
"ઠીક છે તો પછી સાંજે છ પછી ગમે ત્યારે તારા ઘરે આવું છું. " અસલમ બોલ્યો.
એ પછી અસલમે સુલેમાનને બેટ દ્વારકા ફોન કર્યો.
"સુલેમાન સુન.. મેં ખુદ ઓખા આ રહા હું. કહાં મિલ સકતે હૈ ? કુછ ચર્ચા કરની હૈ. " અસલમ બોલ્યો.
"જી ભાઈજાન. આપ ઓખા રેલવે સ્ટેશન કે બહાર ગાડી ખડી રખના. મેં પહોંચ જાઉંગા. યહાં જેટી પર બહુત ભીડ હોતી હૈ. પોલિસ લોગ ભી હોતે હૈ તો યહાં મિલના ઠીક નહીં હૈ. આપ સમય બતા દો." સુલેમાન બોલ્યો.
"અભી મેં ખાના ખા કે ૧૧:૩૦ સે ૧૨ કે બીચ યહાંસે નીકલ જાઉંગા તો ૪ બજે કે પહેલે પહેલે પહોંચ જાઉંગા. આધા ઘંટા તેરે સાથ બાત કરને કે બાદ વહાંસે નિકલ જાઉંગા. તુમ સાડે તીન બજે સ્ટેશન પે આ જાના." અસલમ બોલ્યો.
એ પછી એણે પોતાના અંગત બોડીગાર્ડ અને ડ્રાઇવર ઈકબાલને ફોન કર્યો.
" ઈકબાલ ૧૧:૩૦ કો તૈયાર રહેના. હમ ઓખા જા રહે હૈ." અસલમ બોલ્યો.
" જી ભાઈજાન " ઈકબાલ બોલ્યો.
કરીમખાને અસલમને બૉસ બનાવ્યા પછી બ્લેક સ્કોર્પિયો ગિફ્ટ આપી હતી અને ઈકબાલને પર્સનલ બોડીગાર્ડ અને ડ્રાઇવર તરીકે નીમ્યો હતો. ઈકબાલ રશીદખાનનો જ જમણો હાથ હતો અને એ પણ શાર્પ શૂટર જ હતો !
બપોરે પોણા બાર વાગે જમી કરીને અસલમ ઓખા પોર્ટ જવા માટે નીકળી ગયો. લગભગ પોણા ચાર વાગે એની ગાડી ઓખા રેલવે સ્ટેશન પાસે પહોંચી ગઈ. ગાડીને સાઈડમાં ઉભી રાખી ત્યાં જ સુલેમાન આવી ગયો.
ઈકબાલ નીચે ઉતરી ગયો. ભાઈ કોઈની સાથે અંગત વાત કરવાના હોય ત્યારે ઈકબાલ ત્યાંથી ખસી જતો. સુલેમાન પાછળનો દરવાજો ખોલીને અસલમની બાજુમાં બેસી ગયો.
"અચ્છા મુજે યે બતા કિ કિતને મેં યહાં ડ્રગ્સ કા સોદા હોતા હૈ ? યહાં કોન ખરીદતા હૈ ? આગે કિસકો પહોચાતા હૈ ? યહાં બોટ કે પાર્સલ જો ખરીદતા હૈ ઉસકા પીછા કરકે વો કિસકો દેતા હૈ વો જાન લે. પુરા નેટવર્ક જાને બીના હમ આગે નહીં બઢ સકતે. હમ જ્યાદા દામ દેંગે તો હી માલ હમકો મિલેગા. હમકો બોટવાલોં કા વિશ્વાસ જીતના પડતા હૈ. " અસલમ બોલ્યો.
" જી ભાઈજાન. ૨૦૦ ૩૦૦ કરોડકા જ્યાદા માલ તો મુન્દ્રા પોર્ટ પર જાતા હૈ. યહાં બોટમેં તો હેરોઈન કે એક દો છોટે પાર્સલ આ જાતે હૈં. લાસ્ટ ટાઈમ જો સૌદા હુઆ થા વો ૨૦ ૨૫ કરોડ કા માલ થા. મૈંને અપના એક આદમી લગા દિયા હૈ બૉસ. બડા ચાલાક હે. એક મહિને મેં સબ નેટવર્ક કા મુઝે પતા ચલ જાયેગા." સુલેમાન બોલ્યો.
" ઠીક હૈ. તુ અપના કામ ચાલુ રાખ. જો જો ઇન્ફર્મેશન મિલે મુજે બતા દેના. ઈસ કામમેં પૈસો કા કોઈ સેટિંગ બીચ મેં કરના પડે તો મુજે બોલ દેના. યે પાંચ લાખ હૈ. તુ અપને પાસ રખ. ઐસે કામોમેં કદમ કદમ પર પૈસા હી કામ કરતા હૈ. " કહીને અસલમે એક પેકેટ સુલેમાનને આપ્યું.
"જી શુક્રિયા માલિક. આપકે લિયે ચાય લે આઉં ?" સુલેમાન બોલ્યો.
"તુ નીકલ જા. ચાય કા ઈકબાલકો બોલ દે. " અસલમ બોલ્યો.
સ્ટેશનની બહાર જ ચાની રેકડી હતી. સુલેમાન ઈકબાલને લઈને રેકડી પાસે ગયો. સ્પેશિયલ ચા બનાવરાવીને ઈકબાલ ચાનો કપ અસલમને આપી આવ્યો. સુલેમાન ચા પીને બારોબાર નીકળી ગયો.
" ગાડી જામનગર લે લે. પટેલ કોલોની શેરી નંબર ૪ મેં હમ જા રહે હૈ. " ચા પીધા પછી અસલમ બોલ્યો.
" જી ભાઇજાન " ઈકબાલ બોલ્યો અને ગાડી સ્ટાર્ટ કરી.
છ વાગ્યાના સમય પ્રમાણે જ અસલમે પટેલ કોલોની શેરી નંબર ૪ માં પ્રવેશ કર્યો.
" મુજે યહાં એક દો ઘંટા લગ સકતા હૈ. મેરા યહાં ડિનર હે. તુમકો બહાર કહીં ખાના ખાના હો તો જા સકતે હો. મેં ફોન કરું તબ આ જાના." અસલમ બોલ્યો.
" જી ઠીક હે... ભાઈજાન." ઈકબાલ બોલ્યો અને અસલમ નીચે ઉતર્યો કે તરત જ ગાડી રિવર્સ લીધી.
" અસ્સલામ વાલેકુમ. " કેતને અસલમનું હસીને સ્વાગત કર્યું.
"વાલેકુમ અસ્સલામ કેતન." અસલમે બંગલામાં પ્રવેશ કરતા કહ્યું અને સોફા ઉપર બેઠક લીધી.
" અરે સુધામાસી મહેમાન માટે એક ગ્લાસ પાણી લાવજો ને " કેતન બોલ્યો.
સુધાબેન ગ્લાસ ભરીને ફ્રીઝનું ઠંડુ પાણી ટ્રે માં લઈને આવ્યાં અને અસલમના હાથમાં આપ્યું.
"આ કોણ છે ? ઓળખાણ ના પડી." સુધાબેન અંદર ગયા પછી અસલમે પૂછ્યું.
"અરે અસલમ આ તો રસોઈ કરવા વાળાં માસી છે. બહુ જ સરસ રસોઈ બનાવે છે. મારે ક્યાં અહી નોકર ચાકર ની જરૂર છે ? એકલો જ રહું છું એટલે એમને પાણી લાવવાનું કહ્યું. " કેતન બોલ્યો.
" હમ્...તેં ધંધાનું પછી શું વિચાર્યું ? તું સુરત છોડીને જામનગરમાં કેમ આવ્યો એ જ મને તો સમજાતું નથી." અસલમે વાતની શરૂઆત કરી.
" ધંધાનું કાંઈ જ વિચાર્યું નથી. હજુ તો દિશાશૂન્ય છું. બસ આરામ કરું છું. કંઈ ના કરું તો પણ જિંદગી આરામથી પૂરી થઈ જશે. અમીરોની હરીફાઈમાં હું નથી. હવે તારી વાત કર. સીધો રાજકોટથી જ આવે છે ? " કેતન બોલ્યો.
" ના. ધંધાના કામ અર્થે ઓખા પોર્ટ ગયો હતો અને તેં જમવાનો ખૂબ જ આગ્રહ કર્યો હતો એટલે તારી સાથે ડિનર લેવા માટે અહીં આવ્યો. " અસલમ હસીને બોલ્યો.
" તારું જ ઘર છે અસલમ. અડધી રાત્રે પણ તું આવી શકે છે. બોલ હવે તારે મારું શું કામ હતું ? " કેતન બોલ્યો.
કેતનનો સવાલ સાંભળીને અસલમ એક ક્ષણ તો મૂંઝાઈ ગયો. પૈસા માટે કેતનના ઘરે આવી તો ગયો પરંતુ હવે એની જીભ ઉપડતી ન હતી.
કેતનને ડ્રગ્સની વાત કરવી કે નહીં ? કેતન પાસે કેટલી રકમની માગણી કરવી ? ૨૦ ૨૫ કરોડ જેટલી મોટી રકમ કેતન આપશે ?
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)