Prarambh - 18 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 18

પ્રારંભ પ્રકરણ 18

સુરતમાં હવે બીજું કોઈ કામ ન હતું એટલે બીજા દિવસે રાત્રે જ જામનગર જવા નીકળી જવાનું કેતને નક્કી કર્યું.
વેકેશન પૂરું થઈ ગયું હતું એટલે ટ્રેઈનો ફુલ હતી. તત્કાલમાં પણ એ.સી ની કોઈ ટિકિટ ઉપલબ્ધ ન હતી ! છેવટે આવતી કાલ રાતની સ્લીપર ક્લાસની એક ટિકિટ કેતને બુક કરાવી દીધી.

" આવતી કાલ રાતની ટિકિટ લઈ લીધી છે પપ્પા. મારે હવે બીજું કોઈ કામ નથી એટલે હું નીકળી જાઉં છું." રાત્રે જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર કેતન બોલ્યો.

"હવે આવ્યો જ છે તો બે-ચાર દિવસ રોકાઈ જા ને ? જામનગર તો આખી જિંદગી રહેવાનું જ છે ને ! " જયાબેન બોલ્યાં.

"બે મહિના સુધી ઘરે જ હતો ને મમ્મી. ત્યાં હોઉં તો કોઈને કોઈ પ્રવૃત્તિ શરૂ થઈ શકે. અહીં તો ટાઈમ પાસ કરવો પણ મુશ્કેલ લાગે છે. " કેતન બોલ્યો.

" એને જવા દે જયા. માયામાં બહુ મન નહીં રાખવાનું. મહિના પછી સિદ્ધાર્થ લોકો પણ મુંબઈ જતાં રહેશે. છેવટે આપણે તો એકલાં જ રહેવાનું છે. " જગદીશભાઈ બોલ્યા.

" તમારી વાત સાચી છે. બેઉ દીકરા ગયા પછી ઘર એકદમ સુનું સુનું થઈ જશે. પરિવાર સાથે છે એટલે જ આટલી વસ્તી છે. અને પછી તો ધંધો પણ સંકેલાઈ જશે એટલે તમારે ઓફિસ જવાનો પણ કોઈ મતલબ નહીં રહે. " જયાબેન નિઃસાસો નાખીને બોલ્યાં.

" સમય સાથે ચાલવું જ પડે છે જયા. અને ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે એટલે કંઈ કરવાની જરૂર પણ નથી. હવે સવારસાંજ મંદિરે જવાની થોડી થોડી ટેવ પાડવી પડશે. રોજ સાંજે સત્સંગ સભા થતી હોય છે !" જગદીશભાઈ બોલ્યા.

એ પછી થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. બધાએ જમવામાં મન પરોવ્યું.

" તારી ટ્રેન તો રાતની છે તો પછી કાલે સવારે વિઠ્ઠલભાઈ વેગડાની દીકરી સાથે એક મીટીંગ કરી લે ને ? કારણ કે વારંવાર તો તું હવે સુરત આવવાનો નથી ! એ લોકોની ઈચ્છા પણ એમની દીકરી આપણા ઘરમાં આપવાની છે." ફરી જગદીશભાઈએ વાત ઉપાડી.

" સાવ સાચું કહું ને પપ્પા તો હવે મારી છોકરીઓ જોવાની કોઈ ઈચ્છા જ નથી. જાનકી સાથે મારી રિલેશનશિપ છે અને નીતા પણ ખુબ સુંદર છે. આ બંને વચ્ચે અત્યારે હું થોડો કન્ફ્યુઝ છું છતાં મારું મન જાનકી સાથે જ છે. હવે નવા નવા પાત્રો જોઈને છેવટે ના પાડવી એના કરતાં વિવેકથી કોઈ જવાબ આપી દેવો સારો. તમે તમારી રીતે જવાબ આપી દેજો કે એણે કોઈ પાત્ર પસંદ કરી લીધું છે. " કેતન બોલ્યો.

"ઠીક છે ચાલો. તો પછી એમ જ કરું છું. " જગદીશભાઈ બોલ્યા.

બીજા દિવસે રાત્રે સિદ્ધાર્થ અને શિવાની કેતનને સુરત સ્ટેશન ઉપર મૂકવા ગયાં.

પાંચેક મિનિટ પ્લેટફોર્મ ઉપર વાતો કરી ત્યાં જ ટ્રેઈન આવી ગઈ.

"ચાલો ભાઈ. વ્હિસલ વાગી ગઈ. તમે હવે ચડી જાવ. મનાલીને મારી યાદ આપજો. અને વહેલી તકે હવે જાનકી સાથે લગ્નનું વિચારજો. " શિવાની બોલી.

કેતન કોચમાં ચડી ગયો અને ટ્રેઈન સ્ટાર્ટ પણ થઈ ગઈ. સિદ્ધાર્થે પણ હાથ હલાવીને એને પ્રેમથી વિદાય આપી.

કેતન અંદર જઈને પોતાની ૧૭ નંબરની સીટ ઉપર જઈને સીધો સૂઈ જ ગયો. બેસી શકાય એમ હતું જ નહીં. રાતના ૧૨:૩૦ વાગી ગયા હતા અને મુંબઈથી આવતી ટ્રેઈનમાં આગળથી પેસેન્જર સૂતેલાં જ હતાં. એને નીચેની બર્થ મળી હતી.

સવારે ૪:૪૫ વાગે અમદાવાદ આવ્યું ત્યારે એ જાગી ગયો. પાંચ વાગે એને ધ્યાન કરવાનો સમય હતો. પરંતુ થ્રી ટાયરમાં વચ્ચે બર્થ હોવાથી બેસીને ધ્યાન કરી શકાય એમ ન હતું. અહીં કેટલાંક પેસેન્જર્સ ઉતરી ગયાં અને સૌરાષ્ટ્ર તરફનાં નવાં પેસેન્જર્સ આવી ગયાં.

એણે સૂતાં સૂતાં જ અડધો કલાક ધ્યાન કરી લીધું અને પછી ગાયત્રીની પાંચ માળા પણ કરી. એ પછી એ આંખો બંધ કરીને સૂતો રહ્યો.

સવારે ૭:૩૦ વાગે સુરેન્દ્રનગર આવ્યું ત્યારે એના કમ્પાર્ટમેન્ટનાં બાકીનાં તમામ ૭ પેસેન્જર ઉતરી ગયાં અને એમની જગ્યાએ ૭ સાધુ સંન્યાસીઓ ગોઠવાઈ ગયા. કેતને ઊભા થઈને સામ સામેની બંને બર્થ નીચે કરી દીધી જેથી આરામથી બધા બેસી શકે.

" નમો નારાયણ ... કહાં તક જા રહે હો આપ સબ ? " કેતને પૂછ્યું.

"દ્વારિકા દર્શનકે લિયે જા રહે હૈં" એક યુવાન સાધુએ જવાબ આપ્યો.

આ સાત સાધુઓમાં એક સંન્યાસી હતા જ્યારે બાકીના છ એમના યુવાન શિષ્યો હોય એવું લાગતું હતું. સન્યાસી ખૂબ જ પ્રભાવશાળી હતા. ૬૦ ૬૫ ની ઉંમર લાગતી હતી. ચહેરો દેદિપ્યમાન હતો. માથે મુંડન હતું પણ લાંબી દાઢી અને મૂછ હતાં.

ટ્રેઈન હજુ ઉભી હતી. ચા વાળો પસાર થયો એટલે કેતને પોતાના માટે ચા લઈ લીધી.

ટ્રેઈન ઉપડી એટલે પેલા સન્યાસી મહાત્માએ પોતાની પાસેના કમંડળને હાથમાં લઈ અંદર હાથ ફેરવ્યો અને પછી મોંઢે માંડીને દૂધ પી લીધું. મૂછો ઉપર થોડુંક દૂધ ચોંટયું હતું એટલે કેતને કલ્પના કરી. સંન્યાસીએ પોતાના કપડાથી મૂછો સાફ કરી.

એ પછી બાકીના તમામ છ સાધુઓને એમણે પોતાની ઝોળીમાંથી છ પતરાળી કાઢીને આપી.

ફરી પોતાના ખાલી કમંડળને હાથમાં લીધું અને પોતાનું ભગવું વસ્ત્ર એના ઉપર રાખી અંદર હાથ ફેરવ્યો. એ પછી એમાંથી ૪ ૪ મોટી પૂરીઓ કાઢીને દરેકની પતરાળીમાં મૂકતા ગયા. એ પછી ફરી એ જ કમંડળમાંથી બટેટાની ગરમ સૂકી ભાજી કાઢીને દરેકની પતરાળીમાં પોતાના હાથથી મૂકતા ગયા. બધાને પૂરી શાક આપીને હાથ પોતાના ભગવા વસ્ત્રથી લૂછી નાખ્યા. કેતન તો આ બધું જોઈને દંગ રહી ગયો.

આવું કઈ રીતે બની શકે ? કમંડળમાંથી એમણે દૂધ પણ પીધું અને ટોટલ ૨૪ મોટી પૂરીઓ અને બટેટાની સૂકી ભાજી પણ બહાર કાઢી. જ્યારે કમંડળ તો પહેલાં પણ ખાલી હતું અને અત્યારે પણ ખાલી જ છે !

"બચ્ચા તુમ ભી કુછ પ્રસાદ ખાઓગે કયા ?" સન્યાસી મહાત્મા કેતનનું કુતૂહલ જાણી ગયા એટલે બોલ્યા.

" જી સ્વામીજી. ખાને કી કોઈ ઈચ્છા તો નહીં હૈ ફિર ભી જો ઠીક લગે પ્રસાદ દે દીજીએ. " કેતનથી બોલાઈ ગયું.

સ્વામીજીએ ઝોળીમાં હાથ નાખીને ફરી એક પતરાળી કાઢી અને કેતનના હાથમાં આપી. એ પછી કમંડળમાં હાથ નાખીને ગરમાગરમ ગાંઠિયા, ત્રણ તળેલાં મરચાં અને ચાર જલેબી પતરાળીમાં મૂકી. એ પછી એમણે ફરી પોતાના વસ્ત્રથી હાથ લૂછી નાખ્યા !

ગાંઠિયા એકદમ ગરમ અને તાજા જ બનાવેલા હતા તો જલેબી પણ એકદમ ગરમ હતી. અને આ બધું એમણે કમંડળમાંથી બહાર કાઢ્યું હતું !

કેતને પ્રસાદ તરીકે ખાવાનું ચાલુ કર્યું તો ગાંઠિયા અને જલેબી બંને એકદમ ગરમ અને સ્વાદિષ્ટ હતાં !

"સ્વામીજી આપને યે સબ કેસે કિયા ? કમંડલ તો આપકા ખાલી હૈ ફીર ભી ઇતની સારી ચીજેં ઇસમેં સે કૈસે નિકલ આઈ ? " કેતન બોલ્યો.

"યે અક્ષયપાત્ર હૈ. સારી ચિઝેં સૌર ઉર્જા સે બની હૈ. સૂર્ય કે કિરણો કો વિઘટિત કરકે જો ભી સંકલ્પ કિયા વો સારી ચિઝેં બન ગઈ. અણુ ઓર પરમાણુ કે વિઘટન કા સારા ખેલ હૈ. રસ રંગ રૂપ ગંધ સબ કા તાલમેલ કરના હે બસ ! મન કે વિચારોં કો કિસી એક ચીઝ પર લગાના હોતા હૈ. મન મેં જો ચીઝ સોચો બન જાતી હૈ." સન્યાસી હસીને બોલ્યા.

" સ્વામીજી આપ ખાને કી કોઈ ભી ચીઝ પૈદા કર સકતે હો ? " કેતને પૂછ્યું.

" નહીં. જો ચીઝ મૈંને જિંદગીમેં કભી ખાઈ હૈ વો હી ચીઝ મેં બના સકતા હું. જિસ ચીઝ કા સ્વાદ મુજે માલુમ હૈ, જિસકા એહસાસ મૈંને કભી કિયા હૈ સિર્ફ વોહી પૈદા હો સકતી હૈ. ક્યોં કિ બનાતે વક્ત ઉસ ચીઝ કા રૂપ રસ ગંધ સ્વાદ સબ મુજે પતા હોના ચાહિયે ! " સ્વામીજી બોલ્યા.

"સ્વામીજી આપ કહાં સે આ રહે હો ?" કેતને પૂછ્યું. એને ખ્યાલ આવી ગયો કે સ્વામીજી ખૂબ જ ઊંચી અવસ્થામાં હતા. સૌર ઊર્જામાંથી વસ્તુ પેદા કરવી એ કોઈ સામાન્ય સંન્યાસીનું કામ ન હતું !

"સાધુ સંન્યાસીકા કોઈ મુકામ નહીં હોતા બચ્ચા. સબ ભૂમિ ગોપાલ કી ! ફિર ભી જ્યાદાતર હમ હિમાલય કે આસપાસ રહેતે હૈ." સંન્યાસી બોલ્યા.

"આપને તો કોઈ ભોજન નહીં કિયા." કેતન બોલ્યો.

" જી નહીં. મેં સિર્ફ દો બાર દૂધ હી પીતા હું. યુવાન સાધુઓ કો મૈં ભુખા નહીં રખ સકતા તો સબકો ખાના ખીલા દિયા. " સન્યાસી બોલ્યા.

ગાંઠીયા અને જલેબીથી કેતનનું પેટ ભરાઈ ગયું. એણે ખાલી પતરાળી વાળીને બારીની બહાર ફેંકી દીધી. એ પછી પોતાની સાથેની પાણીની બોટલમાંથી બે ઘૂંટડા પાણી પીધું.

એટલામાં સામેથી આવી રહેલી એક ધસમસતી ટ્રેઈન વ્હિસલ વગાડતી બાજુમાંથી પસાર થઈ ગઈ ! એના અવાજથી કેતન એકદમ ઊંઘમાંથી જાગી ગયો. આંખ ખોલીને જોયું તો પોતે હજુ નીચેના બર્થ ઉપર સૂતો હતો. બાકીનાં પેસેન્જર્સ પણ સૂતાં જ હતાં !

મોબાઇલમાં જોયું તો ૭:૩૦ થયા હતા અને સુરેન્દ્રનગર આવવાની તૈયારી હતી. તો પછી આ બધા સાધુ લોકો અને સન્યાસી ક્યાં જતા રહ્યા ? પોતે જોયું એ શું માત્ર સ્વપ્ન જ હતું !!

આ માત્ર સ્વપ્નું ના હોઈ શકે કારણ કે પોતાના મ્હોં માંથી હજુ પણ ગાંઠીયા અને જલેબીનો સ્વાદ હજુ ગયો ન હતો. પેટ પણ ભરાયેલું જ હતું. ગાયત્રીની પાંચ માળા પતી એટલે આંખ સહેજ મળી ગઈ હતી અને પોતાને તંદ્રાવસ્થામાં આ અલૌકિક દિવ્ય અનુભવ થયો હતો !!

પોતે ભૂતકાળમાં ગુરુજીની કૃપાથી સૂક્ષ્મ જગતનો અનુભવ કરી આવ્યો હતો એટલે આવા અનુભવો થવા સામાન્ય હતું. નક્કી આ સન્યાસી અને એમના સાધુઓ પણ સૂક્ષ્મ જગતમાં રહીને દ્વારકા તરફ વિહાર કરી રહ્યા હશે !

સુરેન્દ્રનગર આવ્યું. મુંબઈથી આવેલા બે ત્રણ પેસેન્જર્સ સુરેન્દ્રનગર ઉતરી ગયા. દિવસ પૂરેપૂરો ઊગી ગયો હતો એટલે એણે પોતાની ઉપરનું ખાલી બર્થ સીધું કરી દીધું જેથી નીચેની બર્થ ઉપર શાંતિથી બેસી શકાય.

એ પછી કેતન સ્ટેશન ઉપર નીચે ઉતર્યો અને સ્ટોલ ઉપર જઈ ચા પી લીધી. બાજુમાં પેપરનો સ્ટોલ પણ હતો પરંતુ કેતનને સવાર સવારમાં પેપર વાંચવાનો એવો કોઈ શોખ ન હતો.

ટ્રેઈનની વ્હિસલ વાગી એટલે એ કોચમાં ચઢી ગયો. એ પોતાની સીટ ઉપર બેસવા ગયો ત્યાં એની નજર અચાનક ઉપરની ખાલી બર્થ ઉપર પડી. ત્યાં એક ખૂણામાં કોઈ બૂક પડી હોય એવું એને લાગ્યું.

એણે હાથ લાંબો કરીને પુસ્તક હાથમાં લીધું. બુકનું નામ હતું *ચમત્કારો આજે પણ બને છે* અને લેખક હતા દિલીપકુમાર રોય. મુંબઈથી આવતી કોઈ વ્યક્તિ આ પુસ્તક રાત્રે વાંચતી હશે અને સવારે બેગમાં મૂકવાનું ભૂલી ગઈ હશે.

પુસ્તકનું નામ વાંચીને કેતન રોમાંચિત થઈ ઉઠ્યો. ઈશ્વરનો જ કોઈ સંકેત હશે એમ માનીને એણે પોતાની સીટ ઉપર બેસીને પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું. જામનગર હજુ ઘણું દૂર હતું અને પાંચેક કલાકનો સમય પસાર કરવાનો હતો !

પુસ્તક એટલું બધું સરસ રીતે લખાયેલું હતું અને અનુભવો પણ એટલા બધા પ્રત્યક્ષ હતા કે જામનગર પહોંચતા સુધીમાં તો લગભગ આખું પુસ્તક કેતને વાંચી લીધું.

આ પુસ્તક વાંચ્યા પછી પોતાને સુરેન્દ્રનગર સ્ટેશન આવતા પહેલાં થયેલો દિવ્ય અનુભવ પણ યાદ આવી ગયો. એ પણ એક ચમત્કાર જ હતો ને !!

ફોન ઉપર વાત થઈ ગઈ હતી એટલા માટે જામનગર સ્ટેશને મનસુખ માલવિયા હાજર જ હતો. સામાનમાં તો એક ટ્રોલી બેગ સિવાય બીજું કંઈ હતું જ નહીં. મનસુખે બેગ હાથમાં લઈ લીધી.

" સુધામાસી સાથે વાતચીત થઈ ગઈ છે ને રસોઈની? " કેતને રસ્તામાં પૂછ્યું.

" હા હા શેઠ રસોઈ તૈયાર જ હશે. કાલે તમારો ફોન આવ્યો ત્યારે જ મેં વાત કરી લીધી હતી. " મનસુખ બોલ્યો.

ગાડી પટેલ કોલોનીમાં દાખલ થઈ. મનસુખે બંગલાની આગળ પાર્કિંગની જગ્યામાં ગાડીને પાર્ક કરી.

કેતને બંગલામાં પ્રવેશ કર્યો. પાછળ ને પાછળ મનસુખ પણ બેગ લઈને પ્રવેશ્યો.

" શું વાત છે માસી ? તમારી દાળના વઘારની સુગંધ તો છેક બહાર સુધી આવે છે ! " કેતન સુધામાસીને સંબોધીને બોલ્યો.

" સાહેબ એક વાત પૂછું ?" સુધાબેન બોલ્યાં.

" આ તમે સુગંધની વાત કરી એટલે યાદ આવ્યું. હું આજે સવારે સાડા સાત વાગે રસોઈ કરવા માટે આવી અને દરવાજો ખોલ્યો તો આખા બંગલાની અંદર એટલી બધી સુગંધ આવતી હતી કે હું તો અચંબામાં પડી ગઈ. આખા બંગલામાં ફરી વળી. આખો બંગલો સુગંધથી મઘમઘતો હતો." સુધાબેન બોલી રહ્યાં હતાં.

" પહેલા તો મને થયું કે અગરબત્તીની સુગંધ આવતી હશે પણ તમે તો ચાર દિવસથી બહારગામ હતા. છતાં હું દ્વારકાધીશનો ફોટો રાખ્યો છે ત્યાં પણ જઈને જોઈ આવી. ત્યાં તો કોઈ જ અગરબત્તી સળગતી ન હતી. દરેક રૂમમાં આંટા માર્યા. મને થયું કે તમે બહારગામ જતી વખતે ઘરમાં ક્યાંક અત્તર છાંટ્યું હશે. પણ આવી સુગંધ તો કોઈ અત્તરની મેં આજ સુધી જોઈ નથી. અને અત્તરની સુગંધ હોય તો અત્યારે પણ આવવી જોઈએ. પરંતુ એકાદ કલાક પછી એ સુગંધ બંધ થઈ ગઈ. " સુધાબેને પોતાની વાત પૂરી કરી.

" તમે કેમ આજે સવારે સાડા સાત વાગે આટલાં વહેલાં આવ્યાં ? " કેતને પૂછ્યું.

"ગઈકાલે રાત્રે મનસુખભાઈનો મારા ઉપર ફોન હતો કે તમે આજે આવવાના છો. હવે બીજી ચાવી તો મારી પાસે હતી. શાંતાબેનનો નંબર મારી પાસે નથી. એટલે વહેલી આવીને ઘર ઝાપટી નાખ્યું અને પછી કચરા પોતાં કર્યા. હવે તમે શાંતાબેનને ફોન કરી દો એટલે વાસણ માંજવા માટે આવી જાય. " સુધાબેન બોલ્યાં.

" અરે પણ માસી તમારે કંઈ કચરા પોતાં થોડાં કરવાનાં હોય ! શાંતામાસી બપોરે આવીને બધું કરી દેત ! " કેતન બોલ્યો.

" સાહેબ અમારા ઘરમાં અમે કરીએ જ છીએ ને ! હું જરા ચોખલી વધારે છું. ઘરમાં કચરો પડ્યો હોય તો મને ચેન ના પડે ! અને કોઈ કામ નાનું નથી." સુધાબેન બોલ્યાં.

કેતનને સુધામાસીના આવા વિચારોને સલામ કરવાનું મન થયું ! જો કે માસીની સુગંધવાળી વાતથી એને પોતાને પણ ખૂબ જ આશ્ચર્ય થયું હતું. સુધા માસીને આખાય બંગલામાં કોઈ અલૌકિક સુગંધ આવી હતી.

"માસી એ સુગંધ કેવી હતી ? તમે કોઈ વર્ણન કરી શકો ? " કેતને પૂછ્યું.

" એ તો સાહેબ કોઈક અલગ જ સુગંધ હતી છતાં તાજા મોગરાનાં ફૂલ, જુહીનાં ફૂલ અને રાતરાણીની કળીઓ ભેગી કરી હોય એને મળતી સુગંધ હતી. પણ બહુ સરસ સુગંધ હતી સાહેબ. " સુધાબેન બોલ્યાં.

કેતન પોતાના બેડરૂમમાં ગયો. એના કબાટમાં પર્ફ્યુમની બે ત્રણ બોટલો રાખી હતી એ ચેક કરી. બધી પેક હતી અને કોઈ સુગંધ કબાટમાંથી પણ નહોતી આવતી ! જરૂર આ કોઈ દૈવી સુગંધ હતી !!

અચાનક કેતનને યાદ આવ્યું. સવારે ૭:૩૦ વાગે સુધામાસીએ બંગલાનો દરવાજો ખોલ્યો હતો અને એ વખતે એમને આ દિવ્ય સુગંધનો અનુભવ થયો હતો ! પોતાને તંદ્રાવસ્થામાં સન્યાસી અને સાધુઓનો સુરેન્દ્રનગર સ્ટેશને જે દિવ્ય અનુભવ થયો હતો એ પણ સવારના ૭:૩૦ વાગ્યે જ થયો હતો !

શું આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ પરસ્પર સંબંધ હશે ? બંને ઘટનાઓ એક જ સમયે કેમ ?
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED