વિરાટે જૈવિક પરિવર્તન પામેલા નિર્ભય અને જગપતિની નિર્ભય ટુકડીના યુદ્ધના આવજ સાંભળ્યા. એ બધા એક જ પરિધાનમાં હતા એટલે કોણ કઈ બાજુએ છે એ નક્કી કરવું મુશ્કેલ હતું પરંતુ એ મૂંઝવણ વિરાટની બાજુના યુદ્ધને અસર કરતી નહોતી. એમની ટુકડીમાં કોઈ નિર્ભયના પરિધાનમાં નહોતું એટલે ચોક્કસપણે એમની સામે ઊભો કાળા પરિધાનવાળો સિપાહી એમનો દુશ્મન જ હતો.
વજ્રના પિતા અને એની ટુકડી લગભગ પચાસ નિર્ભય સામે લડી રહ્યા હતા. સારું પાસું એ હતું કે બંને પક્ષો પાસે સમાન શસ્ત્રો અને સમાન તાલીમ હતી. ત્યાં કોઈ શૂન્ય જેમ યુદ્ધથી અજાણ નહોતું.
શૂન્યો અપ્રશિક્ષિત હતા. એમની પાસે યુદ્ધ માટે કોઈ તાલીમ નહોતી. બસ કેટલાક યુવક યુવતીઓને વજ્ર અને તારાએ તાલીમ આપી હતી પરંતુ એ લોકો પણ પહેલા ક્યારેય યુદ્ધમાં નહોતા ગયા. તાલીમ લીધેલ કે તાલીમ વગરનો દરેક શૂન્ય જીવનનું પહેલું યુદ્ધ લડી રહ્યો હતો. પીડા, વેર અને એડ્રેનાલિન એમને આગળ ધપાવતા હતા. સ્ટેશનમાં ગુંજતો અવાજ આતંકનો અવાજ હતો - શૂન્ય લોકો ચીસો પાડતા હતા, તલવારો ખેતીના સાધનો સાથે અથડાતી હતી, હવામાં ઉડતા તીર, નિર્ભય ટુકડીની બૂમો, બંને બાજુથી યુદ્ધની બૂમો, શરીરમાં તીર ઉતરતા નીકળતી મરણ ચીસ, તલવારોના ટુકડા, મદદ માટેની ચીસો - બધું અસ્તવ્યસ્ત, લોહિયાળ અને નિર્દય હતું.
કરિણ્યા અને મેહુ પોતાને નિર્ભયથી દૂર રાખતા હતા અને છરીનો ઉપયોગ કરતા હતા. વિરાટ જાણતો હતો કે ખંજર એમના પ્રિય હથિયાર છે. તાલીમના મેદાનમાં એ એમાં પાવરધા હતા. એણે એમને તાલીમના કલાકો પછી ખંજર ફેંકતા જોયા હતા. એકવાર કરિણ્યા ઝાડના થડ સામે નિશાન બનીને ઊભી હતી અને મેહુએ એની આસપાસ સાત છરીઓ ફેંકી હતી પરંતુ એમાંથી એક પણ છરી કરિણ્યાને વાગી નહોતી. બધી છરીઓ કરિણ્યાની આસપાસ ઝાડના થડમાં ઉતરી ગઈ હતી. એ બંને આ મહાવરાને એમના સાચા પ્રેમની કસોટી માનતા હતા. કરિણ્યા બતાવવા માંગતી હતી કે એને મેહુ પર કેટલો વિશ્વાસ છે. એકવાર વિરાટે મેહુને પૂછ્યું હતું કે તું આટલી સરળતાથી લક્ષ્યને કઈ રીતે વીંધી શકે છે? એનો જવાબ હતો - આ માનસિક કસરત છે શારીરિક નહીં. તમારે હાથની ગતિ શીખવાની જરૂર છે અને એવું વિચારો કે જાણે તમે તમારા પ્રિયજન માટે સ્વેટર ગૂંથી રહ્યા છો.
એનો જવાબ વિરાટના માથા ઉપરથી ગયો હતો કારણ કે વિરાટે ક્યારેય કોઈના માટે સ્વેટર ગૂંથ્યું નહોતું. યુદ્ધના મેદાનમાં નિર્ભય ટુકડી પર તેમનું આ કૌશલ્ય ભારે પડી રહ્યું હતું.
એમનાથી કેટલાક યાર્ડ દૂર બુધીલ અને પવન હતા. પવન તલવારથી લડતો હતો અને બુધીલ પવનને સતત કવર આપવા તીરનો ઉપયોગ કરતો હતો. વિરાટને વજ્રના શબ્દો યાદ આવ્યા - જો તમારો મિત્ર યુદ્ધમાં તમને સાચવતો હોય તો તમે મુક્તપણે લડી શકો છો. એ જ એની આંખો સામે હતું. બધા તાલીમાર્થીઓ સારી રીતે લડતા હતા. વિરાટ વજ્ર અને તારાને એમની તમામ કૌશલ્યનો ઉપયોગ કરીને લડતા જોઈ રહ્યો હતો. પણ તાલીમી વગરના શૂન્યો લડાઈ માટે તૈયાર નહોતા. એ લડતા હતા પરંતુ કૃષિ સાધનો તલવારો અને કુશળ લડવૈયાઓ સામે લડવા માટે પૂરતા નહોતા. વિરાટે તેના પિતાને શોધવા નજર ફેરવી પણ એ ક્યાંય ન દેખાયા. એના બદલે એની આંખોએ આસપાસ એના લોકોને મરતા જોયા. એના લોકોના મૃત્યુના દૃશ્યએ એને પાગલ કરી દીધો. એના આત્માને શુદ્ધ ક્રોધથી ભરી નાખ્યો.
“વિરાટ...” એણે હજારો અવાજ વચ્ચે એક અવાજ સાંભળ્યો. એ અવાજ મેહુનો હતો.
એ મેહુ તરફ ફર્યો. મેહુ નિર્ભય સૈનિક સામે લડી રહ્યો હતો. એને લાગતું નહોતું કે એને મદદની જરૂર હોય તો પછી એણે શા માટે બૂમ પાડી એ એને સમજાયું નહીં. વિરાટ એક પળ માટે મુઝાયો.
"શું?" એણે પૂછ્યું. એ તેનાથી થોડાક જ ડગલાં દૂર હતો.
"કરિણ્યા..." એણે પોતાની તલવાર પર નિર્ભયના પ્રહારને રોકતા કહ્યું, "એ જોખમમાં છે."
“ઠીક છે...” વિરાટે યુદ્ધ વચ્ચે સાંભળવા માટે પૂરતા ઊંચા અવાજે કહ્યું અને મેહુની આંખોએ જે તરફ ઇશારો કર્યો હતો એ તરફ ફર્યો.
કરિણ્યા એક નિર્ભય સામે લડતી હતી. એ એક વિશાળ, ભયંકર રાક્ષસ જેવો ખડતલ સિપાહી હતો. એણે તલવાર ઊંચી કરી, એની ધાર પ્રકાશમાં ચમકતી હતી. કરિણ્યા ભયથી સ્તબ્ધ થઈ ગઈ હતી. એણે આંખો બંધ કરી લીધી.
નિર્ભયની તલવાર કરિણ્યાના ગળા સુધી પહોંચે એ પહેલા વિરાટની કટારી એની છાતીમાં ઉતરી ગઈ. નિર્ભયના મુખમાંથી કારમી ચીસ નીકળી. કરિણ્યાએ આંખો ખોલી અને નિર્ભયને એની ઉપર એક બાજુએ પડતો જોયો. મેળામાં શૂન્યો કઠપૂતળીના ખેલ જોતા. જેમ કોઈ કઠપૂતળીની દોરી કાપી નાખવામાં આવે અને એ ઢગલો થઈને પડી જાય અમે એ કદાવર નિર્ભય ઢગલો થઈને જમીન પર ઢળી પડ્યો હતો.
પછીના બે ખંજર વિરાટે કરિણ્યાને બીજા બે વિશાળકાળ નિર્ભય સીપાહીથી બચાવવા માટે વાપર્યા. એકવાર એને મદદ મળી એ પછી એ એની સામેના બાકીના દુશ્મનો પર કાબૂ મેળવવો એના માટે સહેલું બની ગયું. વિરાટે એની સામે નજર કરી. કરિણ્યાએ વિરાટની પાછળની તરફ ઈશારો કર્યો. તાલીમ દરમિયાન એ સાંકેતિક ભાષા શીખ્યા હતા જેનો ઉપયોગ લડાઈ દરમિયાન કરી શકાય. યુદ્ધના મેદાનમાં અનેક અવાજ વચ્ચે દૂરના સાથીનો અવાજ સાંભળી શકવો મુશ્કેલ બને છે એવા સમયે સાંકેતિક ઈશારાથી ઘણું બધું સમજાવી શકાય છે. કરિણ્યા અને વિરાટની આંખો મળી પણ બંનેમાંથી એકેય કશું બોલ્યું નહીં.
વિરાટે બે કટાર બહાર કાઢી અને પ્રશિક્ષણને યાદ કરીને ફેંકવાનું શરૂ કર્યું. એ પછીની કટાર એક શૂન્ય સ્ત્રીને મારવા જઈ રહેલા નિર્ભયના ગળામાં ઉતરી. વિરાટે ફેકેલી બીજી અને ત્રીજી કટારે પણ શૂન્યોનો જીવ બચાવ્યો હતો. વિરાટ યુદ્ધના એ ભયાવહ માહોલમાં પણ પોતાના લોકોને એક પળ માટે પણ ભૂલ્યો નહોતો.
એના કમરબંધ પર કુલ નવ કટાર હતી. એણે એ બધીનો ઉપયોગ કરી લીધો હતો. એમાંથી કોઈ લક્ષ્ય ચૂકી નહોતી. દરેકે કટાર એના લોકોનો જીવ બચાવવા અને શત્રુઓનો જીવ લેવામાં સફળ રહી હતી પરંતુ હવે વિરાટ પાસે કટાર નહોતી. એ પોતાના લોકોને બચાવવામાં એટલો ખોવાઈ ગયો હતો કે એને ખબર નહોતી કે એક ટુકડીએ એને પાછળથી ઘેરી દીધો છે.
એને એમની વ્યૂહરચનામાંથી કઈ રીતે છટકવું એ ખ્યાલ હતો પણ એની પાસે એ વ્યૂહ ભેદવા માટે કટાર નહોતી. એક તીક્ષ્ણ છરી એની પીઠમાં ઉતરી. એ પોતાની બધી શક્તિ સાથે લડવા માટે પાછળ ફર્યો. પોતાને આગળ ધકેલીને, થોભવાનો ઇનકાર કરતો, શરણાગતિનો ઇનકાર કરતો અને મરવાનો ઇનકાર કરતો વિરાટ ફક્ત અને ફક્ત બદલો લેવા માંગતો આગળ વધ્યો. એ જેટલા વધુ દુશ્મનોને મારી શકે એટલા વધુ મારવા માંગતો હતો. આજે એની રક્તપીપાશા છીપાય એમ નહોતી. વિરાટ પાસે કટાર નહોતી એટલે એક હાથમાં તલવાર અને બીજા હાથમાં તીર લઈને એ નિર્ભયના વ્યૂહને તોડીને આગળ નીકળી ગયો.
એણે દક્ષાની આસપાસ એકઠા થયેલા નિર્ભય જોયા. એ જોઈ એની છાતીમાં ધબકારા વધી ગયા. દક્ષાની આસપાસ ચાર નિર્ભય હતા. એમાંથી એક પાસે કુહાડી હતી. એ એની પાછળ જ હતો અને દક્ષા એની હાજરીથી અજાણ હતી. દક્ષા ડાબે જમણે તલવાર વીંઝતી હતી. હવામાં તલવાર પસાર થતાં વાગતી સીટીનો અવાજ છેક વિરાટના કાન સુધી પહોચતો હતો. એ દુશ્મનો સામે લાચાર હતી. એનો ચહેરો લોહીથી લથબથ હતો. એનો એક હાથ ઘવાયો હતો. એ લડવા અસમર્થ હતી. એની આસપાસના નિર્ભય એની પીઠમાં, પડખામાં અને એના આખા શરીરમાં બેફામ ઘા મારી રહ્યા હતા.
વિરાટ પાસે કોઈ કટાર બચી નહોતી. એની પાસે તીર હતા પણ ધનુષ્ય લડાઈ દરમિયાન ક્યાંક પડી ગયુ હતું. એ એની પાસે ન પહોંચે ત્યાં સુધી એને બચાવવા કશું કરી શકે એમ નહોતો. એણે કંઈક અણધાર્યું જોયું. કુહાડી લઈને આવનાર નિર્ભય દક્ષાને મારવા માટે નહી પરંતુ એને બચાવવા માટે આવ્યો હતો. એણે કુહાડી ચલાવી અને દક્ષાની ડાબી બાજુએથી હુમલો કરતાં દુશ્મનને પાડ્યો જેણે હમણાં જ દક્ષાને છરીનો લસરકો કર્યો હતો. બીજા નિર્ભયે એ નોંધ્યું. એ સમજી ગયો કે કુહાડીવાળો નિર્ભય બિનઅસરગ્રસ્ત છે. એના પર જૈવિક પરિવર્તનની કોઈ અસર નથી. જોકે એ સમજવાનો એને કોઈ ફાયદો ન થયો. આગંતુક નિર્ભયે કુહાડીના એક જ ફટકે એના ફેફસાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.
દરમિયાન વિરાટ એની સામે બે દુશ્મનોથી લડ્યો અને પછી દક્ષાની મદદ કરવા દોડ્યો. એનું ગળું બળતું હતું. દરેક પગલે એ થાકતો હતો. એ નજીક પહોંચે એ પહેલાં એણે દક્ષાને જમીન પર ફસડાઈ પડતી જોઈ. એના ગળામાંથી કારમી ચીસ નીકળી જે એની અંતિમ ચીસ હતી.
"તમે નિર્દય..." વિરાટે બૂમ પાડી અને એ એક જૂથ તરફ ધસ્યો. હવે દક્ષા પાસે જવાનો કોઈ અર્થ નહોતો. એ પ્રલય પહેલાના દયાળુ દેવો પાસે પહોચી ગઈ હતી જ્યાં એને કોઈનો ભય નહોતો.
"હા..." એમાંથી એકે બૂમ પાડી, "અમે નિર્દય છીએ અને શૂન્યોને મારવા માટે અહીં આવ્યા છીએ."
"પ્રયત્ન કરો..." વિરાટે કહ્યું અને તલવારના એક જ ઘાથી એના બે ટુકડા કરી નાખ્યા. હવે એણે પોતાની અંદર અવતાર અનુભવ્યો. દક્ષાના મૃત્યુએ એની અંદરના અવતારને મુક્ત કર્યો. હવે એ અસહ્ય અને અવરોધી ન શકાય એવો બની ગયો હતો. એ ચીસો પાડતો, લડતો, મારતો અને નિર્ભયને ટનલ તરફ ધકેલવા લાગ્યો.
એ દક્ષા પાસે ગયો. એ જમીન પર પડી હતી. એનું પહેરણ લાલ હતું. એનું શરીર સ્થિર હતું. વિરાટને થયું કે મેં મારા જીવનમાં આનાથી વધુ ભયંકર કશું નથી જોયું. એની આંખો જાણે એને જોઈ રહી હોય એમ ખુલ્લી હતી પણ એ જાણતો હતો કે એ નિર્જીવ છે. હવે એ કશું જોઈ શકવાની નથી.
વિરાટની આંખો આંસુથી છલકાઈ ગઈ. એણે આંખો લૂછી અને એ જ ક્ષણે કોઈએ એને પકડવાનો પ્રયત્ન કર્યો. વિરાટે એને લાત મારી. એ હવામાં દૂર ફેકાઈ ગયો. બીજા એકે વિરાટ પર કૂદકો માર્યો પણ એનું ભારે શરીર વિરાટ ઉપર પડે એ પહેલા એનું માથું વિરાટે વીંઝેલી તલવારથી કપાઈ ગયું હતું.
"તાંડવ..." એણે વજ્રનો અવાજ સંભળાવ્યો, "અવતાર તાંડવ કરે છે."
એણે એ શબ્દોની અવગણના કરી. તાંડવ શબ્દ એમના માટે અજાણ્યો હતો. એ એનો અર્થ નહોતો જાણતો. એ લડતો રહ્યો. એ તલવારને આમતેમ ફેરવતો રહ્યો, દુશ્મનોને કાપતો, એમના પર કૂદતો એ પોતાના દુશ્મનોની સંખ્યા ઓછી કરતો રહ્યો.
"તાંડવ અવતાર..." વિરાટે તારાનો અવાજ સાંભળ્યો.
એકાએક વિરાટની નજર સમ્રાટ પર પડી. એ ઘણા શરીર વચ્ચે જમીન પર પડ્યો હતો. એની આસપાસ કેટલાક શૂન્ય લોકોના અને કેટલાક નિર્ભય સિપાહીઓના મૃતદેહ હતા. વિરાટ એની આજુબાજુના શત્રુઓને એની આંખોમાં ધસી આવેલા આંસુ આરપાર જોઈ રહ્યો. એ બધાને મારતો એની પાસે પહોચ્યો ત્યાં સુધી એ વિરાટ તરફ જ જોઈ રહ્યો હતો.
એ સમ્રાટ પાસે ઘૂંટણિયે પડ્યો. એના માથા પર હાથ મૂક્યો. એના વાળ લોહીથી ભીના થઈ ગયા હતા. એની આંખો બલ્બના પ્રકાશથી ઝળહળી રહી હતી. સ્ટેશનના તમામ બલ્બ કરતાં વધુ પ્રકાશ એની આંખોમાં ઝળહળતો હતો. સમ્રાટે મોં ખોલ્યું અને અંતિમ શબ્દો બોલ્યો ત્યારે વિરાટને સમજાયું કે એની આંખોમાં આશા હતી. અવતારમાં એને વિશ્વાસ હતો. એના છેલ્લા શબ્દો હતા “અવતાર, આપણા લોકોને બચાવ.”
વિરાટે આંખો બંધ કરી દીધી અને એની છાતી ધબકતી બંધ થઈ ગઈ. એણે આંખો ખોલી અને ઊભો થયો. ઘણા અવાજ સંભળાતા હતા. રડતા અને ચીસો પાડતા અને શાપ આપતા પણ સમ્રાટના છેલ્લા શબ્દો એના કાનની પાછળ ધબકારા જેમ સંભળાતા હતા. એ બાકીના બધા અવાજને રોકી રહ્યા હતા. હવે વિરાટ આસપાસ શું થઈ રહ્યું છે એની એને જાણ નહોતી. એ બધાને મારી નાખવા માંગતો હતો. એ એના લોકોના મૃત્યુ માટે જવાબદાર તમામ નિર્ભયને મારી નાખવા માંગતો હતો. એ દીવાલની પેલી તરફ રહેતા નિર્દોષ લોકોની હત્યા કરનારા બધાને મારી નાખવા માંગતો હતો.
એ લડતો રહ્યો, એની આંખો દક્ષાના લોહીથી લથબથ ચહેરા સિવાય કંઈ જોઈ શકતી નહોતી, એના કાન સમ્રાટના છેલ્લા શબ્દો સિવાય કંઈ જ સાંભળી શકતા નહોતા. અંતે એ થાકીને જમીન પર પડ્યો અને હાંફવા લાગ્યો. એ ફરી એના પગ પર ઊભો થઈ શકે એમ નહોતો.
એને ખબર નહોતી કે એ મરી ગયો છે કે જીવે છે પણ એને એવું લાગતું હતું કે એ સૂતો છે. એ આંખો ખોલવા પણ અસમર્થ હતો. એ જાણતો હતો કે પોતે યુદ્ધના મેદાનમાં છે છતાં એની આંખોની અંદરનું દૃશ્ય બીજે ક્યાંકનું હતું. એ એક સ્વપ્ન જોતો હતો - એક સ્મૃતિસ્વપ્ન.
એ પચાસ વર્ષનો હતો. એના અડધા વાળ સફેદ અને અડધા કાળા હતા. એના ચહેરા પર કરચલીઓ હતી. એ સાદા કાળા ટ્રાઉઝર અને ચમકતા કપડાથી બનેલા સફેદ શર્ટમાં હતો. એ એક માણસની સામે ઊભો હતો. એની સામે ઊભો માણસ પણ આધેડ હતો - એના કરતા નાની ઉમરનો - લગભગ ચાલીસેક વર્ષનો અને એમની જમણી બાજુ એક સ્ત્રી ઊભી હતી જેને વિરાટ જાણતો નહોતો.
“મારે ટાવરની રક્ષા કરવાની જરૂર છે...” આધેડ માણસે કહ્યું, “પ્રલય લોકોની બધી ભાવનાઓને મારી નાખશે અને પછી એ એકબીજાને મારી નાખશે. આપણે ટાવરમાં રહેતા તમામ રાજકીય નેતાઓનું રક્ષણ કરવાની જરૂર છે જેથી આપણે પ્રલય પછી ફરીથી લોકશાહી વ્યવસ્થા સ્થાપિત કરી કાયદો અને વ્યવસ્થાને અમલમાં મૂકી શકીએ.”
"મારી પાસે એક યોજના છે." વિરાટે કહ્યું. એનો અવાજ વૃદ્ધ માણસની જેમ ધ્રૂજતો હતો, "મને પ્રાચીન સ્થાપત્યનું રહસ્ય મળી ગયું છે. હું ટાવરની આસપાસ એક ભૂલભુલામણી બનાવીશ જે મહાભારતના ચક્રવ્યુહનું આધુનિક મોડલ હશે.”
"શું એ પ્રવેશ અટકાવશે?" મહિલાએ પૂછ્યું. એ સપનામાં એના જેટલી જ વૃદ્ધ હતી પણ એનો અવાજ ધ્રુજતો નહોતો.
"જો એક હજાર સૈનિકો ચક્રવ્યૂહ અંદર પ્રવેશ કરશે તો પણ એમાંથી કોઈ બીજા વિભાગ સુધી પહોચી શકશે નહીં." વિરાટે કહ્યું, "મેં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતના સૌથી મોટા શહેરોની યોજના બનાવી છે. આપણા વૈજ્ઞાનિકોને આવનારા પ્રલયના ચિહ્નો મળ્યા પછી મેં પ્રાચીન લખાણનો અભ્યાસ કર્યો છે. હું એ કરી શકું એમ છું.”
"આભાર, ભાઈ." એ સ્ત્રીએ વૃદ્ધ વિરાટને આલિંગન આપ્યું, "તું જાણે છે કે કેટલા લોકો મારા પતિને મારવા માંગે છે. જો તું ટાવરને સુરક્ષિત કરીશ તો તું મારા પરિવારને સુરક્ષિત કરીશ."
"તું મારી બહેન છે." વિરાટે એની આંખમાંથી આંસુ લૂછ્યા, "અને હું તારા પરિવારને સુરક્ષિત કરવા માટે બધું જ કરીશ."
ત્યાં ઊભેલો આધેડ માણસ વિરાટનો સાળો હતો. એણે પણ આંખ લુછી અને આગળ વધીને વિરાટને આલિંગનમાં જકડી લીધો. એ રડતો હતો, "હવે ભારતનું ભવિષ્ય તારા હાથમાં છે." એણે કહ્યું અને વિરાટને ખ્યાલ આવ્યો કે પોતાની આંખમાં પણ આંસુ છે.
"મારે હવે જવું પડશે." વિરાટે કહ્યું, "જો આપણે આપણી બધી શક્તિનો ઉપયોગ કરીએ તો પણ એ બનાવવા માટે મારે ઓછામાં ઓછા છ મહિનાની જરૂર પડશે."
"હું જાણું છું." વૃદ્ધ માણસે કહ્યું, "એ કામ કરશે એવો મને વિશ્વાસ છે."
"હા, એ કામ કરશે." વિરાટે એને ખાતરી આપી.
વિરાટે એક દરવાજો ખોલ્યો અને બહાર ગયો અને અચાનક એની આંખોમાં પીડાદાયક ઉજાસ ફેકાયો.
ક્રમશ: