Dashavatar - 70 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 70

          "હું દેવતાઓ સામે લડવા તૈયાર છું." વિરાટે એના તાલીમી મિત્રો સાથે ગર્જના કરી. ટૂંક સમયમાં બાકીના તાલીમીઓ કુહાડી, કોદાળી અને ત્રિકમ લઈને એના લોકોના ટોળા સાથે એમની સાથે જોડાયા.

          એ રાત બળવાની શરૂઆત હતી. અનેક શૂન્યો તાલીમીઓના કહેવા પર સ્ટેશન તરફ શહીદી વહોરવા આગળ વધી રહ્યા હતા. કોઈએ પોતાનું હથિયાર આકાશ તરફ ઊંચું કર્યું અને ગર્જના કરી, “સાંભળો નિર્ભયો! સાંભળો દેવતાઓ. અમે આવી રહ્યા છીએ!" અને આ રીતે બૂમો પાડતા અને ગર્જના કરતા એ અંધકારમાં આગળ વધતા હતા. અંધકાર એટલો ઘેરો હતો કે એમના શરીર ભાગ્યે જ દેખાતા હતા. હવા ધૂળથી ભરાઈ ગઈ હતી. લોકોના દોડવાને લીધે રેત હવામાં એટલી ફેલાઈ ગઈ હતી કે અંધકારમાં પણ હવામાં તરતા રેતના કણ આગિયાની જેમ ચમકતાં હતા. એ અંધકાર વચ્ચે દોડી રહ્યા હતા. એ મૃત્યુ તરફ દોડી રહ્યા હતા.

          એ બધા જાણતા હતા કે પોતે મૃત્યુ તરફ જઈ રહ્યા છે છતાં આજે એમના હ્રદયમાં કોઈ ભય નહોતો. એમને વિરાટ પર વિશ્વાસ હતો. અવતાર એમની સાથે છે એ હકીકત એમને ખુદ કારુ સામે લડવાની શક્તિ આપે એટલી મજબુત હતી.

          સદીઓથી ગુલામીની સાંકળોમાં કેદ રહેલા શૂન્યોના હાથમાં આજે હથિયારો હતા અને એ મૃત્યુ તરફ દોટ મૂકતાહતા. વિરાટ જાણતો હતો કે ર હંમેશાથી તૈયાર હતા પરંતુ રમને વિશ્વાસ અપાવવાવા માટે કોઈની જરૂર હતી. જ્યારે બે નિર્ભયે રમને ખાતરી આપી કે વિરાટ અવતાર છે ત્યારે ર મરવા માટે પણ તૈયાર થઈ ગયા. દીવાલની દક્ષીણના મોટાભાગના શૂન્યો એમની તાલીમ વિશે જાણતા હોવાથી સાથે જોડાયા હતા. વિરાટે દીવાલની પેલી તરફ શું કર્યું એ સાંભળી એમના હૃદયમાં હિંમત જન્મી હતી અને એ ફરીથી એ હિંમત ગુમાવવા તૈયાર નહોતા.

          શું હું આ ઠીક કરી રહ્યો છું? એમને મૃત્યુના મુખમાં લઈ જવા એ યોગ્ય છે?  આગગાડીમાં આવતા નિર્ભય સિપાહીઓ તમામ શસ્ત્રોથી સજ્જ અને મારવા માટે પ્રશિક્ષિત હશે. સ્ટેશન પર થોડીવારમાં મારા લોકોની લાશોનો ખડકલો થઈ જશે. શું હું એ લાશોનો બોજ સહેવા તૈયાર છું? શું હું જે કરી રહ્યો છું એ યોગ્ય છે? એના લોકો પ્રત્યેની જવાબદારીની લાગણીએ વિરાટને ગૂંચવી નાખ્યો. એના માટે દોડવું મુશ્કેલ બન્યું પણ એ જીતવા માટે મક્કમ બનીને આગળ વધતો રહ્યો.

          સ્ટેશન તરફના રસ્તે એના લોકો વચ્ચે દોડતા વિરાટે સ્થિર ગતિ જાળવી રાખી હતી. એ જે માર્ગ પર દોડતા હતા એની આસપાસની ઝૂંપડીના લોકો પણ આગગાડીનો અવાજ સાંભળી જાગી ગયા હતા. એ બધા શું કરવું એ દુવિધામાં હતા પણ જેવી એમની ઝૂંપડી સ્ટેશન તરફ કુચ કરતા લોકોના પગલાના અવાજથી ગુંજી ઉઠી કે તરત એ પણ યુદ્ધમાં જોડાવા જે હાથમાં આવ્યું એ હથિયાર લઈને એ ભીડમાં ભળી ગયા. વિરાટ અને કાફલો જેમજેમ આગળ વધતો ગયો તેમતેમ વધુને વધુ લોકો એમાં જોડાતા રહ્યા અને અંતે કાફલાની લંબાઈ અડધા કિલોમીટર જેટલી થઈ ગઈ.

          "પવિત્રા?" દક્ષાએ એમની ભીડમાં નવી દાખલ થયેલી એક છોકરીને કહ્યું, “તારી હજી લડવાની ઉમર નથી થઈ.”

          “હા.” પવિત્રાએ એક શૂન્યની જેમ પ્રામાણિકપણે જવાબ આપ્યો, “પણ હું મારા લોકો માટે લડીશ. હું મારા લોકોને મરતા જોઈ શકું એમ નથી.” 

          એ વિરાટની બરાબર બાજુમાં હતી પણ અંધારું ઘણું ગાઢ હતું એટલે વિરાટ એ કોણ છે એ જોઈ શક્યો નહોતો. જોકે એમની વાતચીત પરથી એને એટલું તો સમજાયું કે કળિયુગ સામેની એ લડાઈમાં એક શૂન્ય તરુણી જેની ઉમર હજુ લડી શકે એટલી નથી એ પણ સ્વેરછાએ જોડાઈ રહી છે એટલે કળિયુગનો અંત કોઈ અટકાવી શકશે નહીં. જે યુદ્ધમાં માણસો કોઈ પણ સ્વાર્થ વિના જોડાય એ યુદ્ધ ધર્મયુદ્ધ બની જાય છે.

          હવે આગળ વધવું મુશ્કેલ હતું. એકએક ડગલું એમના માટે પીડાદાયક હતું. એમના પગ દુખતા હતા અને ફેફસામાં બળતરા થતી હતી પણ એ દોડતા જ રહ્યા. રસ્તામાં જોડાયેલા કેટલાક લોકો વૃદ્ધ હતા. એ દોડીને થાકી ગયા હતા. કોણ જાણે ક્યાંથી એમને શક્તિ મળી પણ એમણે હાર ન માની. કોઈ થાકીને ઊભું ન રહ્યું. એ તેઓ દોડતા જ રહ્યા. સ્ટેશન દેખાયુ છતાં એ ધીમા ન પડ્યા. 

          એ સ્ટેશન નજીક પહોંચ્યા ત્યારે કલાકો પસાર થઈ ગઈ હતી. એ સ્ટેશનની કાંટાળા તારની વાડ નજીક ઊભા રહ્યા ત્યારે એમના હૃદય જોરથી ધબકતા હતા. ઠંડી રાતમાં પણ એમના કપડા પરસેવાથી પલળી ગયા હતા. વૃદ્ધોની હાલત કફોડી હતી. એ ભયાનક રીતે હાંફતા હતા. એ જ સ્થિતિ તરુણોની હતી. એમના શરીરમાં યુવાનો જેટલી શક્તિ નહોતી. જોકે યુવાન હોય, વૃદ્ધ હોય કે તરુણ હોય કોઈનામાં ઈચ્છા શક્તિની જરા સરખી પણ ઉણપ નહોતી.

          "કોઈ વાડને હાથ ન લાગાવશો..." વજ્રએ બૂમ પાડી પણ એ પહેલાં એક યુવાન શૂન્યએ વાડને લાત મારી હતી. એનો પગ વાયરને સ્પર્શ્યો અને એ મૃત્યુ પામ્યો. એણે વીજળીનો અવાજ સાંભળવાની જરૂર હતી.

          "આપણે વીજળી કાપવી પડશે." વજ્રએ બૂમ પાડી, "પરંતુ એ માટે આપણે અંદર પ્રવેશવાની જરૂર પડશે કારણ કે જનરેટર વાડની અંદર છે."

          "એક રસ્તો છે." વિરાટે કહ્યું, "કોઈને વાડની પેલી તરફ મોકલવા એ જ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ જે આપણે કોલસાની ખાણમાં વાપરીએ છીએ..."

          "એ યોગ્ય છે." એના પિતાએ કહ્યું અને એ જ ક્ષણે એમણે ભૂગર્ભ ટનલના બીજા છેડેથી સ્ટેશનમાં દાખલ થતી આગગાડીનો અવાજ સાંભળ્યો.

          "એ આવી ગયા." તારાએ બૂમ પાડી, "આપણી પાસે વીજળી કાપવાનો સમય નથી રહ્યો."

          વિરાટે ઉપર જોયું અને પ્રલય પહેલાના દયાળુ ભગવાનને પ્રાર્થના કરીપણ રાતના આકાશમાં ઘેરો અંધકાર કાળી શાહી જેમ છવાયેલો હતો જેમાં તારા પણ ઝાંખા દેખાતા હતા. વિરાટને શંકા થઈ કે એ અંધકારને ચીરીને એનો અવાજ ત્યાં વસતા પ્રલય પહેલાના દયાળુ દેવો સુધી પહોંચશે કે કેમ?

          સ્ટેશનના વિશાળ પ્રાંગણમાં પાટનગરની પ્રયોગશાળામાં શંકરણ કરીને બનાવેલા રાક્ષસી વૃક્ષો રાતના અંધકારમાં બિહામણા લાગતા હતા. એની ઘટામાં છુપાયેલા ઘુવડનો અવાજ કાળજામાં ફફડાટ જન્માવતો હતો. પછી એ બધા અવાજને ઢાંકી દેતો આગગાડીની સીટીનો અવાજ સંભળાયો. એ કાન ફાડી નાખે એવો અવાજ સાંભળી શૂન્યોની છાતીના પાટિયા બેસી ગયા. એમની છાતીમાં સીટીનો અવાજ ગુંજતો હોય એમ એમનું હૃદય કાનના પડદા ધ્રુજાવી નાખે એટલું જોરથી ધબકવા લાગ્યું. સીટીનો અવાજ સંભળાતો બંધ થયો એ સાથે જ સ્ટેશનના તોતિંગ દરવાજા પર બેઠા એક વિશાળકાય ઘુવડે ભયાનક ચિચિયારી પાડી. લોકોના ટોળાને જોઈને પણ એ ડરીને ઉડ્યું નહીં. એની ગોળાકાર આંખો એમને જોઈ રહી હતી જાણે એ કોઈ સામાન્ય પક્ષી ન હોય પણ કારુના મંદિર પર ફરકતી અધર્મ પતાકા પર ચીતરેલું ઘુવડ હોય અને સજીવન થઈને કારુના હુમલાખોરોની આગેવાની કરવા આવ્યું હોય!

          આગગાડીની લાઈટો શૂન્યોની આંખોને નડતી હતી એમાં સ્ટેશનના તમામ બલ્બ ચાલુ થયા હતા. બલ્બના ઉજાસથી આખું સ્ટેશન પ્રકાશિત થઈ ગયું. વિરાટે આગગાડીના આગમનના આઘાતને પચાવ્યો. એનું મન કોઈ યોજના વિચારવા મથતું હતું પણ કોઈ યોજના સુજતી નહોતી.

          વિરાટ અને એના લોકોએ આગગાડી ઊભી રહી એ પહેલા જ ડબ્બાઓના દરવાજા ખુલતાં અને એમાંથી કાળા પાટલુન અને કાળા શર્ટ પહેરેલા નિર્ભય સિપાહીઓને પ્લેર્ફોર્મ પર કુદી પડતાં જોયા. કાળસેના – એ પાટનગરની સૌથી ખાસ તાલીમ પામેલી કાળસેનાના સિપાહી હતા. પ્લેટફોર્મ પર કુદી જનારા એક પણ સિપાહીએ સંતુલન ગુમાવ્યું નહોતું. એમને ચાલુ આગગાડીએ કુદવાની ટેવ હતી. શૂન્યો માટે એમને જોવા એ સૌથી ભયાનક હતું કેમકે એ કેટલા હિંસક છે એ એમણે જોયુ હતું. રાતે થતાં આક્રમણમાં કાળસેનાના સિપાહીઓ જ દીવાલની દક્ષીણમાં નરસંહાર કરવા આવતા હતા.

          વિરાટ અને એના લોકો વાડની બહારના ભાગે હતા. કાંટાળા વાયરોમાં ચાલતી વીજળીને કારણે સ્ટેશનમાં પ્રવેશવાનો એમને કોઈ ઉકેલ મળતો નહોતો. વિરાટે હોઠ ભીંસ્યા અને મુઠ્ઠીઓ વાળી પણ એ જાણતો હતો કે ગુસ્સો કોઈ માર્ગ બતાવી શકે એમ નથી.

          એણે એની આસપાસના દરેક ચહેરા પર ભય છવાતો જોયો. વજ્ર અને તારાના ચહેરા પણ ફિક્કા પડી રહ્યા હતા. 

          "આ સેના તો નિર્ભયને મારવા માટે છે." વજ્રએ કહ્યું, "એમનો ઈરાદો ભયાનક આક્રમણનો છે."

          વિરાટે માથું હલાવ્યું. જે આતંક એની નજર સામેનું દૃશ્ય એના હ્રદયમાં જન્માવતું હતું એને છુપાવવાનો પ્રયાસ કર્યો છતાં એની આંખોની ઉદાસી ચાડી ખાઈ જતી હતી.

          "ઓછામાં ઓછા પચાસ સિપાહીઓ છે." તારાના અવાજમાં પણ ભય હતો.

          "અને હજુ પણ ગણતરી ચાલુ છે." વિરાટે ઉમેર્યું. એના મોટા ભાગના લોકો હથેળીથી આંખો ચોળી રહ્યા હતા. એ જે જોઈ રહ્યા હતા એના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. રાત્રી આક્રમણમાં કાળસેનાના માત્ર પાંચ સાત સિપાહીઓ જ આવતા પણ એમની સામે પચાસ કરતાં પણ વધારે હિંસક સિપાહી ઊભા હતા. નિર્ભય સૈનિકોની સંખ્યા જોતા એવું લાગતું હતું કે કારુ બીજી સવારે દીવાલની દક્ષીણ તરફના અડધા કરતાં પણ વધારે લોકોની ચિતા સળગતી જોવા માંગતો હશે.

          શૂન્યોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. સ્ટેશન સુધી એમણે જાળવી રાખેલી હિમતને એ ભય અંદરથી ઉધઈની જેમ કોરીને ખાવા લાગ્યો હતો. વિરાટે એના પિતા તરફ જોયું. એ નીરદને પૂછવા માંગતો હતો કે શું કરવું જોઈએ પણ એણે નીરદના ચહેરાના ભાવ જોયા અને અટકી ગયો - એણે નીરદને ક્યારેય એટલા ભયમાં જોયા નહોતા. વજ્ર અને તારા પણ સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા હતા અને બધા શૂન્યા લોકો એમની પાછળ ઊભા પસાર થતી દરેક પળે હામ ગુમાવી રહ્યા હતા. શૂન્યો હિંમત હારવાની તૈયારીમાં હતા.

          વજ્ર જાણતો હતો કે લોકો હિંમત ગુમાવી રહ્યા હોય ત્યારે નાયકની એક જ ફરજ હોય છે અને એ છે એમને હિંમત આપવાની. એણે એ ફરજ નિભાવતા સૌ પ્રથમ ગર્જના કરી. વજ્રનો અવાજ ભીડમાં ફરી વળ્યો એ સાથે જ એણે તલવાર ઉંચી કરી, તલવારને સ્ટેશનની ઈમારત તરફ રાખી જમીનની સમાંતર પકડી અને ઊંડો શ્વાસ લીધો.

           એના લોકોને સંભળાય એટલા ઊંચા આવજે એણે કહ્યું, "આપણે જાણતા હતા કે આપણે લડવાનું છે એટલે ભલે હાલત ગમે તેવી હશે તો પણ આપણે લડીશું." જોકે એમની સામે જે હાલત હતી એ જોતા એના અવાજમાં પણ ધ્રુજારી ભળતી હતી. એક નિર્ભય પણ ભયને પોતાના હૃદયમાં પ્રવેશતા અટકાવી ન શકે એવો માહોલ સ્ટેશનની અંદર આકાર લઈ રહ્યો હતો.

           વિરાટ પણ ભય સામે આંતરિક રીતે લડી રહ્યો હતો. સ્ટેશનની અંદર અચાનક જોરથી અવાજ ઊઠ્યા – શું થયું છે એ જોવા શૂન્યોએ એ તરફ નજર કરી. નિર્ભય સૈનિકો વચ્ચે લડાઈ શરુ થઈ હતી. વીજળીના બલ્બની રોશનીમાં તલવારો ચમકતી હતી, હવામાં ઉડતી છરીઓ પર પડતો પ્રકાશ રાક્ષસી કાળના આગિયા ઉડતા હોય એવી ભ્રમણા પેદા કરતો હતો. નિર્ભય સિપાહીઓના શરીરમાંથી ઉડતા લોહીના ફુવારા એ ઉજાસમાં ચમકતા હતા.

           દુશ્મનો અંદરોઅંદર લડતા હતા - પણ શા માટે?

           એકાએક વિરાટે વજ્રના પિતા જગપતિને જોયો. નિર્ભય સેનાનાયક પોતાનું વચન નિભાવવા આવી પહોંચ્યો હતો. જગપતિએ એની નજીકના એક યુવાન નિર્ભયના કાનમાં કંઈક કહ્યું અને બંને ડાબી તરફ દોડ્યા. એમના માર્ગમાં અવરોધ બનતા સિપાહીઓને ધક્કા મારતા અને દુર હડસેલતા અને જરૂર પડ્યે છરી અને તલવારનો ઉપયોગ કરતા તીરની જેમ ડાબી તરફ આગળ વધવા લાગ્યા.  

           "મારા પિતાજી આવી પહોંચ્યા છે," વજ્રએ આનંદથી ચીસ પાડી, "એ પોતાની સાથે જૈવિક પ્રક્રિયાથી બિન-અસરગ્રસ્ત નિર્ભય સિપાહીઓને પણ લઈ  આવ્યા છે."

           "આપણને મદદ મળી ગઈ છે." તારાએ શૂન્ય તરફ જોઈને ચીસ પાડી. એ શબ્દો શૂન્ય લોકોને હિંમત આપશે એની તારાને ખાતરી હતી.

           "એ શુ કરી રહ્યા છે?"  વિરાટે પૂછ્યું, "તારા પિતા શું કરવા જઈ રહ્યા છે?"

           "જનરેટર..." વજ્રએ કહ્યું, "એમણે આપણને જોયા છે અને આપણે અંદર દાખલ થઈ શકીએ એ માટે જનરેટર બંધ કરવા દોડ્યા છે."

           એ પછીની પાંચ મિનિટમાં એમણે જૈવિક પ્રકિયાથી અસરગ્રસ્ત અને બિનઅસરગ્રસ્ત નિર્ભય સિપાહીઓને એકબીજા સામે લડતા જોયા. બિન-અસરગ્રસ્ત નિર્ભયની સંખ્યા ઓછી હતી એટલે લડાઈનું પરિણામ સ્પષ્ટ નજરે પડતું હતું. જો વિરાટ અને એના લોકો અંદર જઈને એમને મદદ ન કરી શકે તો બિનઅસરગ્રસ્ત નિર્ભય સિપાહીઓ લાંબો સમય ટકી નહીં શકે એ નક્કી હતું.

           “વાયરમાં વહેતા પ્રવાહનો અવાજ બંધ થઈ ગયો છે...” તારાએ વાડ પાસે માથું ઝુકાવ્યું, એના કાન કાંટાળા વાયરોથી થોડાક ઈંચ જ દૂર હતા, “એમણે જનરેટર બંધ કરી દીધું છે.”

          વાયરને સ્પર્શ કરનાર પ્રથમ વિરાટ હતો. વાયરમાં હવે પ્રવાહ નહોતો - એમાં કોઈ વીજળી નહોતી. એણે પવન સામે જોયું, "કોઈ યોજના?"

          "ના." એણે જવાબ આપ્યો. એનો અવાજ થોડો ધ્રૂજતો હતો.

          "મને સમજાતું નથી કે અંદર શું ચાલી રહ્યું છે." દક્ષા બોલી.

          "એમાંના કેટલાક આપણને મદદ કરવા માટે આવ્યા છે." વિરાટે કહ્યું અને એમણે તમામ બળ લગાવી એક સાથે વાડ પર દબાણ કરવાનું શરૂ કર્યું.

          "હા, હું જાણું છું." દક્ષાએ કહ્યું, "પણ જ્યારે આપણે વાડની અંદર હોઈએ ત્યારે આપણી સાથે કોણ છે અને આપણો દુશ્મન કોણ છે એ આપણે કેવી રીતે જાણી શકીએ?"

          "એ જાણવાનો કોઈ રસ્તો નથી." વિરાટે કબુલ્યું, "એ બધા એક જ પરિધાનમાં છે."

          “આપણે અહીં નહોતું આવવા જેવું.” પવને કહ્યું. એનો અવાજ વિચિત્ર લાગતો હતો. શૂન્ય લોકો વાડ પર બળ લગાવતા હતા અને વાયરો કાપવા એમના ઓજારો વાપરતા હતા એ અવાજ વચ્ચે દબાતો એનો અવાજ વિચિત્ર લાગતો હતો.

          શૂન્યોએ કેટલાક થાંભલા ઉખાડી નાંખ્યા હતા અને ખાસ્સા એવા વાયરો કાપી નાંખ્યા હતા. એ જન્મજાત મજૂર હતા અને એમને વાડને જમીન પર પાડી દેવામાં ખાસ સમય ન લાગ્યો. વિરાટ પવનની જેમ રડવા બેસવાના મિજાજમાં નહોતો. એ જાણતો હતો કે એમણે કંઈક કરવું પડશે, "મારી પાસે એક યોજના છે." એણે કહ્યું. એમના માર્ગમાં હવે વાડનો અવરોધ નહોતો. હવે અંદર જવાનો સમય થઈ ગયો હતો.

          "એમને પહેલા હુમલો કરવા દો. જો એ આપણી સાથે હશે તો હુમલો નહીં કરે અને જો એ જૈવિક પ્રક્રિયાની અસર હેઠળ હશે તો હુમલો કરશે.”

          એકવાર વાડ જમીનદોસ્ત થઈ ગઈ પછી શૂન્યો અને નિર્દયતાથી લડતા નિર્ભય સિપાહીઓ વચ્ચે કોઈ અવરોધ નહોતો. વિરાટે જોયું કે નિર્ભય એકબીજાને તલવારથી કાપી રહ્યા હતા, કોઈકના માથા કપાઈ રહ્યા હતા તો કોઈકના હાથ પગ. હવામાં જેમ રેતના કણ ઉડતા હોય એમ છરીઓ ઉડતી હતી. એ દૃશ્યએ એના હૃદયને હચમચાવી નાખ્યું. એણે ક્યારેય લોકોને આ રીતે લડતા જોયા નહોતા. એના લોકોએ આવી ક્રૂરતા જોઈ નહોતી. એ દૃશ્ય શૂન્યો માટે પ્રલયથી ઓછું ભયાવહ નહોતું. વિરાટ સ્ટેશનની અંદર જવા આગળ વધ્યો પણ એના પગ થાકેલા અને ધ્રૂજતા હતા. એણે હિંમત ભેગી કરી હતી એ હવા બનવા લાગી હતી અને એને ભય લાગ્યો કે એ બધા નિર્ભય સામે જશે ત્યારે ધાતકી નિર્ભય એમને એક પળમાં કચડી નાખશે.

          "તમે કોની રાહ જુઓ છો?" જગપતિ દોડીને એમની પાસે આવ્યો. એની સાથે બીજા બે નિર્ભય સિપાહીઓ પણ હતા, “તેમણે આગગાડીની છેલ્લી સફરમાં દીવાલની પેલી તરફ ગયેલા બસો ત્રીસ લોકોને મારી નાંખ્યા છે. એ તમારા વિદ્રોહના પુરસ્કાર તરીકે તમને એ તમામ મૃતદેહો બતાવવા અહીં આવ્યા છે. શું તમે એ મૃતદેહોની રાહ જોઈ રહ્યા છો?”

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED