પ્રારંભ - 17 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 17

પ્રારંભ પ્રકરણ 17

જગદીશભાઈ ઉપર મુંબઈથી મનીષનો ફોન આવી ગયો કે દલાલ સ્ટ્રીટમાં આવેલી સ્ટૉક એક્ષચેન્જ બિલ્ડિંગના ૧૭ મા માળની ઓફિસ હવે એકદમ રેડી છે. એટલે જગદીશભાઈ અને સિદ્ધાર્થ બન્ને ૬ જૂને મુંબઈ પહોંચી ગયા. બધી જરૂરી કાર્યવાહી પતાવીને ઓફિસ સિદ્ધાર્થના નામે કરાવી દીધી.


ઓફિસ ખુબ જ સરસ હતી અને એકદમ તૈયાર પણ હતી. બોલ્ટ વગેરે પણ એકદમ ચાલુ જ હતા એટલે ત્યાં બીજો કોઈ ખર્ચ કરવાનો હતો જ નહીં ! સિદ્ધાર્થ સાથે બીજા ત્રણ ઓપરેટર બેસી શકે એવી કોમ્પ્યુટરની વ્યવસ્થા પણ હતી.


પૈસાની જે પણ લેવડ-દેવડ હતી તે તમામ જગદીશભાઈએ મનીષ સાથે કરી લીધી અને ઓફિસનું પજેશન પણ લઈ લીધું. પરમિશન પણ બધી આવી ગઈ હતી એટલે ગમે ત્યારે સારું મુરત જોઈ સ્ટોક એક્સચેન્જનું કામકાજ ચાલુ કરી દેવાનું હતું.


ગુજરાતીઓ માટે તો રથયાત્રાનું મુહૂર્ત ઉત્તમ ગણાતું જ હોય છે એટલે જગદીશભાઈએ ૧૦ જુલાઈના પવિત્ર રથયાત્રાના દિવસે જ સ્ટોક એક્સચેન્જના કાર્યનો પ્રારંભ કરવાનો નિર્ણય સિદ્ધાર્થને જણાવી દીધો.


એક મોટા સ્ટોક બ્રોકર તરીકે સિદ્ધાર્થને કામ કરવાની ઈચ્છા હતી અને સુરતમાં ડાયમંડના મોટા વેપારીઓનું બહુ મોટું જૂથ હતું. એટલે એ વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા સ્ટોક માર્કેટમાં રોકાવવાનો સિદ્ધાર્થનો પ્લાન હતો. એણે સુરત પાછા ફરીને મોટી મોટી પાર્ટીઓને કન્સલ્ટ કરવાનું અને સ્ટોક માર્કેટમાં પૈસા રોકવાનું સમજાવવાનું ચાલુ કર્યું.


સ્ટોક માર્કેટમાં પૈસા રોકવા માટેના અનેક બીજા માર્ગ પણ હતા. ફિક્સ વ્યાજે પણ એ પૈસા લઈ શકતો હતો. મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાવી શકતો હતો. સારા સારા શેર્સ પણ એ પોતાના ક્લાઈન્ટો માટે ખરીદી શકતો હતો.


આ છેલ્લા ત્રણ મહિનામાં સિદ્ધાર્થે સ્ટોક માર્કેટનો ખુબ જ ઊંડાણથી અભ્યાસ પણ કર્યો હતો અને થોડીક ટ્રેનિંગ પણ લઈ આવ્યો હતો એટલે એની પાસે સંપૂર્ણ જ્ઞાન આવી ગયું હતું.


બને ત્યાં સુધી સ્પેક્યુલેશનથી દૂર રહેવાની જ એની ઈચ્છા હતી જેથી ક્યારે પણ ટેન્શન ન થાય અને ક્લાઈન્ટોના પૈસા પણ ડૂબી ના જાય ! ખૂબ જ સાવધાનીપૂર્વક સિદ્ધાર્થ આગળ વધવા માગતો હતો !!


એકાદ મહિનામાં જ લગભગ ૯૦ કરોડ જેટલી રકમ એણે ડાયમંડ માર્કેટની જાણીતી પેઢીઓ પાસેથી મેળવી લીધી. બીજા ૫૦ કરોડ જેટલા મળે એમ હતા પરંતુ એ બધો રોકડિયા વ્યવહાર હતો એટલે એનું એક નંબરમાં સેટિંગ કરવું પડે તેમ હતું જે એણે હાલ પૂરતું પેન્ડિંગ રાખ્યું. શરૂઆત તો સારી હતી અને જો એ ડાયમંડના વેપારીઓને સારો પ્રોફિટ કરાવી શકે તો બીજા વેપારીઓ પણ તૈયાર જ હતા !


-------------------------------------


૧૧ જૂન આવી ગઈ. સૌરાષ્ટ્ર મેલ જામનગરથી બપોરે દોઢ વાગે ઉપડતો હતો અને સુરત રાત્રે ૧૨ વાગ્યા આસપાસ પહોંચતો હતો. કેતને મનસુખ માલવિયાને સુચના આપી દીધી હતી એટલે એ બપોરે ૧૨:૩૦ વાગે જ કેતનના બંગલે આવી ગયો હતો.


સિયાઝમાં બેસીને કેતન લોકો બપોરે ૧ વાગે જ જામનગર સ્ટેશને પહોંચી ગયા. ફર્સ્ટ ક્લાસનું રિઝર્વેશન તૈયાર જ હતું એટલે બીજી કોઈ ચિંતા ન હતી. ટ્રેન સમયસર આવી ગઈ એટલે મનસુખે ૨ ટ્રોલી બેગો કેતન શેઠની સીટ નીચે ગોઠવી દીધી અને નીચે ઉતરી ગયો.


" મને તો ભાઈ જામનગરમાં બહુ જ મજા આવી. જામનગર આપણા સુરત જેવું ધમાલિયું નથી. " ટ્રેન ઉપડી એટલે શિવાની બોલી.


" દરેક ગામ અને દરેક શહેરનું એક ચોક્કસ વાતાવરણ હોય છે શિવાની. દક્ષિણ ગુજરાત કરતાં આ સૌરાષ્ટ્ર પ્રદેશ જરાક જુદો પડે છે. અહીંના લોકો ભક્તિભાવવાળા વધારે હોય છે અને મહેમાનગતિ પણ સારી કરી જાણે છે." કેતન બોલ્યો.


" હવે તમે જલ્દી લગ્નનો નિર્ણય લઈ લો. જાનકીને પણ અહીં ખૂબ જ ગમશે. નીતા પણ મને ખૂબ જ સરસ લાગી પરંતુ મારી પ્રથમ પસંદગી જાનકી છે. " શિવાની બોલી.


" અને માની લો કે હું નીતા સાથે લગ્ન કરી લઉં તો ? " કેતન હસીને બોલ્યો.


" જાઓ ને ભાઈ ! મને ખબર છે તમે ખાલી ખાલી મને ખીજવવા કહો છો ! તમારું મન પણ જાનકીમાં જ છે. " શિવાનીએ પણ હસીને જવાબ આપ્યો.


બંને ભાઈ બહેન જામનગરથી સુધા માસીના હાથની સરસ રસોઈ જમીને જ નીકળ્યાં હતાં એટલે રસ્તામાં અત્યારે જમવાનો કોઈ પ્રશ્ન ન હતો. સાંજે ૭ વાગે એમણે ટ્રેનમાં જમવાનો ઓર્ડર આપી દીધો અને ૮ વાગે જમી પણ લીધું.


ફોન ઉપર વાત થઈ ગઈ હતી એટલે સિદ્ધાર્થ રાત્રે ૧૨ વાગે સુરત સ્ટેશન ઉપર ગાડી લઈને આવી ગયો હતો.


" વેલકમ હોમ ! " કેતન અને શિવાની ફર્સ્ટ ક્લાસના કોચમાંથી નીચે ઉતર્યાં એટલે સિદ્ધાર્થે હસીને સ્વાગત કર્યું.


બંને ભાઈઓએ એક એક ટ્રોલી બેગ લઈ લીધી અને સ્ટેશનની બહાર નીકળ્યા.


" કેવું રહ્યું જામનગર શિવાની ?" ગાડી ચલાવતાં ચલાવતાં સિદ્ધાર્થે પૂછ્યું.


" બહુ જ મજા આવી ભાઈ. મને તો ત્યાં બહુ જ ગમી ગયું. જામનગર આપણા સુરત કરતાં ઘણું જુદું પડે છે. ભાઈએ બંગલો પણ બહુ સરસ રાખ્યો છે. " શિવાની બોલી.


કેતન અને શિવાની જામનગરથી આવી રહ્યાં હતાં એટલે આખું ઘર જાગતું હતું. ઘરના તમામ સભ્યોએ રાત્રે ૧૨:૩૦ વાગે કેતન અને શિવાનીનું પ્રેમથી સ્વાગત કર્યું.


"જામનગરનું પાણી શિવાનીને સારું માફક આવી ગયું લાગે છે. અહીંના કરતાં હેલ્ધી થઈને આવી છે ! " પપ્પા જગદીશભાઈ. હસીને બોલ્યા.


" હા પપ્પા મારે તો ત્યાં કોઈ ચિંતા હતી જ નહીં. સુધામાસી જમવાનું પણ બહુ જ સરસ બનાવે છે. અને હમણાં તો કેરીની સીઝન ચાલે છે એટલે રોજ રસ રોટલી હોય પછી તબિયત તો સુધરે જ ને ? " શિવાની બોલી એટલે બધાં હસી પડ્યાં.


" ચાલો હવે બધા સુઈ જાવ. રાતના ૧૨:૩૦ વાગી ગયા છે. બધી વાતો સવારે થશે. " જયાબેન બોલ્યાં એટલે બધા પોતપોતાના બેડરૂમમાં ગયા.


જો કે કેતન ગમે એટલો મોડો સૂતો હોય તો પણ તેને સવારે પાંચ વાગે ઉઠી જવાની આદત પડી જ ગઈ હતી એટલે એ તો વહેલો ઉઠી ગયો. એણે અડધો કલાક ધ્યાન પણ કર્યું અને ગાયત્રી મંત્રની પાંચ માળા પણ કરી.


"સિદ્ધાર્થનું મુંબઈમાં બધું ફાઇનલ કરી દીધું છે. ઓફિસ પણ એના નામે થઈ ગઈ છે. બોલ્ટ પણ ચાલુ જ છે. બસ ત્યાં જઈને બેસી જ જવાનું છે. ૧૦ જુલાઈએ રથયાત્રાના દિવસે સિદ્ધાર્થ સ્ટોક બ્રોકર તરીકે ત્યાં કામ ચાલુ કરી દેશે. " સવારે ચા પીતાં પીતાં ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા જગદીશભાઈએ વાત કરી.


" ચાલો એમની ઈચ્છા પણ પૂરી થઈ. એ પણ એક સારી લાઈન જ છે અને ભાઈને રસ છે તો એ ઘણા આગળ આવી જશે. " કેતન બોલ્યો.


"અત્યારે સુરતમાંથી આપણી જાણીતી પાર્ટીઓમાંથી ૯૦ કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. હવે જો પ્રોફિટ એ લોકોનો મળશે તો બીજા વેપારીઓ પણ લાઈનમાં છે જ. " જગદીશભાઈ બોલ્યા.


"સ્ટાર્ટિંગ તો ઘણું સારું છે ભાઈ. રકમ કંઈ નાની નથી. લોકોએ તમારામાં વિશ્વાસ મૂક્યો છે. હવે તમારી સૂઝ અને આવડત ઉપર બધો આધાર છે. સ્પેક્યુલેશનથી બને ત્યાં સુધી દૂર રહેજો. કારણ કે આ બધા પૈસાની જવાબદારી તમારી છે ભાઈ " કેતન બોલ્યો.


"હું સમજુ છું કેતન. લોકોની ડિપોઝિટ થી સ્પેક્યુલેશન કરાય પણ નહીં. છેલ્લા ત્રણ મહિનામાં સ્ટોક માર્કેટનો મેં બહુ જ અભ્યાસ કર્યો છે અને બધાને હું પ્રોફિટ આપીશ. મોટાભાગના વેપારીઓને તો ૨ થી ૫ ટકા ફિક્સ વ્યાજ આપવાનું જ નક્કી કર્યું છે એટલે મને એની બહુ ચિંતા નથી. " સિદ્ધાર્થ બોલ્યો.


" ચાલો તો તો પછી ચિંતા કરવાનું કોઈ ખાસ કારણ જ નથી. " કેતને કહ્યું.


" તેં પછી જામનગરમાં શું કરવાનું નક્કી કર્યું ? " પપ્પા બોલ્યા.


" હજુ તો કંઈ જ વિચાર્યું નથી પપ્પા. કંઈક મોટું કરવાની ઈચ્છા છે. હમણાં ત્યાં એરપોર્ટ રોડ ઉપર એક મોટો પ્લોટ ખરીદીને ધરમશીભાઈને બંગલાની મોટી સ્કીમ કરવાનું મેં કહી દીધું છે જેથી ત્યાં હું મારો પોતાનો બંગલો બનાવી શકું. ધરમશીભાઈ કન્સ્ટ્રક્શન લાઈનના બાહોશ બિલ્ડર છે. " કેતન બોલ્યો.


"કન્સ્ટ્રક્શન લાઈન પણ ઘણી સારી જ છે. તને પણ જો રસ પડતો હોય તો તું પણ ત્યાં બિલ્ડર તરીકે એની સાથે આગળ વધી શકે છે. ધરમશી સારો માણસ છે." જગદીશભાઈ બોલ્યા.


"તમારી વાત સાચી છે પપ્પા. પરંતુ હું હજુ કંઈક બીજું જ વિચારું છું. હજુ મનમાં કોઈ ચોક્કસ દિશા પ્રાપ્ત થઈ નથી પરંતુ મારે કોઈ ઉતાવળ પણ નથી." કેતન બોલ્યો.


" કંઈ વાંધો નહીં. આપણને જે પસંદ હોય એ જ કરવું. " જગદીશભાઈએ જવાબ આપ્યો.


"પપ્પા સિદ્ધાર્થભાઈ મુંબઈમાં શિફ્ટ થશે તો પછી ત્યાં મકાન પણ જોવું પડશે ને ? એક મહિનો જ બાકી રહ્યો છે. " કેતને પૂછ્યું.


" હાલ પૂરતી તો વ્યવસ્થા કરી દીધી છે. આપણા એક ડાયમંડના વેપારી મનોજભાઈ શાહ ત્યાં પારલા ઈસ્ટમાં જ રહે છે. એમનો એક ફ્લેટ ત્યાં નેહરુ રોડ ઉપર ગુજરાત સોસાયટીમાં બી બ્લોકમાં ખાલી જ પડ્યો છે એટલે હાલ પૂરતો તો સિદ્ધાર્થ ત્યાં શિફ્ટ થઈ જશે અને ત્યાં ગયા પછી કોઈ સારો ફ્લેટ શોધી લેશે. " જગદીશભાઈ બોલ્યા.


" તો તો પછી કોઈ ટેન્શન જ નથી. પારલા ઈસ્ટ આમ તો ગુજરાતી લોકોનો જ એરીયા છે. બોરીવલી કાંદીવલી મલાડ અને પારલા એટલે ગુજરાતીઓની વસ્તી !! " કેતન બોલ્યો.


" હવે અમે લોકો સૂના પડી જઈશું. બંને દીકરાઓ અલગ અલગ જગ્યાએ શિફ્ટ થઈ જાય એટલે આવડા મોટા બંગલામાં કોઈ વસ્તી જ નહીં. આખી જિંદગી અહીં કાઢી છે" જગદીશભાઈ થોડા ઉદાસીન સ્વરૂપે બોલ્યા.


" પપ્પા તમારે લોકોને પછી અહીં રહેવાની જરૂર જ ક્યાં છે ? તમારે તો મુંબઈ જ આવી જવાનું. " સિદ્ધાર્થ બોલ્યો.


" જામનગરમાં પણ પપ્પાને ખૂબ જ માફક આવે એવું વાતાવરણ છે. ત્યાં હવા પાણી પણ બહુ સારાં છે. છતાં પપ્પાની જેવી ઈચ્છા ! " કેતન બોલ્યો.


" ચાલો એ તો પછી જોયું જશે. અત્યારે એ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. તાત્કાલિક તો અમે લોકો સુરત જ રહીશું. તમે બંને ભાઈઓ પહેલાં સેટ થઈ જાઓ." જગદીશભાઈએ પોતાનો નિર્ણય જણાવ્યો.


બપોરે જમી કરીને કેતન પણ સિદ્ધાર્થની સાથે પપ્પાની ઓફિસે ગયો. ઓફિસ પહોંચીને સિદ્ધાર્થ પોતાની ચેમ્બરમાં ગયો જ્યારે કેતન પપ્પાની સાથે એમની ચેમ્બરમાં ગયો.


પપ્પાની ચેમ્બરમાં પપ્પાની રિવોલ્વિંગ ચેરની પાછળ જ પ્રમુખસ્વામી મહારાજની મોટી છબી હતી. પપ્પા પોતે સ્વામીનારાયણ ધર્મ પાળતા હતા. કેતને માથું નમાવીને એમના પણ આશીર્વાદ લીધા.


" કેતન એક વાત પૂછું ?" પપ્પા જગદીશભાઈ પોતાની ચેર ઉપર બેઠક લઈને બોલ્યા.


" તું જામનગરના બદલે મુંબઈ જ શિફ્ટ થઈ જતો હોય તો ? જામનગર તારા મોટા સપના માટે થોડું નાનું પડશે એવું મને અંદરથી લાગે છે બેટા. મુંબઈમાં વિકાસ થવાની તને ઘણી બધી દિશાઓ મળી શકે એમ છે. કરોડપતિમાંથી અબજોપતિ અને અબજોપતિમાંથી ખર્વોપતિ થવાની એ ભૂમિ છે." જગદીશભાઈ બોલ્યા.


" તમારી વાત સાથે હું સો ટકા સહમત છું પપ્પા. જામનગરમાં હું એક મર્યાદામાં જ આગળ વધી શકું એમ છું. છતાં હાલ પૂરતું તો જામનગરમાં જ સ્થાયી થવાનું મેં નક્કી કર્યું છે અને એના માટે મારાં પોતાનાં ચોક્કસ કારણો છે. તમારા સૂચન ઉપર હું ભવિષ્યમાં વિચાર ચોક્કસ કરીશ." કેતન બોલ્યો.


" કારણ કે તમે બંને ભાઈઓ મુંબઈમાં જ રહો એ વધારે સારું રહેશે. ભલે તેં જેમ કહ્યું એ પ્રમાણે મારા પપ્પાને લાગેલા અભિશાપના કારણે તું સિદ્ધાર્થથી અલગ રહે પણ મુંબઈ ક્યાં નાનું છે ? કોલાબાથી વિરારનું અંતર જ ૭૦ કી.મી. છે. એ રીતે ફેમિલીથી ઘણો દૂર તું રહી શકે છે ! " પપ્પા બોલ્યા.


"હા પપ્પા. તમારી વાત હું માનું છું. હમણાં તો હું જામનગરમાં પોતાનો બંગલો બનાવી રહ્યો છું. જોઈએ હવે નિયતિની શું ઈચ્છા છે ! " કેતન બોલ્યો.


એને લાગ્યું કે પપ્પાની વાત પણ વિચારવા જેવી તો છે જ. એ ખરેખર તો પોતાની સૂક્ષ્મજગતની સ્વપ્ન અવસ્થાનો ફરીથી અહેસાસ કરવા માટે જ જામનગર સ્થિર થવા માગતો હતો. બાકી ગુરુજીએ તો પાપનું પ્રાયશ્ચિત કરાવી જ દીધું હતું એટલે એ હવે સિદ્ધાર્થની સાથે પણ રહી શકતો હતો ! જામનગરનું એને કોઈ બંધન હવે ન હતું !!


હવે બીજું તો કંઈ કામ હતું જ નહીં એટલે પપ્પા અને ભાઈ સાથે થોડી આડી અવળી વાતો કરીને કેતન મીટીંગ રૂમમાં ગયો અને ત્યાં રાખેલા સોફા ઉપર આડો પડ્યો. હજુ તો બપોરના બે વાગ્યા હતા એટલે એસી ચાલુ કરીને બે અઢી કલાકની ઊંઘ ખેંચી લીધી.


એ પછી ચા પાણી પીને પાંચ વાગ્યા પછી ભાઈની ગાડી લઈને ઓફિસની બહાર એ નીકળી ગયો. કેતન અમેરિકા ગયો ત્યાં સુધી એની પોતાની એક કાર હતી પરંતુ અમેરિકા ગયા પછી પપ્પાએ એ કાર વેચી દીધેલી.


સાંજના સાડા પાંચ વાગવા આવ્યા હતા એટલે એણે ડુમસના દરિયા કિનારે ગાડીને લઈ લીધી. આમ પણ કેતનને નદી અને દરિયાથી ખૂબ જ પ્રેમ હતો. ઉનાળો હતો અને પૂરેપૂરી સાંજ ઢળી ન હતી. હજુ તડકો પણ હતો એટલે ચહેલ પહેલ ઓછી હતી છતાં કેતન દરિયાની થોડીક નજીક જઈને રેતીમાં બેસી ગયો.


આ દરિયા કિનારે એનાં ઘણાં સંસ્મરણો હતાં. અનેક વાર એ આ દરિયા કિનારે આવેલો હતો. ક્યારેક જાનકીને લઈને પણ એ અહીં આવતો. અહીં ઘણી વાર પિકનિક પણ માણી હતી અને શરદપૂનમની રાત્રે દૂધ પૌવા પણ ખાધા હતા ! સુરતની જાહોજલાલીનો એકમાત્ર સાક્ષી આ દરીયો હતો !!


પપ્પા કહેતા હતા એમ આ શહેરની લેણાદેણી હવે પૂરી થઈ ગઈ હતી. અંજળપાણી ખૂટી ગયાં હતાં. આથમણી દિશામાં આથમતા સૂરજને એ જોઈ રહ્યો. હવે કાલે સવારે ફરી સૂરજ ઉગશે ! પોતાની જિંદગી પણ હવે કરવટ બદલી રહી હતી !


સાત વાગ્યા સુધી કેતન દરિયા કિનારે બેસી રહ્યો. પ્રકૃતિથી દૂર થવાનું એને ગમતું ન હતું. છેવટે એ ઉભો થયો. રેતીમાં ચાલતો ચાલતો રોડ ઉપર પાર્ક કરેલી ગાડી પાસે આવ્યો અને આ પ્રિય દરિયાને મનોમન વંદન કરીને ગાડી સ્ટાર્ટ કરી.


જેવી ગાડી સ્ટાર્ટ કરી કે સુરતની આ સમૃદ્ધ ભૂમિ ઉપર એને એક વિચાર આવી ગયો.


' પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું હોય તો ૨૦૦ કરોડની કોઈ જ વેલ્યુ નથી. અહીં સુરતમાં પણ ૪૦૦ ૫૦૦ કરોડની ઘણી પાર્ટીઓ પડી છે. દાન ધર્મ કરવા માટે તો આખી જિંદગી પડી છે. યેન કેન પ્રકારેણ બસ ૧૦૦૦ કરોડ સુધી પહોંચવું છે. કોઈ શોર્ટકટ શોધવો જ પડશે. '


ક્રમશઃ


અશ્વિન રાવલ (અમદાવાદ)