પ્રારંભ - 15 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 15

પ્રારંભ પ્રકરણ 15

નીતાને પોતાની સામે ઊભેલી જોઇને ખરેખર કેતન ચોંકી ગયો. નીતા ઠક્કરના સ્વરૂપમાં નીતા મિસ્ત્રી પોતે જ જાણે એની સામે ઊભી હતી ! નીતા મિસ્ત્રી એની માયાવી દુનિયામાં એની પડોશી હતી અને એને પ્રેમ કરતી હતી. આટલું બધું સામ્ય કઈ રીતે હોઈ શકે ? એક ટકાનો પણ ફરક નહીં. ગુરુજીની માયાને સમજવી એના માટે મુશ્કેલ કામ હતું.

"અરે બેટા જોઈ શું રહી છે ? પાણીનો ગ્લાસ તો આપ કેતનકુમારને !!" ધરમશીભાઈ કેતનભાઇમાંથી હવે કેતનકુમાર ઉપર આવી ગયા.

એકીટસે કેતનને જોઈ રહેલી નીતા છોભીલી પડી ગઈ. એણે તરત ગ્લાસ ઉપાડી કેતનના હાથમાં આપ્યો અને બીજો ગ્લાસ શિવાનીને આપ્યો. નીતા કેતનને જોઈને ખરેખર મંત્રમુગ્ધ થઇ ગઇ હતી. કેતન તો લોકોને ઇર્ષ્યા આવે એવો રાજકુમાર હતો !!

ખાલી ગ્લાસ લઈને એ કિચનમાં જતી રહી પરંતુ એનું દિલ બેચેન થઇ ગયું. પોતે આજે સવારે જ બ્યુટી પાર્લરમાં જઈને આવી હતી. લેટેસ્ટ હેરસ્ટાઇલની સાથે એના ગોરા શરીરને અનુરૂપ ડાર્ક બ્લુ કલરનો જરીભરત ભરેલો ડ્રેસ એણે પહેર્યો હતો. એ પોતે પણ ઘણી સુંદર લાગતી હતી. નીતાની ઉંમર ૨૪ આસપાસ હતી.

" સુરત છોડીને કેમ આમ અચાનક જામનગરમાં સેટલ થવાનો વિચાર કર્યો ? મારે આ સવાલ પૂછવો ના જોઈએ છતાં માત્ર કુતૂહલ ખાતર પૂછું છું. માઠું ના લગાડશો. " ધરમશીભાઈ બોલ્યા.

"અરે વડીલ તમે તો ઘરના છો. તમારા પ્રશ્નથી મને ખોટું શું કામ લાગે ? અને તમારો પ્રશ્ન તમારી જગ્યાએ સાચો છે. ડાયમંડનો આટલો મોટો બિઝનેસ છોડીને હું જામનગર આવું એટલે બધાને કુતૂહલ થાય જ. સાચું કહું તો મને ડાયમંડના ધંધામાં રસ ઓછો છે. અને જામનગર તરફ મારું આકર્ષણ હતું એટલે અહીં આવ્યો. કંઈક નવું કરવું છે પણ હજુ કોઈ દિશા નક્કી નથી કરી. મારે કોઈ ઉતાવળ પણ નથી. એક ઓફિસ ખરીદી લીધી છે. ત્રણેક મહિનામાં તૈયાર પણ થઈ જશે." કેતન બોલ્યો.

કેતનની વાતચીત અને એના વિચારો જાણીને ધરમશીભાઈને ખૂબ જ સંતોષ થયો કે જગદીશભાઈનો દીકરો છે તો પાણીદાર !! અને એનું પોતાનું એક આગવું વિઝન પણ છે. અમેરિકા ભણીને આવ્યો હોવા છતાં જરા પણ અભિમાન નથી.

"તમારા આ નવા સાહસમાં મારી કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો વિના સંકોચે કહેજો. દ્વારકાધીશની કૃપાથી જામનગરમાં મારી એક પ્રતિષ્ઠા છે. દરેક ક્ષેત્રમાં મારી ઓળખાણ છે. " ધરમશીભાઈ બોલ્યા.

" વડીલ જામનગરમાં તો હું સાવ અજાણ્યો છું. તમારી મદદની જરૂર તો મને ડગલે ને પગલે પડવાની જ છે. અને વડીલોના આશીર્વાદ વગર જિંદગીમાં આગળ થોડું વધાય ? " કેતને જવાબ આપ્યો.

કેતનના આ જવાબથી ધરમશીભાઈ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. ખરેખર કેતન એક સંસ્કારી યુવાન હતો !

એ લોકો વાતો કરતા હતા ત્યાં જ નીતા બે ડીશમાં ગરમાગરમ ઘૂઘરા અને ચટણી લઈને આવી. કેતનની આગળ ગોઠવેલા ટેબલ ઉપર એણે બે ડીશો મૂકી.

" મારાથી આટલું બધું તો નહીં ખવાય. તમે પણ સામે બેસી જાઓ અને ભાગ પડાઓ. " કેતને નીતાને કહ્યું.

" અરે ખવાઈ જશે કેતનકુમાર. યુવાન લોહી છે બે કલાકમાં પચી જશે. " આ વખતે વિજયાબેન બોલ્યાં.

" ના માસી. આમ તો અત્યારે નાસ્તો કરવાની જરા પણ ઈચ્છા નથી છતાં માન રાખીને હું અને શિવાની એક એક ઘુઘરો લઈશું. બાકીના ઘૂઘરા માટે નીતા કંપની આપશે. " કેતન બોલ્યો.

" હા નીતાબેન... તમે એક ડીશ લઈ આવો તમારા માટે. " શિવાની બોલી.

છેવટે નીતા કિચનમાં જઈને પોતાના માટે એક ડીશ લઈ આવી અને એક ઘૂઘરો પોતાની ડીશમાં મૂક્યો. એ પછી બધાંએ ખાવાનું ચાલુ કર્યું.

" વડીલ એરપોર્ટ રોડ ઉપર કોઈ મોટો પ્લોટ હોય તો જરા નજરમાં રાખજો ને ? ૮ થી ૧૦ હજાર વાર જેટલી જગ્યા હોય તો વધુ સારું. લક્ઝુરિયસ બંગલાની એક મોટી સ્કીમ તમારે જ મૂકવાની છે. તમામ રોકાણ હું કરીશ. કંસ્ટ્રકશન તમારે કરવાનું. પ્રોફિટમાં ૪૦ ટકા તમારા. મારા દાદાની સ્મૃતિમાં 'જમનાસાગર બંગ્લોઝ ' બનાવીને ત્યાં જ રહેવાની મારી ઈચ્છા છે " કેતન બોલ્યો.

કેતનની વાત સાંભળીને ધરમશીભાઈ તો આનંદથી ઉછળી પડ્યા. આ તો એક જબરદસ્ત ઓફર હતી એમના માટે. પોતે બિલ્ડર જ હતા. અને ઘણા સમયથી નવરા હતા. આટલી મોટી સ્કીમ મૂકે તો પોતાનું પણ એક મોટું નામ થઇ જાય. અને પૈસા તો કેતન રોકતો હતો !!

" અરે કાલથી જ તપાસ ચાલુ કરી દઉં. જગ્યા તો મળી જશે. એરપોર્ટ રોડ ડેવલોપીંગ એરિયા છે. પાછો પોશ વિસ્તાર પણ છે. " ધરમશીભાઈ ઉત્સાહથી બોલ્યા.

" બસ તો પછી મારું ગ્રીન સિગ્નલ છે. જે હોય તે અપડેટ આપતા રહેજો." કેતને હસીને કહ્યું.

" એક વાત પૂછું કેતનકુમાર ?" ધરમશીભાઈ બોલ્યા.

" હા હા પૂછો ને ! તમારે રજા લેવાની થોડી હોય ?" કેતન બોલ્યો.

" તમે જામનગરમાં સાવ નવા છો. અત્યારે સૌથી હોટ એરીયા એરપોર્ટ રોડ છે. એકદમ ડેવલોપીંગ છે. તમે પ્રપોઝલ સીધી આ જ એરિયાની મૂકી. તમને આ એરિયાની કઈ રીતે ખબર ?" ધરમશીભાઈ એ આશ્ચર્યથી પૂછ્યું.

"સાહેબ ડાયમંડવાળાનો દીકરો છું. મારી નજર ઝવેરીની છે. જે શહેરમાં સ્થાયી થવાનું હોય એનો ઇતિહાસ ભૂગોળ બધું એડવાન્સમાં જાણી લઉં છું. " કેતન હસીને બોલ્યો અને ધરમશીભાઈ પણ ખડખડાટ હસી પડ્યા.

" માની ગયો કેતનકુમાર. ખરેખર સાચા હીરા પારખું છો ! મોં માગ્યા ભાવ આપીએ તો જમીન તો એ રોડ ઉપર મળી જ જશે. " ધરમશીભાઈ બોલ્યા.

કેતન પોતાની માયાવી દુનિયામાં આ જ રોડ ઉપર જમનાસાગર બંગલોઝ માં રહેતો હતો અને એની ઈચ્છા ફરીથી એ જ સોસાયટી ડેવલોપ કરીને એ જ જગ્યાએ બંગલો બાંધવાની હતી. આખું માયાવી જગત વાસ્તવિક રૂપે ઉભું કરવાની એની ઈચ્છા હતી.

કેતનની સાથે વાત થયા પછી ધરમશીભાઈ ખૂબ જ આનંદમાં અને મૂડમાં આવી ગયા. જો કેતન નીતાને પસંદ કરી લે તો સોનામાં સુગંધ ભળી જાય.

નીતા પણ આ બંનેની વાતચીત સાંભળી રહી હતી. એ તો કેતનની વાતો સાંભળીને ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. ખરેખર ધનાઢ્ય કુટુંબનો નબીરો હતો આ કેતન !!

" કેતનકુમાર... બીજી બધી વાતો તો પછી પણ થતી રહેશે પરંતુ આજે મારી દીકરી નીતા સાથે તમારી મીટીંગ ગોઠવી છે. તમે જ્યારે અમેરિકા હતા ત્યારે હું સુરત ગયેલો અને જગદીશભાઈ આગળ નીતાની પ્રપોઝલ પણ મૂકેલી." ધરમશીભાઈ બોલ્યા.

" હવે તમે ઘરે આવ્યા જ છો તો બેડરૂમમાં અલગ બેસીને નીતા સાથે એક મિટિંગ પણ કરી લો. નીતાએ એમ.બી.એ ફાઇનાન્સ કરેલું છે. બાકી તો બધી ચર્ચા તમે એની સાથે જ કરજો. જો આ સંબંધ થશે તો સોનામાં સુગંધ ભળશે. મારા અને તમારા પપ્પા જગદીશભાઈના સબંધો તો તમે જાણો જ છો. " ધરમશીભાઈ બોલ્યા.

શિવાની તો ધરમશીભાઈની આ વાત સાંભળીને આશ્ચર્ય પામી. નીતા અને ભાઈ વચ્ચે આજે મિટીંગ થવાની છે એની તો એને કોઈ જ ખબર જ ન હતી. નીતા ખૂબ જ સૌંદર્યવાન હતી. ભાઈ સાથે જોડી શોભે તેવી હતી પરંતુ એ પોતે ભાભી તરીકે જાનકીને પસંદ કરી ચૂકી હતી એટલે થોડીક ટેન્શનમાં આવી ગઈ.

કેતનને તો આ વાતની ખબર જ હતી અને ગઈકાલે પપ્પાએ પણ ઇશારો કર્યો હતો એટલે એ મીટીંગ માટે તૈયાર જ હતો !

" ઠીક છે. અમે અત્યારે જ વાતચીત કરી લઈએ." કહીને કેતન ઉભો થઇ ગયો.

નીતા પણ ઊભી થઈ અને પોતાના બેડરૂમ તરફ આગળ વધી. કેતન પણ નીતાની પાછળ પાછળ ગયો.

"આવો. તમને સોફામાં ફાવશે કે બેડ ઉપર બેસશો ? " નીતા બોલી.

" મને સોફામાં જ કમ્ફર્ટેબલ રહેશે. " કહીને કેતન સોફામાં બેઠો. એની બરાબર સામે બેડ ઉપર નીતા ગોઠવાઈ ગઈ.

" તમારો બધો જ પરિચય મને પપ્પાએ આપી દીધો છે એટલે મારે તો કંઈ પુછવાનું જ નથી. તમારે જે પણ પ્રશ્નો મને પૂછવા હોય તે પૂછી શકો છો." ધીમે રહીને થોડીક શરમાઈને નીતા બોલી.

" મારે પણ તમારો કોઈ જ ઈન્ટરવ્યુ લેવો નથી. તમારો શોખ કયો ? તમને રસોઈ બનાવતાં આવડે કે નહીં ? તમને શું ભાવે ? તમારો મનપસંદ હીરો કોણ ? તમને કેવી ફિલ્મો જોવી ગમે ? વગેરે બાલિશ પ્રશ્નો પૂછવામાં મને કોઈ રસ નથી. " કેતન હસીને બોલ્યો.

" તો પછી તમને મારા વિશે કંઈ જ જાણવું નથી ? " નીતા બોલી. જો કે એને કેતનની નિખાલસતા બહુ ગમી.

" જુઓ ઇન્ટરવ્યુ વખતે થયેલી મીઠી મીઠી રોમાંચક વાતો અને લગ્ન પછી એકબીજાનો વાસ્તવિક પરિચય બંને અલગ જ હોય છે. માત્ર દસ મિનિટની મુલાકાતમાં વ્યક્તિને ઓળખી શકાતી નથી. તમારો ચહેરો હું વાંચી શકું છું. તમારી આંખો પણ મને ઘણું બધું કહી જાય છે. ધરમશી અંકલની દીકરી છો એટલે સંસ્કાર તો હોય જ. એક સુશીલ કન્યા તરીકે હું તમને જોઈ રહ્યો છું. પસંદ નહીં કરવાનો તો સવાલ જ ઉભો થતો નથી કારણકે તમે ખૂબ જ આકર્ષક છો !! બસ લગ્નનો નિર્ણય લેવામાં મારે થોડુ વિચારવું પડશે." કેતન બોલતો હતો.

" હવે તમારાથી છુપાવવાનો કોઈ મતલબ નથી. એક પાત્ર મને પસંદ છે. કોલેજમાં અમે લોકો સાથે જ હતાં. એનું નામ જાનકી દેસાઈ છે. એ પણ મારા જવાબની રાહ જોઈ રહી છે. તમને જોયા પછી હવે નિર્ણય લેવાનું મારા માટે અઘરું બની ગયું છે કારણ કે તમે ખૂબ જ સુંદર છો ! છતાં તમે મને થોડોક સમય આપો. કારણકે અત્યારે મારું ફોકસ મારા ધંધા ઉપર છે. લગ્નનો નિર્ણય હજુ મેં લીધો જ નથી. આપણી મુલાકાત અચાનક ગોઠવાઈ ગઈ છે. " કેતન બોલ્યો.

" એક વાત કહું ? " નીતા બોલી.

" ઑફ કોર્સ....યેસ " કેતન બોલ્યો.

" તમે મને ' તમે તમે ' ના કહેશો. હું તમારાથી નાની છું. અને બીજી એક વાત કે મેં તો તમને પસંદ કરી જ દીધા છે. તમારો જવાબ હા માં આવશે તો મારા જેવું કોઈ નસીબદાર નહીં હોય ! છતાં પ્રારબ્ધમાં હું બહુ માનું છું. ઈશ્વરે જોડી ઉપરથી જ બનાવી હોય છે. " નીતા બોલી.

" તમારા...સોરી તારા વિચારો મને ગમ્યા. તું પણ મારી જેમ નિખાલસ છે. સંબંધ થવો કે ન થવો એ તો ભવિષ્યની વાત છે. પરંતુ હવે તો હું જામનગરમાં જ રહેવાનો છું એટલે આપણે સારા મિત્રો તો બની જ શકીએ. " કેતન બોલ્યો.

" મને પણ તમારી કંપની ખૂબ જ ગમશે. અત્યારે પપ્પાને તમે શું જવાબ આપશો ? " નીતા બોલી.

" કહી દઈશ કે તમારી દીકરી મને બહુ જ ગમી ગઈ છે. " કેતન હસીને બોલ્યો.

" જાઓ ને હવે. એક તરફ મને કહો છો કે મને વિચારવાનો સમય આપ. અને હવે ગમી જવાની વાત કરો છો !!" નીતા રમતિયાળ શૈલીમાં બોલી.

" ગમી ગઈ છે એ તો હકીકત જ છે ને ? મેં જ હમણાં કહ્યું કે તું બહુ જ આકર્ષક છે. " કેતન પણ રોમેન્ટિક બનીને વાત કરતો હતો.

" તમે આવું ના કહેશો. મને શરમ આવે છે. કંઇક થઇ જાય છે. " નીતા નયનો નીચે ઢાળીને બોલી.

" ઓકે બાબા. હું એમ કહી દઈશ કે નીતા મને પસંદ છે પરંતુ લગ્નનો નિર્ણય લેવા માટે મને થોડો સમય જોઈશે. " કેતન બોલ્યો.

" હા એ બરાબર. ચાલો આપણે જઈશું ? " નીતા બોલી.

" એઝ યુ વીશ " કેતને કહ્યું.

" મારી ઈચ્છા ઉપર શું કામ છોડો છો ? મારું ચાલે તો આખો દિવસ તમારી સામે બેસી રહું. બસ તમારી સામે જોયા જ કરું. " નીતા આંખો નચાવીને બોલી.

" મારું પણ એવું જ છે. નજર તારા ઉપરથી ખસતી જ નથી. " કેતન નીતામાં નીતા મિસ્ત્રીને જોઈ રહ્યો હતો એટલે એ મંત્રમુગ્ધ થઈ ગયો હતો.

" તો પછી હાથ પકડી લો ને સાહેબ ? આટલો વિચાર શું કામ કરો છો ? મારી તો હા જ છે. તમને જોયા ત્યારથી જ હું તો દિલ હારી ચૂકી છું. " નીતા પ્રેમના આવેશમાં આવીને બોલી.

નીતાના શબ્દો સાંભળીને કેતન બેચેન બની ગયો. માયાવી જગતમાં વેદિકા પણ બરાબર આ જ શબ્દો બોલી હતી !! હવે એના માટે વધુ વાર અહીં બેસી રહેવું જોખમી હતું. આગ અને ઘીની રમત ચાલી રહી હતી. નીતા ખૂબ જ સૌંદર્યવાન હતી અને પોતાની તરફ આકર્ષાઈ ગઈ હતી. પોતે સહેજ પણ આગળ વધશે તો જાનકીને મોટો અન્યાય થશે !! એ સાવધાન થઈ ગયો અને તરત ઊભો થઈ ગયો.

" ચાલો આપણે જઈએ " કહીને એ બહાર નીકળી ગયો.

નીતા કેતનના મનોભાવ સમજી ગઈ હતી. કેતનની રોમેન્ટિક વાતોથી એ પોતે પણ મદહોશ બની જ ગઈ હતી ને !!!

એટલે કેતનના ગયા પછી એ પણ ઉભી થઇને બહાર નીકળી અને સીધી કિચનમાં જતી રહી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)