પ્રારંભ - 14 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રારંભ - 14

પ્રારંભ પ્રકરણ-14

સવારે ધ્યાનમાંથી બહાર આવ્યા પછી કેતન હળવોફૂલ થઇ ગયો. અખિલેશ સ્વામીએ એને ખૂબ જ સારી સમજણ આપી. અને એ પણ કહ્યું કે બે કરોડ આપીને અસલમના કર્મમાં એ ભાગીદાર બનતો નથી. અસલમ કોઈ પાપ કરી રહ્યો છે એવું પણ માનવાની જરૂર નથી. પાપ અને ગુનામાં ફરક છે.
પાપ અને પૂણ્યના સૂક્ષ્મ જગતના કાયદા અલગ છે. પૃથ્વી ઉપર માનવ સર્જિત જે પણ કાયદાઓ બન્યા છે તે સમાજની સુરક્ષા અને સુરચના માટે છે. એનું ઉલ્લંઘન જે તે રાજ્યમાં ગુનો બની શકે. પરંતુ પાપ અને પૂણ્ય એ બે અલગ જ બાબતો છે.

પોતે બે દિવસથી જામનગર આવી ગયો છે છતાં હજુ સુધી એણે આશિષ અંકલ સાથે વાત નહોતી કરી એટલે સવારે દસ વાગ્યે જ એણે આશિષ અંકલને ફોન જોડ્યો.

" અંકલ કેતન બોલું. હું જામનગર આવી ગયો છું અને પટેલ કોલોનીમાં પોતાનું મકાન પણ લઈ લીધું છે. હવે કાયમી અહીંયા જ સ્થાયી થવા વિચારું છું. " કેતને કહ્યું.

" આ તો તેં બહુ જ સારા સમાચાર આપ્યા કેતન. વેલકમ. સમય મળે તો આવીને મળી જજે. મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો વિના સંકોચે મને જણાવી દેજે. " આશિષ અંકલ બોલ્યા.

" જરૂર અંકલ. તમે જામનગરમાં છો એ તો મારા માટે એક મોટી હૂંફ છે. તમે મારા વડીલ છો. એકવાર જરૂર મળવા આવીશ." અને કેતને ફોન કટ કર્યો.

કેતનની ઈચ્છા વ્રજભૂમિ બંગ્લોઝમાં રહેતા ધરમશીભાઈ ઠક્કર સાથે પણ વાત કરી લેવાની હતી. પરંતુ એમણે એમની દીકરી નીતાનું માંગુ કેતન માટે નાખ્યું હતું એટલે કેતનનો મૂડ હમણાં છોકરીઓ જોવાનો ન હતો. એ મળવા જાય એટલે વળી પાછી નીતાની વાત કરે. ભવિષ્યમાં ફોન આવશે ત્યારે જોયું જશે.

બે દિવસ પછી શિવાની અને જયેશને સાથે લઈને બસ સ્ટેન્ડ પાસે નવા બનતા મારુતિ કોમ્પલેક્ષમાં પહેલા માળે પોતાની ઓફિસ પણ કેતન જોઈ આવ્યો. વિશાળ જગ્યા હતી અને લોકેશન પણ સારું હતું. હજુ પજેશન મળવામાં દોઢેક મહિનાની વાર હતી. ફર્નિચર વગેરે બનાવવામાં બીજા દોઢ બે મહિના નીકળી જાય એટલે હજુ ત્રણેક મહિના તો ઘરે જ રહીને સમય પસાર કરવાનો હતો.

જામનગર આવીને કેતને હવે પછી શું કરવું એના માટે ઘણું મનોમંથન કર્યું હતું પરંતુ કોઈ નકશો મગજમાં તૈયાર થતો ન હતો. કરોડો રૂપિયા ખાતામાં હતા પરંતુ એને હજુ કોઈ દિશા મળી ન હતી. માયાવી જગતમાં ભલે હોસ્પિટલ કરી પરંતુ હવે હોસ્પિટલ વૃદ્ધાશ્રમ કે ટિફિન સેવા કરવામાં એને કોઈ જ રસ ન હતો !!

બીજી બધી પ્રવૃત્તિઓ થાય કે ના થાય પરંતુ ભૂખ્યાંને ભોજન એ સૌથી મોટું ઉમદા કાર્ય હતું એવું કેતન માનતો હતો. એટલે વહેલી તકે ભોજન સેવા ચાલુ કરવાની એની તીવ્ર ઈચ્છા હતી.
જો દ્વારકા જેવા તીર્થ સ્થાનમાં મોટા પાયે ભોજન સેવા ચાલુ કરવામાં આવે તો સુરતના રસોઈયા મહારાજનો નાનો ભાઈ પણ અહીં સેટ થઈ શકે ! -- કેતન વિચારી રહ્યો હતો.

શિવાની સૌરાષ્ટ્રમાં પહેલીવાર આવી હતી ગાડી પણ નવી છોડાવી હતી. એટલે બીજા દિવસે દ્વારકાધીશના દર્શન કરવાનો કેતને પ્લાન બનાવ્યો. જયેશને પણ પોતાની સાથે આવવાનું આમંત્રણ આપ્યું.

દ્વારકા પહોંચ્યા પછી આ વખતે પણ એણે જાણી જોઈને ગોવર્ધન ગ્રીન રિસોર્ટ પસંદ કર્યું. જૂની યાદોને મમળાવી. ત્યાં રૂમ રાખીને ગાડી દ્વારકાધીશના મંદિરમાં લઈ લેવાની મનસુખભાઈને સૂચના આપી.

સૂક્ષ્મ જગતમાં હતો ત્યારે બે થી ત્રણ વાર એ દ્વારકા આવી ગયો હતો એટલે આ વખતે એને દ્વારકા ખૂબ જ ચિરપરિચિત લાગ્યું. મંદિરમાં પણ એ શિવાનીને બધું વિગતવાર સમજાવતો હતો.

આજે ભીડ ઓછી હતી એટલે શાંતિથી કેતન લોકોએ દર્શન કર્યાં. સારથી બનીને આગળનો માર્ગ બતાવવાની કૃષ્ણ કનૈયાને દિલથી પ્રાર્થના કરી.

બપોરે જમવાનો પ્રોગ્રામ તીન બત્તી ચોકમાં આવેલા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં કર્યો. કેતને જ આ ડાઇનિંગ હોલ નું સજેશન કર્યું.

" અને કેતનભાઇ તમે તો દ્વારકા અનેક વાર આવી ગયા હોય એવી રીતે ગાઈડ કરો છો ! પાર્કિંગની જગ્યા પણ તમે બતાવી. જમવા માટે પણ તમે આ ડાઇનિંગ હોલનો આગ્રહ કર્યો. " જયેશ બોલ્યો.

" હા અમેરિકા જતાં પહેલાં એક વાર દ્વારકા આવી ગયો હતો. એટલે બધું મને યાદ હતું. " કેતન પાસે બીજો કોઈ જવાબ ન હતો.

" ઓફીસ તો જાણે આપણે લઈ લીધી પણ હવે આગળનું પ્લાનિંગ શું છે ? તમે અહીં જામનગરમાં શું કરવા માગો છો ? " રસ્તામાં જયેશ ઝવેરીએ પૂછ્યું.

" અત્યારે તો કંઈ જ વિચાર્યું નથી. ઘણું બધું મગજમાં ચાલી રહ્યું છે. જ્યારે ફાઇનલ કરીશ ત્યારે તને જણાવીશ. તમારા બંનેનો પગાર તમને રેગ્યુલર મળ્યા કરશે. " કેતને હસીને કહ્યું.

" અરે કેતનભાઇ પગારની મને કોઈ ચિંતા નથી. આ તો નવરા બેઠા સમય પસાર થતો નથી એટલે જસ્ટ પૂછ્યું. " જયેશ બોલ્યો.

" મારા ઘરે રસોઈ કરવાવાળી કોઈ બાઈ હજુ મળી નથી. પંદરેક દિવસમાં કોલેજો ખૂલી જશે એટલે શિવાનીને તો મારે સુરત મૂકી આવવી પડશે. આમ તો સુરતમાં અમારા જે મહારાજ છે તેમનો નાનો ભાઈ આવવા તૈયાર છે. પરંતુ મોટું ફેમિલી હોય અને મહારાજ રાખીએ તો બરાબર બાકી મારા એકલા માટે મહારાજ રાખવો મનમાં બેસતું નથી. ઘરની રસોઈ માટે તો અહીંયા જ કોઈ બેન મળી જતાં હોય તો વધારે સારું." કેતન બોલ્યો.

" હા એ વાત પણ તમારી સાચી છે. ચાલો કાલથી હું જરા વધારે કોશિશ કરું છું. હું રવિવારે છેલ્લા પાને એક જાહેરાત પણ મૂકી દઈશ. " જયેશ બોલ્યો.

શિવાનીને આમ તો મનાલીની કંપની મળી ગઈ હતી પરંતુ મનાલી જોબ કરતી હતી. સવારે કામના કારણે બન્નેને એક બીજાને મળવાનો સમય મળતો ન હતો અને રાત્રે ભાઈ ઘરે હોય એટલે મનાલીના ઘરે જવાની શિવાનીની ઈચ્છા થતી નહોતી. માત્ર રવિવારની રજાના દિવસે એક બે કલાક મનાલી સાથે એ પસાર કરતી.

દ્વારકાથી આવ્યાને બીજા બે દિવસ પસાર થઇ ગયા પછી એક દિવસ સવારે ધરમશીભાઈ ઠક્કરનો કેતન ઉપર ફોન આવ્યો.

" અરે કેતનભાઇ તમે આટલા સમયથી જામનગર આવી ગયા છો અને ભલા માણસ તમે મને ફોન પણ ના કર્યો ? " ધરમશીભાઈએ મીઠી ફરિયાદ કરી.

" ના ના અંકલ એવું કંઈ જ નથી. અહીં આવ્યા પછી સતત દોડધામ રહેતી હોય છે. " કેતને ચલાવ્યું.

" આ તો ગઈકાલે જગદીશભાઈને મેં ફોન કર્યો ત્યારે મને ખબર પડી કે તમે પંદર વીસ દિવસથી જામનગરમાં આવી ગયા છો અને મકાન પણ ખરીદી લીધું છે. અને માણસને કામ તો ચાલ્યા જ કરવાનું છે એક ફોન તો કરી શકાય ને ?" ધરમશીભાઈ બોલ્યા.

" હા ફોન ના કર્યો એ મારી ભૂલ કબૂલ કરું છું. " કેતન બોલ્યો.

" હવે મારા ઘરે જમવાનો પ્રોગ્રામ ક્યારે રાખો છો ? એના માટે કોઈ બહાનું નહીં ચાલે કેતનભાઇ. પરમ દિવસે રવિવાર છે. સવારથી જ આવી જાઓ. " ધરમશીભાઈ બોલ્યા.

" ઠીક છે અંકલ આવી જઈશ. મારી નાની બેન શિવાની પણ મારી સાથે છે. વેકેશન ચાલે છે એટલે એ પણ ફરવા આવી છે. " કેતન બોલ્યો.

" સરસ. તો તો તમને બંનેને મારું ભાવભર્યું આમંત્રણ છે. રવિવારે સવારે શિવાનીને લઈને આવી જાઓ." કહીને ધરમશીભાઈએ ફોન કટ કર્યો.

ધરમશીભાઈ ઠક્કર જામનગરમાં એક મોટું નામ હતું. કેતને સૂક્ષ્મજગતમાં રહીને જામનગરનો જે અનુભવ કર્યો ત્યારે વ્રજભૂમિ બંગ્લોઝમાં રહેતા પ્રતાપભાઈ વાઘાણીનો એને પરિચય થયેલો. અને એમણે એમની દીકરી વેદિકાનું માગું કેતન માટે નાખેલું. કેતનને વેદિકા પસંદ પણ આવેલી પરંતુ વેદિકા ભૂતકાળમાં જયદેવ સોલંકી સાથે રિલેશનશિપમાં હતી એટલે કેતન વેદિકા તરફથી પાછો વળી ગયેલો અને એણે પ્રતાપભાઈને કહીને વેદિકાનો એના પ્રેમી સાથે ફરી સંબંધ કરાવી આપ્યો હતો.

હવે સૂક્ષ્મજગતમાં જે પાત્ર પ્રતાપભાઈ નું હતું એ જ પાત્રમાં આ વખતે ધરમશીભાઈ હતા. ધરમશીભાઈ પણ પોલીટીક્સમાં હતા અને બે વાર ચૂંટણી લડેલા. એકવાર કોર્પોરેટર પણ બનેલા. ઇલેક્શન વખતે જગદીશભાઈએ ધરમશીભાઈને લાખોની મદદ કરેલી એટલે જગદીશભાઈના એમના ઉપર ઉપકાર પણ હતા.

ધરમશીભાઈ જામનગરમાં એક મોટા બિલ્ડર હતા અને એમણે જામનગરમાં ત્રણ થી ચાર રેસિડેન્સીયલ સ્કિમો અને એક બિઝનેસ કોમ્પલેક્ષ પણ બનાવેલાં. એ આર્થિક રીતે સદ્ધર હતા. નીતા એમની એકની એક દીકરી હતી.

નીતા ખૂબ જ સૌંદર્યવાન હતી અને એણે બી.કોમ કરીને એમ.બી.એ. ફાઇનાન્સ કરેલું. ઘણા સમયથી ધરમશીભાઈની નજર કેતન ઉપર ઠરી હતી. એક તો અબજોપતિનો દીકરો હતો. દેખાવડો પણ હતો. ફોરેન રિટર્ન પણ હતો. નીતા જેવી સુંદર કન્યા માટે એ જ યોગ્ય પાત્ર છે એમ ધરમશીભાઈ માનતા હતા.

કેતન જ્યારે અમેરિકા હતો ત્યારે ધરમશીભાઈ જગદીશભાઈના ઘરે સુરત પણ ગયેલા અને નીતાની વાત એમણે મૂકી હતી. ધરમશીભાઈ પૂરા ગણતરીબાજ હતા. જો આ લગ્ન થઈ જાય તો પોતાના ઉપર જગદીશભાઈ નું લાખોનું જે કરજ છે એ વેવાઈના સંબંધોના કારણે આપોઆપ ઉડી જાય.

ગઈ કાલે રાત્રે જ્યારે એમણે કેતન અમેરિકાથી આવ્યો કે નહીં એ પૂછવા માટે જગદીશભાઈને ફોન કર્યો ત્યારે એમને ખબર પડી કે કેતન તો અમેરિકાથી આવી પણ ગયો છે અને હવે કાયમ માટે જામનગરમાં જ સેટ થવાનો છે. પંદર વીસ દિવસથી પટેલ કોલોનીમાં બગલો પણ ખરીદી લીધો છે.

આ સમાચાર સાંભળ્યા પછી તો ધરમશીભાઈ કેતનને મળવા માટે બેચેન બની ગયા. વહેલામાં વહેલી તકે કેતનને ઘરે જમવા માટે આમંત્રણ આપવું પડશે અને નીતા સાથે મિટિંગ પણ ગોઠવવી પડશે. આ સંબંધ જો થઇ જાય તો સોનામાં સુગંધ ભળે.

જગદીશભાઈનો ફોન જેવો પતી ગયો કે તરત જ ધરમશીભાઈએ તેમની પત્ની વિજયાબેન અને દીકરી નીતાને બૂમ પાડી પોતાની પાસે બોલાવ્યાં.

" જો નીતા મારે હમણાં જ સુરત જગદીશભાઈ સાથે ફોન ઉપર વાત થઈ. તારી વાત લઈને હું ચાર મહિના પહેલાં સુરત જગદીશભાઈને મળવા ગયેલો. એ વખતે કેતન અમેરિકા હતો એટલે વાત આગળ વધી ન હતી. " ધરમશીભાઈ બોલતા હતા.

" કેતન અમેરિકાથી આવી ગયો છે એટલું જ નહીં અત્યારે એ આપણા જામનગરમાં જ છે. અને...."

" કેતન જામનગર આવેલો છે ? તો તો પછી એને કાલે આપણા ઘરે જ બોલાવો ને ? " વિજયાબેન અધીરાં થઇને વચ્ચે બોલ્યાં.

" પૂરી વાત તો સાંભળ. મારે અત્યારે જગદીશભાઈ સાથે જે રીતે વાતચીત થઇ છે તે મુજબ કેતન કાયમ માટે જામનગરમાં જ સેટલ થવાનો છે. એ અહીંયા રહીને કોઈ નવો બિઝનેસ કરવાનું વિચારે છે. અબજો રૂપિયા છે એટલે કંઇ પણ કરી શકે છે. કાલે સવારે હું કેતન સાથે વાત કરી લઈશ અને તેને જમવાનું આમંત્રણ આપીશ. તમારા બંનેની મીટીંગ પણ સાથે ગોઠવી દઈશું." ધરમશીભાઈ બોલ્યા.

" તું એને એક વાર જોઈ લે. આમ તો જોવા જેવું કંઈ છે જ નહીં. બસ કોઈ પણ હિસાબે એ તને પસંદ કરી લે તો તારી અને અમારી જિંદગી બની જશે બેટા. ઘણા કુટુંબોની નજર કેતન ઉપર છે. " ધરમશીભાઈએ નીતાને કહ્યું.

" ઠીક છે પપ્પા. બની શકે તો પરમ દિવસે રવિવારે જ રાખો. " નીતા બોલી.

અને બીજા દિવસે ધરમશીભાઈએ કેતન સાથે વાત પણ કરી લીધી અને કાલે રવિવારના દિવસે જમવાનું આમંત્રણ પણ આપી દીધું.

" જુઓ કેતન સાથે વાત થઈ ગઈ છે અને કાલે રવિવારે જમવાનું આમંત્રણ આપી દીધું છે. કેતન અને એની નાની બેન શિવાની કાલે સવારે આપણા ઘરે આવી જશે. " કેતન સાથે વાત કર્યા પછી ધરમશીભાઈ એમની પત્ની તથા નીતા સાથે વાત કરી રહ્યા હતા.

" જો આપણે આ દિવસ એના માટે સ્પેશ્યલ બનાવવાનો છે. અબજોપતિ નો દીકરો છે. એની આગતા સ્વાગતમાં કોઈ કચાશ રહેવી જોઈએ નહીં. એ દિવસે સારામાં સારી રસોઈ બનાવો. તું પણ પાર્લરમાં જઈને વ્યવસ્થિત તૈયાર થઈ જજે નીતા. " ધરમશીભાઈ બોલ્યા.

એ રાત્રે કેતન ઉપર પણ જગદીશભાઈ નો ફોન આવી ગયો.

" ગઈકાલે જામનગરથી ધરમશીભાઈ નો ફોન હતો. મેં તને વાત કરી હતી કે એમની ઈચ્છા એમની દીકરી નીતાનો સંબંધ તારી સાથે કરવાની છે. એ તું અમેરિકા હતો ત્યારે સુરત પણ આવી ગયા હતા. કુંવારા વરને હજાર કન્યાઓ હોય ! એમનો ફોન આવે તો વ્યવસ્થિત વાત કરજે અને નીતા સાથે મિટિંગ પણ કરી લેજે." જગદીશભાઈ બોલ્યા.

" એમનો ફોન આજે જ આવી ગયો. કાલે રવિવારે એમના ઘરે જમવાનું રાખ્યું છે. " કેતન બોલ્યો.

" તારી ઈચ્છા જાનકી સાથે કરવાની છે એ હું જાણું છું છતાં નીતા જામનગરની છે. બદલાયેલા સંજોગોમાં જાનકી કદાચ જામનગર કાયમ રહેવા માટે તૈયાર ના પણ હોય ! ધરમશીભાઈ પહોંચેલા અને વગ વાળા માણસ છે એટલે તને એમનો સારો સપોર્ટ રહે એ એક પ્લસ પોઈન્ટ છે. જો કે નીતાનો આપણને પરિચય નથી. તારી પોતાની જિંદગીનો સવાલ છે એટલે તને જે પાત્ર સૌથી વધુ યોગ્ય લાગે ત્યાં તારે આગળ વધવાનું. " જગદીશભાઈ બોલ્યા.

" જાનકી તો હું ગમે ત્યાં રહું ત્યાં આવવા તૈયાર છે એટલે એ તો પ્રશ્ન જ નથી પપ્પા. છતાં નીતાને એકવાર હું મળી લઉં, એના વિચારો જાણી લઉં પછી જ આ બાબતમાં કોઈ નિર્ણય લઈ શકું. " કેતન બોલ્યો

" ઠીક છે. તું અને શિવાની કાલે રવિવારે એમના ઘરે જમી આવો. પછી આપણે આ બાબતની ચર્ચા કરીએ. " કહીને જગદીશભાઈએ ફોન કટ કર્યો.

રવિવાર આવી પણ ગયો. કેતન અને શિવાનીને લઈને મનસુખભાઈ વ્રજભૂમિ બંગ્લોઝ પહોંચી ગયા. મકાન એકદમ જાણીતું હોય એ રીતે કેતને મનસુખભાઈને ગાઈડ કર્યા.

એ જ સોસાયટી. એ જ બંગલો. એ જ જગ્યા !

કેતન અને શિવાનીએ બંગલામાં પ્રવેશ કરીને ડોરબેલ દબાવ્યો.

કેતન અને શિવાનીના સ્વાગત માટે ધરમશીભાઈ અને વિજયાબેન સામે જ ઉભાં હતાં.

ધરમશીભાઈ એ ખૂબ જ ઉમળકાથી કેતનનું સ્વાગત કર્યું. જો કે એ પોતે પણ કેતનની ચાર્મિંગ પર્સનાલિટી જોઇને દંગ રહી ગયા. એક ખૂબસૂરત યુવાન એમની સામે ઉભો હતો.

" આવો આવો કેતનભાઇ. આવો બેસો." કહીને ધરમશીભાઈએ સોફા તરફ હાથ લંબાવ્યો.

" અરે નીતા બેટા... કેતનભાઇ લોકો આવી ગયા છે. પાણી તો લઈ આવ. અને ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરો." ધરમશીભાઈ બોલ્યા.

" ચા-નાસ્તાની કોઈ જરૂર નથી વડીલ. ચા પીને જ આવ્યા છીએ. અને હવે જમવાનું જ છે તો અત્યારે નાસ્તાની પણ જરૂર નથી. " કેતન બોલ્યો.

" અરે એમ તે કંઈ ચાલે ? પહેલીવાર મારા ઘરે પધારો છો તો ચા પાણી તો કરવાં જ પડે ! અને હજુ સવારના ૧૦ વાગ્યા છે. જમવાને તો હજુ બાર એક વાગી જશે. થોડો નાસ્તો હશે તો રાહત રહેશે. ગરમાગરમ ઘૂઘરા મંગાવ્યા છે. " ધરમશીભાઈ બોલ્યા.

કેતનને યાદ આવી ગયું કે પ્રતાપભાઈના ઘરે વેદિકાને જોવા આવ્યો ત્યારે પણ એમણે ઘૂઘરા જ મંગાવ્યા હતા !!

થોડીવાર પછી ધીમી ચાલે નીતા ટ્રે માં પાણીના બે ગ્લાસ લઈને આવી અને કેતનની સામે આવીને ઊભી રહી.

કેતન અને નીતા બંને એકબીજા સામે અવાક બનીને બસ જોઇ જ રહ્યાં.

નીતા એટલા માટે અવાક બની ગઈ હતી કે કેતન એની કલ્પના કરતાં પણ વધારે હેન્ડસમ હતો. પહેલી જ નજરે એ કેતનથી આકર્ષાઈ ગઈ !! પાણીનો ગ્લાસ આપવાનું પણ ભૂલી ગઈ. બસ એકીટસે જોઈ જ રહી.

કેતન નીતાને જોઈને એટલા માટે અવાક થઈ ગયો કે એની સામે ખુદ નીતા મિસ્ત્રી જ ઊભી હતી !!!!!

આબેહૂબ એ જ ચહેરો !! એ જ રૂપરંગ !! નામ પણ નીતા !! ગુરુજીની આ તે કેવી માયા !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Nita Patel

Nita Patel 3 અઠવાડિયા પહેલા

Riddhi Shah

Riddhi Shah 4 અઠવાડિયા પહેલા

Pravin shah

Pravin shah 1 માસ પહેલા

Jaysukh Savaliya

Jaysukh Savaliya 1 માસ પહેલા

B.K. Maghodia

B.K. Maghodia 1 માસ પહેલા