લૉસ્ટ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લૉસ્ટ

લૉસ્ટ

-રાકેશ ઠક્કર

'લૉસ્ટ' માં કામ કરીને યામી ગૌતમે પોતાની ફિલ્મની પસંદગીનો ખ્યાલ આપી દીધો છે. યામીની ભૂમિકા નાની હોય કે મોટી પણ અત્યાર સુધીની કારકિર્દીની ફિલ્મો વ્યવસાયિક રીતે સફળ રહી છે અને એની પ્રશંસા થઇ છે. તેની ભૂમિકાઓમાં વૈવિધ્ય જોવા મળ્યું છે.

ફિલ્મ 'લૉસ્ટ' ની OTT પર રજૂઆત પહેલાં યામીએ કહ્યું હતું કે તેનું પત્રકાર વિધિનું પાત્ર ભૂતકાળમાં નિભાવેલા બધાં જ પાત્રોથી અલગ છે. પહેલી ફિલ્મ 'વિકી ડોનર' થી લઇ કાબિલ, ઉરી, બાલા, અ થર્સડે, દસવીં વગેરેના પાત્રો એકબીજાથી અલગ રહ્યાં છે. એક અભિનેત્રી તરીકે વિવિધ પાત્રોની શોધમાં રહે છે. યામીએ પાત્રને પૂરો ન્યાય આપ્યો છે પરંતુ 'પિંક' જેવી ફિલ્મ આપનાર નિર્દેશક અનિરુધ્ધ ચૌધરી રાજકીય ડ્રામા અને થ્રીલરને પૂરતો ન્યાય આપી શક્યા નથી. 'પિંક' અને 'લૉસ્ટ' ની સરખામણી કોઇ રીતે થાય એમ નથી. છતાં કહેવું પડશે કે 'પિંક' જેવો જાદૂ તે બતાવી શક્યા નથી.

ફિલ્મમાં લેખક જે મુદ્દો ઉઠાવવા માગતા હતા એનાથી ભટકી ગયા છે. 'લૉસ્ટ' ટાઇટલ આપીને લોકો ગૂમ થવાનો મુદ્દો ઉઠાવ્યો હોય ત્યારે એના મૂળમાં જવાની જરૂર હતી. એમણે શાસન- પ્રશાસન જેવા અનેક મુદ્દાને આવરી લીધા છે. સ્ક્રીનપ્લે મજબૂત નથી અને સંવાદ દમદાર નથી. કલકત્તાની પૃષ્ઠભૂમિ પરની વાર્તા હોવાનું સાબિત કરવા હિન્દી સાથે બંગાળીનો વધુ પડતો ઉપયોગ કર્યો છે.

વાર્તામાં બહુ ટ્વિસ્ટ નથી. પત્રકાર વિધિ (યામી ગૌતમ) ને એક સ્ત્રીના ગૂમ થયેલા ભાઇ ઇશાન (તુષાર પાંડે) વિશે ખબર પડે છે ત્યારે એની તપાસનું કામ શરૂ કરી દે છે. એ દરમ્યાન એમાં યામીએ કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે અને છોકરા સાથે અસલમાં શું થયું છે એ દર્શાવ્યું છે. પરિવાર ઇશાનને સીધો છોકરો ગણાવે છે જ્યારે પોલીસ અને રાજકારણીઓ ઇશાનને નક્સલવાદી માને છે. વિધિ ઇશાનની પ્રેમિકા અંકિતા (પિયા) પાસેથી સત્ય કઢાવે છે. આ તપાસમાં વિધિને નાના (પંકજ કપૂર) ની સારી મદદ મળે છે. ઇશાન વિશેના અનેક સવાલોનો જવાબ ફિલ્મ જોયા પછી મળી શકે છે.

શરૂઆતથી જ ધીમી ચાલતી 'લૉસ્ટ' માંથી દર્શક જલદી રસ ગુમાવી દે છે. પાત્રો ઘણાં બધા આવે છે. યામી અને પંકજ સિવાય કોઇ પ્રભાવિત કરી શકતું નથી. દર્શકનું વાર્તા અને પાત્રો સાથે જોડાણ થઇ શકતું નથી. લેખન એવું છે કે એ પાત્ર અસર મૂકી શકતું નથી. યામી જે કેસની તપાસ કરે છે એમાં જે રોમાંચ અને ડર હોવા જોઇએ એનો અભાવ છે. વિષય મુજબ દર્શકો ઇમોશનલી પણ જોડાઇ શકતા નથી. ઇમોશનલ થ્રીલર ગણાતી આ ફિલ્મના અંતમાં એક ટ્વિસ્ટ છે એ પણ ઇમોશનલી આંચકો આપી શકતો નથી.

યામીએ એક કઠિન ભૂમિકાને સરળતાથી નિભાવી છે. પરિસ્થિતિ મુજબ એના ચહેરા પર ભાવ આવે છે. 'વિકી ડોનર' પછી પહેલી વખત યામીને મુખ્ય ભૂમિકા મળી છે. એને નિભાવવા કોઇ કસર બાકી રાખી નથી. એ સાઇડ રોલને બદલે મુખ્ય ભૂમિકાની હકદાર લાગી રહી છે. પંકજ અને યામી વચ્ચેના કેટલાક દ્રશ્યો જ ફિલ્મની જાન છે. આમ પણ બીજાં પાત્રો પર નિર્દેશકે ઓછું ફોકસ રાખ્યું હોવાથી પંકજ કપૂરને વધુ તક મળી છે. સૂમસામ પાર્કમાં ધમકાવવા આવેલા બે યુવાન સાથે તે જે રીતે વર્તન કરે છે એ દ્રશ્ય કાબિલેતારીફ છે. પિયા વાજપેયીએ પોતાની અભિનય શક્તિ યામીની જેમ જ બતાવી છે. રાહુલ ખન્ના રાજકારણી તરીકે પોતાનું કામ ઇમાનદારીથી કરી જાય છે.

યામી ગૌતમની 'લૉસ્ટ' માટે આશા હતી પરંતુ એમાં ઘણું મિસિંગ છે. બોલિવુડની મસાલા ફિલ્મોના ચાહકોને પસંદ આવે એવી નથી. જે દર્શકો કંઇક અલગ જોવા માગે છે એમને પસંદ આવશે. કેમકે ફિલ્મમાં ડાન્સ ગીત, એક્શન કે કોમેડી નથી. યામીના અભિનય સિવાય એવી કોઇ બીજી ખાસ બાબત નથી જે ફિલ્મ જોવાનું કારણ ગણાવી શકાય.