દે દામોદર, દાળ માં 💦પાણી..!! ”
✨વાત વધી કોઈ વાત ને જાણી,
દે દામોદર દાળમાં પાણી,
નોતરાંમાં છે ગોટમગોટા;
નોતર્યા નાના ને આવ્યા મોટા,
વાટકા લાવ્યા એવડા મોટા,
પીરસનાર ની ભૂલ દેખાણી,
જેને લીધે થઇ છે ઘાણી,
દે દામોદર દાળમાં પાણી,
તાપ વધ્યો ને તપેલું ચીબું,
ઉકળી દાળ ને ઉછળ્યું છીબું,
ત્યાં પડેલું બોલ્યું લીંબુ,
થોડી ઉભરાણી, થોડી ઢોળાણી,
જેની રસોડે છે એંધાણી,
દે દામોદર દાળમાં પાણી,
કેટલી સંખ્યા કો’કને પૂછી,
દાળ ઓરાણી વાત માં ઓછી,
ને ભાત વેળાએ તાણાતાણી,
દે દામોદર દાળમાં પાણી,
એના વરામાં શું ઠેકાણું ?
વાલ બોલ્યાં, પતરાળું કાણું,
કો’કને ભાણે ક્યાંક અથાણું,
ઠીક વરાની વાત ફેલાણી,
એનીજ છે આ રામ કહાણી,
દે દામોદર દાળમાં પાણી,
આંગળી બોલી કોળિયો રીઢો
શાક તાડુકયું લાડવો મીંઢો,
બેઉની એવી છે આ ઉઘરાણી
કેમ રીસાણી, ક્યાં સંતાણી ?
ભાત ની રાણી – – –
દે દામોદર દાળમાં 💦પાણી..!!
આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે “બારેય મેઘ ખાંગા થયા”
પણ કોઈને ખબર નથી “બાર મેઘ” શું છે.?
ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે
૧. ફરફર
૨. છાંટા
૩. ફોરા
૪. કરા
૫. પછેડીવા
૬. નેવાધાર
૭. મોલ મેહ
૮. અનરાધાર
૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ
૧૧. પાણ મેહ
૧૨. હેલી
૧. ફરફર
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ
૨. છાંટા
ફરફર થી થોડો વધારે વરસાદ
૩. ફોરા
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ
૪. કરા
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ
૫. પછેડીવા
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ
૬. નેવાધાર
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ
૭. મોલમેહ
મોલ – પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ
૮. અનરાધાર
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ
૯. મુશળધાર
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ – સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે
૧૦. ઢેફાં
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ
૧૧. પાણ મેહ
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ
૧૨. હેલી
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.
ફરિયાદો સાંભળીને થાક્યો છું હું હવે
મારે પણ ઘણી ફરિયાદ રે…
હું એકવીસમી સદીનો કાનુડો
મને બોલાવો Mr. Krushnalal રે…
પાંચ વાગ્યામાં વાગે ચાંદીની ઘંટડી
મને ઉઠાડે વૈષ્ણવ માત રે…
મારે પણ કહેવું છે ‘ Good Morning’
જ્યારે ઘડિયાળમાં વાગે બાર રે…
કેસર ઘોળી ઘોળીને મને કરી નાખ્યો કેસરી
હવે લગાવો ફૅશવોશની કતાર રે…
પહેરીને થાકયો છુ જરીયલ જામા
મને ડિઝાઈનરનો લાગ્યો નાદ રે…
મીસરી ને માખણ ક્યાં સુધી ખાવા ?
ખાવા છે મારે બ્રેડ- જામ રે…
રસોડેથી આવે છે ભાત ભાતની સુગંધ,
કેમ આરોગવાના દાળભાત રે…
નુડલ, પાસ્તા, બર્ગર ને ફ્રેન્કી,
મારે ખાવા વિધ વિધ ફરસાણ રે…
કડક કડક પેલા ઠોર ખાઈ ખાઈને,
દુખી ગયા છે મારા દાંત રે…
ખાવો છે મારે બોક્સવાળો રોટલો,
જે ખાવાથી છુટે મજાની લાળ રે…
રાતના ઉડાવે આઈસ્ક્રીમ ની જયાફત,
મને ધરાવે તુલસીનું પાન રે…
એક્ઝામ સમયે લળી લળીને
સૌ લાગતા મારે પાય રે…
પતે એક્ઝામ એટલે વિદેશ ભાગે,
મને પધરાવી બીજે નિવાસ રે…
મારે પણ ફરવું UK ને US,
જુનો લાગે છે જમનાઘાટ રે…
ક્રિકેટના બૅટ બૉલ લાવોને વૈષ્ણવ,
નથી રમવી હવે ચોપાટ રે…
ઝુમબા ને સાલસા મારે પણ શીખવા,
કેમ રમ્યા રાખું હું રાસ રે…
બાળક સમજીને ઘરમાં ઘાલી રાખે,
લગાવી દે સાવ લગામ રે…
ઘુઘરા, ભમરડા બહુ થયા હવે
લાવી આપો લેપટોપ, મોબાઇલ રે…
વાંસળીથી નથી ભોળવાતી ગોપીઓ,
શીખવી પડશે હવે ગીટાર રે…
ગદા ને ચક્ર ઘસાઈ ગયા છે સાવ,
શીખવું છે મારે માર્શલ આર્ટ રે…
કથા- કવિતામાં ઘણો ગાજ્યો આજસુધી,
ગજાવવા પડશે સેમીનાર રે…
યુધ્ધભુમિમાં દોડાવ્યા ઘોડા ઘણા,
ચલાવવી પડશે મોટર કાર રે…
શૅકહેન્ડ કરે નહીં કોઈ મારી સાથે,
કરતા બસ પ્રણામ રે…
ઓળખ આપવા મારે, મારી લોકોને,
છપાવવા છે વીઝીટીંગ કાર્ડ રે…
કશું શીખવાડે નહી, મોટો થવા દે નહીં,
રાખશે સાવ મને પછાત રે…
પ્રાણથી પણ પ્યારો છે લાલો એમ કહી,
કરતા સાવ જ પક્ષપાત રે…
સમજતા નથી ફરિયાદ મારી એકેય,
હું ન ઈંગ્લીશમાં કરી શકું વાત રે…
હું એકવીસમી સદીનો કાનુડો,
મને બોલાવો, Mr. Krushnalal રે.