અંધશ્રદ્ધા એક વળગાડ અક્ષય મકવાણા નાની પરબડી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધશ્રદ્ધા એક વળગાડ

અંધશ્રદ્ધાનું ઝાડ ઘેઘુર વડલા જેવું છે. એની વડવાઇઓ પણ એના થડ જેવી મજબૂત થઇ ગઇ છે. આ ઝાડનો નાશ કરવો હોય તો વડવાઇઓનો નાશ કરવો પડે. તે માટે પહેલા તો તેમને ઓળખીને શોધી કાઢવી પડે. થોડી વડવાઇઓની ઝાંખી કરીએ અને તેમને મળતા ખાતરની ઝલક જોઈએ.​

આ કામ કરવા માટે નાસ્તિક હોવું જરુરી નથી. મારા પર જો કોઈ ફળ પડે તો વિચારું, "ગુરુત્વ ​ બળ હોય કે ભૂમિતિ, જે હોય તે, છે તો પરાપૂર્વથી તો આ ફળ અત્યાર સુધી કેમ ના પડ્યું? આ એક જ કેમ પડ્યું? વધારે ફળો કે બધા જ ફળો કેમ ના પડ્યા? અત્યારે જ કેમ પડ્યું? પડવાનું હતું તે જ ક્ષણે અને તે જ સ્થળે હું કેમ હાજર હતો? વિજ્ઞાનીઓ જે ચાર (કે ત્રણ) બળોની ચર્ચા કરે છે તે બધાનું સંચાલન અને સંકલન કરનાર કોઈ સર્વોપરી શક્તિ હોવી જોઈએ. તેને જ ઈશ્વર કહેતા હશે."

આપણે વાંચીએ છીએ ઘણું અને લેખકની પ્રતિષ્ઠાને કારણે વાંચેલું બધું સ્વીકારી પણ લઈએ છીએ. આપણે ઘણું સાંભળીએ પણ છીએ અને બોલનારની વકતૃત્વ શક્તિથી અંજાઈ જઈને સાચું માની પણ લઈએ છીએ. ​ખાસ કરીને બચપણમાં જે વાંચ્યું કે સાંભળ્યું હોય તેની ઘેરી છાપ પડી જાય છે જે સહેલાઇથી ભૂંસાતી નથી. ​મહત્વ વાંચવા અને સાંભળવા સાથે વિચારવાનું પણ છે કે આમાંથી કેટલું સ્વીકારવા જેવું, કેટલું નકારવા જેવું અને કેટલું વ્યર્થ વાણીવિલાસ તરીકે અવગણવા જેવું છે. આમ વિચારવામાં નડતા અંતરાયો છે :

આપણને વારસામાં મળેલી શ્રદ્ધા, જે ખરેખર તો અંધશ્રદ્ધા પણ હોઈ શકે, અને હિરણ્યમય પાત્રની જેમ આકર્ષક અને મૂલ્યવાન દેખાય પરંતુ સત્યને ઢાંકી દે છે, આ વાત સાચી છે. આગળ વધીને કહું તો સમાજમાં વર્ચસ્વ ધરાવતા વર્ગની અંધશ્રદ્ધા જ શ્રદ્ધા તરીકે ઓળખાય છે. બાકી એનાથી જુદા પડતા લોકો કે ‘ઊતરતા’ ગણાતા લોકોની શ્રદ્ધા પણ અંધશ્રદ્ધા ગણાય છે. આદિવાસી દેવીને મરઘી ધરાવે તે અંધશ્રદ્ધા, પણ આપણે નાળિયેર ફોડીએ તે શ્રદ્ધા! કારણ કે સમાજમાં આપણું વર્ચસ્વ છે, આદિવાસીનું નહીં.

આપણી ઈશ્વરદત્ત વિવેકબુધ્ધી વિશેની આપણી હીનતાગ્રંથી,

સામાજીક પરંપરાનો પ્રતિકાર ન કરવાનું ડહાપણ.

થોડી વાર માટે આપણા હિન્દુત્વને બાજુ પર રાખીને હવે વિચારીએ:

હિન્દુત્વ શબ્દ ૧૯૨૩માં સાવરકરે શોધ્યો. એમણે લખ્યું કે હું Hinduismની વાત નથી કરવા માગતો પણ Hindunessની વાત કરવા માગું છું એટલે ‘હિન્દુત્વ’ શબ્દ બનાવું છું. હવે રાજકીય કારણસર હિન્દુઇઝમ શબ્દનું સ્થાન હિન્દુત્વ શબ્દે લઈ લીધું છે. સાવરકર તો એમ કહે છે કે સિંધુનું હિન્દુ થયું એટલે હિન્દુ શબ્દ પહેલાં આવ્યો. એ લોકો જે ધર્મ પાળતા હતા એને હિન્દુઓનો ધર્મ એવું નામ મળ્યું. આમ હિન્દુત્વમાં ‘હિન્દુઇઝમ’ subsume થઈ જાય છે.

કેટલીક વડવાઇઓ આવી છે:

કર્મનો સિદ્ધાંત:

આ સિદ્ધાંત આમ તો સીધો સાદો અને સ્વીકારવા જેવો લાગે છે કે આપણે જે કાંઈ સારું કે ખરાબ કામ કર્યું હોય તેનું ફળ ભોગવવું જ પડે. મુશ્કેલી ​એ છે કે તે ફળ કોને અને ક્યારે આવી મળે તે અંગે ગુંચવાડો ઊભો કરવામાં આવ્યો છે. કેટલીક વાર્તાઓમાં આ ફળ બીજાને નડે અથવા ચાલુ જન્મમાં મળવાને બદલે પછીના જન્મમાં પણ મળે. આ બે વાત માનવી અઘરી છે. કર્મનો સિદ્ધાંત ન હોત તો બ્રાહ્મણોનો ધંધો કેમ ચાલત? એટલે આ ખરેખર તો Insurance Agent’s Salesmanship છે! ગમે તેમ માલ વેચવો. શંબૂક પણ તપ કરી શકે તો એ બ્રાહ્મણ જેવો જ ગણાય. એ કેમ થવા દેવાય? Monoply, nothing else.

પૌરાણિક વાર્તાઓ:

આપણા પુરાણોમાં કેટલાક પ્રસંગો એવા આવે છે કે 'કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના". દાખલા તરીકે

(1) રામ વડે શંબુકનો વધ. દૂ​ર પર્વત પર શુદ્ર તપ કરે તેથી અયોધ્યાના બાહ્મણનો પુત્ર મરી જાય તો વાલ્મિકીના તપને લીધે કોણ મરેલું? શ્રવણ? કર્મના સિદ્ધાંત પ્રમાણે પોતાના કર્મોના ફળ પોતે જ ભોગવવાના હોય તો પણ શંબુકના તપને લીધે કશો જ સંબંધ ના હોય તેવો યુવાન મરી ગયો. તો શું તે સિદ્ધાંત સ્થગીત કરાયો હતો? કોઈ​ બીજાએ મરવાનું જ હતું તો રામના કોઇ સ્વજનનું મરણ કેમ ના થયું? વાલ્મીકિ રામાયણના અયોધ્યાકાંડના 100 માં સર્ગ માં રામે ભારતને પૂછેલા પ્રશ્નોમાં એવું પણ કહેલું કે "નિર્દોષ માણસને સજા થાય તો તેના જેટલા આંસુ જમીન પર પડે તેટલા રાજાના કુટુંબીઓ અને ઢોરઢાંખર મરે." (શ્રી નગીનદાસ સંઘવી લિખિત 'રામાયણની અંતર્યાત્રા' પૃ 75 પરથી)

(2) શાન્તનુ રાજાએ તેના પુત્ર ગાંગેયને આપેલું 'ઇચ્છામૃત્યુ'નું વરદાન. તે કામાતુર રાજાની એવી તે શી આધ્યાત્મિક સિદ્ધિ હતી કે તે વરદાન ફળે ને યમરાજ તેને સ્વીકારે પણ ખરા?

આપણા પૂર્વજો આવી હાસ્યાસ્પદ વાતો ઘણી સહેલાઇથી માની લેતા હતા. ​આપણે માનવાની જરુર ખરી?

આપણી વાર્તાઓમાંથી મહાનાયકોના દુષ્કર્મોનો ઉલ્લેખ કાઢી નાંખીને આપણને વંચાવવામાં કે સંભળાવવામાં આવે છે. ​ ​​પ્રજા​ને sanitized versions પીરસવામાં આવે છે.​ ​ દા.ત. ભીષ્મએ શકુનીના બચપણમાં તેના કુટુંબીજનો પર આચરેલા અત્યાચારને છુપાવી દેવામાં આવ્યો છે. ​(​વાંચકને રસ હોય તો વધુ વિગત માટે https://en.wikipedia.org/wiki/Shakuni​ ​પર તે વાંચી શકે છે.)

ગાંધારી કંઈ સ્વેચ્છાએ ધૃતરાષ્ટ્રને પરણી નહોતી. ધૃતરાષ્ટ્ર સાથે તેના લગ્ન કરાવવા માટે ભીષ્મએ દાદાગીરી જ કરી હતી. તેણે ધૃતરાષ્ટ્રની સહાનુભુતિમાં આંખે પાટા બાંધ્યા હતા એવું કહેવા/લખવામાં આવે છે. ખરેખર જો તેમ હોત તો આંખો ખુલ્લી રાખીને તેની વધારે સારી સંભાળ રાખી શકી હોત. છુપું ખરું કારણ એ હોવું જોઈએ કે તે ભીષ્મને અને ધૃતરાષ્ટ્રને જોવા નહોતી ઇચ્છતી. પોતે બીજાની સેવા લીધી. પુત્રોનું ધ્યાન ના રાખ્યું તેથી ખરાબ પાક્યા. તે બધા તેમના પોતાના વાંકે માર્યા ગયા. તો પણ ગાંધારીએ શ્રીકૃષ્ણને શાપ આપ્યો જે ફળેલો એમ મનાય છે. પણ ખરેખર તો યુદ્ધમાં માર્યા ગયેલા લખો સૈનિકોના સ્વજનોના નિસાસા નડ્યા હોવા જોઈએ.

આ તો તમે વાર્તાઓની વાત કરો છો, ઉપનિષદો વેદોથી ઉલટી વાત કરે છે અને ગીતા ‘વેદવાદ-રત’ (વેદ વિશેના વિવાદમાં રત) લોકોની વાત કરે છે. એમાં વેદો પ્રત્યે કંઈ આદર નથી. પણ કોઈ આ મહત્ત્વની વાત કહે છે? ‘વેદાંત’નો અર્થ એમ કરે છે કે ઉપનિષદો વેદોને અંતે આવે છે એટલે એમને વેદાંત કહે છે. ખરેખરો અર્થ છે વેદ પરંપરા, વૈદિક વિચારનો અંત! પણ આપણને તટસ્થ રહીને સાચું બોલવાની ટેવ નથી પડી.

લગ્ન પછી પતિ આંધળો થઇ જાય તો પત્નીએ આંખે પાટા બાંધવા જોઈએ?​

ઋષિઓની મહાનતા:

જયારે જયારે કોઇ પણ ઋષિનો ઉલ્લેખ કરવાનો થાય ત્યારે ત્યારે તેમને માટે 'મહાન' વિશેષણ તો અચુક લગાડવામાં આવે છે. તેથી તેમણે ચાલુ કરેલી બધી પરંપરાઓ સારી અને આવશ્યક માનવામાં આવે છે. ખરેખર શું તે બધા જ મહાન હતા? કેટલાક હતા, બીજા કેટલાક નહોતા. જેમ કે દુર્વાસા મુની તો ​શા​પ આપતા જ રહેતા. ​ઇનામ આપ્યું તે પણ બિચારી કુંતીને જીવનભરની મનોવ્યથા આપી ગયું. (ને સુર્યદેવ પણ એવા કે કુંવારી કિશોરીને ગર્ભવતી બનાવતાં ખચકાયા નહીં.) વિશ્વામિત્ર તો નવજાત બાળકીને મોરલાઓને ભરોસે મુકીને ચાલી ગયા, કોઇ માનવીને સોંપ્યા વિના. તેઓ બ્રહ્મર્ષિ થયા તેથી કામધેનુ મેળવવા પાત્ર તો થયા પણ સમાજને તેનો શો લાભ થયો? શુક્રાચાર્ય વરસો સુધી ઉંધે માથે લટક્યા. કોનું ભલું થયું? છતાં શીવજી પ્રસન્ન થયા!

બધી ખોટી ખરાબ પરંપરાઓને સારી સાચી ઠરાવવા માટે ઋષિઓને યશ (દોષ ગણવાને બદલે) દેવામાં આવે છે. અત્યારના સંજોગોમાં ઘણી પરંપરાઓ છોડી દેવા જેવી છે પણ છોડતા નથી.

સંમત છું.

અહં ખરાબ છે:

અહં અને અભિમાન વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. ​અહં એટલે આપણી અસ્મિતા, આપણું સ્વમાન. તે ખરાબ નથી. ​આપણને શીખવવામાં આવે છે કે અહં ખરાબ છે અને તેને ત્યજી દઈએ તો જ જ્ઞાન મળી શકે. ​ ગુરુઓને એવા અનુયાયીઓ ગમે છે કે જેઓ તેમની બધી વાત વગર વિચાર્યે સ્વીકારી લે. ​અહં વગર, પોતાની આગવી ઓળખ વિના, માનવીના જીવનમાં બાકી શું રહે? અહં વગરની વ્યક્તિ જાણે કે યંત્રમાનવ, નામને બદલે ક્રમાંક આપીએ તો પણ ચાલે. જીવનમાં અહં તો આવશ્યક છે પણ અભિમાન ના કરવું જોઈએ. અભિમાન છોડવાનું કહેનારા પ.પૂ.ધ.ધૂ.ઓના પોતાના અભિમાન ક્યાં ઓછા હોય છે?

અહંનો અંત આવે જ નહીં. અહં એટલે આપણી અસ્મિતા, આપણું અસ્તિત્વ. એ સામાજિક ઘટના છે. અહંને સંકોચો તો તમારા જીવનમાંથી પુત્ર-પત્ની બધાં નીકળી જશે. અહંનો વિસ્તાર કરો તો પારકાં પણ પોતાનાં લાગે. ગાંધીજીને અહં તો હતો જ, પણ એમણે એનો એટલો વિસ્તાર કર્યો કે બધા એમના માટે કુટુંબ જેવા હતા. ગુરુઓ જો આવી વાત ન કરે તો એમને સાંભળે કોણ? એટલે ગુરુ એવી જ વાત કરશે કે આપણને એ બહુ કઠિન જણાય. જેટલી સલાહ કઠિન, એટલો ગુરુ સારો!

ગુરુ પરમેશ્વર છે:

ગુરુર્બ્રહ્મા વાળો શ્લોક સૌથી વધુ હાનિકારક શ્લોક છે. ગુરુ બનવા પહેલા કોઈ બીજાને લઘુ (શિષ્ય) બનાવવા પડે, તેનો આત્મવિશ્વાસ રુંધી નાખવો પડે. દેહધારી કોઇ પણ વ્યક્તિને પરમેશ્વર માનવી તે ઇશ્વરનું ઘોર અપમાન છે. કેટલીક વ્યક્તિ અત્યંત મહાન હોઈ શકે પણ પરમેશ્વર નહીં. ગણિતમાં મર્યાદા (limit) ની એક વિભાવના (concept) આવે છે. બીજ ગણિતના કોઇ પદનું મુલ્ય અમુક સંખ્યાની ખુબ નજીક આવી શકે પરંતુ તે સંખ્યા​ n ​ની બરાબર ના થઇ શકે. આને 'limit tends to n' એમ કહેવાય છે. શ્રીકૃષ્ણ જેવી અત્યંત મહાન વ્યક્તિ પરમેશ્વરની ઘણી નજીક ભલે હોય પણ પરમેશ્વર તો નહીં.

ગુરુને જે સ્થાન આપી દીધું છે તેથી આપણી સર્જનાત્મક શક્તિ લુપ્ત થઈ ગઈ. આપણે સ્વતંત્રપને કંઈ કરી જ ન શકીએ. આપણા દેશમાં વિચારવું એટલે વાડકામાં મંકોડાની જેમ ગોળ ગોળ ફરવું. આપણી સામે સીધો રસ્તો મૂકીને ગુરુ છોડી દે તો આપણે સ્વતંત્ર રીતે વિચારીએ. આમાં જ આપણા વિજ્ઞાનનો નાશ થયો.

મોક્ષઘેલછા:

માનવ જીવનનું એક માત્ર લક્ષ્ય મોક્ષ મેળવવાનું છે એમ લગભગ બધા આધ્યાત્મિક ઉપદેશકો જણાવે છે. શા માટે? શરીરના દુખો ફરીથી ભોગવવા ના પડે તેટલા માટે. આ તો પલાયનમાર્ગ થયો. સાચા ઈશ્વરપ્રેમીઓ તો અનેક જન્મોમાં ​સારા કાર્યો કરવા તત્પર રહે, મોક્ષ ન વાંછે. આપણા શરીરમાં જે આત્મા છે તેનો ફેરઉપયોગ (reuse) કરવાની મનાઇ કરી શકાય? કરી શકાતી હોય તો પણ તે કરવાનું ઉચીત છે?

આપણો સમાજ એટલો બધો ગૂંચવાયેલો છે કે મારા સાળાના સાળાની દીકરીનાં લગ્ન હોય અને મને આમંત્રણ ન મળે તો મને ખોટું લાગે! આવી જડબેસલાખ વ્યવસ્થામાંથી બહાર નીકળવું કેમ? એટલે મોક્ષનો વિચાર આવ્યો. મોક્ષના માર્ગે એકલા જ હોઈએ, મા કોણ ને બાપ કોણ? कस्त्वं को॑ऽहं. को मे जननी को मे तात....? (તું કોણ, હું કોણ, કોણ મારી મા, કોણ મારો બાપ?) ધર્મ નક્કર પરિસ્થિતિઓની અધૂરાશો પૂરી કરે છે. એ આપણી અધૂરી ઇચ્છાઓનું પ્રતિબિંબ છે. જ્યાં સામાજિક, આર્થિક સ્થિતિ સારી હોય ત્યાં નેધરલૅન્ડ્ઝમાં સુખ વધારે છે, સમાનતા વધારે છે અને નાસ્તિકો પણ વધારે છે.

લક્ષ ચોર્યાસીના ફેરા:

કહે છે કે જીવાત્મા ચોર્યાસી લાખ યોનીઓમાં અવતાર લઇ આવે પછી માનવ અવતાર મળે છે. આ ગણતરી કોણે કરી? બધી યોનીઓમાં સરેરાશ એક દિવસ જ કાઢવાનો થાય તો પણ ચોર્યાસી લાખ દિવસ એટલે 23,000 વરસ પછી એક ફેરો પુરો થાય. આટલા લાંબા સમય સુધી કોઇ જીવાત્માની ગતિવિધી નોંધી રાખવા કોણ જીવ્યું હશે? કોઇએ ગપ્પું માર્યું ને બધાએ સ્વીકારી લીધું.

અમીબામાંથી આપણે મનુષ્ય બન્યા એના કેટલા તબક્કા હશે? લખ-ચોર્યાશીથી વધારે! આ તો થોડુંઘણું વિજ્ઞાન જાણનારાના કોઈ કથનનું લોકભોગ્ય રૂપ છે. હું વિદ્યાર્થી હતો ત્યારે પ્રજાપિતા બ્રહ્માકુમારીઓએ યોજેલું એક પ્રદર્શન જોવા અમે બધા મિત્રો ગયા. આ લોકો માને છે કે માનવદેહ ૮૪ ચક્કર પછી મળે છે. મેં દલીલ કરી કે આપણે અમીબામાંથી માણસ સુધી પહોંચ્યા તે માત્ર ૮૪ પરિવર્તનોમાં નથી થયું. ૮૪,૦૦,૦૦૦ કદાચ ખોટું હશે, પણ ૮૪ તો ખોટું જ છે. જે ભાઈ સમજાવતા હતા એમણે મને ગ્રુપમાંથી અલગ કરીને ખૂણામાં ઊભાડી દીધો. એ કહે કે “તમે જ્ઞાન આપવામાં આડે આવો છો!” એનું પ્રદર્શન જોઉં તે પછી એમને સમજું ને? પણ એ ગુરુની શરત તો એવી થઈ કે પહેલાં હું સમજું પછી પ્રદર્શન જોઉં! જો સમજું તો પ્રદર્શન જોવાની જરૂર જ કેમ પડે? પણ આ તર્કને તો એ ગુરુ સાથે શી લેવાદેવા?

પુનર્જન્મ:

આ તો શ્રીકૃષ્ણે જ કહ્યું છે, "ધૃવં જન્મ મૃતસ્ય" મરેલાનો (અને માર્યા ગયેલાનો) જન્મ (પુનર્જન્મ) નક્કી જ છે.​ આત્મા અમર છે, દેહ કામચલાઉ છે.​ જો આમ છે તો મહાભારતના યુધ્ધમાં માર્યા તો શરીરોને જ ને? ​તો ​તે યુધ્ધ કરવાનું નિરર્થક નહોતું? કંસને મારી શકાયો, કંસત્વને મારી શકાયું?

કર્મનો સિદ્ધાંત ન હોત તો પુનર્જન્મનો સિદ્ધાંત પણ ન હોત, આત્મા અમર હોવાનો સિદ્ધાંત પણ ન હોત!

અલભ્ય માનવદેહ:

બીજી બધી યોનીઓમાં પુણ્ય કર્યા હોય તો જ મનુષ્ય અવતાર મળે તેમ મનાય છે. પાપ પુણ્ય તો માનવીઓ જ કરે છે, બીજા બધા જીવો તો કુદરત જીવાડે તેમ જીવતા હોય છે. ​પ્રાણી શરીરોમાં હોય ત્યારે જીવાત્મા ન તો પાપ કરી શકે છે, ન તો પુણ્ય.

જેને જે દેહ મળ્યો હોય તે એના માટે તો અલ્ભ્ય જ છે. હરણને ખબર હોય કે એનો દેહ અલભ્ય નથી તો એ રોજ સવારે સિંહ પાસે જાતે જ હાજર થઈ જાત. પણ એનેય પોતાનો દેહ અલભ્ય જ લાગે છે એટલે જ સિંહથી બચવા માટે ભાગતું હોય છે!

જ્યોતિષ:

​ નિર્જીવ ગ્રહો સજીવ માનવોના જીવન પર અંકુશ રાખી શકે? તે ગ્રહોની શક્તિ પર વ્યક્તિગત રીતે ફેરફાર કરી શકાય? ​બધા પ્રસંગે મુહુર્ત જોવડાવવું અને ઘણા પ્રસંગે ગ્રહશાંતિ કરવાનું જરુરી માનવામાં આવે છે. દક્ષિણા માટે ગોર મહારાજ અગડં બગડં શ્લોક બોલે તેનાથી યજમાનને નડતા ગ્રહો શાંત થઇ જાય તે શક્ય છે?

હસવા માટે અને બ્રાહ્મણોની કમાણી સિવાય જ્યોતિષ ક્યાંય અસર નથી કરતું.

ચમત્કાર:

ચમત્કારથી અંજાઇ જઈને લોકો અનુયાયી થઇ જતા હોય છે. ઘણા ચમત્કાર તો અફવા હોય છે​ અથવા મળતીઆઓએ ઉપજાવી કાઢેલા હોય છે. તો બીજા કેટલાક ​નિ​રુપયોગી હોય છે.​ તેમનું આધ્યાત્મિક મુલ્ય નહીંવત હોય છે.​ એક 'સંત' હવામાંથી વીંટી કાઢીને આપતા. સોનાની ​જણા​તી એ વીંટીનું સોનું કેટલા ટચનું છે તે કોણ ચકાસવાનું હતું? ​બીજા એક વિદ્વાન સાક્ષરનો કંપવા (Parkinson's disease) એક 'સંત'ના સ્પર્શથી મટી ગયો તો તે તેમના ભક્ત થઇ ગયા. ભૌતિક શરીરની સમસ્યા હલ થઇ તેમાં આધ્યાત્મ ક્યાં આવ્યું? રામકૃષ્ણ પરમહંસ કેન્સરથી પીડાતા હતા છતાં મા કાલીને તે અંગે પ્રાર્થના નહોતી કરતા કારણ કે પીડા તો શરીરની સ્થિતિ હતી, આત્માની નહીં.

કુદરતી ચમત્કારો તો પળે પળે થયા કરે છે.

આપણે જે ન સમજીએ તે ચમત્કાર. વીજળી કેમ પેદા થાય છે તે મારા માટે ચમત્કાર છે, ડૉક્ટર દવા લખી આપે અને એ દવા ખાવાથી હું સાજો થઈ જાઉં તે ચમત્કાર છે કારણ કે હું દવા વિશે અથવા એ શી રીતે અસર કરે છે તે જાણતો નથી. આમ છતાં હું એટલું તો જાણું છું કે આ બધી ભૌતિક, રાસાયણિક ક્રિયાઓ છે. આ દુનિયામાં જે કંઈ બને તે દુનિયાના, ફિઝિક્સના, રસાયણશાસ્ત્રના નિયમોની બહાર કશું બને જ નહીં, ભલે ને એ કેમ બન્યું તેનૂં વ્યક્તિગત રીતે આપણને જ્ઞાન ન હોય!

​યુગપ્રભાવ:​

​ કળીયુગમાં જે અશક્ય છે તે પણ સત્યુગમાં શક્ય હતું અને તે સમયે બધું ઘણું સારું હતું, હવે બગડી ગયું છે એમ મનાવવામાં આવે છે. કળીયુગમાં થયા તેના કરતા વધારે અવતારો સત્યુગમાં થયા હતા તે શું સુચવે છે?

અંગેજી husband શબ્દ માટે સંસ્ક્રુતમાં 'પતિ' 'નાથ' વગેરે માલિકી સુચક શબ્દો જ છે કારણ કે ત્યારે તો પત્ની તેના હસ્બન્ડની માલિકીની વસ્તુ ગણાતી હતી. પત્ની જ નહીં નાના ભાઈઓ સુધ્ધાં મોટા ભાઈના દાસ માનતા. હવે નહીં. આવી તો ઘણી બાબતોમાં આપણે સુધરી (કે 'બગડી') ગયા છીએ. આપણી પ્રાચીન પેઢીઓની વિચારસરણી ​કરતાં અત્યારની આપણી વિચારસરણી વધારે સારી નથી?

અત્યારનો યુગ વધારે સારો છે. રામના વખતમાં મોબાઇલ ફોન હોત તો કંઈ નહીં તો વાત તો થઈ શકી હોત! લક્ષ્મણ રામને ફોન પર પૂછી લેત કે સીતામાતા આવી કડવી વાતો કહે છે, તમે ક્યાં છો? રામ કહેત કે બસ થોડી વારમાં આવું છું તો લક્ષ્મણ ગયા ન હોત. અને જો કેકોઈ કારણસર લક્ષ્મણ ન હોત અને રાવણ આવ્યો હોત તો એ સીતાજીના મોબાઇલમાંથી સૌ પહેલાં તો સિમ કાઢીને ફેંકી દેત!

પોતે અપૂર્ણ છીએ:

આ લખનારને ઘણી વાર જણાવવામાં આવ્યું છે કે "બીજાની ટીકા કરવાને બદલે આત્મદર્શન કરો". કબૂલ કે મારામાં પણ ઘણી ઉણપો છે. પણ તેનો અર્થ એવો નથી કે મારાથી બીજા કોઇની કશી ટીકા કરાય જ નહીં. બધા જ આવી રીતે મૌન પાળે તો સુધારો કેવી રીતે થઇ શકે?​ એમ પણ કહેવાય છે કે હંમેશા વિધાયક (પોઝીટવ) અભિગમ રાખવો, કશાની ટીકા નહીં કરવી. જે ખોટું કે ખરાબ હોય તેને તેવું ના કહેવાથી અને જે સાચું અને સારું છે તેને તેવું કહેવાથી તેની મશ્કરી થાય છે.​

પૂર્ણતાની જરૂર જ શું છે? અપૂર્ણ હોવા છતાં આપણે કોઈને નુકસાન કર્યા વિના સુખથી જીવી શક્યા છીએ તો પૂર્ણ હોત તો આથી વધારે શું કરી લેવાના હતા? અપૂર્ણતા વાસ્તવિકતા છે, પૂર્ણતા કલ્પના.

બધા માને છે:

ઘણા મિત્રો દલીલ કરતા હોય છે કે આટલા બધા લોકો માને છે તે શું ખોટા હશે? આ પણ એક ભ્રામક દલીલ છે. કેટલા લોકો કોઇ વાત માને છે તેને આધારે જો નિર્ણય કરવાનો હોત તો મહાભારત યુધ્ધ પહેલા કૌરવોને 61 ટકા મત મળ્યા હોત.

દલીલો કરનારા કે ન કરનારા પોતે જે માનતા હોય છે તે કેટલું વિચારપૂર્વકનું હોય છે?

ખાતર:

આ અને આવી બીજી બધી વડવાઇઓને પોષણ ક્યાંથી મળે છે? દુર્ભાગ્યે કેટલાક બુદ્ધિશાળી લોકો જાણે અજાણ્યે તે પુરું પાડતા હોય છે. બે ઉદાહરણ બસ થશે.

(1) રુદ્ર મહાલયની ભૂમિપૂજા સમયે ખૂંટી શેષનાગના માથા પર જ વાગી છે કે નહીં તેની ખાતરી કરવા તેને સહેજ હલાવવાથી લોહીની ટશર ફૂટી હતી એવું લખનાર લેખક ગુજરાતના સમર્થ સાહિત્યકાર હતા. વાર્તા માટે આ રોચક લાગે પણ કાચી સમજના ​વાં​ચકની અંધશ્રધ્ધા પાકી થાય છે. તેને તો લાગશે કે જમીનની નીચે શેષનાગ છે અને જ્યોતિષ તે નાગનું માથું ક્યારે ક્યાં હશે તે ભાખી શકે છે. આવી વાહિયાત વાત પર હસવું કે રડવું?

(2) બાલિકામાંથી તાજેતરમાં કિશોરી બનેલી કુંતીના કુતુહલ અને ભોળપણનો લાભ ઉઠાવી તેને ગર્ભવતી બનાવનાર સુર્યદેવની ટીકા કરવાને બદલે તે આખા પ્રસંગનું સુંદર શબ્દોથી વર્ણન કરીને તેના બહુમાનીત લેખકે ગુજરાતીઓની સેવા કરી કે કુસેવા?

​ આવા તો ઘણા લખાણો છે.​

સમુદ્રોની સુનામીઓ અને નદીઓના પુર તો થોડા સમયમાં ઓસરી જાય છે. પરંતુ અંધશ્રધ્ધા ઘટવાને બદલે વધે અને દ્રઢ થાય તેવા લખાણો અને પ્રવચનો તો વધતા જ જાય છે. ગુરુઓ અને ધર્મપ્રચારકો તો તેઓના સ્વહિતમાં તે કરે. ચલચિત્રો અને ટીવી ચેનલો માટે હવે ચમત્કાર બતાવવાનું સહેલું થઇ ગયું હોવાથી ચમત્કારિક દૃશ્યો બતાવી પૈસા કમાવાની ચાવી મળી ગઈ છે. પણ લેખકો, દૈનિકો​ અને ​સામયિંકો પણ તેમાં સામેલ થાય છે તે દુખદ ​આશ્ચર્ય ​છે.