ફર્ઝી વેબસિરીઝ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફર્ઝી વેબસિરીઝ

વેબસિરીઝ 'ફર્ઝી'

-રાકેશ ઠક્કર

શાહિદ કપૂરે તેની પહેલી વેબસિરીઝ 'ફર્ઝી' દ્વારા OTT પર પ્રવેશ કર્યો છે. પણ એ કોઇ મજબૂરીમાં કે ટ્રેન્ડને કારણે આ પ્લેટફોર્મ પર આવ્યો નથી. કોરોના પહેલાં જ્યારે OTT નું મહત્વ વધ્યું ન હતું ત્યારે નિર્દેશક રાજ અને ડીકે દ્વારા શાહિદનો એક ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે એણે સામે ચાલીને વેબસિરીઝમાં કામ કરવા રસ બતાવ્યો હતો. અને નિર્દેશકે 'ફર્ઝી' ને ફિલ્મને બદલે વેબરિરીઝ તરીકે તૈયાર કરી હતી.

અગાઉ મનોજ વાજપેઇ સાથે 'ધ ફેમિલી મેન' જેવી સફળ વેબસિરીઝ બનાવી હોવાથી આ નિર્દેશક જોડી પાસે જે અપેક્ષા હતી એ પૂરી કરવામાં સફળ રહ્યા છે. એમણે પોતાની વેબસિરીઝને એકબીજા સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો હોવાથી હવે પછી એનું યુનિવર્સ બની શકે છે. નકારાત્મક બાબતોમાં એક કલાકના આઠ એપિસોડ હોવાથી વાર્તાની ગતિ ધીમી પડતી હોવાથી ધીરજની કસોટી થાય છે અને કેટલીક વાતોને બીજી સીઝન માટે છોડી દીધી છે. છતાં એ દર્શકોને છેલ્લે સુધી જકડી શક્યા છે. કેમકે વાર્તા રસપ્રદ બની છે. ક્યાંય કંટાળાજનક લાગતી નથી.

સની (શાહિદ) નામનો એક કલાકાર છે. જેને પિતાએ છોડી દીધો છે અને નાના (અમોલ પાલેકર) એ અપનાવ્યો છે. દુનિયા પ્રત્યેની એક નારાજગી સાથે તે મોટો થયો હોય છે. તે માત્ર નાનાજી અને મિત્ર ફિરોઝ (ભુવન અરોરા) ને પોતાના માને છે. એના નાનાજીના અખબારનો પ્રિન્ટિંગ પ્રેસ 'ક્રાંતિ' બંધ થવાના આરે હોય છે. એમના ધંધાને બચાવવા માટે સની નકલી ચલણી નોટ છાપવાની તૈયારી કરે છે. એ પોતે કલાકાર હોવાથી અસલી જેવી નકલી નોટ બનાવવાનું એના માટે બહુ સરળ બને છે. આમ કરવા જતાં તે નકલી નોટના ધંધાર્થી મંસૂરના ધંધાનો એક મોટો ભાગ બની જાય છે. એમાં ટાસ્ક ફોર્સના અધિકારી માઇકલ (વિજય) નો પ્રવેશ થાય છે. જે નકલી નોટના ધંધા પર સકંજો કસે છે. માઇકલ સનીની નહીં મંસૂરની પાછળ પડ્યો હોય છે. પરંતુ સની રૂપિયા ૨૦૦૦ એવી નોટ બનાવે છે જેને મશીન પકડી શકતી નથી. એમાં વળી રાજકારણીની મિલીભગત સામેલ થાય છે. એ પછી પોલીસને કલાકાર સની વિશે માહિતી મળતાં એની શોધ શરૂ કરે છે અને મેઘા (રાશિ) નો પ્રવેશ થાય છે. નકલી નોટને બજારમાં ઉતારવા અને પોલીસથી બે ડગલાં આગળ ચાલવા માટે સની એક ચાલ ચાલે છે ક્લાઇમેક્સ થોડો ફિલ્મી થઇ ગયો છે.

પહેલી વખત કોઇ નિર્દેશકે નકલી નોટ પર ફોકસ કર્યું છે. નકલી નોટના કાગળની વ્યવસ્થા કેવી રીતે કરવી, રંગોનું મિશ્રણ કરવાનું કામ વગેરે બતાવાયું છે. એમાં શું જટિલતા છે અને તકનીક કેવી હોય છે એની આખી પ્રક્રિયા ધીમે ધીમે ચોથા એપિસોડ સુધી રજૂ કરી છે. એટલું જ નહીં નકલી ચલણી નોટના ખતરનાક ખેલને રોમાંચક રીતે બતાવ્યો છે. દેશની અર્થવ્યવસ્થા પર અસર કેવી થાય છે એ પણ જોવા મળે છે. આ ગુનાનું મહિમામંડન ના થાય એનું ધ્યાન રાખ્યુ છે. વાર્તામાં એક્શન અને સંવાદ સાથે કંઇક નવું જોવા મળે છે. કેમકે OTT પર ક્રાઇમ આધારિત વેબસિરીઝની કમી નથી. મોટાભાગે એના વિષય રાજકીય ભ્રષ્ટાચાર, આતંકવાદ, જાસૂસી વગેરે હોય છે. 'ફર્ઝી' માં નકલી નોટના આર્થિક અપરાધની નવી વાત છે.

નાના-મોટા કે નવો- જૂના દરેક કલાકારને યોગ્ય તક મળી છે અને બધા પોતાના અભિનયથી પ્રભાવિત કરી જાય છે. શાહિદ કપૂર કોઇ ખાસ અંદાજમાં નથી. તેમ છતાં એ એક એવો અભિનેતા છે જે હીરો હોય કે વિલન કોઇપણ પાત્રના અભિનયમાં નિરાશ કરતો નથી. તેણે આ વેબસિરીઝમાં ફિલ્મ અભિનેતા જેટલી જ મહેનત કરી છે. કે.કે. મેનનનો જવાબ જ નથી. નકલી નોટોના ડિલર મંસૂર તરીકે છવાઇ જાય છે. દક્ષિણનો વિજય સેતુપતિ દરેક પાત્રને જીવી જાય એવો કાબેલ અભિનેતા છે. પહેલી વેબસિરીઝમાં એની હિન્દી ભાષા ગમે એવી છે. તે પોતાના ટ્રેડમાર્ક અંદાજમાં છે. શાહિદ સાથે તેની ટક્કર જોવા જેવી છે. મહિલા કલાકારો ઓછા છે ત્યારે મહત્વની ભૂમિકામાં રાશિ ખન્ના પોતાની ભૂમિકાને વાસ્તવિક બનાવી નવીનતા લાવી શકી છે. શાહિદના મિત્ર તરીકે ભુવન અરોરાએ યાદગાર કામ કર્યું છે. શાહિદના નાના તરીકે વર્ષો પછી અમોલ પાલેકર દેખાયા છે.

નિર્દેશક રાજ અને ડીકે દર્શકોની નસ જાણે છે. એમણે એકદમ દેસી અંદાજમાં વેબસિરીઝ બનાવી છે. 'લાલચ શોખ કો જરૂરત મેં બદલ દેતી હૈ' જેવા આજના જમાના પ્રમાણેના સંવાદ મજેદાર છે. ગાળો સાથેની ક્રાઇમ થ્રિલર 'ફર્ઝી' માં ખામીઓ ઓછી અને ઘણી ખાસિયતો હોવાથી અવધિ વધુ હોવા છતાં જોઇ શકાય એમ છે.