Premnu Rahashy - 20 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું રહસ્ય - 20

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૦

અખિલ ઘરે પહોંચ્યો એટલે સંગીતાએ પહેલો જ પ્રશ્ન કર્યો:'સારિકા મળી કે નહીં?'

અખિલ નિરાશ થતાં બોલ્યો:'ના, લાગે છે કે કોઇ અગત્યનું કામ આવી ગયું હોવાથી ક્યાંક જતી રહી છે. ઘરે જઇ આવ્યો પણ ત્યાં તાળું છે. એનો મોબાઇલ નંબર પણ લીધો નથી...'

કુંદન હસી પડ્યો અને સંગીતા તરફ જોઇ બોલ્યો:'ભાભી, એમ લાગે છે કે અખિલ મને ઉલ્લુ બનાવી રહ્યો છે. એ થોડા દિવસોથી એને મળી રહ્યો હતો એમ કહે છે પણ એની પાસે એનો ફોટો કે ફોન નંબર નથી. અને હમણાં આવીને ક્યાંક જતી રહી એમ કહે છે...'

અસલમાં અખિલ સારિકાને શોધવા બહાર ગયો ત્યારે સંગીતાએ એને સારિકાની કોઇ વાત કરી ન હતી. અખિલને એમ હતું કે સંગીતાએ સારિકા ઘરે આવી હતી એની વાત કરી હશે તેથી કહ્યું:'સંગીતાને જ પૂછી જો ને... સારિકા અહીં આવી હતી કે નહીં?'

સંગીતાને જાણે સારિકાની વાતમાં જ રસ ના હોય એમ બોલી:'હવે એ સારિકા આવે ત્યારે જ આપણે વાત કરીશું... પહેલાં એ તપાસ કરો કે પેલો નાસ્તાવાળો હજુ આવ્યો કેમ નહીં?'

ત્યાં જ અખિલના મોબાઇલની રીંગ વાગી. એણે કોઇ અજાણ્યા નંબરનો ફોન જોયો. તે ગભરાયો. ક્યાંક સંગીતાનો ફોન તો નહીં હોય ને? એ પ્રેત જ લાગે છે. બાકી આમ ગાયબ થઇ જાય નહીં. અને જે રીતે પૂર્વજન્મની વાત કરતી હતી એ પરથી તો એમ જ લાગતું હતું. એની સુંદરતા, વર્તન અને વાતો એવો જ ઇશારો કરતા હતા કે તે ભૂતની જ છે. કોઇ પ્રેત છે.

અખિલ ફોન ઉપાડતો ન હતો એ જોઇ સંગીતાએ એને ઢંઢોળ્યો:'અખિલ! ક્યાં ખોવાઇ ગયો? ફોન ઉપાડ ને... ક્યાંક એ ફૂડ ડિલિવરીવાળાનો જ ના હોય...'

'હં...' ચમકીને અખિલે ફોન નંબર પર ફરી નજર નાખી ત્યારે ટ્રુ કોલર પર ફૂડ ડિલિવરીની કંપનીનું નામ ફ્લેશ થતું હતું. તેણે તરત જ ફોન ઉપાડી લીધો અને કહ્યું:'હા... હું અખિલ... પહેલા માળે આવી જા...'

બે મિનિટમાં ફૂડ ડિલિવરીવાળો દરવાજા પર હાજર હતો.

સંગીતાએ કુંદનને નાસ્તો પીરસ્યો.

અખિલના મનમાં સારિકાનો જ વિચાર ચાલી રહ્યો હતો. તેને થયું કે જો સારિકા પ્રેત જ હોય તો હવે કુંદનને તેની સાથેના લગ્નની વાત કરવાની જરૂર નથી.

સંગીતા પરિવારની અને ઓફિસની વાત કરવા લાગી ત્યારે કુંદને વિગત વહેંચતાં કહ્યું:'એક છોકરી માટે વાતચીત ચાલી રહી છે. પરિવારને એ સુંદર અને સુશીલ લાગી છે. જો બધું બરાબર રહેશે તો આ મહિને સગાઇ થઇ જશે!'

સરસ! કુંદન તું તો છુપો રુસ્તમ નીકળ્યો!' અખિલને હાશ થઇ કે હવે સારિકાની વાત કરવી પડશે નહીં. ટાઢા પાણીએ ખસ ગઇ છે. પણ પછી એક ડર મનમાં ફુંફાડો મારવા લાગ્યો:'સારિકા પૂર્વજન્મના પ્રેમની વાત લાવીને લગ્ન માટે મારા પર દબાણ કરશે તો...?

'શું થાય? આ લગ્નની વાત જ એવી હોય છે... જ્યાં સુધી પાકું નક્કી ના થાય ત્યાં સુધી બંને પક્ષ કોઇને પણ એ વિશે કહેવાનું ટાળે છે!' કુંદન વ્યવહારિક સત્ય ઉચ્ચારી રહ્યો.

'કુંદન, તારી વાત સાચી છે.' સંગીતાએ એને સમર્થન આપ્યું.

'અખિલ, હું નીકળું છું... તારે આજે રજા લેવી હોય તો લઇ લે... ભાભીને ગમશે!' કુંદન નાસ્તાને ન્યાય આપી ઊભો થતાં મર્માળુ હસતાં બોલ્યો.

'અરે ના-ના! મારે ઓફિસમાં બહુ કામ છે. બે કામની તો આજે ડેડલાઇન છે. બોસ ઉઘરાણી કરશે...ચાલ, હું સાથે જ આવું છું...' કહેતો તૈયાર થવા લાગ્યો. સંગીતાએ એને રોક્યો નહીં.

કુંદન સાથે ઓફિસ પર પહોંચીને અખિલ સારિકાને મનમાંથી કાઢીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે મોબાઇલમાં એસએમએસ આવ્યાનો ટોન વાગ્યો.

કુંદને કામમાં એ એસએમએસ પર ધ્યાન આપવાનું ટાળ્યું. એને ખ્યાલ હતો કે આ જમાનામાં વ્યક્તિગત કામ માટે એસએમએસ થતા નથી. જે કંઇ સંદેશ હોય એ વોટ્સએપ પર જ આવે છે. એસએમએસ પર બેંકના અને કંપનીઓની જાહેરાતના જ સંદેશ વધારે આવે છે. તે મેસેજ પછી જોવાનું નક્કી કરી કામમાં ડૂબેલો રહ્યો.

થોડીવાર પછી કામમાંથી વિરામ લીધો ત્યારે એસએમએસ યાદ આવ્યો. એણે જોયું તો કોઇ અજાણ્યા નંબર પરથી એસએમએસ હતો. પહેલાં થયું કે કોઇ કંપનીની જાહેરાતનો જ હશે. જ્યારે નજર નાખી અને શરૂઆતમાં 'પ્રિય અખિલ!' સંબોધન વંચાયું ત્યારે એ ચોંકી ગયો. કોઇ જાણીતી વ્યક્તિનો આ મેસેજ હતો. એણે મેસેજ ખોલ્યો અને આખો વાંચતા પહેલાં ઉત્સુક્તાથી નીચે નામ વાંચ્યું ત્યારે ગભરાઇ ગયો. એ મેસેજ સારિકાનો હતો. તે કોઇ નવી આફતના ડરથી ધ્રૂજતાં મેસેજ વાંચવા લાગ્યો.

એ એસએમએસમાં અખિલની કલ્પના બહારનો મેસેજ હતો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED