Dashavtar - 61 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 61

સૂર્ય ક્ષિતિજથી થોડો ઉપર હતો. હવામાં ઉડતા ક્ષારના કણ પ્રલયની યાદ તાજી કરાવતા હતા. તાલીમના મેદાન પર પહોચવાનો સમય થઇ ગયો હતો. વિરાટે પહેરણના બટન ખોલ્યા અને તેના શરીર તરફ નજર કરી. તેના શરીર પર ઠેક ઠેકાણે ઉઝરડા પડ્યા હતા. ક્યાંક કોઈક ઉઝરડો ઊંડો થયો હોય ત્યાં હજુ રાતી રેખા દેખાતી હતી જયારે બાકીના ઉઝરડા વાદળી અથવા ઘેરા બદામી રંગના દેખાતા હતા. તેણે એ દિવસની તાલીમની કલ્પના કરી. વજ્રએ ગઈ કાલે જ કહ્યું હતું કે તેનું આગામી દંગલ વજ્રની સામે હશે- તેના મિત્રો સામે નહીં.

તેણે સ્નાન કર્યું અને બીજું પહેરણ પહેર્યું. એ પછી વાળ બાંધ્યા અને માથા પર જુના સમયના ઋષીઓ જેમ અંબોડો બનાવ્યો. તેની માએ વહેલી સવારે જ જમવાનું બનાવી રાખ્યું હતું. તેણે જમતી વખતે પોતાની જાતને લડાઈ માટે માનસિક રીતે તૈયાર કરી અને ઝૂંપડી છોડી તાલીમના મેદાન તરફ જવા પગ ઉપાડ્યા. તે ચાલીને તેમના વિસ્તાર બહાર નીકળ્યો અને એ પછી તેણે તાલીમના મેદાન તરફ દોટ મૂકી. તે એક કલાક રસ્તો હતો કેમકે તાલીમ માટેની જગ્યા ગોપનીયતા જળવાઈ રહે એ માટે જંગલમાં ઊંડે પસંદ કરવામાં આવી હતી. જ્યારે તે તાલીમના મેદાનમાં પહોંચ્યો ત્યારે વજ્ર એક ઘટાદાર ઝાડને પીઠ ટેકવીને ઉભો હતો. એ ઝાડ પ્રલય પછી અસ્તિત્વમાં આવેલી વડની નવી પ્રજાતિ હતી. વૃક્ષોએ પણ પ્રલય પછી અસ્તિત્વ ટકાવી રાખવા પોતાને નવા પર્યાવરણ મુજબ બદલી નાંખ્યા હતા. વજ્રથી થોડેક જ દૂર તારા બીજા ઝાડના થડ પર નિશાન ગોઠવતી હતી.

“આજે આપણે તીર ચલાવતા શીખીશું,” વજ્રએ કહ્યું અને દરેક તાલીમાર્થીને ધનુષ્ય અને ભાથો આપ્યો. વિરાટે જોયું કે એ ધનુષ્ય તેણે રક્ષકના ખભા પર જોયું હતું એવી જ બનાવટનું હતું.

"સાંભળો," વજ્રએ કહ્યું, "તમે તલવારથી લડશો અને ધનુષ-બાણ તમારા ગૌણ શસ્ત્રો રહેશે."

બધા શૂન્યો ધ્યાનથી તેને સાંભળતા હતા પણ તેમના મનમાં તો હજુ એ ધનુષ્ય અને બાણ શેના બનેલા છે તે વિચારો જ ચાલતા હતા. તેમના માટે નિર્ભયના હથિયારો અજાણ્યા હતા.

"શું ભવિષ્યવાણી મારા જીવન વિશે બધું જ કહે છે?"  વિરાટ વજ્રની નજીક ગયો અને તેને પૂછ્યું. વિરાટ આમ તો ભવિષ્યવાણીમાં માનતો નહી પણ તેના મંદિરના સપનાએ તેને વિશ્વાસ કરવા દબાણ કર્યું હતું.  જો કે, તેણે તેના સપના વિશે કોઈને કહ્યું નહોતું. જ્યાં સુધી તે મંદિરના પતનનો માર્ગ ન જાણી લે અથવા તેની આસપાસના ચક્રવ્યૂહને કેવી રીતે પાર કરવો તે ન જાણી લે ત્યાં સુધી તેમને કહેવાનો કોઈ અર્થ ન હતો. તે વધુ સપનાની રાહ જોઈ રહ્યો હતો.

"હું જાણતો નથી કે ભવિષ્યવાણીમાં શું છે," વજ્રએ કહ્યું, "બસ આપણે જાણીએ છીએ કે કારુ એનાથી ડરે છે અને જે માણસ સદીઓથી ઈશ્વર બનીને બેઠો છે એ માણસ કોઈ કારણ વિના તો ન જ ડરે."

વિરાટે માથું હલાવ્યું અને વિચાર્યું કે ધનુષ અને બાણ તેનું ગૌણ શસ્ત્ર છે.  પદમા સાથે જંગલમાં શિકાર કરતી વખતે તેણે ધનુષ બાણ સાથે સારો એવો સમય વિતાવ્યો હતો.

“તલવાર શ્રેષ્ઠ હથિયાર છે પરંતુ જ્યારે તમારે ઝડપી દુશ્મન અથવા દેવતાઓનો સામનો કરવો પડે ત્યારે ધનુષ્ય અને તીરની જરૂર પડશે.”

“કેમ દેવતાઓ સાથે તલવારથી નહી?” દક્ષાએ પૂછ્યું.

"તમે દેવતા સાથે હાથોહાથની લડાઈ ન લડી શકો  કારણ કે તેમના નખનો એક નાનો ઘસરકો પણ તમારા માટે જીવલેણ બની શકે છે. તમારે તેમની સાથે દૂરથી લડવાની જરૂર પડશે અને એ માટે ધનુષ્ય અને તીર શ્રેષ્ઠ છે,” તેણે ઉમેર્યું, "મારી સલાહ મુજબ જ્યાં સુધી આપણે તેમના જાદુઈ શસ્ત્રોનું રહસ્ય ન જાણીએ ત્યાં સુધી આપણે દેવતાઓનો સામનો કરવો ન જોઈએ.”

"હવે તીરંદાજીનો સમય," તેણે બૂમ પાડી કારણ કે તારા નિશાનો ગોઠવીને પછી ફરી હતી.

વજ્રએ વિરાટના હાથમાં પણ એક ધનુષ્ય અને તીરનો ભાથો પકડાવ્યો. વિરાટે પોતાના ધનુષ્ય તરફ જોયું. તે લાકડાને બદલે કોઈક અલગ જ મટીરીયલનું બનેલું હતું. તે ધાતુ, પ્લાસ્ટિક અને એવી સામગ્રીનું બનેલું હતું જેના નામ પણ વિરાટ જાણતો નહોતો. તીરો દોષરહિત સમાન કદના અને એકદમ સીધા હતા. સૌ પ્રથમ, તારાએ તેમને ધનુષ્ય કેવી રીતે પકડવું એ શીખવ્યું. તેણીએ શીખવ્યું તેમ એ બધાએ કર્યું.

 

એ પછી તારાએ ધનુષ્યની પણછ કાન સુધી ખેંચી અને તીરને શૂન્ય લોકો જેમ સીધું રાખવાને બદલે ત્રાંસું ગોફણ કર્યું. તારાએ વૃક્ષોના થડ પર ભીના ચૂના વડે માનવ આકારના લક્ષ્યો બનાવ્યા હતા. લક્ષ્યો બહુ દૂર નહોતા.

વિરાટ સૂકા ચૂનાના પાવડરથી બનેલા વર્તુળમાં ઉભો રહ્યો. ત્યાં ઉભા રહી તેને પોતાનું લક્ષ્ય પસંદ કરવાનું હતું. તેણે લક્ષ્ય પસંદ કર્યું - લીમડાના ઝાડના થડ પર સફેદ માનવ આકૃતિ. તેણે ધનુષ્ય પર બાણ ચડાવ્યું. એ ધનુષ્ય તેમના શિકાર કરવાના ધનુષની જેમ સરળ નહોતું. તે શિકાર માટે જે દોરાનો પ્રત્યંચા તરીકે ઉપયોગ કરતા તેના કરતાં આ પ્રત્યંચા વધુ કડક હતી. જોકે એ તીર તેમના તીર કરતા વજનમાં હલકું  હતું. તેણે પૂરી તાકાતથી પ્રત્યંચા ખેંચી અને તીર છોડ્યું.

તે લક્ષ્યને બે ઇંચથી ચૂકી ગયો. બીજું તીર ચૂકી ગયું અને વિરાટને અપમાનિત થવા જેવું લાગ્યું, એ પછી ત્રીજું, ચોથું અને પાંચમું તીર પણ ચૂકી ગયું. તેના અંદર રોષ ભભૂકવા લાગ્યો. જ્યાં સુધી તેના હાથ એ નવા શસ્ત્રોથી ટેવાયા નહી ત્યાં સુધી તેના તીર લક્ષને વીંધી શક્યા નહી. અંતે તેના હાથને એ ધનુષ્યની ફાવટ આવી અને દશમું બાણ લક્ષ્યને વીંધવામાં સફળ રહ્યું.

"દસમો અવતાર," વજ્ર અને તારા બંને આનંદથી બૂમો પાડવા લાગ્યા પરંતુ વિરાટને સમજાયું નહી કે તેણે શું સારું કર્યું છે. તે સતત નવ તીર ચૂકી ગયો હતો અને તેમ છતાં, તેઓ તેની તીરંદાજીથી કેમ ખુશ હતા.

વિરાટના મિત્રો પણ બૂમો પાડવા લાગ્યા, "દસમો અવતાર, દસમો અવતાર."

અને એ અવાજો વચ્ચે વિરાટે ખાસ કઈ વિચાર્યા વિના બીજું તીર કાઢ્યું અને તેને સીધું આગલા લક્ષ્ય તરફ નિશાન લીધું. તીર ઝાડના થડને વીંધીને એમાંથી પસાર થઇ ગયું. ત્યાં ઉભો દરેક જ્ઞાની નવાઈ પામ્યો કેમકે એ થડ માનવ શરીર કરતાં બમણું પહોળું હતું અને તેના આરપાર તીર નીકળવું અશક્ય હતું.

સાંજના સમયે, વિરાટના હાથ ધનુષ્યને પકડવાથી પીડાતા હતા અને તેની આંગળીઓ અસંખ્ય વાર કડક પ્રત્યંચા ખેંચીને એટલી કડક થઇ ગઈ હતી કે આંગળીઓ સીધી કરવી મુશ્કેલ હતી. વિરાટ એક હાથની આંગળીઓથી બીજા હાથની આંગળીઓની મસાજ કરવા લાગ્યો. તેણે એક હાથની આંગળીઓના નખમાં બીજા હાથની આંગળીઓના નાખ ફેરવીને સુરતાનું લોહી નખમાંથી નીકાલ્યું હતું એ દૃશ્ય તેની આંખ સામે દેખાવા લાગ્યું. તેનું હ્રદય સુરતાની પીડા મહેસુસ કરવા લાગ્યું અને તેની આંગળીઓની પીડા ક્યાં ચાલી ગઈ એ તેને ખબર પણ ન પડી.

દિવસ પૂરો થતાં તે બધા ગુરુ જગમાલની ઝૂંપડીએ સાંજના ભોજન માટે ભેગા થયા. દક્ષા વિરાટની ડાબી બાજુએ બેઠી હતી અને સુબોધ તેની જમણી બાજુએ હતો. તેમની વચ્ચે વજ્ર અને તારા બેઠા હતા. તેઓ નિર્ભય સાથે જમ્યા હોય તેવું પહેલીવાર નહોતું કેમકે દીવાલની પેલી તરફ તેઓ એક જ ગૃહમાં ભેગા જમ્યા હતા પણ જ્યારે તેમની સાથે બેસીને બે નિર્ભય સિપાહીઓ તેમણે પીરસેલું ભોજન લઇ રહ્યા હતા એ શૂન્યો માટે કઈંક નવું હતું.

બે સાચા નિર્ભય સિપાહીઓ તેમની સાથે બેસીને ખાઈ શકતા હોય તો બાકીના લોકો કેમ ના ખાઈ શકે?

પવને બધાને ચોખા આપ્યા. વજ્ર અને તારા માટે શૂન્યોનો ખોરાક અજાણ્યો હતો. તેમણે દીવાલની પેલી તરફ ચતુષ્કોણમાં ક્યારેય આ પ્રકારનો ખોરાક લીધો નહોતો.

"શું તમે બધા એક જ ગુરુના શિષ્યો છો?"  વજ્રએ ભાતનો કોળીયો ભરીને પૂછ્યું.

"હા, અમે છીએ." દક્ષાએ જવાબ આપ્યો, "અમે બાળપણથી સાથે છીએ."

"લડાઈમાં મિત્રતા અને પરસ્પર વિશ્વાસ સૌથી મહત્વના છે."  તારાએ કહ્યું, "જ્યારે તમે લડતા હો ત્યારે તમારે તમારી પીઠને સુરક્ષિત રાખવા માટે તમારા સાથી પર વિશ્વાસ કરવો જોઈએ અને જો તમારી પીઠ સાચવનાર વ્યક્તિ તમારો બાળપણનો મિત્ર હોય તો એ વિશ્વાસ વધી શકે છે."

"અમે શૂન્યો એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ." વિરાટે કહ્યું.

        “આ એ પ્રકારનો વિશ્વાસ નથી," વજ્રએ શરૂ કર્યું, "જ્યારે તાલીમના સમાચાર દીવાલની પેલી તરફ પહોચશે ત્યારે પાટનગર આપણા માટે મોતનું ફરમાન બહાર પાડશે. તેઓ જ્ઞાનીઓને મારવા માટે નિર્ભયની ટુકડીઓ મોકલશે અને આ ટુકડીઓ જૈવિક પ્રક્રિયાની અસર હેઠળ હશે તેથી તેઓ માણસો જેવા નહિ પણ મશીનો જેવા હશે.”

"તાલીમ પૂરી થાય ત્યાં સુધી તેમને ખબર નહીં પડે." વિરાટે કહ્યું.

"હું પણ આશા રાખું છું," વજ્રએ કહ્યું, "જો એવું થશે તો એ પછી આપણે દીવાલની પેલી તરફ જઈશું અને સાચા દેવતાઓ પાસેથી મદદ મેળવવા હિમાલયના પર્વતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. જો સાચા દેવતાઓ આપણી સાથે હશે તો આપણે મંદિર પર  હુમલો કરીશું.”

"આપણે હુમલો નહી કરી શકીએ." વિરાટે કહ્યું.

"કેમ?"  તારાએ પૂછ્યું. 

"કેમકે આપણે ચક્રવ્યૂહ પાર કરી શકીએ એમ નથી." વિરાટે કહ્યું, “મેં મંદિર વિશે ઘણાં સપનાં જોયા છે. તેમાં એક ચક્રવ્યૂહ છે જે અભેદ છે. હું મારા સપનામાં દિવસો સુધી આ માર્ગમાં ફર્યો છું પણ પહેલા કોઠાને પાર કરવાનો કોઈ રસ્તો નથી.”

"એ ચક્રવ્યૂહ છે?" વજ્રએ પૂછ્યું.

“હા, તે ગોળાકાર છે અને તેમાં સેંકડો સમાન ઓરડા છે જે સાતના ગુણાકાર પ્રમાણે રચાય છે. તે દિવાલ જેવા જ પથ્થરના બ્લોક્સથી બનેલા છે અને તે તેની રચના સતત બદલાતી રહે છે.”

"તેને જોયા વિના તું તેના વિશે આ બધું કેવી રીતે જાણી શકો?"

“દરેક સ્વપ્ન મને તેના વિશે વધુ વિગતો આપે છે. હવે હું જાણું છું કે એ મહાભારતમાં વર્ણવેલ ચક્રવ્યુહ છે જેના દ્વારા કૌરવોએ અભિમન્યુને માર્યો હતો. પણ મને ખબર નથી કે અભિમન્યુ કોણ છે. છેલ્લા સ્વપ્નમાં, મેં તારા પિતાને કહ્યું હતું કે ચક્રવ્યુહની સમાન રચનામાં ચક્રવ્યૂહ બનાવવામાં આવ્યો છે અને તેના સાત વિભાગો (કોઠા) છે અને અભેદ્ય છે."

"આપણે એ પુસ્તક મેળવવાની જરૂર છે," વજ્રએ કહ્યું, "મહાભારત."

"હા, મારા પિતા કહે છે કે તેમાં કોઠાયુદ્ધ નામનું યુદ્ધ છે અને તે વર્ણવે છે કે કૌરવોએ અભિમન્યુને મારવા માટે કેવી રીતે ચક્રવ્યૂહ ગોઠવ્યો હતો."

"પણ પુસ્તક ક્યાંથી મળશે?" વજ્રએ કહ્યું, "આવા પુસ્તકો પ્રલય પછીથી અદૃશ્ય થઈ ગયા છે."

"સાચા દેવતાઓ," વિરાટે સૂચવ્યું, "કદાચ તેમની પાસે જૂના પુસ્તકો હશે."

"કદાચ પરંતુ તેમના સુધી પહોંચવું સરળ નથી."

"પરંતુ આપણે પુસ્તક શોધવું પડશે અને ચક્રવ્યૂહ કેવી રીતે પાર કરવો એ શીખવું પડશે, એ સિવાય આપણે મંદિરમાં પ્રવેશ કરી શકીશું નહી."  વિરાટે કહ્યું, "જો આપણે મારા સપના પર વિશ્વાસ કરીએ તો."

"તારા સપના પર વિશ્વાસ કરવો જ રહ્યો. હકીકતમાં બધું તારા પર નિર્ભર છે.” તારાએ કહ્યું, “એ ત્રીજી ભવિષ્યવાણી છે. અવતાર મંદિર અને તેના પતનના રહસ્યની આગાહી કરશે.”

"હજુ ભવિષ્યવાણીના શુક પક્ષી અને અને અવતારનો સફેદ ઘોડો તેની સાથે નથી..." વજ્રએ કહ્યું.

“ઘોડો સફેદ છે?” વિરાટે પૂછ્યું.

"હા,"

"અને એનું નામ દેવદત્ત છે?"

"હા." તેણે લગભગ બૂમ પાડી, "તું એ કેવી રીતે જાણો છો?"

“હું સ્વપ્નમાં ઘોડો જોઉં છું. જ્યારે હું ભૂલ ભુલૈયામાં ફરું છું ત્યારે ઘોડો મારી સાથે હોય છે અને વાદળી પ્રકાશથી ચમકતી તલવાર મારા હાથમાં હોય છે.”

“એટલે કે મારા પિતા સાચા છે. તું અવતાર છો.” વજ્રએ માથું નમાવ્યું, તારાએ પણ વિરાટને નમન કર્યું અને બાકીનાએ પણ એમ જ કર્યું.

"તમે બધા મારા મિત્ર છો," વિરાટે કહ્યું, "આપણે  મિત્રોને નમતા નથી."

"પણ આપણે સાક્ષાત ભગવાનને નમન કરીએ છીએ." ગુરુ જગમાલે કહ્યું અને વિરાટને પ્રણામ કર્યા.

વિરાટ વિચારતો હતો કે શું બોલવું પણ તેને કોઈ શબ્દો મળ્યા નહી.

*

પાંચ દિવસ વીતી ગયા. હવે જ્ઞાનીઓ તાલીમથી ટેવાઈ ગયા હતા. હવે તેમને પહેલા જેટલો થાક ન લાગતો. ગુરુ જગમાલ વારંવાર કહેતા કે સમય અને સમુદ્રની ભરતી બેકાબૂ છે- તેને કોઈ કાબૂમાં કરી શકતું નથી, કારુ પણ નહીં.  ગુરુ જગમાલ સાચા હતા.

એ દિવસે વિરાટ તાલીમના મેદાન પર પહોંચનાર છેલ્લો હતો. જ્યારે તેણે મેદાનમાં પગ મૂક્યો ત્યારે સૂર્ય ક્ષિતિજ પર તેજસ્વી રીતે ચમકતો હતો. છેલ્લી રાતની ઠંડી હજુ ધરતી સાચવીને બેઠી હતી પણ તડકો તેની એ મહામુલી મૂડીને ધીમે ધીમે તેનાથી છીનવી રહ્યો હતો. વિરાટે આસપાસના જંગલની સુવાસ શ્વાસમાં ભરી. તેને એ સુવાસ પદમાની યાદ અપાવતી કેમકે તેમણે ઘણીવાર જંગલમાં ફરીને એ સુવાસને એક સાથે શ્વાસમાં ભરી હતી. પક્ષીઓનો મધુર કિલકિલાટ તેના કાને પડતો હતો.

"આ શું છે?" વજ્ર પાસે પહોંચતા જ વિરાટે પૂછ્યું. તેના હાથમાં તીરો પાસે કોઈ ટોચ નહોતી. એ તીર રબરના બનેલા હતા.

“આ તાલીમ માટેના ખાસ તીર છે,” વજ્રએ કહ્યું અને તારા તરફ જોયું અને ઉમેર્યું, “હવે દરેક જણ તાલીમના મેદાન પર છે. ચાલો તેમને નમુનો બતાવીએ."

તારા વીસેક ડગલાં ચાલીને તેમણે લાકડાના લક્ષો ગોઠવ્યા હતા ત્યાં પહોચી.  તે ઘાસથી બનાવેલા એક ચાડીયા પાસે ઉભી રહી  અને વજ્રની સામે જોયું, "હું તૈયાર છું." 

“ઠીક છે, હવે બધા અહી ધ્યાન આપો.” વજ્રએ સુચના આપી. દરેક આંખ તેની તરફ ફરી એ સાથે જ વજ્રએ કહ્યું, "હું ચાડીયાને તીર મારીશ પણ તારા તેને બચાવી લેશે."

તે ચાડીયાને કેવી રીતે બચાવશે એ કોઈને સમજાયું નહીં પરંતુ બધાએ માથું હલાવ્યું.

વજ્રએ ધનુષ્ય હાથમાં લીધું અને તીર ચડાવ્યું. તે તીક્ષ્ણ ટોચ વિનાનું રબરનું તીર હતું. વિરાટે તીરની રબરની ટોચને આમ તેમ હલતા જોઈ. વજ્ર ચાડીયા પર નિશાન લઇ રહ્યો હતો. તે એ જ સ્થિતિમાં હતો જેમ તેણે અન્ય લોકોને શીખવ્યું હતું, તે સહેજ આગળ નમેલો હતો. વજ્રએ શ્વાસ રોકી લીધો હતો - વિરાટ જાણતો હતો કે શા માટે – શ્વાસ લેતા સમયે ખભામાં થતી હલનચલન લક્ષ વેધમાં અવરોધ ઉભો કરી શકે છે. તેણે હવાની દિશાનો અંદાજ લીધો. તેના તીરની ટોચ લક્ષ કરતા સહેજ નીચી હતી. બીજી જ પળે તેણે ખારી હવાનો એક ઊંડો શ્વાસ ભર્યો અને એ સાથે તેના ખભા સહેજ ઉંચકાયા અને તિરની ટોચ બરાબર ચાડીયાની છાતી પર ચુનાથી બનાવેલા નિશાન સામે તકાઈ ત્યારે તેણે પ્રત્યંચા છોડી. તીર હવામાં તરતું ગતિ કરવા લાગ્યું. વિરાટને તીરની ગતિ જોઇને જ અંદાજ આવી ગયો હતો કે તે લક્ષ વીંધવામાં સફળ થશે. વિરાટે તીરંદાજી વિશે ઘણું બધું શીખી લીધું હતું.

વિરાટને ધનુષ્યની પ્રત્યંચાની ધ્રુજારી સાંભળવાની પરવા ન હતી, તેના બદલે તેની આંખો તીર સાથે ફરતી હતી જ્યાં સુધી તે લક્ષ્ય પર અથડાય નહીં.  પણ… એવું ન થયું.

તારાનો હાથ હવામાં વિઝાયો. તેની તલવાર કળી ન શકાય એવી ગતિમાં આગળ વધી. બીજી જ ક્ષણે તીરના બે ટુકડા થઈ ગયા. બંને ભાગ જમીન પર પડ્યા. તારાએ તેને બરાબર અધ વચ્ચેથી કાપી નાખ્યું હતું.

તેણીએ નીચા નમીને બંને ટુકડાઓ હાથમાં લીધા અને કહ્યું, "બંનેની લંબાઈ સમાન છે."

"ઠીક છે," વજરે કહ્યું, "હવે પાછી આવ."

તારા પાછી ફરી એ પછી વજ્રએ દક્ષા તરફ જોયું અને કહ્યું, "તું ત્યાં જઈને લક્ષ્યને બચાવ.”

વજ્રના કહ્યા પ્રમાણે દક્ષાએ કર્યું. વજ્રએ પાંચ વખત નિશાન પર પ્રહાર કર્યો.  દરેક વખતે દક્ષાએ તીરને કાપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેની તલવાર ચૂકી ગઈ.

"તારે ઓછામાં ઓછું એક તીર કાપવું જોઈએ," વજ્રએ બૂમ પાડી, "અજાણ્યે પણ એક તિર તો કાપવું જોઈએ."

"હું નથી કરી શકતી," દક્ષાએ જવાબ આપ્યો.

"કેમ?" વજ્ર એ પૂછ્યું.

"ખબર નથી."

“પણ મને ખબર છે,” વજ્રનો અવાજ ભારે હતો. "તું દરેક વખતે ચૂકી ગઈ કેમકે તને એ ચાડીયાની પરવા નથી. હવે હું તને લક્ષ બનાવીશ.”

વજ્ર તેના જવાબની રાહ જોયા વિના બીજું તીર ચલાવ્યું પરંતુ તિર ત્યાં પહોચે એ પહેલા દક્ષા બીજી તરફ દોડવા લાગી.

"તું નિયમ તોડી રહી છો," વજ્રએ ગર્જના કરી.

"હું લક્ષ્ય તરીકે ઊભી રહી શકુ એમ નથી." દક્ષાએ કહ્યું, "જ્યારે તીર આવી રહ્યું હોય ત્યારે ઊભા રહેવું અશક્ય છે."

"ઠીક છે," વજરે કહ્યું, "અહી આવ."

દક્ષા પાછી ફરી અને કહ્યું, "મને માફ કરજો પણ હું કરી શકું એમ નથી."

"કેમ?"

"મને ડર લાગે છે."

"દરેક વ્યક્તિને ડર લાગે છે," વજ્રએ કહ્યું, તેનો અવાજ શાંત પણ ગંભીર હતો, "જ્યારે પણ તમે ડર અનુભવો ત્યારે તમારે યાદ રાખવું જોઈએ કે તે જ સમયે તમારી અંદર એક નિર્ભય પણ છે."  તેણે દરેકની સામે જોયું, "જ્યારે પણ તમને ડર લાગે છે ત્યારે તમારામાં એક એવો ભાગ છે જે તેનાથી પ્રભાવિત નથી, તે ભાગ જે તમારા હૃદયને ધબકતું રાખે છે અને તમારું લોહી વહેતું રહે છે. તમે ડરથી કેમ મરી નથી જતાં?"

કોઈએ જવાબ ન આપ્યો.

"તમે ડરથી મરી નથી જતાં કારણ કે તમારો અમુક ભાગ જ ડર અનુભવે છે તમારું સંપૂર્ણ શરીર નહીં." તેણે આગળ કહ્યું, "દર વખતે તમે ખુશ હોવ ત્યારે તમારા હૃદયમાં એક ખૂણો હોય છે જ્યાં ઉદાસી રહે છે અને જ્યારે પણ તમે ઉદાસ હો ત્યારે તમારા હૃદયમાં ગુપ્ત રીતે એક ખુશી છુપાયેલી હોય છે જે તમને તમારા દુ:ખને દૂર કરવાની શક્તિ આપે છે."

હવે તારાએ કહ્યું, "એવું ન વિચારો કે નિર્ભયને ક્યારેય ડર લાગતો નથી. તેઓ ડર અનુભવે છે પણ તેઓ ક્યારેય આ ડર સામે હાર માનતા નથી."  તેણીએ ચાલુ રાખ્યું, "આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા ડરનો તમારા હથિયાર તરીકે ઉપયોગ કરો - ભય તમને મૃત ન બનાવી શકે તે તમને જીવંત બનાવે છે. ધ્યાનમાં રાખો અને ભય તમને ક્યારેય હરાવી શકે નહીં. જ્યારે પણ તમને ભય લાગે ત્યારે તેના પર નિયંત્રણ મેળવો અને તેનો ઉપયોગ કરો અને જાણો કે તમે નિર્ભય બની શકો છો."

દક્ષાએ દલીલ કરી, "પણ અમે એ ન કરી શકીએ કારણ કે અમે જન્મથી શુન્ય છીએ તમારા જેવા નિર્ભય નથી."

"જન્મથી શુન્ય..." વજ્ર હસ્યો, "કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વભાવ સાથે જન્મતો નથી. તમારો સ્વભાવ તમારા ઉછેર પર નિર્ભર છે. તમે સિંહ વિશે સાંભળ્યું છે?"

ગુજરાતના ગીર નામના વિસ્તારમાં પ્રલય પહેલા સિંહનું અસ્તિત્વ હતું તે બધાએ ક્યાંકને ક્યાંક વાંચેલું હતું. તે નીડર પ્રાણીઓ હતા અને તેથી જ દરેક નિર્ભય સિપાહી પોતાની છાતી પર સિંહના ચહેરાનું છુદણું કરાવતો.

વજ્રએ કહ્યું, "મારા દાદાએ મને કહ્યું હતું કે, પ્રલય પહેલા લોકો સિંહના એક બચ્ચાને ઘેટાં સાથે રાખ્યું હતું અને જ્યારે તે મોટુ થયું ત્યારે તેને બકરા, કૂતરા અને બિલાડીનો પણ ડર લાગતો." તેણે પોતાનું ગળું સાફ કર્યું, "તો મુદ્દો એ છે કે આપણે બધા દ્વિ સ્વભાવ સાથે જન્મ્યા છીએ. તે આપણો ઉછેર છે જે આપણો એક સ્વભાવ બહાર લાવે છે. જો તમે ભય હેઠળ ઉછર્યા હોવ તો તે તમારો નિમ્ન સ્વભાવ લાવે છે જે તમને ડર જેવી લાગણીઓ આપે છે. પરંતુ ક્યારેય ભૂલશો નહીં કે તમારી પાસે હજી પણ ઉચ્ચ સ્વભાવ છે જે આ બધાથી ઉપર છે. ક્યારેય, ક્યારેય એવું ન કહો કે તમે કાયર છો કે શૂન્ય છો કે મૂર્ખ છો. જ્યારે તમે તમારા જીવનનો સૌથી મોટો ડર અનુભવતા હોવ ત્યારે પણ તમારી અંદરનો અમુક ભાગ હંમેશા નિર્ભય હોય છે. તમારે ફક્ત એ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે." તેણે થોડી વાર વિરામ લીધો, "અને હું તમને શીખવવા આવ્યો છું કે તમારી અંદરના નિર્ભય પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું."

વિરાટને તેના ગુરુના શબ્દો યાદ આવ્યા - જ્ઞાન એ શક્તિ છે.  ગુરુ જગમાલ કહેતા કે બહાદુર બનવાનું પહેલું પગલું જ્ઞાન છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED