સવાઈ માતા - ભાગ 3 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 3

મેઘનાબહેને પોતાનાં બેય હાથ લંબાવી તેને પાસે બોલાવી અને ભાવથી ભેટી પડ્યાં. તેમણે મીરાંમાસીને કહ્યું,"શું રમીલા મારાં ઘરે ન રહી શકે?" ત્યાં રમીલા જ બોલી ઊઠી, "ના માસી, હું અહીં જ રહી જાઉં તો વિજયામાસી સાવ એકલાં પડી જશે. તેમની સાથે તો દીદી વાતો પણ નથી કરતાં. અને કદાચ બધું ઘરકામ પણ તેમને જ કરવું પડે."બોલતાં સુધી તેની આંખો ભીની થઈ ગઈ. મેઘનાબહેન આટલી નાની દીકરીની મજબૂરી અને સમજણ જોઈ ગદ્દગદિત થઈ ગયાં. બીજાં દિવસથી રમીલા રોજ સાંજે ચાર થી છ વાગ્યા સુધી ટ્યૂશન માટે આવશે એમ નક્કી થયું. પંદરેક દિવસમાં તો રમીલા મેઘનાબહેનનાં ટ્યૂશનનાં બધાંય બાળકો સાથે હળી ગઈ. રવિવારે તો શાળાનાં પૂર્ણસમય જેટલું બેસીને ભણી લેતી. મહેનતુ હતી એટલે મેઘનાબહેનને પણ તેને ભણાવતાં આનંદ આવતો. રમીલાની શાળાની છમાસિક પરીક્ષામાં તેનાં પંચાવન ટકા આવ્યાં પણ, તેની ફી ન ભરાઈ હોવાથી રમીલાનાં વર્ગશિક્ષકે તેને ઉત્તરવહીઓ દેખાડી નહીં. રમીલા બપોરે ટ્યૂશન માટે આવી ત્યારે રડમસ હતી. નિખિલે પૂછતાં જ તે રડી પડી. બીજાં બાળકો તેને શાંત રાખવા ગયાં અને ગભરાયેલા નિખિલે મેઘનાબહેનને બોલાવ્યાં. રમીલાએ ત્રુટક શબ્દોમાં વિજયામાસીથી ફી નથી ભરી શકાઈ તેમ જણાવ્યું. ત્યાં જ ઓફિસથી પાછાં ફરતાં સમીરભાઈને કાને હકીકત પડી. તેમણે ફ્રેશ થઈ રસોડામાં મેઘનાબહેનને બોલાવ્યાં અને કાંઈ કહ્યું. મેઘનાબહેને શાળાનાં આચાર્ય ઉપર એક ચિઠ્ઠી લખી તેમને મળવાની પરવાનગી માંગી. પરવાનગી મળતાં જ તેઓ શાળાએ પહોંચ્યાં અને પોતાની ઓળખાણ આપી રમીલાની ફી ની વિગતો લઈ ત્યાં જ રોકડેથી બાકી ફી ભરી દીધી. ફરીથી આમ ન થાય એ માટે સમીરભાઈએ રમીલાનાં પિતાને બોલાવી તેનાં રેશનકાર્ડની વિગતો લઈ દીકરી માટે શિષ્યવૃત્તિની જોગવાઈ કરાવી લીધી. હવે, રમીલાને ભણવું હોય ત્યાં સુધી તેની શાળા-કોલેજની ફી અને ખાનગી ટ્યૂશનની ફી ઉપરાંત બે જોડી ગણવેશ તેમજ પુસ્તકો એક એન. જી. ઓ. માંથી નિયમિતપણે મળી રહે તેની પણ કાયમી જોગવાઈ થઈ ગઈ. આ એન. જી. ઓ. બાળકોનાં પુખ્ત થયાં બાદ માત્ર તેમની પાસેથી મદદરૂપે વાર્ષિક એકહજાર રૂપિયા લેતું હતું તે પણ બીજાં નવાં બાળકોને મદદરૂપ થવા માટે. આ તરફ રમીલાને ટ્યૂશન ફી ની હાલ જરૂર ન હતી માટે તે રકમ સમીરભાઈએ તેનાં નાનાં ભાઈ અને બહેનને ભણાવવા તેમની શાળામાં ભરી દીધી. રમીલા અઠ્ઠાવન ટકા સાથે અગિયારમાં ધોરણમાં ઉત્તીર્ણ થઈ અને વિજયાબહેનનું ટૂંકી માંદગીમાં અવસાન થયું. વિજયાબહેનનો વિયોગ અને માથાનું છત્ર જતાં હવે રમીલાને રહેઠાણનો પણ પ્રશ્ન ઊભો થયો. વિજયાબહેનનાં બેસણા બાદ સમીરભાઈ અને મેઘનાબહેન તેમનાં દીકરી - જમાઈને મળ્યાં અને રમીલાને પોતાની સાથે લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો. લાગણીહીન દંપતિએ તરત જ સંમતિ આપી દીધી. હવે રમીલા મેઘનાબહેનનાં ઘરનું અભિન્ન અંગ બની ગઈ. નિખિલને સમોવડી બહેન મળી ગઈ. સમીરભાઈએ રમીલાનાં પિતા સાથે સરકારી ઓફિસોમાં ધક્કા ખાઈને અનૂસૂચિત જાતિનો દાખલો કઢાવી આપ્યો જેથી આગળ જતાં ક્યાં પણ એડમિશન લેતાં રમીલાને તોતીંગ ફી ની દીવાલો ન નડે. ખૂબ મહેનત કરી બારમું ધોરણ ઓગણસાઠ ટકાએ પાસ કરી રમીલાને તેની જાતિનાં દાખલાને આધારે સરકારી કોલેજમાં બી. બી. એ. માં દાખલો મળી ગયો. ઘરનાં કામકાજથી તો તે ઘડાયેલ જ હતી. રમીલાનો માનસિક અભિગમ બિઝનેસ મેનેજમેન્ટ તરફ કેળવાય માટે સમીરભાઈએ તેને પોતાનાં મિત્રની ઓફિસમાં ટ્રેઈની તરીકે રાખવાની ભલામણ કરી. મેઘનાબહેને હવે રોજિંદા ઘરકામ માટે એક પુખ્તવયનાં બહેનને રાખી લઈ રમીલાને ઘરકામમાંથી સદંતર અભ્યાસ તરફ વાળી લીધી હતી. હા, દીકરીની માફક તે મેઘનાબહેનને રસોડામાં અને બીજાં બધાં જ કામોમાં મદદ કરતી રહેતી. તેનાં કોલેજનાં પ્રોજેક્ટમાં બંને પતિ-પત્ની ઉલટભેર મદદરૂપ થતાં. નિખિલને પ્રોફેસર બનવું હતું અને ઈતિહાસ તેનો પસંદગીનો વિષય હતો માટે તેને પણ ઘણું વાંચવાનું રહેતું. બંને રાત્રે જાગીને વાંચતા હોય ત્યારે વખતોવખત અનિલભાઈ કે મેઘનાબહેન ઊઠીને તેમને ચા મૂકી આપતાં. રમીલાએ બી. બી. એ. ની પદવી પૂરાં નેવ્યાસી ટકા સાથે મેળવી. તેનાં વખતોવખત મળવા આવતાં માતા-પિતાને બોલાવી મેઘનાબહેને આ ખુશખબર આપ્યાં. તે અકિંચન જીવડાં એટલું સમજ્યાં કે તેમની દીકરી એટલું બધું ભણી ગઈ છે કે હવે સમાજમાં તેને લાયક કોઈ સગપણ નહીં મળે પણ, જ્યારે રમીલા તેમને પદવીદાન સમારંભમાં લઈ ગઈ ત્યારે જીંદગીમાં પહેલી વખત સિલ્કની સાડી પહેરેલ તેની માતા અને જીવનનાં લગભગ પંચાવન તડકા-છાંયડાં જોયેલ પિતાએ સિલ્કનો કૂર્તો અને પાયજામો જેવાં પૂરાં અને નવાંનક્કોર કપડાં પહેર્યાં હતાં. મેઘનાબહેને રમીલાને સાથે રાખીને બધી ખરીદી કરી હતી. પદવીદાન સમારંભનાં હોલ જેવાં બાંધકામોમાં આજ સુધી ઈંટ - રેતી, સિમેન્ટ અને સળિયા ઉંચકનાર મજૂર દંપતિ પહેલી વખત આવાં આલિશાન સ્થળે પ્રવેશ પામી રહ્યું હતું. જ્યારે તેમનાં પ્રવેશ માટેનો પાસ મેઘનાબહેને દરવાજે ઉભેલાં સ્વયંસેવકને બતાવ્યો ત્યારે આ ગરીબડો આ મહેલાત જેવાં સભાગૃહની જાહોજલાલી જોઈ વધુ સંકોચાઈ ગયો. અનિલભાઈએ તેનાં ખભે હળવાશથી હાથ મૂકી આગળ વધવાની હિંમત આપી અને મેઘનાબહેને પોતાનો હાથ રમીલાની માતાનાં ખભા ઉપરથી સહેજેય ખસવા દીધો ન હતો.

આખાંયે જીવતરમાં જમીન ઉપર જ બેઠેલાં બેય જણ પોચી પોચી ગાદીવાળી ખુરશીઓમાં બેસતામાં જ ખૂંપી ગયાં. અજાણ્યી ભાષામાં એક પછી એક નામનો પોકાર થતાં રૂપકડાં યુવક-યુવતીઓ સ્ટેજ ઉપર ચઢી પોતપોતાને અપાતાં પ્રમાણપત્રો લઈ રહ્યાં હતાં. 'વિદ્યાર્થીઓની હરોળમાં બેઠેલી રમીલા પણ શું સ્ટેજ ઉપર ચઢશે?', એવું બેયને કુતૂહલ થયું. 'આપણાં એવાં નસીબ ક્યાં?' એવો પ્રત્યુત્તર તેમણે જાતે જ માની લીધો અને એકમેકને જાણે આંખથી સાંત્વના આપી. ત્યાં તો રમીલાનું નામ પોકારાયું. રમીલા એક ગૌરવશાળી યુવતીની ચાલે સ્ટેજ તરફ આગળ વધી. તે બી. બી. એ. માં પોતાની કોલેજમાં પ્રથમ જ નહીં પણ, સમગ્ર યુનિવર્સિટીમાંયે દ્વિતીય ક્રમે હતી. તેણે સ્ટેજ ઉપર ચઢતાં પહેલાં બંને હાથ વડે પ્રથમ પગથિયાને અડકીને આંખો બંધ કરી પ્રણામ કર્યાં, જે સ્ટેજ ઉપર સ્થિત દરેક મહાનુભાવની આંખમાં પ્રતિબિંબિત થયું અને તેમની દરેકની નજરનું અનુસંધાન તે શિષ્ટાચારી દીકરીનાં ચહેરા સાથે થઈ ગયું. રમીલા સ્ટેજ ઉપર ચઢીને પ્રમાણપત્ર આપનાર મહાનુભાવની નજીક પહોંચી. તેણે બે હાથ જોડી થોડું ઝૂકી તેમને નમસ્કાર કર્યાં અને ખૂબ શાલીનતાથી બંને હાથ લંબાવી પ્રમાણપત્ર સ્વીકાર્યું. તે સાથે જ બી. બી. એ. ફેકલ્ટીના ડીન શ્રીમતી નીલીમા શાહે રમીલાને મળેલ પૂરાં ૯.૭ સી. જી. પી. એ., તે થકી તેને મળેલ વાર્ષિક ૬ લાખ રૂપિયાનાં પેકેજ ધરાવતી આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટની નોકરી વિશે પણ જાહેરાત કરી. રમીલા તેમની યુનિવર્સિટીમાં ખૂબ જ અંત્યજ કહેવાતાં પરિવારમાંથી આવતી સૌપ્રથમ વિદ્યાર્થીની હતી જેણે આટલી મોટી સફળતા મેળવી હતી. તેને પ્રમાણપત્ર આપનાર મહાનુભાવ કેમ્પસમાંથી તેને નોકરી આપનાર લેવેન્ડર કોસ્મેટિક્સનાં સી. ઈ. ઓ. શ્રી રમેશભાઈ પલાણ હતાં. તેઓએ રમીલાનાં માતાપિતાને સ્ટેજ ઉપર બોલાવવાનો આગ્રહ રાખ્યો. મેઘનાબહેને મહાપરાણે રમીલાનાં માતાપિતાને સ્ટેજનાં પ્રથમ પગથિયા સુધી ધકેલ્યાં ત્યાં જ માઈકમાંથી એક નાજુક સ્વર બોલી ઊઠ્યો, "મારાં બેય માતા-પિતાની જોડ અહીં આવશે તો મને સાચો આનંદ થશે." હંમેશા શાલીનતાથી વર્તતી આ દીકરીએ આટલી મોટી સફળતા મેળવ્યા બાદ પણ પોતાની વર્તણૂંકને ચાર ચાંદ લગાવી દીધાં. જનક-જનનીને મનમાં વસાવી રાખી, પાલક માતા-પિતા જેઓએ આ અદ્ભુત દુનિયામાં ગૌરવભેર ઊભાં રહેવા લાયક બનાવી તેમને પણ પોતાની સફળતામાં ગૌરવાન્વિત થવાનું નિમંત્રણ આપ્યું.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
આભાર 🙏🏻
આપનાં સુંદર પ્રતિભાવની આશા સહ
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા

(ભાગ ૦૪ - આવતીકાલે)