સવાઈ માતા - ભાગ 4 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 4

મેઘનાબહેનની આંખોમાં અશ્રુબિંદુ ડોકાઈ ગયાં. તેમણે પાછળ નજર કરી જે તરફ સમીરભાઈ બેઠાં હતાં. સમીરભાઈ પણ કાંઈ ગૌરવભર્યું, સસ્મિત વદન લઈ ખુરશીમાંથી ઊભા થયા અને સ્ટેજ તરફ ચાલવા લાગ્યા. હોલમાં બેઠેલ દરેક વ્યક્તિનું ધ્યાન આ રૂપકડી દીકરી અને તેનાં માતા-પિતાની બે જોડ તરફ સ્થિત હતું. સમીરભાઈએ સ્ટેજ નજીક આવતાં જ પોતાનો હાથ રમીલાનાં પિતાનાં ખભે મૂકી તેની સાથે ભાઈબંધની પેઠે સ્ટેજ ઉપર જવાં પગથિયાં ચઢી ગયાં. પાછળ, મેઘનાબહેન પણ રમીલાની માતા સાથે સ્ટેજનાં પગથિયાં ચઢ્યાં. હવે, રમીલાની બેય તરફ તેનાં પિતા અને માતાની જોડલીઓ શોભતી હતી. રમેશભાઈ પલાણ જેઓ ધનનાં ઢગલે બિરાજનાર અતિ સફળ એવાં બિઝનેસમેન હતાં તેમણે ભીની આંખે હાથમાં રહેલ પ્રમાણપત્ર રમીલા તરફ લંબાવ્યું. પોતાનાં બંને હાથે પ્રમાણપત્ર સ્વીકારી તેને પૂજાનાં ફૂલની માફક કપાળે અડાડી રમીલાએ વાંકાં વળી પલાણ સાહેબનાં ચરણસ્પર્શ કર્યાં. તેની આ ચેષ્ટાથી સભાગૃહમાં બેઠેલાં સર્વેએ તાળીઓનાં ગડગડાટથી દીવાલોને ગજાવી દીધી. પલાણસાહેબે અતિલાગણીવશ થઈ પોતાનો જમણો હાથ રમીલાનાં માથે મૂકી દીધો. કોલેજનાં ફોટોગ્રાફરે આ તક ઝડપી લઈ મઝાનો ફોટો ખેંચી લીધો.

પલાણસાહેબે રમીલાને બેય હાથે ઊભી કરી અને પોતાનો ચહેરો માઈક તરફ ફેરવ્યો અને એક ઘોષણા કરી, "આટલી શિષ્ટ અને નમ્ર દીકરીની નિમણૂક મારી કંપનીમાં કરવા બદલ મારી સમગ્ર મેનેજમેન્ટ ટીમનો હું આભારી છું અને નોકરીની સાથેસાથે અમારાં જ મેનેજમેન્ટ હેઠળ આવેલી સી. એન. પલાણ કોલેજમાં હું તેને એમ. બી. એ. નાં ડીગ્રી કોર્સમાં સંપૂર્ણ સ્કોલરશિપ સાથે પ્રવેશ આપું છું." પછી, માઈક ઉપર પોતાની હથેળી રાખી, સમીરભાઈ તરફ ફરી બોલ્યા, "રમીલા આઠ કલાકની નોકરી પછી ત્યાં સાંજનાં સમયે ચાલતાં વર્ગોમાં બેસી તેની આગળની ડિગ્રી માટેનું ભણતર પૂરું કરી શકશે. એટલું જ નહીં, આ ડિગ્રી મેળવ્યા બાદ લેવેન્ડર કોસ્મેટિક્સમાં જ તેને યોગ્ય પદે બઢતી પણ અપાશે. આ બાબતનાં કાગળો આવતીકાલ સાંજ સુધીમાં તૈયાર કરી મારી ટીમ રમીલાને મોકલી દેશે." આ સાંભળતાં જ સમીરભાઈ અને મેઘનાબહેન ગૌરવ અને શાતા અનુભવી રહ્યાં. તેમનાં આત્મા સજોડે એક જીવનને સાચા રાહે પહોંચાડવા નિમિત્ત બનવાથી અતિઆનંદિત હતાં અને વાતમાં ઝાઝી સમજ ન પડવા છતાંયે રમીલાનાં માતા-પિતા તાળીઓનાં ગડગડાટ સાંભળતાં એક મીઠું સ્મિત પોતાનાં બેય હાથ જોડીને માણતાં રહ્યાં. ત્યાં જ પલાણસાહેબનાં હાથ ટ્રોફીસાથે લંબાયાં. રમીલાએ ખૂબ જ નમ્રતાથી તે ટ્રોફી સ્વીકારી આંખોથી સાહેબનો આભાર માન્યો અને ટ્રોફી મેઘનાબહેનને આપી જાણે તેમનો આભાર માનતી હોય કે, 'તમારાં વિના મને આ પંથે કોણ લાવ્યું હોત?' પાંચેય જણ ધીમાં ડગલાં ભરી સ્ટેજ નીચે ઊતર્યા અને પોતાની બેઠક તરફ જવા લાગ્યાં. વચ્ચે વચ્ચે કેટલાંક મહેમાનો જેઓ બીજાં વિદ્યાર્થીઓનાં માતા પિતા પણ હતાં, તેઓએ સમીરભાઈ, મેઘનાબહેનનું હાથ જોડી કે મિલાવીને અભિવાદન કર્યું અને રમીલાને શુભેચ્છાઓ પાઠવી. પાંચેય જણે પોતાની બેઠક લીધી.

પ્રિન્સીપાલ મેડમે હવે પ્રથમ આવનાર વિદ્યાર્થીનાં નામની ઘોષણા કરી જેણે બનતી ત્વરાએ સ્ટેજ ઈપર પહોંચીને પોતાનો મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર ગ્રહણ કર્યાં. ત્યારબાદ, કૉલેજની પ્રથા મુજબ બધાં જ વિદ્યાર્થીઓ એક હારમાં પોતપોતાનાં ઓળખપત્રો સાથે કેટલાંક ટેબલ નજીક ઊભાં રહ્યાં. આ ટેબલ કૉલેજ મેનેજમેન્ટનાં કેન્ટીન વિભાગનાં હતાં જે માત્ર પદવીદાન સમારંભનાં દિવસે તમામ પદવીધારક વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતાને પ્રસંગોચિત ભોજન પીરસતાં હતાં તે પણ વિનામૂલ્યે. આખરે આ માતાપિતા તો આમંત્રિત મહેમાનો જ હોય છે એવું મેનેજમેન્ટનાં સભ્યોનું માનવું હતું. કૉલેજનાં દરેક કાર્યક્રમમાં સ્વયંસેવક બનવાની જવાબદારી હોંશે હોંશે ઉઠાવનાર આ વિદ્યાર્થીઓ આજે કૉલેજનાં મોંઘેરાં મહેમાન બની કેન્ટીનનાં રસોઈયા ઠાકોરભાઈ અને છોટુ, મન્ટુ, પરેશ, રમલો, કેશો અને જગુભાઈ, બધાં જ કેન્ટીન સહાયકોનાં હાથે કોલેજનું જમણ છેલ્લી વખત જમવાનાં હતાં. સામાન્ય રીતે કેન્ટીનમાં ઘોંઘાટ કરવા બદલ આ થનગનતા યુવાઓને ટપારતાં રહેતાં ઠાકોરભાઈ અને બધાંથી ઉંમરમાં મોટાં એવાં જગુભાઈની આંખોમાં પાણી હતાં. તેઓ આજે ઈચ્છતાં હતાં કે, 'આ યુવાનો આજે પણ ઘોંઘાટ કરી વાતાવરણને પોતાનાં નિર્દોષ તોફાનથી તરબતર કરી દે.' પણ, વિદ્યાર્થીઓનાં મન પણ કોલેજ અને સાથીઓનો સાથ છૂટવાનાં વિચારે ખિન્ન હતાં.

જમણની થાળીઓ લઈ વિદ્યાર્થીઓએ પોતપોતાનાં માતાપિતા સાથે હારમાં ભોજન લેવાનું શરૂ કર્યું જ હતું ત્યાં રમીલા વિમાસણમાં હતી કે,' નિયમ તો ત્રણ જણનો જ છે. હું પાંચ વ્યક્તિઓનું ભોજન કઈ રીતે લઈ શકું? ફી ભરવાની હોત, તોયે ભરી દીધી હોત પણ, આ તો ભાવનું ભોજન છે. શું કરું?' સમીરભાઈ ચોતરફ વિદ્યાર્થીઓને જોઈ રહ્યાં હતાં અને રમીલાનાં માતા-પિતા તો આટલો અન્નકૂટ અને તેની પ્રસરતી સોડમનાં આટલે નજીકથી સહભાગી પહેલી જ વખત બન્યાં હતાં. તેમને તો આ ઊજળા કપડાં વાળા લોકોની સાથે લ
હારમાં ઊભાં રહેતાં જ સંકોચ થતો હતો તો સાથે જમવાનો તો તેમને વિચાર પણ નહોતો આવતો. એક માની નજરે આ બધું અછતું નહોતું રહ્યું. મેઘનાબહેને રમીલાને કહ્યું, 'દીકરા, જા, ઝટ કર. ત્રણ થાળીઓ લઈ લે. હું તને પકડવા લાગું. તારાં આ માતાપિતા પહેલીવખત આવાં મેળાવડામાં આવ્યાં છે. તેમને જમાડી લઈએ. તુંયે થોડું ખાઈ લે અને અમે તારી થાળીમાંથી એકાદ વસ્તુ લઈ શુકન... ' રમીલા તેમને અટકાવતાં જ વચ્ચે બોલી ઉઠી, 'પણ, મોટી મા, તમને મૂકીને હું કેમ કરી જમીશ?'

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
આભાર 🙏🏻
આપનાં અમૂલ્ય પ્રતિભાવની પ્રતીક્ષા રહેશે.
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા
(ભાગ ૦૫ આવતીકાલે)