સવાઈ માતા - ભાગ 11 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 11

મેઘનાબહેને સમીરભાઈનાં સૂચન પ્રમાણે પ્રિન્સીપાલ અને એસ્ટેટ એજન્ટને ફોન કરી દીધો અને તેટલી વારમાં તો ઘર પણ આવી ગયું. ગાડીમાંથી ઉતરીને મેઘનાબહેને પર્સમાંથી ઘરની ચાવીઓ કાઢી, ઘરનો ઝાંપો ખોલ્યો અને મુખ્ય દરવાજો ખોલવા લાગ્યાં.

ત્યાં જ પાછળથી રીક્ષા આવવાનો અવાજ સંભળાયો જે ઝાંપા બહાર થોભી. તેમાંથી નિખિલ ઊતર્યો અને તેની પાછળ રમીલાનાં બંને નાનાં ભાઈબહેન ઊતર્યાં. બેય દોડીને રમીલાને વળગી પડ્યાં.

બહેન સમુ બોલી ઊઠી, "તે હેં બુન, તું કોલેજમાં પેલ્લાં નંમરે પાસ થેઈ?"

રમીલાએ હસીને તેનાં વાંસે હાથ ફેરવતાં કહ્યું, "હા, સમુ, મારો પહેલો નંબર આવ્યો."

તરત જ નાનો ભાઈ મનિયો ટહુક્યો, "આ સમુડી તો આ સાલ નપાસ થેયલી. તે સાએબે પરમોસન અપાવેલું. એને તો પિન્સીપાલ સાયેબે બી બોલાઈને ભણવાનું ભાસણ આલેલું." અને તે હસવા લાગ્યો.

સમુ ઓઝપાઈને રમીલાની સોડમાં ભરાઈ. તેનાં પિતાએ મનિયાને ઠપકો આપતાં કહ્યું, "ઇ તો રોજે મજૂરીએ આવતી'તી. તાર જેમ નંઇ કે લેશન કરવાન બા'ને ઘેર પડી રેય. તું તો મજૂરીએ ન'તો આવતો તંયે પાછલા બે વરહ પરમોસનથી જ આગળ આવતો' તો, એ ભૂલી ગ્યો?"

હવે મનિયાનો વારો હતો ઓઝપાવાનો. વાતાવરણને હળવું કરવા મેઘનાબહેને સૌને જલ્દીથી અંદર આવવાં કહ્યું જેથી બહારની ગરમી ન લાગે અને થોડો આરામ પણ થઈ જાય.

અંદર આવી રમીલા, સમુ અને મનિયાને હાથ-પગ ધોવા લઈ ગઈ. તે બેય નિખિલ સાથે રેસ્ટોરન્ટમાં જમીને જ આવ્યા હતાં એટલે રમીલાની પાછળ સીધાં તેનાં બેડરૂમમાં સૂવા જતાં રહ્યાં. મેઘનાબહેને તેનાં ઓરડામાં પહેલેથી જ બે મેટ્રેસ જમીન ઉપર પણ પાથરી રાખી હતી જેથી રમીલાનો પરિવાર ડબલ બેડ અને મેટ્રેસ મળીને ચાર જેટલી પથારીઓમાં આરામ કરી શકે.

નિખિલને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવાની હતી માટે તે પણ પોતાનાં બેડરૂમમાં જતો રહ્યો. પંદર દિવસ પછી તેની પરીક્ષા હતી. તેને પિતા સમીરભાઈ સાથે દસ દિવસ પછી વારાણસી જવાનું હતું, પરીક્ષા આપવા માટે.

હવે, રમીલાનાં માતાપિતા અને મેઘનાબહેન તેમજ સમીરભાઈ બેઠકખંડમાં રહ્યાં. મેઘનાબહેને બધાંને ઠંડું પાણી આપ્યું અને સમીરભાઈને સંબોધી વાત માંડી, "આ રમીલાને તો નોકરી આવતા મહિનેથી શરૂ થશે ત્યાં સુધીમાં ઘરવખરીની થોડી ખરીદી શરૂ કરી દઈએ? નોકરી શરૂ થયા પછી તેની પાસે સમય પણ નહીં રહે."

સમીરભાઈએ તેમનાં વિચારને સમર્થન આપ્યું અને મજૂર દંપતિ આ બહેનની પોતાની દીકરી માટેની ચિંતા અને કાળજી જોઈ ગદ્દગદિત થઈ ગયાં.

રમીલાની માતાએ મેઘનાબહેન પાસે આવીને કહ્યું," બુન, તમાર પાડ તો અમ લોક કેમ કરી ઉતારહું. માર દીકરીને ભનાઈ, ફીઓ ભરી, એન તમ લોકની જેમ રે'તાં હીખવાય્ડું ને અવ એને ઘર બી વસાઈ આપહો?"

મેઘનાબહેને તેનાં બેય ખભાં હળવેકથી પકડીને ક્હ્યું, "તે રમીલા મારી દીકરીયે ખરી ને?"

બેય ગરીબડાં પતિ-પત્નીની આંખો ભરાઈ ગઈ.

સમીરભાઈએ મેઘનાબહેનને લીલાની વાતનો ઉલ્લેખ કર્યો. મેઘનાબહેને વાતનો તંતુ સાધતાં લીલાનાં આ માસામાસી સમક્ષ રામજીએ કહેલ પ્રસ્તાવ મૂક્યો.

સાંભળતાં સાંભળતાં રમીલાની માતા, સવલીનાં મોં ના ભાવ કાંઈક ગંભીર થઈ ગયાં. તે બોલી, "બુન, માર બુન માધી તો ખુસ થઈ જાહે પણ એનો ઘરવાળો બોવ જ જડ સે. ઈ તો એમ જ માનહે કે લીલકીને જ રામજી જોડે પૈણવું અહે તે એણે જાતે જ તૈયારી કરી અહે. બાકી રામજીને તો માર બુનને ઘેર બી બધ્ધાં બોવ જ માને."

રમીલાનો પિતા, રઘલો બોલ્યો, "હા, બુન. સવલી હાચું જ ક્યે છે. આ હોંભરી લીલકીના બાપનું માથું તો ફરહે જ. કદાચ એ આઈને લીલકીને કોલેજથી બી લેઈ જાય. અમાર તો રમલી તમ લોકો જોડે રેય છે એટલે એય અમને થોડી બુધ્ધિ આલે. આ લોકો તો હાવ જ જડ સે."

મેઘનાબહેને જવાબ વાળ્યો, "ચિંતા ન કરશો. આપણે વિચારીને કાંઈ ગોઠવીએ. તમારાં બનેવીનો ફોન નંબર હોય તો આપણે રમીલા માટે ભાડાનું ઘર મળી જાય એટલે તેમને તમારાં ઘરે રહેવા બોલાવીએ પછી વાત કરીએ."

બધાંએ સાંજ સુધી થોડો આરામ કરી રાત્રે હળવું ભોજન લઈ થોડી વખત ટેલિવિઝન ઉપર સંગીતનાં કાર્યક્રમ જોયાં. તે દરમિયાન રમીલાની, નિખિલ અને મેઘનાબહેન સાથેની વાતો સાંભળી રઘજી અને સવલી ચકિત થતાં રહ્યાં. સમીરભાઈને બીજાં દિવસે વહેલાં જવાનું હોવાથી તેઓ નવ વાગ્યે જ સૂઈ ગયાં. લગભગ અગિયાર વાગતાં સુધીમાં બધાંય પોતપોતાનાં સ્વપ્નોને આંખોની પાંપણમાં લઈ નિદ્રાધીન થઈ ગયાં.

* લીલાનાં પિતાને રામજીની ભાવનાઓની જાણ થતાં તેની પ્રતિક્રિયા શું હશે?

* નિખિલનું બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન પૂર્ણ થશે?

* રમીલાનાં નાનાં બેય ભાઈ-બહેન નવી શાળામાં ગોઠવાઈ જશે?

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા