પ્રેમનું રહસ્ય - 18 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું રહસ્ય - 18

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૮

અખિલે સારિકાની વાતને સાંભળીને કોઇ પ્રતિભાવ આપ્યો નહીં. એને સારિકા વધુને વધુ રહસ્યમય લાગી રહી હતી. એણે સપનામાં કલ્પના કરી નહીં હોય એવું બનવાની આગાહી કરી હતી. અખિલને સંગીતાની ચિંતા થવા લાગી હતી. ક્યારે પહોંચીને સંગીતાને હેમખેમ જુએ અને મળી લે એવી ઇચ્છા બળવત્તર બની હતી. તેને થયું કે પોતાના હાથમાં કારનું સ્ટીયરીંગ હોત તો કારને જલદી ઘરે પહોંચાડી દીધી હોત. સારિકા બહુ ધીમેથી અને સ્ટાઇલથી ડ્રાઇવિંગ કરી રહી હતી. અત્યાર સુધી એની સાથે કારમાં બેસવાનું એને ગમ્યું હતું. આજે એને સારિકાથી દૂર ભાગવાની ઇચ્છા થઇ રહી હતી. એના પર હવે ભરોસો રહ્યો ન હતો. એ કોઇ ભૂત-પ્રેત નીકળી તો શું થશે? એની કલ્પના એને થથરાવી રહી હતી. સંગીતાને મળવાનું મારા માટે હિતકારક ન હોવાની વાત પણ કરી ચૂકી હતી.

કાર સોસાયટીના ગેટ પાસે પહોંચી અને સારિકાએ પાર્ક કરી કે તરત જ એ દોડતો પોતાના ઘર તરફ જવા લાગ્યો. સારિકાએ એને બૂમ પાડી 'અરે! આટલી ઉતાવળ શું છે?! હું આવું છું!' અખિલના પગ અટકી ગયા. એના આદેશનું ઉલ્લંઘન કરવાનો એને ડર લાગ્યો. પોતાની ઉત્સુક્તા અને ઉતાવળને દબાવીને એ ઊભો રહ્યો. સારિકા કાર પાર્ક કરીને એની પાછળ આવી 'ચાલો' બોલી ત્યારે એણે દાદર ચઢવાનું શરૂ કર્યું. સારિકા સહજ હતી જ્યારે અખિલના દિલની ધડકન વધી રહી હતી. તે કંઇ અઘટિત ના બને એવી પ્રાર્થના કરવા લાગ્યો.

અખિલનું ગળું સૂકાતું હતું. એણે ગળા નીચે થૂંક ઉતારીને પોતાના ઘરના ડૉરબેલની સ્વીચ દબાવી ત્યારે સારિકા પર એક નજર નાખી. એ એવું મુસ્કુરાતી હતી કે અખિલ સમજી ના શક્યો કે એના ચહેરા પર શેની ખુશી છે?

એક- બે વખત ડૉરબેલ વાગ્યો પણ સંગીતાએ દરવાજો ખોલ્યો નહીં. કોઇ કામમાં વ્યસ્ત હશે એમ સમજી એક મિનિટ રાહ જોઇ અને બીજી મિનિટે દરવાજો ખૂલ્યો. સંગીતાએ એની તરફ જોઇ નવાઇથી પૂછ્યું:'તમે પાછા આવી ગયા?'

અખિલે કોઇ જવાબ આપવાને બદલે પોતાની પાછળ ઊભેલી સારિકા દેખાય એ માટે દરવાજાની સહેજ બાજુમાં ખસી ગયો.

સંગીતાએ સારિકાને જોઇ. સારિકાએ સંગીતાને જોઇ. બંને એકબીજાની સામે જોઇ રહ્યા હતા. અખિલને થયું કે હવે શું થશે? પોતે સારિકા વિશે ખુલાસો કરશે કે ઓફિસના કર્મચારી કુંદન માટે સારિકાને પસંદ કરી છે પણ એ તો... એ વિચાર કરતો અટકી ગયો. સારિકા એની વાત કહેવા દેશે કે નહીં? એની ચિંતા સતાવવા લાગી.

સંગીતાએ સારિકાને ઓળખી લીધી હોય એમ કહેવા લાગી:'આવો... તમે ઉપર રહો છો... મને ખબર છે.'

'હા, આજે તમારા પતિદેવ કહે મારા ઘરે જ ચાલો...' કહી સારિકાએ અખિલ તરફ એક અલગ નજરે જોયું.

'હા, સંગીતા, આજે એમનો પરિચય તને આપવાનો છે...' અખિલ બધી વાત કહેવા ઉત્સુક હતો.

'તમે બંને અંદર બેસો, હું ચા બનાવીને લાવું છું...' સંગીતાએ મહેમાનને આવકાર આપ્યો.

'હું કોઇ મહેમાન નથી. તમારી પડોશી જ છું. ભલે સાતમા માળે રહું છું પણ આપણો સંબંધ તો જાણે સાત જન્મનો હોય એવો લાગે છે નહીં?' સારિકા મુખ્ય મુદ્દા પર આવી જવા માગતી હતી.

સારિકા એક અદા સાથે હોલમાં બેઠી.

અખિલ ચમકી ગયો. એને થયું કે ખુલાસો કરવાનો સમય નહીં મળે તો મોટી ગરબડ થઇ જશે. સંગીતાને પહેલાં પોતાની હકીકતથી વાકેફ કરવી પડશે. પછી સારિકાને જે કહેવું હોય તે કહે. સંગીતા એની વાત માનવાની જ નથી.

તે સારિકાને અટકાવીને બોલ્યો:'સંગીતા, અંદર આવને... મારે તને એક વાત કહેવી છે...'

સંગીતા નવાઇ પામીને ઊભી થઇ ત્યારે અખિલના મોબાઇલની રીંગ વાગી. તેણે જોયું કે કુંદનનો ફોન છે. તેને થયું કે બરાબર સમય પર એનો ફોન આવ્યો છે. એને અહીં જ બોલાવી લેવો જોઇએ. અખિલ 'માફ કરશો' કહી બીજા રૂમમાં વાત કરવા બહાર નીકળ્યો. સંગીતા સારિકા પાસે જ પાછી બેસી ગઇ એ અખિલે જોયું.

'હલો... તારી કોઇ અગત્યની વાત ના હોય તો મારી વાત સાંભળ...' અખિલ ઉતાવળમાં બોલતો હતો.

'તું દેખાયો નહીં એટલે ફોન કર્યો. બોલ... શું વાત છે?' કુંદન ચિંતા વ્યક્ત કરવા લાગ્યો.

'તું હમણાં જ મારા ઘરે આવી જા. એક ખાસ કામ છે...' અખિલ બહાર ના સંભળાય એવા અવાજે બોલતો હતો.

'કેમ? વાત શું છે?' કુંદનની ઉત્સુક્તા વધતી જતી હતી.

'બસ! તું અહીં આવી જા...' કહી અખિલે ફોન મૂકી દીધો.

કુંદન સાથે વાત કરીને અખિલને મનમાં શાંતિ થઇ કે એ અહીં આવી જશે અને સારિકાને એ પસંદ આવી જશે તો ઘીના ઠામમાં ઘી પડી રહેશે અને મારી સાથેની પ્રેમની વાર્તા પર એ જરૂર પડદો પાડી દેશે. એને હમણાં જ કહી દઉં કે કુંદન આવે છે.

અખિલે હોલમાં જવા પગ ઉપાડ્યા ત્યારે એને કોઇના પડી જવાનો અવાજ આવ્યો. એ ગભરાટમાં દોડતો હોલમાં ગયો ત્યારે સંગીતા ખુરશીમાં માથું પકડીને બેઠી. એના કપાળ પર લાલ ચકામું થઇ ગયું હતું. તેણે કહ્યું:'હું ઊભી થવા જતી હતી ત્યારે મારું બેલેન્સ ગયું અને પડી ગઇ.' સંગીતાને બહુ વાગ્યું ન હતું એ જોઇ અખિલને રાહત થઇ. અચાનક અખિલેની નજર બીજી ખુરશી પર પડી. ત્યાં સારિકાને ના જોઇ ચોંકી ગયો. એણે સંગીતાને પૂછ્યું:'સારિકા ક્યાં ગઇ...?'

સંગીતાએ કપાળ પર હાથ દબાવી નવાઇથી કહ્યું:'મારી સામે તો બેઠી છે...'

'શું?' અખિલ આંખો ફાડીને સંગીતાની સામેની ખાલી ખુરશીને જોઇ રહ્યો અને અંદરથી ડરવા લાગ્યો. સારિકા એને દેખાતી કેમ નથી?

અખિલને ખબર ન હતી કે સારિકાનું એક એવું રહસ્ય ખૂલવાનું છે જેની ખુદ અખિલને જ ક્યારેય ખબર પડવાની નથી!

ક્રમશ: