અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-3 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-3

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૩)

            આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એકબીજાની સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી. રીતીકા રીતેષને અલગ થવાની વાત કરે છે. રીતીકાના ઘરનાને રીતેષ વિશેની જાણકારી મળી ગઇ હોય છે અને રીતીકાના લગ્ન પણ તેઓએ નકકી કરી દીધા હોય છે. આખરે રીતેષ અને રીતીકા છુટા પડે છે. હવે આગળ...........................

            રીતીકાની મમ્મી તેને લગ્ન માટે નકકી કરેલ છોકરાનો ફોટો બતાવે છે. રીતીકા ઉપર-ઉપરથી જોઇને હકારમાં માથું હલાવે છે. છોકરાનું નામ દિવ્યેશ હોય છે અને તે સારી એવા હોદ્દા પર નોકરી કરતો હોય છે. રીતીકા તેના રૂમમાં જતી રહી છે. આખો દિવસ તે બસ રડતી જ રહી. જમવાનું પણ જમી નહિ. રાતે રીતીકાના મમ્મી તેના રૂમમાં આવે છે ને કહે છે કે, ‘બેટા ચલ જમી લે. તું તારી જીંદગીમાં આગળ વધ. અમારો તો વિચાર કર તું. સમજ અમને પણ. અમે પણ તને ખુશ જોવા ઇચ્છીએ છીએ. એટલે તારી ખુશી માટે જ આ નકકી કર્યુ છે. છોકરો પણ બહુ જ સારો છે અને તેની નોકરી પણ સારી એવી છે. તને બહુ જ ખુશ રાખશે. તું મનથી સ્વીકારી લે તેને. દિવ્યેશ તને મળવા આવવાનો છે.’ રીતીકા કઇ જ બોલતી નથી બસ હકારમાં માથું હલાવે છે.     

            ધીમે-ધીમે રીતીકા રોજીંદા જીવનમાં સામાન્ય રીતે આગળ વધવાનો પ્રયત્ન કરે છે. આ જોઇને રીતીકાની મમ્મી દિવ્યેશને મળવા માટે બોલાવી લે છે. દિવ્યેશ રીતીકાને મળવા ઘરે આવે છે. રીતીકાની મમ્મી તેમની બંનેની એકબીજા સાથે ઓળખાણ કરાવે છે. રીતીકા અને દિવ્યેશ હોલમાં બેસે છે. બંને થોડી ઔપચારિક વાત કરે છે. એ પછી રીતીકાના મમ્મી તેમના બંને માટે ચા-નાસ્તો લાવે છે. એ પછી થોડી વાર બેસીને દિવ્યેશ ઘરે જવા રવાના થાય છે. દિવ્યેશના ગયા પછી તરત જ રીતીકાની મમ્મી રીતીકાને પૂછે છે, ‘તને દિવ્યેશ કેવો લાગ્યો?’ રીતીકા કહે છે, ‘સારો છે. સ્વભાવમાં પણ સારો છે.’ રીતીકાની મમ્મી હાસકારો અનુભવે છે અને મનમાં વિચારે છે કે, રીતીકાને દિવ્યેશ પસંદ તો આવ્યો.

            દિવ્યેશ ઘરે પહોંચે છે એટલે તેના મમ્મી પણ તેને પૂછે છે કે, તને છોકરી કેવી લાગી? દિવ્યેશ કહે છે કે, ‘છોકરી તો સારી છે. હા થોડી શરમાળ છે. બહુ વાત નહોતી કરતી. પણ મને તે ગમી.’ દિવ્યેશના મમ્મી તરત જ રીતીકાના ઘરે ફોન લગાવે છે અને ખુશખબરી આપે છે કે, અમારા દિવ્યેશને રીતીકા ગમી ગઇ છે.’’ આ તરફ રીતીકાના મમ્મી પણ જણાવે છે કે, અમારી રીતીકાને પણ દિવ્યેશ ગમ્યો.’ બંને એકબીજાને અભિનંદન આપીને સગાઇનું નકકી કરવાનું વિચારે છે. સાંજે બંને પરિવાર બહાર જમવા માટે પણ મળે છે અને ત્યાં પણ રીતીકા અને દિવ્યેશને જોડે સમય વીતાવવા માટે અને વાતચીત કરવા માટે મોકલે છે. આ બાજુ બંને પરિવાર સગાઇની તારીખ નકકી કરતા હોય છે.

            રીતીકા અને દિવ્યેશ બગીચામાં જાય છે ત્યાં થોડી વાતચીત કરે છે. દિવ્યેશ રીતીકાની બહુ સંભાળ રાખતો હોય છે. આ બાબત રીતીકાના ધ્યાન પર આવે છે. ફકત દિવ્યેશને પસંદ કરવા લાગી હોય છે પણ પ્રેમ તો તે રીતેષને જ કરતી હોય છે અને હાલમાં પણ તેના મન પર ફકત ને ફકત રીતેષનું જ રાજ હોય છે. જે તે સારી રીતે જાણતી હતી. એકાએક જ દિવ્યેશ રીતીકાનો હાથ પકડીને રોકે છે અને કહે છે કે, ‘તને પહેલા કોઇ ગમતું હતું ?’ આ સાંભળી રીતીકા થોડી ગભરાઇ જાય છે. દિવ્યેશ રીતીકાનો જવાબ સાંભળવા માંગતો હતો.

શું રીતીકા દિવ્યેશને રીતેષ વિશે બધું જ કહી દેશે ? કે રીતીકા તે વાત છુપાઇ જ રાખશે?

અને જો રીતીકા રીતેષ વિશે જણાવશે તો દિવ્યેશની પ્રતિક્રિયા શું હશે?  

(વધુ આવતા પ્રકરણે ભાગ-૪ માં)

-  પાયલ ચાવડા પાલોદરા