અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૭)
આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો દ્વારા નકકી કરવામાં આવેલ. રીતીકા અને દિવ્યેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. અચાનક જ રીતીકાની મુલાકાત રીતેષ જોડે થાય છે. તે ફકત આંખોની મુલાકાત હોય છે રૂબરૂ મુલાકાત નહિ. એ પછી દિવ્યેશ અને રીતીકા બહાર જમવા ગયા ત્યારથી જ દિવ્યેશ કોઇ વાતને લઇને ચિંતામાં હતો. દિવ્યેશને રીતીકા અને રીતેષની ઇશારાથી કરેલ વાતચીતની જાણ થઇ જાય છે. તે પછી તે રીતીકા અને રીતેષ વચ્ચે થનાર વાતચીતને જાણવા માટે ઘણો ચિંતામાં હોય છે. હવે આગળ.....................
દિવ્યેશ પોતાના એક મિત્રની મદદથી હાઇ-પ્રોફાઇલ એજન્સીની મદદ લે છે. જેમાં તે રીતીકાના ફોન પર આવતા બધા જ ફોન-કોલ સાંભળી શકે અને તે રેકોર્ડ પણ કરી શકશે. જયારે-જયારે રીતીકાનો ફોન વાગશે ત્યારે-ત્યારે તે પણ અહી તેનો ફોન ઉપાડીને વાત સાંભળી શકશે. બસ હવે દિવ્યેશ રાહ જોઇ રહ્યો હતો કે રીતેષનો ફોન કયારે આવે છે અને રીતીકા તેની સાથે શું વાતચીત કરે છે.
સવાર પડતાં દિવ્યેશ તેની રોજીંદી સમય પ્રમાણે ઓફિસમાં જવા તૈયાર થઇ જાય છે. રીતીકા અને દિવ્યેશ સાથે નાસ્તો કરવા બેસે છે. રોજની જેમ જ દિવ્યેશ રીતીકા સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે. તે પછી દિવ્યેશ ઓફિસમાં જાય છે. તે ઓફિસમાં કામ કરવાની સાથે-સાથે રાહ જોતો હોય છે કે કયારે રીતેષનો ફોન આવે. અચાનક જ તેને ઓફિસ કામથી બહાર જવું પડયું. આથી તે ગાડી લઇને બહાર નીકળ્યો ત્યાં જ તેની રાહ સમાપ્ત થાય છે અને રીતેષનો ફોન આવી જાય છે. દિવ્યેશ હેન્ડફ્રીથી આતુરતાથી વાત સાંભળવા તૈયાર થઇ જાય છે.
રીતેષ : હાય, રીતીકા....
રીતીકા : હેલો......
રીતેષ : તું કેમ છે ? તે મને મોલમાં જોયો પણ મારી સાથે તને વાત કરવી પણ યોગ્ય ના લાગી !!!
રીતીકા : હું મજામાં છું અને જો હવે હું પરિણિત છું. મારે મારા પતિનું પણ માન જાળવવું પડે. મને એ વખતે તારી સાથે વાત કરવી યોગ્ય ના લાગી.
રીતેષ : ઓ.કે. તો એમ વાત છે ? તારા પતિ ત્યાં હાજર હતા એટલે તે મારી સાથે વાત ના કરી ? મને વિશ્વાસ હતો કે હજી પણ તારા મનમાં હું છું જ. આજે વિશ્વાસ થઇ ગયો. તું આજે પણ મને પ્રેમ કરે છે.
રીતીકા : હું એમ કહેતી હતી કે, આટલા સમય બાદ મે તને જોયો એટલે મને તારા માટેનો પ્રેમ યાદ આવી ગયો હતો. માટે મારી આંખો લાગણીથી છલકાઇ ગઇ. પણ..............
(આટલું સાંભળતા જ દિવ્યેશના કાન બંધ થઇ ગયા. તે ચિંતામાં આવી ગયો કે રીતીકા તેને પ્રેમ કરતી નથી. ફકત પત્ની તરીકેની ફરજ બજાવે છે. ત્યાં જ દિવ્યેશની સામે એક ટ્રક આવી જાય છે અને ટ્રક-ગાડીનું જોરદાર અકસ્માત થઇ જાય છે. તે કંઇ જ વિચારવામાં સક્ષમ જ નહોતો. બસ તેના દિલમાં ફકત ઉદાસી હતી કે આ તેણે શું સાંભળી લીધું ? દિવ્યેશની જીંદગી હવે ઉપરવાળાના જ હાથમાં હતી. તે હવે જીંદગી અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો.
શું ખરેખર રીતીકા દિવ્યેશની પત્ની તરીકેની જ ફરજ બજાવતી હતી ? કે પછી દિવ્યેશને જે રીતીકા માટેની શંકા હતી તે પાયા-વિહોણી હતી ? રીતીકાએ છેલ્લે પણ કહીને રીતેષને કંઇક કહેવા માંગતી હતી પણ એ શું વાત હતી ?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૮ માં)
- પાયલ ચાવડા પાલોદરા