અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૫)
આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એકબીજાની સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી રીતેષ અને રીતીકા છુટા પડે છે. તે પછી રીતીકા દિવ્યેશને મળે છે. બંને પરિવારો સગાઇની તારીખ માટે બહાર જમવાના સમયે મળે છે. રીતીકા અને દિવ્યેશની સારી એવી ઓળખાણ બાદ રીતેષ તેના ભૂતકાળ વિશે પૂછે છે. રીતીકા તેને બધી જ વિસ્તારપૂર્વક વાત કરી લે છે. રીતેષ તેને બહુ જ સામાન્ય રીતે લે છે. તે રીતીકાને સારી રીતે સમજાવે છે અને રીતીકાને પણ તેનું આ રીતનું વર્તન ગમે છે. હવે આગળ...........................
રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો દ્વારા નકકી કરવામાં આવેલ. બંને ઘરમાં સગાઇની તૈયારીઓ થવા લાગી. રીતીકા અને દિવ્યેશ આ વાતથી ઘણા ખુશ હતા અને એ દિવસ આવી જ ગયો જે દિવસની તેઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. રીતીકા અને દિવ્યેશની સગાઇ ધામધૂમથી કરવામાં આવી. રીતીકા તેની સગાઇના દિવસને મનથી માણી રહી હતી અને ઇશ્વરને પ્રાથના કરી રહી હતી કે, તેના અને દિવ્યેશના સંબંધને કોઇની પણ નજર ના લાગે. સમય વીતતો ગયો અને એ અરસામાં રીતીકા અને દિવ્યેશના લગ્ન પણ નકકી થઇ ગયા.
લગ્નનો દિવસ નજીક આવી ગયો. રીતીકા અને દિવ્યેશના સંબંધો હવે ઘણા મજબૂત થઇ ગયા હતા. તેઓ હવે લગ્નગ્રંથિથી જોડાઇ ગયા. તેમના જીવનમાં બધું જ સારું ચાલી રહ્યું હતું. રીતીકાએ પણ તેની સાસરીમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. રીતીકા અને દિવ્યેશનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જતો હતો. રીતીકા હવે રીતેષને ભૂલીને તેની જીંદગીમાં ઘણી આગળ વધી ગઇ હતી.
એકવાર રીતીકા અને દિવ્યેશ બહાર જમવા માટે જતા હોય છે. ત્યાં દિવ્યેશ રીતીકા માટે કોઇક ગીફટ પસંદ કરતો હોય છે ને આ બાજુ રીતીકા સાડીની ખરીદી કરતી હોય છે. એવામાં જ તેની નજર કયાંક પડે છે અને તે એકદમ ભાવુક થઇ જાય છે. તે દુકાનમાં રીતેષને જોવે છે. રીતેષ પણ તેને જોઇને ભાવુક થઇ જાય છે. રીતેષ તેની સાથે વાત કરવા જાય છે પણ રીતીકા તેને દૂરથી ના પાડી દે છે. રીતેષ તેને પછી ફોન કરશે તેમ ઇશારાથી કહે છે. રીતીકા તેને ના પાડવા જાય છે એ પહેલા જ રીતેષ જતો રહે છે. રીતીકા વિચારવા લાગે છે કે, રીતેષ શું કામ તેને ફોન કરવા માંગે છે?’ પછી વિચારે છે કે એક મિત્ર તરીકે ફકત ફોન જ કરશે ને એમાં વળી શું થાય. હું કયાં તેની જોડે જતી રહેવાની છું. એ પછી અચાનક જ દિવ્યેશ આવી જાય છે ને રીતીકાના ખભા પર હાથ મૂકે છે ત્યારે રીતીકા અચાનક જ ભાનમાં આવી જાય છે.
દિવ્યેશ : કયાં ખોવાઇ ગઇ હતી તું?
રીતીકા : કયાંય નહિ. બસ અહી જ હતી.
દિવ્યેશ : તું કોઇ સાથે વાત કરતી હતી ?
રીતીકા : (આશ્ચર્યથી) ના.... એ તો ફકત હું વિચારતી હતી કે કઇ સાડી લઉં.
દિવ્યેશ : ઓહ ઓ.કે. મને એમ કે તું કોઇ સાથે વાત કરતી હતી...ઓ.કે. ચલ જવા દે. આપણે મસ્ત રેસ્ટોરન્ટમાં જમવા જઇએ.
રીતીકા : હા ચલો. હું તો કયારનીય રાહ જોતી હતી. પણ તમે જ ગાયબ થઇ ગયા હતા.
દિવ્યેશ : ના યાર ગાયબ નહોતો થયો. તારા માટે નવો ફોન લીધો છે.
રીતીકા : (ખુશ થઇને) શું વાત છે? કઇ ખુશીમાં ?
દિવ્યેશ : બસ ઇચ્છા થઇ ગઇ તને ગીફટ આપવાની.
રીતીકા : ઓ.કે. ચલો. હવે ભૂખ લાગી છે જમવા જઇએ.
દિવ્યેશ અને રીતીકા જયારે જમવા ગયા હતા ત્યારથી જ દિવ્યેશ કોઇ વાતને લઇને ચિંતામાં હતો. પણ તે રીતીકાની સામે ખુશ જ રહેતો હતો. જમ્યા પછી તેઓ ઘરે જાય છે જયાં રીતીકા તો બહુ જ ખુશ હોય છે, પરંતુ દિવ્યેશ આખી રાત સૂઇ શકતો નથી.
શું કારણ હતું દિવ્યેશની ચિંતાનું ? શું તેણે રીતીકા અને રીતેષની ઇશારાથી થતી વાતચીત જોઇ લીધી હતી ? કે પછી બીજું જ કારણ હતું ?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૬ માં)
- પાયલ ચાવડા પાલોદરા