અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૧)
રીતીકા અને રીતેષ સ્કૂલ સમયથી એકબીજાના પરિચયમાં હતા. લાંબા સમયના પરિચય પછી તેઓ એકમેકથી સારી રીતે પરિચિત થઇ ગયા હતા. બંનેના મનમાં હવે મિત્રતાથી પણ વધારેની લાગણી હતી. જે તેઓએ તે લાગણીનો સ્વીકાર કરીને પોતપોતાના દિલની વાત કરી દીધી હતી. કોલેજનું છેલ્લું વર્ષ આવી ગયું હતું. તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા. રીતીકા અને રીતેષ પેપર આપતાં પહેલા એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને જ પેપર આપવા જતા. એ દિવસે પણ નિયમ મુજબ તેઓ એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પેપર આપવા જતા રહ્યા. ત્રણ કલાકના પેપર બાદ તેઓ કોલેજની બહાર મળવાના હતા. રીતેષ કોલેજની બહાર રીતીકાની રાહ જોતો હોય છે. ત્યાં જ અચાનક તે રીતીકાને તેના ભાઇ સાથે બાઇક પર બેસીને જતી દેખાય છે. તે વિચારમાં પડી જાય છે કે તેનો ભાઇ કેમ આવ્યો હશે? અને રીતીકાએ પણ તેને કંઇ જ કહ્યું નહિ. રીતેષ પછી ઘરે જવાના રવાના થાય છે.
રીતેષ આખો દિવસ રીતીકાના ફોનની રાહ જોવે છે પણ ના તો રીતીકાનો ફોન આવે છે કે ના તો મેસેજ આવે છે. રાત પણ પસાર થઇ જાય છે. રીતેષને એમ જ કે, રીતીકાને કંઇક ઘરે તકલીફ હશે એટલે જ તેણે એક વાર પણ ફોન કે મેસેજ કર્યા નથી. તે સવારની રાહ જોવા લાગે છે કેમ કે સવારે રીતીકા પેપર આપવા તો આવશે જ. એટલે બધી વાત કરી લેશે તેમ પોતાના મનને સમજાવી તે સૂઇ જાય છે. આ બાજુ રીતીકાની ઉંઘ હરામ થઇ ગઇ હોય છે તે વિચારે છે કે, કાલે રીતેષનો સામનો ના કરે તો જ સારું. બંનેના મનમાં મનોમંથન ચાલતા હતા કે આવતી કાલની સવારમાં મળીને બધી વાત કરી લેવી. પણ આવતી કાલની સવાર તેમના જીવનમાં એક નવો અધ્યાય લઇને આવવાની હતી. જે વાતથી તેઓ બંને સદંતર અજાણ હતા.
બીજા દિવસે સવારે રીતીકા કોલેજ આવી જાય છે. તેની પહેલા જ રીતેષ તેની રાહ જોઇને બેઠો જ હતો. રીતીકા પોતાની નજર જ મીલાવી શકતી ન હતી. તો પણ હિંમત કરીને રીતીકા રીતેષ પાસે જાય છે.
રીતેષ : રીતીકા, કાલે તે મને મેસેજ કે કોલ પણ ના કર્યો? શું થયું કે તું મને પેપર પત્યા પછી મળી પણ નહિ? અને તારા ભાઇ સાથે અચાનક ઘરે કેમ જતી રહી? ઘરે તો બધું સારું છે ને? તારી તબીયત તો સારી છે ને?
રીતીકા : (ગુસ્સામાં) બસ રીતેષ. (પછી શાંતિથી) તું કેટલા સવાલ પૂછે છે? આરામથી. હું કહું તને બધું. એ પહેલા આપણે કયાંક બીજે બેસીને આરામથી વાત કરીએ.
રીતેષ : (થોડો ગંભીર થઇને) સારું ચલ. બગીચામાં બસીને વાત કરીએ. (તે અને રીતીકામાં બગીચામાં જાય છે. રીતીકા તેનાથી દૂર બેસે છે એટલે રીતેષને ખ્યાલ આવી જાય છે કે તેના ઘરે કંઇક તો અજુગતું બન્યું છે.)
રીતેષ : બોલ હવે. ઘરે શું રામાયણ થઇ છે?
રીતીકા : (અંચબા સાથે) તને કેવી રીતે ખબર કે ઘરે રામાયણ થઇ છે?
રીતેષ : રીતીકા, હું તને બાળપણથી ઓળખું છું. તું સીધી વાત પર આય. આડી-અવળી વાત ના કર. જે હોય તે શાંતિથી વાત કર.
(રીતીકા ગંભીર થઇ જાય છે અને પછી રડવા લાગે છે. આ જોઇ રીતેષને પણ અંદાજો આવી જાય છે વાત જરા ગંભીર છે.)
શું રીતીકાને ઘરે કોઇ તકલીફ છે? અથવા તો તેના ઘરનાને રીતેષથી તકલીફ હશે?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૨ માં)
- પાયલ ચાવડા પાલોદરા