સોહમ કોફી શોપ પહોંચ્યો. પ્રભાકર એની રાહ જ જોતો હતો. બંન્ને જણાએ જોયું હમણા ફાસ્ટ છે બંન્ને જણાં દોડીને એમાં ચઢી ગયાં. પ્રભાકરે કહ્યું "ભાઉ મને આનંદ છે કે હું તને આજે મારાં અધોરી પાસે મળવા લઉ જઊં છું તારાં બધાંજ પ્રશ્નોનો નિકાલ થઇ જાય તને પણ અઘોરીજીમી કૃપાનો પ્રસાદ મળે”.
સોહમે કહ્યું “હું એજ આશાથી તારી સાથે આવી રહ્યો છું. આ ફાસ્ટ જેવી રીતે ગતિ કરી રહી છે એમજ મારાં હૃદયમાં ધબકાર વધી રહ્યાં છે ઝડપથી ધબકી રહ્યાં છે. પ્રભાકર મને એક પ્રશ્ન થાય છે પૂછું ? પણ એનો સાચો સ્પષ્ટ જવાબ આપજે મારાં માટે એ જરૂરી છે”.
પ્રભાકરે હસતાં હસતાં કહ્યું “અરે કોઇ સંકોચ વિના પૂછને.” સોહમે પૂછ્યું “પ્રભાકર તને અધોરીજીની કૃપાનો પ્રસાદ મળી ગયો સમજું છું પરંતુ મારાં અંગેની વાત તેં મને કંઇ કીધા પૂછ્યા વિના એમની સાથે કરી લીધી ? વળી મારાં જીવનમાં હમણાં શું બની રહ્યું છે એની તારી પાસે આટલી સૂક્ષ્મ માહિતી કેવી રીતે આવી ? તે કેવી રીતે જાણ્યું ?”
પ્રભાકરે કહ્યું “સોહમ હું તને સાચી અને સ્પષ્ટજ વાત કરીશ. આ અધોરીજી છે એમનો સંપર્ક મને અનાયાસે થયેલો એની વાત પછી કરીશ પણ એમને મળ્યાં પછી મને વિશ્વાસ થઇ ગયેલો કે આમની પાસે શક્તિ છે પાવર છે મેં મારાં નાનાં નાનાં પ્રશ્નો એમની પાસે મૂકેલાં જેનાં બધાં ઉકેલ એમણે લાવી દીધાં. એમને એ પણ ખબર પડી ગયેલી કે હું એમને તોલી રહ્યો છું. પરીક્ષા લઇ રહ્યો છું.”
“મારાં કામ થઇ ગયાં બધાંજ સોલ્વ પછી એમણે કહ્યું હવે તો શ્રધ્ધા બેઠી ? બોલ હવે કઇ પરીક્ષા લેવી છે ? હું શરમાયો પણ એ સમયે મેં તારી વાત કાઢી અને તારાં અંગે પ્રશ્નો કર્યા.”
“એ સમયે એ થોડીવાર ધ્યાનમાં બેઠાં એમનાં ચહેરો જોઇને હું ગભરાયો એમની ભૃકુટી વિસ્ફારીત થઇ ગઇ એમની આંખોમાં ક્રોધ હતો એમણે મારી સામે જોયું. એમની આંખોમાંથી જાણે જવાળાઓ નીકળી રહી હતી.”
“મેં હાથ જોડીને કહ્યું બાબા મારી કોઇ ભૂલ થઇ ? કે જેનો પ્રશ્ન કર્યો એની કોઇ એવી ભૂલ છે કે જેનો....”
“હું કંઇ આગળ પૂછું બોલું પહેલાં એમણે કહ્યું આ છોકરો મોટાં ષડયંત્રમાં ફસાયેલો છે.. એનો જીવ ખૂબ પવિત્ર છે પણ.. પછી ચૂપ થઇ ગયાં.. મેં પૂછ્યું બાબા શું થયું ? મને સ્પષ્ટ કહોને. એમણે કહ્યું તું એને તાત્કાલિક મારી પાસે લઇ આવ. આવું પાત્ર હું શોધતો હતો.. મને રીતસર આદેશ આપ્યો કે એને મારી પાસે લઇ આવ.”
સોહમ આશ્ચર્યથી પ્રભાકરની સામે જોઇ રહેલો પણ પ્રભાકરે કહ્યું “ત્યારથી હું તને અધોરીજી પાસે લઇ જવા માટે પ્રયત્ન કરતો હતો અને તારો ભેટો થઇ ગયો. સોહમ તને એક બીજી વાત કહું અધોરી હોય કે ભગવાન બધાને પોતાનાં ભક્તોની જરૂર હોય છે એમની શક્તિ એમની સિધ્ધીઓ માટે પણ એમને શિષ્યો ફોલોવર્સની જરૂર હોય છે. મને લાગે તારામાં એવું તો કંઇક જરૂર જોયું જાણ્યું છે કે તને લઇ આવવા મને આદેશ આપ્યો.”
બંન્ને જણાં વાતો કરતાં હતાં દાદર આવી ગયું બંન્ને જણાં ઉતરી બીજા પ્લેટફોર્મ પર જઇ વિક્રોલીની ટ્રેઇન પકડવા માટે પ્રયત્ન કરી રહેલાં. ત્યાં ટ્રેઇન આવી ગઇ બંન્ને જણાં એમાં ચઢી ગયાં.
ટ્રેઇન ચાલુ થઇ ગઇ. સોહમ ક્યારનો પ્રભાકરને સાંભળી રહેલો એણે કહ્યું “આ બધુ શું છે ? એક અધોરી પાસે કેટલી સિધ્ધીઓ શક્તિઓ હોય.. આપણે પણ આવું. પ્રાપ્ત કરી લેવું જોઇએ પછી કોઇ સંધર્ષ કે પ્રશ્નજ નહીં પણ હું કર્યા ષડયંત્રમાં ફસાયો છું ? મારી નોકરી ગઇ મેં મારી પ્રિયતમા ગુમાવી ? એમાં હું ક્યાંય વચ્ચે નહોતો તો હું... મારી સાથે ષડયંત્ર ?”
પ્રભાકર હસવા લાગ્યો એણે કહ્યું “સોહમ આપણે ક્યારેક ક્યાંય ના હોઇએ વચ્ચે.. છતાં સમય જતાં ખબર પડે કે કેન્દ્રમાં આપણેજ છીએ. આ એક આગમ્ય શાસ્ત્ર, દુનિયા અને શક્તિઓ છે ચાલ હવે વિક્રોલી આવશે ત્યાં પહોચીને તારાં બધાં પ્રશ્નોનાં ઉત્તર મળી જશે. દાદરથી વિક્રોલી પહોચી ગયાં ક્યાં 15-17 મીનીટ નીકળી ગઇ ખબર પણ ના પડી અને તને કહ્યું અધોરીજીને ખબર પણ પડી ગઇ હશે કે આપણે પહોંચવા પણ આવ્યાં.” ત્યાં સ્ટેશન આવ્યું બંન્ને જણાં ટ્રેઇનમાંથી ઉતરી ગયાં. પ્રભાકરે કહ્યું “હવે બહાર નીકળી રીક્ષા -જીપ જે મળે એ કરી લઇએ ડુંગર સુધી પહોચી જઇએ પછીતો ઉપર પગપાળાંજ ચઢવું પડશે કોઇ વિકલ્પ નથી.”
બંન્ને જણાં બહાર આવી રીક્ષા કે જીપ કરવા જોવાં લાગ્યાં ત્યાં એક જીપ આવીને ઉભી રહી અને એનો ડ્રાઇવર બોલ્યો “ચાલો ડુંગર સુધી મૂકી જઊં બેસી જાઓ સમય ઓછો છે.”
પ્રભાકર અને સોહમ બંન્ને આશ્ચર્યથી એકબીજાની સામે જોવાં લાગ્યાં. પ્રભાકરે કહ્યું “હાં ચાલો મોડું થાય છે.” સોહમ પ્રભાકરને અનુસર્યો અને એની સાથે જીપમાં બેસી ગયો. જીપ ઝડપથી ડુંગર તરફ ગતિ કરી રહી હતી.
સોહમનાં આશ્ચર્યનાં પારના રહ્યો કે.. પછી એણે જીપવાળાને પૂછ્યું. “ભાઉ તમને કેવી રીતે ખબર કે અમારે ડુંગર પાસે જવાનું છે ? તમને કોનો આદેશ છે ?” પેલાએ હસતાં હસતાં કહ્યું “એમાં નવાઇ પામાવા જેવું કઇ નથી મને બાપજીનો આદેશ હતો કે બે છોકરાઓ આવે છે એમને લઇ આવ..” પછી એ ડ્રાઇવ કરવા લાગ્યો.
સોહમે પ્રભાકર સામે જોયું હજી એનું આશ્ચર્ય શમ્યું નહોતું પ્રભાકરે હસીને કહ્યું “હવે આપણે એમની ટેરેટરીમાં છીએ એમનાં આદેશ અને ઇચ્છા પ્રમાણેજ બધુ થશે.”
લગભગ- 15-20 મીનીટ ખૂબ ઝડપે જીપ ચાલીને વૃક્ષોની ઘટાદાર જગ્યાએ આવી. જીપ ઉભી રહી ત્યાં ઊંચો ડુંગર દેખાઇ રહેલો. ત્યાં વૃક્ષો એટલાં બધાં હતાં કે ડુંગર પણ આગળ જઇને જોવો પડે.
જીપવાળાએ કહ્યું “અહીં ઉતરી જાઓ અને આ બે વૃક્ષની વચ્ચેથી રસ્તો જાય છે ત્યાં આગળ જાઓ ડુંગર ચઢીને આગળ તમે તમારી મેતે પહોચી જશો જય બાપજી.” કહીને એણે જીપ ત્યાંથી પાછી વાળી...
સોહમ અને પ્રભાકર બંન્ને ચીંધેલાં માર્ગે આગળ વધી રહેલાં અને બે વૃક્ષ વચ્ચેથી જે પગથી હતી ત્યાં ચાલવા લાગ્યાં.. સોહમે અનુભવ્યું કે એનાં પગ આપોઆપ ઊંચકાય છે અને ડુંગર ચઢાય છે એ સાવ અવાચક....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-60