વહેલી સવારે વસુધા ડેરીનાં પગથિયા ચઢી રહી હતી એનાં હાથમાં આકુ તેડેલી હતી એણે પગથિયા ચઢ્યા પછી આકુને નીચે ઉતારી આકુ દોડીને અંદર ગઇ વસુધા હસતી હસતી પાછળ હતી. આજે ખબર નહીં કેમ વસુધાને થયું આકુને લઇને ડેરીએ જઊં.. એણે એને સાથે લીધી.
આજે જાણે વસુધા ખૂબ ફેશ અને તાજગીભરી વધુ ઉત્સાહીત લાગી રહી હતી એણે પહેલાં ડેરીમાં આંટો માર્યો બધી બહેનો આવી ગઇ હતી પોતપોતાનાં કામે લાગી હતી વસુધાએ બધાંને હસીને જય શ્રી કૃષ્ણ કીધાં. બધાની ખબર પૂછી ત્યાં રમણકાકાની ભાવનાએ પૂછયું “કેમ છે વસુધા કાલે ગ્રામસભા કેવી રહી ?”
વસુધાએ કહ્યું “ખૂબ સરસ.. સાચુ કહુ હું બોલવા ગઇ હતી કે ડેરી અને પશુપાલન અંગે.. બલ્કે હું નવું શીખી સમજી અને પ્રેરીત થઇને આવી છું હું એક રાઉન્ડ મારું પછી આપણે બધાં રીસેશમાં ભેગાં થઇએ મને એક નવો વિચાર આવ્યો છે.” ભાવનાએ કહ્યું “ભલે....”
વસુધા કામકાજ અને સ્વચ્છતા ઉપર ખૂબ ધ્યાન રાખી રહી હતી એણે રમીલાને બૂમ પાડીને બોલાવી અને કહ્યું “રમીલા અહીંનો કે બીજો ખેતરનો કચરો નીકળે એ બધોજ લીલો સૂકો બંને જુદા રાખીને બંન્ને અલગ અલગ ખાડામાં ભેગો કરજો. ભૂલાય નહીં અને આ ખાડા ભરાઇ જાય તો બુધાભાઇને કહી નવા ખોદાવી લેજો બાકી આગળનું તમને કરસનભાઇ સમજાવી દેશે.”
વસુધા પેકીંગ વિભાગમાં ગઇ ત્યાં રાજલ સાથે ઉભી રહી અને બોલી “રાજલબેન કેમ છે ? રશ્મીબેન નથી આવ્યા ?” રાજલે કહ્યું છે ને પેલા બોક્ષની ગણની કરીને નોંધ કરી રહ્યાં છે. “
વસુધા એ તરફ ગઇ રશ્મીની ખબર પૂછી અને બોલી “બધો રીપોર્ટ ત્યાં ફાઇલમાં મૂકી દેજો આજે હમણાં બધાં ભેગાં થઇએ છીએ.”
ત્યાં કરસન સામેથી આવ્યો અને બોલ્યો... “ભાભી પછી બોલ્યો વસુબહેન.. વસુધાને ભાભીમાંથી વસુબહેન નું ઉદબોધન ગમ્યુ. એણે કહ્યું “બોલો ભાઇ ?”
કરસને કહ્યું “બે દિવસથી ઉત્પાદન સારુ રહ્યું છે મોટી ડેરીમાં આપણાં પેકીંગમાં માલ જાય છે મને કાલે મોટી ડેરીએથી સંદેશો આવ્યો છે કે સમય કાઢીને કાકાને અને તમને મોટી ડેરીએ બોલાવ્યાં છે જો કે એમનો ફોન આવશેજ.”
વસુધાએ કહ્યું “ભલે ભાઇ.. કરસનભાઇ છૂટી પડતી છાશ જો વધારે મળતી હોય તો ગામમાં મફત વહેચણી કરજો. સ્ટાફમાં પણ બધાને આપજો. કરસનને કંઈક યાદ આવ્યું હોય એમ બોલ્યો "હાં મોટી ડેરીનાં સર ઠાકોરકાકાએ આ છાશ અંગેજ વાત કરવા બોલાવ્યાં છે.”
વસુધાને આશ્ચર્ય થયું “છાશ માટે ? કેમ ?” કરસન કહે “વધારે કંઇ ખબર નથી પરંતુ મને એવુ કહેતાં હતાં કે છાશને મફત કેમ આપી દો છો ? અહીં તો એનું કેટલું વેચાણ થાય છે ? સ્ટાફમાં આપવી હોય તો આપો પણ ગામમાં....”
વસુધાને ઇશારામાં વાતની સમજ પડી ગઇ એણે કહ્યું “તમે ગામમાં મફત આપવી ચાલુ રાખો હું ઠાકોરભાઇ સાહેબ સાથે વાત કરી લઇશ.”
ત્યાં રમેશ પટાવાળો / હેલ્પર દોડતો આવ્યો અને બોલ્યો “બહેન ફોન છે તમારો....” વસુધાએ કહ્યું “ભલે હું આવું છું” ત્વરાથી એની નાની ઓફીસ તરફ ગઇ અને ફોન ઉઠાવ્યો..
સામેથી ઠોકરકાકાએ કહ્યું “દીકરી વસુ કેમ છે ? કેવું ચાલે છે કામકાજ ? મેં ખાસ એટલે ફોન કર્યો છે કે અહીંની અમારી એક પશુઆરોગ્યનું ધ્યાન રાખતી સંસ્થા છે એનાં દાતા પ્રવિણભાઇ જૈન તેઓ આ ટ્રસ્ટ ચલાવે છે મેં એમને તારી ડેરી અને બીજી વાતો કરી એમને વિનંતી કરી છે કે ગાડરીયામાં પશુ દવાખાનું કરવું છે ગામ લોકો ખૂબ જાગ્રત છે અને અમારી એક દીકરી વસુ પશુઓ માટે ચિંતિત છે તો તેઓ ત્યાં આવી મુલાકાત ગોઠવવા તૈયાર થયાં છે તેઓ ત્યાં પશુદવાખાનું કરવા મોટી રકમ આપવા મેં તૈયાર કર્યા છે આવતા 2 દિવસે અમારી ત્યાંની મુલાકાત નક્કી છે”.
વસુધાએ કહ્યું “કાકા તમારો ખૂબ ખૂબ આભાર આનાંથી રૂડુ શું હોઇ શકે ? તમે ચોક્કસ આવો અમે અહીં બધી તૈયારી કરી રાખીશું. ગામનાં સરપંચ અને આગેવાનોને પણ હાજર રાખીશું. સર તમારો આ સાથ અમને વધુ પ્રેરીત કરી રહ્યો છે”.
ઠાકોરભાઇએ કહ્યું ‘દીકરી મને સર નહીં કાકાજ કહેવાનું મારાં નસીબમાં સંતાન નથી પણ તું મારાં માટે મારી દીકરીથી વિશેષ છું તું જે કંઇ આટલાં ખંતની કરી રહી છે કોઇ સ્વાર્થ વિના આજે કોણ કરે છે ? અહીંનો અમારો મારો અંગત સાથ પણ કાયમ રહેશે દીકરા...”
વસુધાએ કહ્યું “કાકા તમે મારાં પિતા સમાનજ છો પણ કરસનભાઇ કહેતાં હતાં તમને મળવાનુ છે છાશ..”. વસુધા આગળ બોલે પહેલાં ઠાકોરકાકાએ કહ્યું “હાં હાં દીકરા તમારે આટલી બધી છાશ છૂટી પડે છે એ આમ ફોગટમાં કેમ વહેંચી દે છે ? એનું તો હવે માર્કેટીંગ કરીએ છીએ અમે એમાંથી ખૂબજ આવક થઇ શકે છે. અમે મસાલાવાળી અને મોળી એવી બેઉ છાશનું વેચાણ કરીએ છીએ એમાંય નફો છે.”
વસુધા હસી પડી... થોડીવાર ચૂપ રહી પછી બોલી “કાકા બધામાં આવક જોવાની ? સ્ટાફમાં અને ગામમાં બધાં હોંશે હોંશે લે છે અમનેય સંતોષ થાય છે.”
ઠાકોરકાકાએ કહ્યું “વસુધા હું બધુ સમજું છું દીકરી પણ આપણાં ગામડાઓમાં ઘરે ઘરે દૂધ, છાશ, દહી ઘી બધાંજ બનાવે બધાને ઘેર છાશ હોયજ જેના હોય એની વ્યવસ્થા કરવી જોઇએ. જેને જરૂર હોય એને ભલે તમે એમજ આપો. બધાને આપવાની જરૂર નથી આ મારું સૂચન છે. છાશ શહેરોમાં ખૂબ વેચાય છે તેઓ પાસે ઢોર નથી એટલે બજારમાંથી ખરીદે છે ડેરીને ફાયદો એ ગામનોજ ફાયદો છે ને ?”
“તમે આવકમાંથી લોકકલ્યાણનાં કામ કરો. આ પશુદવાખાનું થાય ગામનાં માણસો માટે હોસ્પિટલ થાય એ ગામલોકો માટેજ છે ને ? વિચાર જે હું રવિવારે આવું પછી આનાં ઉપર ચર્ચા કરીશું. ગુણવંતભાઇ મજામાં છે ને ?”
વસુધાએ કહ્યું “તમારી વાત સાચી છે હું વિચારીશ હાં પાપા મજામાં છે. રવિવારે ચોક્કસ મળીએ”. ફોન મૂકાયો ત્યાં કરસન આકુને હાથ પકડીને ત્યાં લાવ્યો.. વસુધાએ આકુને કહ્યું “ચલ તને આપણાં ખેતરમાં પાછળ લઇ જઊં ત્યાં પાકની સ્થિતિ અને બધાં કામ જોઇ આવીએ.” એમ કહી આકુને લઇ પાછળનાં દરવાજેથી ખેતર તરફ ગઇ..
વધુ આવતા અંકે - પ્રકરણ-86