દરમિયાન ઈમારતમાંથી શૂન્યો બહાર આવીને સુરતાના મૃતદેહની આસપાસ એકઠા થઈ ગયા હતા. એમના ચહેરા પર ભય અને દુઃખનું મિશ્રમ હતું. હવામાં રેત સાથે આતંક ફેલાયેલો હતો. નિર્ભયની ટુકડી સાથે વિરાટ પણ દોડીને નીચે આવ્યો. નિર્ભય સિપાહીઓ સુરતાના મૃતદેહ નજીક ઊભા રહ્યા. એ બધા સુરતાના મૃતદેહ પાસે ટોળે થયા. હવે વિરાટ એને નજીકથી જોઈ રહ્યો હતો. એના લોકો એના રસ્તામાં અવરોધ નહોતા કેમકે એમણે નિર્ભય સિપાહીઓને ચાલવા માટે જગા કરી હતી. વિરાટ માટે સુરતા સુધી પહોંચવા પૂરતી જગ્યા હતી.
બે નિર્ભય સિપાહી સુરતાના શરીર પાસે ઊભા હતા. સુરતાનો ચહેરો નિસ્તેજ હતો અને એની આંખો ખુલ્લી અને ખાલી હતી. એ નિર્જીવ આંખો એને કહી રહી હતી કે વિરાટ હું તારા અને તારા પિતાના વિશ્વાસે દીવાલની આ પાર આવી હતી. તમે મને ન બચાવી શક્યા ને? મારા મૃત્યુ માટે તમેં જવાબદાર છો. એ મૃતદેહ વિરાટને બૂમો પાડીને કહી રહ્યો હતો કે મારા મૃત્યુ માટે જેટલો જવાબદાર દેવતા છે એટલો જ જવાબદાર તું પણ છે. વિરાટ શ્વાસ કઈ રીતે લેવો એ પણ જાણે ભૂલવા લાગ્યો હતો. એ બોલી શકે એમ નહોતો. અપરાધભાવની મજબૂત આંગળીઓ એની ગરદન ફરતે વીંટળાઈને એને ગૂંગળાવી મારવા માંગતી હોય એમ એની પકડ વધુને વધુ જોર પકડતી હતી.
નીરદ એની નજીક આવ્યા અને એને બીજી તરફ ખેંચી લીધો. વિરાટ ઇચ્છતો હતો કે એના પિતા એનાથી દૂર રહે પરંતુ એ એમ કહી ન શક્યો અથવા કદાચ એને પોતાને સ્થિર રાખવા માટે કોઈકના સહારાની જરૂર હતી અને નીરદ અત્યારે તેનો સહારો હતા.
સુરતાનું નાક સુજી ગયુ હતું. એના હોઠ લીલા પડી ગયા હતા. એ માનવ મૃતદેહ નહોતી લાગતી. નજીકથી જોતા એ કોઈ પ્રાણીનો મૃતદેહ હોય એવું લાગતું હતું. વિરાટની આંખો બળતી હતી, એના ફેફસાં બળતા હતા, એના શ્વાસ માંડમાંડ ચાલતા હતા. સુરતાની સાથે એની અંદર પણ કંઈક મરી ગયું હતું. એની છાતી એટલી જકડાઈ ગઈ હતી કે એનો શ્વાસ બંધ થઈ જશે એમ એને લાગ્યું. એ શ્વાસ લઈ શકતો નહોતો. એ જમીન પર ઘૂંટણીયે બેસી ગયો. નીરદ પણ એની પાસે બેસી ગયા. એના ઘૂંટણ નીચે ખરબચડા પથ્થર હતા. એકાએક એણે કંઈક સાંભળ્યું – એ શબ્દો એના પોતાના જ મનમાંથી આવતા હતા. જેમ માનવ કોઈ દૃશ્ય યાદ કરે તેમ એનું મન એની સામે અવાજની યાદ રજૂ કરતું હતું. સુરતા એની ઝૂંપડીમાં રડતી હતી. એ દીવાલની આ પાર આવવા માંગતી જ નહોતી.
વિરાટે બંને હથેળી એની છાતી પર દબાવી દીધી અને એની છાતીના તણાવને મુક્ત કરવા બંને હાથે છાતી દબાવવા લાગ્યો. એણે સુરતાના અધખુલ્લા હોઠ જોયા. એ હોઠે એને ફરી યાદ અપાવ્યું કે સુરતા શૂન્યોના તહેવારમાં કેટલું મધુર ગાતી હતી. એના ગીત વિરાટના કાનમાં ગુંજવા લાગ્યા. એણે એના અવાજની મીઠાશ અનુભવી. એ સારી ગાયિકા હતી. એ હતી – સુરતા માટે એનું મન હવે ભૂતકાળ વાપરવા લાગ્યું એ સમજાતા જ વિરાટ અંદરથી તૂટી પડ્યો.
જગપતિ મૃતદેહ ભરવા માટે એક મોટી પારદર્શક થેલી લઈને આવ્યો હતો. શૂન્યોની ભીડ લાગણીહીન હતી. જાણે એ સુરતાને ક્યારેય ઓળખતા જ નહોતા એમ એના મૃતદેહને જોઈ રહ્યા હતા. વિરાટને એ બધા પ્રત્યે નફરત થવા લાગી. એ ઊભો થયો અને ઈમારતમાં દોડી ગયો જાણે એ ક્યાંક અદૃશ્ય થઈ જવા માંગતો હોય અને ક્યારેય ફરી એ દુષ્ટ દુનિયાને જોવા ન માંગતો હોય.
એક કલાક પછી વિરાટ, નીરદ, નિર્ભય સેનાનાયક જગપતિ અને એના બે વિશ્વાસુ નિર્ભય સિપાહીઓ એક લોક સ્ત્રી સાથે બંધ ઓરડોમાં બેઠા હતા. ત્રણ જ્ઞાની શૂન્યો - પવન, ચિત્રા અને સમ્રાટ પણ ત્યાં હતા.
ખંડેર ઈમારતની અંદરનો એ ઓરડો મોટો હતો – એમની ઝૂંપડી કરતા લગભગ ત્રણ ગણો મોટો છતાં વિરાટને ગુંગળામણ થતી હતી. એને લાગતું હતું જાણે એની આસપાસની દીવાલો હમણાં એને કચડી નાખશે. ઓરડામાં જાણે હવા જ નહોતી અથવા હવા એટલી ગરમ અને પાતળી હતી કે વિરાટને ત્યાં હવાની ગેરહાજરી લાગતી હતી.
જગપતિ ઊભો થયો અને બારી પાસે ગયો. એણે બારી ખોલી અને ફરી પોતાની બેઠક પર પાછો ફર્યો. લોક સ્ત્રીએ વિરાટને ચાનો પ્યાલો આપ્યો. એણે પ્યાલો હાથમાં લીધો એ સાથે જ ચાની વરાળ એના શ્વાસમાં ગઈ. આસપાસની પડતર વાસને દૂર કરતી એ હૂંફથી એણે રાહત અનુભવી. એ પ્યાલો પકડી એમ જ વિચારોમાં ખોવાયેલો બેસી રહ્યો.
"ચા પી લે." જગપતિએ કહ્યું, એણે આગળ વધીને એના ખભા પર હાથ મુક્યો. વિરાટને ખબર નહોતી કે એને તાવ છે કે શું પણ એનું શરીર વારંવાર ગરમઠંડુ થઈ રહ્યું હતું. જગપતિનો સ્પર્શ એને ઠંડો લાગ્યો હોય એમ તે જગપતિથી દૂર ખસી ગયો.
જગપતિએ ફરી કહ્યું, "ચા પી લે. એનાથી તને રાહત થશે."
એ કંઈ બોલ્યો નહીં. જગપતિ ફરી ઊભો થયો અને બારી પાસે ગયો. બહાર લાલ રેતનું તોફાન ચડ્યું હતું અને એ ધૂંધળા આકાશમાં સૂર્ય ઉદાસ ચહેરે લટકતો હતો. કોઈ સહારા વિના એક પૂર્ણ વર્તુળ કોઈએ હવામાં લટકાવ્યું હોય એમ સૂર્ય એ રેતના તોફાનની પેલે પાર ફિક્કો દેખાતો હતો.
"એ ગુજરી ગઈ." વિરાટ બોલ્યો. એના અવાજમાં ગહેરી ઉદાસી હતી, "અમે એની માને એની સલામતીનું વચન આપ્યું હતું."
"હું તારી પીડા સમજી શકું છું." જગપતિએ કહ્યું, "પણ આપણે એની મદદ કરી શકીએ એમ નહોતા."
“કેમ?” વિરાટ જવાબ જાણતો હતો. બધાને ખબર હતી છતાં એણે પૂછ્યું.
જગપતિએ કપાળ પરથી પરસેવો લૂછ્યો. એક પળ માટે ઉગ્ર અને ક્રૂર દેખાતો જગપતિનો ચહેરો નિસ્તેજ અને નાખુશ દેખાવા લાગ્યો. એનો ચહેરો વિરાટને કંઈક યાદ કરાવતો હતો. એ ચહેરો કોઈક જૂની યાદ સાથે જોડાયેલો હતો પણ વિરાટનું મન એટલું ઉદાસ હતું કે યાદોના પટારામાં જઈને એ યાદને શોધી શકે એમ નહોતું.
"એ જાણવા માટે તારે ઘણું બધું જાણવું પડશે." જગપતિએ નિસાસો નાખ્યો.
"તો મને કહો." એણે કહ્યું. આ વખતે એ થોડો શાંત લાગતો હતો.
એક પળ માટે મૌન છવાઈ ગયું. બધાએ એકબીજા તરફ નજર કરી અને એમની વચ્ચેની હવામાં ઉદાસી સિવાય બીજું કંઈ જ ન હોય એવું લાગ્યું.
"અમારામાંથી ઘણા દેવતાઓને ધિક્કારે છે." જગપતિએ શરૂઆત કરી, “પરંતુ કોઈની પાસે એમની સામે લડવાની શક્તિ નથી. દેવતાઓ એ નથી જે એમને કહેવામાં આવે છે. એ અલગ છે. ”
"એ કોણ છે?" વિરાટે ચાની એક ચુસ્કી લેતા પૂછ્યું. ખુલ્લી બારીમાંથી આવતી હવાથી એને સારું લાગ્યું હોત પણ બહાર ગરમી હતી એટલે અંદર આવતી હવા વધારે ગુંગળાવતી હતી.
“આપણે એમને જે કહીએ છીએ એનાથી તદ્દન વિપરીત.” એણે એક સેકન્ડ માટે વિરાટ સામે જોયું અને પછી નિસાસો નાખ્યો., “એ દેવતા નથી પણ દૈત્ય છે. એમનામાં કોઈ દયા નથી. એ કારુ માટે કામ કરે છે જે પોતે દુષ્ટતાનું બીજું નામ છે. સાચા દેવતાઓ એમના જેવા નહોતા. એ દયાળુ અને નમ્ર હતા. અલબત્ત એ શક્તિશાળી હતા પરંતુ એ બીજા માટે લડતા. કારુ જેવા નિર્દય શાસક માટે નહીં." એ વિરાટને જોઈ એમ રહ્યો જાણે એની પ્રતિક્રિયા નક્કી કરી રહ્યો હોય.
વિરાટે પ્યાલો પૂરો કરીને પૂછ્યું, "તમે આ કેવી રીતે જાણો છો?"
“સાચા દેવતાઓ હજુ પણ આપણી વચ્ચે છે. એ કારુ સામે લડી રહ્યા છે. કારુ એમને મરવા માંગે છે પણ એ એમને હરાવી નથી શકતો કારણ કે સાચા દેવતા જાનવરો પર નિયંત્રણ કરી શકે છે. એ હિમાલયના પર્વતોમાં રહે છે. એમની સેનામાં બરફના યેતીઓ અને બીજા ભયાનક પ્રાણીઓ છે. ઉપરાંત એમને શોધવા પણ મુશ્કેલ છે.”
એણે વિરામ લીધો. વાત ક્યાં જઈ રહી છે, જગપતિ એને શા માટે એ બધું કહી રહ્યો છે અથવા એ બધું વિરાટ સાથે કેવી રીતે સંબંધિત છે એ વિરાટને ખરેખર સમજાતું નહોતું એટલે એ કશું ન બોલ્યો. એ જગપતિના આગળ બોલવાની રાહ જોતો રહ્યો.
જગપતિનો ખુલાસો એકદમ સામાન્ય અને વ્યાજબી હતો. વિરાટે થોડી રાહત અનુભવી. એ જ સમયે એના હ્રદયમાં કોઈ બીજી સંવેદના પણ દોડતી હતી - એ નીરસ લાગણી નિરાશા હતી. વિરાટનું મન હજી પણ દરેક બાબત પર શંકા કરતું હતું, "તમે મને આ બધું કેમ કહો છો?" એણે પૂછ્યું, "હું માત્ર એક શૂન્ય છું."
"તું શૂન્ય નથી." જગપતિએ કહ્યું, અને વિરાટની છેલ્લી શંકા દૂર થઈ ગઈ, "તું એ છે જેની અમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ."
"શું?" આ વખતે વિરાટે પૂછ્યું.
“વિરાટ તું અવતાર છો જે કારુનો અંત લાવશે. એક ભવિષ્યવાણી મુજબ મંદિરના પતનનું કારણ શૂન્યોમાંથી જ એક હશે."
"પણ વિરાટ જ કેમ?" ચિત્રાએ પ્રશ્ન કર્યો.
"એની શક્તિઓ મને એ માનવા મજબુર કરે છે કે એ વિરાટ જ છે જે મંદિરના પતનનું કારણ બનશે. જ્યારે એણે સુરતાને મરતી જોઈ ત્યારે એણે અનિચ્છાએ એની તાકાતનો ઉપયોગ કર્યો અને ચાર નિર્ભયને પછાડી દીધા. શું તમને લાગે છે કે એક શૂન્ય આ કરી શકે?"
ચિત્રા કશું બોલી નહીં. એ વિરાટ સામે જોઈ રહી.
"શું તમે છતનો એ ભાગ જોયો જ્યાં વિરાટે પથ્થરના બ્લોકને સખત મુક્કા માર્યા હતા?" જગપતિએ બધા સામે નજર કરી.
બધાએ નકારમાં માથું હલાવ્યું કેમકે એ હંગામામાં જગપતિ સિવાય કોઈએ એ તરફ ધ્યાન આપ્યું નહોતું.
"એના મુક્કાથી પથ્થરના બ્લોકમાં તિરાડો પડી ગઈ છે." જગપતિએ અહીં પોતાનો અવાજ જરા નીચો કરીને કહ્યું, “એ બ્લોક તમે કલ્પના કરી શકો એના કરતાં વધુ મજબુત છે. એનાં પર પ્રલયની પણ કોઈ અસર નથી થઈ તો એક યુવકના મુક્કાથી એમાં તિરાડો કઈ રીતે આવી શકે?”
"પણ હું જ કેમ?" વિરાટે એણે હાથ અને આંગળીઓને જોતા પૂછ્યું.
"હું જાણું છું કે તમારા તસ્કરોએ જ્ઞાનના પુસ્તકો ચોર્યા છે." જગપતિએ કહ્યું, "શું તેં એ પુસ્તકો વાંચ્યા નથી?"
"હા, મેં વાંચ્યા છે." વિરાટે સ્વીકાર્યું, "પણ મને કોઈ જવાબ નથી મળ્યો."
"કદાચ તમારી પાસે હજી સુધી યોગ્ય પુસ્તક નથી પહોચ્યું પણ આજે એ પુસ્તક આપણા સુધી પહોચ્યું છે." જગપતિએ કહ્યું અને એના કોટના ખિસ્સામાંથી એક દળદાર પુસ્તક કાઢ્યું, “આજે સવારે જ મારો એક વિશ્વાસુ નિર્ભય આ પુસ્તક નજીકના શહેરમાંથી શોધી લાવ્યો છે.”
"આ કયું પુસ્તક છે?" વિરાટે પૂછ્યું.
“એ મને ખબર નથી કેમકે અમે એ વાંચી નથી શકતાં.” જગપતિએ પુસ્તકને પ્રણામ કરીને કહ્યું, “પણ આ કોઈ પવિત્ર પુસ્તક છે જે ફક્ત અવતાર સિવાય કોઈ જ ન વાંચી શકે કેમકે એ દેવભાષામાં લખાયું છે.”
"તમે કેવી રીતે કહી શકો કે હું જ એ છું જે આ પુસ્તક ઉકેલશે?" વિરાટે પૂછ્યું. બધાની નજર હવે પુસ્તક ઉપર હતી.
"એ પુસ્તક નક્કી કરશે."
"બરાબર." વિરાટે પુસ્તક હાથમાં લીધું અને પ્રણામ કર્યા. એણે પહેલા પર શીર્ષક વાંચ્યું.
"એમાં કહ્યું છે કે તમારા ડરનો સામનો કરો અને જે અન્યાય કરે છે એમની સામે ક્યારેય ન નમો." વિરાટે કેટલાક પાના વાંચ્યા પછી કહ્યું. એણે થોડા વધુ પાના વાંચ્યા.
"હું હજી એક વાત સમજી નથી શકતો." એણે જગપતિ સામે નજર ફેરવી.
"શું?"
"તમે કારુ માટે કેમ કામ કરો છો? તમે એને ભગવાન નથી માનતા તો એનો સાથ કેમ આપો છો?"
“મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારા પિતાજીએ મને મહાભારતની વાર્તા કહી હતી. એમણે મને કહ્યું હતું કે તમે તમારા મિત્રો સાથે રહો એના કરતાં તમારા દુશ્મન સાથે વધુ સમય રહો એટલે જ હું કારુ સાથે છું જેથી હું એના વિશે વધુ જાણી શકું.”
"અને તમેં શું જાણકારી મળેવી?"
“ખાસ નહીં પણ હું જાણું છું કે મંદિરમાં કંઈક એવું છે જે એને જીવંત રાખે છે. એ પ્રલયથી અથવા કદાચ પ્રલય પહેલાથી અમર છે અને એના જીવનનું રહસ્ય મંદિરની અંદર છે.”
"એ લોકો પાસેથી દર વર્ષે જે બાળકો છીનવી લે છે એનું શું કરે છે?" વિરાટે પૂછ્યું.
"કોઈ જાણતું નથી."
"અને નિર્ભય શું છે?" એણે બીજો સવાલ કર્યો, "તમે નિર્ભય કેમ છો?"
“પ્રલય આવ્યો એ પહેલાથી આમારા પૂર્વજો સૈનિકો હતા. પ્રલય પછી કારુ ભગવાન બન્યો અને એણે સૈનિકોના બાળકોને એના સૈનિકો તરીકે ઉપયોગમાં લીધા અને એમનું નામ નિર્ભય રાખ્યું.”
"અને સાચા દેવતા કોણ છે?"
“એ પવિત્ર માણસો છે. એવું કહેવાય છે કે એ જ પ્રલય માટે જવાબદાર છે. કારુ આ દુનિયા અને એના તમામ જીવને નિયંત્રિત કરવા માંગતો હતો પણ વાસ્તવિક દેવતાઓએ એને અટકાવ્યો અને એ લડાઈને લીધે જ પ્રલય આવ્યો. કેટલાક એમ પણ કહે છે કે એમણે એ મંદિરને તોડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ એકમાત્ર વિનાશનું કારણ બન્યું હતું. કોઈ પણ હથિયાર મંદિરને નુકસાન પહોંચાડી શકતું નથી.”
“હું મારા સ્વપ્નમાં એ મંદિર જોઉં છું. શું એ પાટનગરની સૌથી ઊંચી ઇમારત છે?" વિરાટે પૂછ્યું.
"હા, એ સૌથી ઊંચી ઇમારત છે અને એની આસપાસ એક ભૂલભુલામણી છે જેની રચના સતત બદલાતી રહે છે. એ કોઈ સજીવ હોય એમ આપમેળે પોતાની રચના બદલી નાખે છે. કેટલાક કહે છે કે ભુલભુલામણી એ મહાભારતના ચક્રવ્યુહ સિવાય બીજું કંઈ નથી. અંદર પ્રવેશવાની પેટર્ન કોઈ ઉકેલી શકતું નથી એટલે કારુ ક્યારેય મરે એમ જ નથી.”
"શું એ ભૂલભુલામણી વિશાળ પથ્થરના બ્લોક્સની બનેલ છે?" વિરાટ હવે ઘણા શબ્દો જાણતો હતો.
"હા, એ વિશાળ પથ્થરોના બ્લોક્સથી બનેલ છે જે પોતાની જાતે જ એમની ગોઠવણ બદલતા રહે છે." નિર્ભય નેતાએ કહ્યું, "પણ તને આં બધી કેવી રીતે ખબર?"
"હું જાણું છું કારણ કે હું મારા સપનામાં એ મંદિર અને એની આસપાસની ભૂલભુલામણી જોતો આવ્યો છું." વિરાટે કહ્યું, "જો હું ખોટો નથી તો મને ખબર છે કે કારુ કેવો દેખાય છે."
નિર્ભય સેનાનાયકની આંખો ચમકી.
"એ એના માટે કામ કરતા દરેક દેવતાઓ કરતાં ભયંકર, વધુ ભયંકર લાગે છે. એ અડધો માનવ અને અડધો દાનવ છે. એ એ મંદિરમાં રહે છે. કારણ ભલે ગમે તે હોય પણ એ મંદિરના લીધે જ જીવીત છે. એની એક આંખ અંગારા જેવી લાલ છે અને ડાબા હાથ સહિત એનો શરીરનો ડાબો અડધો ભાગ દૈત્યનો છે. લાલ આંખ સિવાય એનો ચહેરો માનવ જેવો છે અને તેના માથા પર વાળ પણ છે.”
કોઈ કશું બોલ્યું નહીં એટલે વિરાટ આગળ બોલ્યો, “ચક્રવ્યુહ હંમેશાં રચના બદલતો રહે છે. એ દરરોજ, દર કલાકે અને દર મિનિટે બદલાય છે. કોઈ પણ ત્યાંથી પસાર થઈ શકતું નથી કારણ કે એમાં અગણિત પથ્થરના ઓરડા છે અને દરેક ઓરડાની અંદર કારુના દૈત્યાકાર જીવો છે. એ ચક્રવ્યૂહમાં સાત કોઠા છે જે મંદિર ફરતે પરિક્રમા કરતા રહે છે.”
“તેં આ બધું ક્યારે જોયું?”
“ગઈ રાતે આવેલા મારા સૌથી લાંબા સ્વપ્નમાં.” એણે એકેક શબ્દ ધીમેથી ઉચ્ચાર્યો અને ત્યાં બેઠેલા દરેકના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ.
ક્રમશ: