Prem - Nafrat - 63 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૬૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૩

મીતાબેનની વાત બહુ મહત્વના મુદ્દા પર આવી ચૂકી હતી. રચનાએ આ વાત વર્ષો અગાઉ જાણી હતી. ત્યારે એ નાની હતી. આ ઘટનાની તીવ્રતા આજે અનેકગણી વધારે અનુભવી રહી હતી. તેને પિતા વિશેની એક-એક ક્ષણની વાત જાણવી હતી. એટલે જ તે શાંતિથી મીતાબેન પાસે બેઠી હતી. કંપનીમાં પિતા ગૂમ થયા છતાં મજૂરો કે કર્મચારીઓએ એમની નોંધ લીધી નહીં હોય? શું એ જાણીને અજાણ બન્યા હશે? દેવનાથભાઇના હૈયે એમનું હિત અને લાગણી હતા એ સારું થયું. નહીંતર રણજીતરાય એક રહસ્ય બનીને રહી ગયા હોત કે શું?

રચનાની વિચારધારાને અટકાવતો મીતાબેનનો અવાજ આવ્યો:'બેટા, દેવનાથભાઇની હિંમતને હું આજે પણ દાદ આપું છું. એકમાત્ર એ જ હતા જેમણે કંપનીના સૌથી મોટા શેઠ અને કર્તાહર્તા એવા લખમલભાઇને પ્રશ્ન પૂછ્યો હતો. એમનો પ્રશ્ન સાંભળીને લખમલભાઇને એ સમજાયું ન હતું કે આ માણસ પર ગુસ્સે થવું કે શાંતિથી જવાબ આપવો. દેવનાથભાઇએ એમનો ચહેરો વાંચીને સમજી લીધું કે કોઇ ગંભીર બાબત છે. એમનો જવાબ ના આવ્યો એટલે ફરી પૂછ્યું:'શેઠ, રણજીતરાય આપને કંઇક કહીને ગયા છે? થોડીવાર પહેલાં ધમાલ થઇ ત્યારે રણજીતરાય અંદર જ હતા. એ બંને પક્ષોને સમજાવી રહ્યા હતા. છતાં એમને ઠેબે ચઢાવવામાં આવી રહ્યા હતા...'

લખમલભાઇએ કંઇક વિચારીને કહ્યું:'તમે મારી બાજુની મેનેજરની ઓફિસમાં આવો...'

દેવનાથભાઇ સમજી ગયા કે કોઇ ખાનગી વાત છે. એમણે બધાંની વચ્ચે કોઇપણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતાની નહીં મેનેજરની ઓફિસમાં બોલાવ્યા હતા. એ ચૂપચાપ એમના પગલે મેનેજરની ઓફિસમાં પહોંચ્યા. એમની પાછળ મેનેજર આવી પહોંચ્યા હતા. જો દેવનાથભાઇએ મને આ રજેરજની વિગતો ના આપી હોત તો ઘણી બાબતે આપણે અંધારામાં રહી ગયા હોત....' બોલીને મીતાબેને પોતાની આંખમાં ઉમટી આવેલા આંસુને લૂછી લીધા.

રચના મનોમન બોલી:'મા, એમના જીવનમાં હું એવું અંધારું કરીશ કે એમને ભૂતકાળ યાદ આવી જશે...'

મીતાબેન બાજુના ગ્લાસમાંથી એક ઘૂંટડો પાણી પીને આગળ બોલ્યા:'લખમલભાઇએ મેનેજરની ઓફિસમાં રણજીતરાય વિશે કંઇપણ કહેવાનું ટાળ્યું. બસ એટલું જ કહ્યું કે 'આ ભાઇને રણજીતરાય વિશે જાણવું છે' અને બહાર નીકળી ગયા. એમને લાગ્યું કે લખમલભાઇ રણજીતરાય વિશે બધું જાણે છે. એમના મોંએથી કંઇ કહેવા માગતા નથી. એમના દિલની ધડકન વધવા લાગી હતી. મેનેજરે એમની સામે એ રીતે જોયું જાણે મેં રણજીતરાય વિશે પૂછીને કોઇ ગુનો કરી દીધો હોય. એણે મને મહત્વ આપ્યા વગર પોતાનું કામ હાથ પર લેતાં સહેજ ગુસ્સામાં પૂછ્યું:'તમારે કેમ જાણવું છે?'

દેવનાથભાઇએ કહ્યું:'એ મારા મિત્ર અને મદદગાર છે. એ દેખાતા નથી. અચાનક ક્યાં જતા રહ્યા હશે એ સમજાતું નથી...'

'જુઓ, એમના વિશે હું જાણું છું પણ તમે કોઇને કહેતા નહીં...' કહી મેનેજરે આમતેમ નજર નાખી કોઇ જોતું ના હોય એમ આગળ કહ્યું:'એ એક જગ્યાએ સંતાઇ ગયા છે... મજૂરો અને કર્મચારીઓ એમની સામે ક્રોધે ભરાયા હતા. એમણે મુકાદમ તરીકે પોતાનો સ્વાર્થ સાધવાની કોશિશ કરી હતી. પરંતુ કર્મચારીઓ સાથે મજૂરોએ પણ મોકો જોઇ એમને મારવાનું શરૂ કર્યું હતું. મારા એક કર્મચારીએ એ જોઇ લીધું અને એમને બચાવીને બહાર કાઢ્યા પછી સમજાવ્યા કે તમે અહીંથી નીકળી જાવ. મજૂરોનો કોઇ ભરોસો નહીં. તમારી સામે ભડક્યા છે. એમણે મારી પાસે મદદ માગી. મેં એમને કંપનીમાં એક જગ્યાએ મોકલી દીધા છે. એ સલામત છે. તમે ચિંતા કરશો નહીં અને ભૂલેચૂકે તમારા મજૂર વર્ગને આ વાતની ખબર પડવા દેતા નહીં... જાવ..'

મેનેજરે એમને રીતસરના કાઢી મૂક્યા હતા. દેવનાથભાઇને થયું કે મજૂરો એમના પર હુમલો કરી શકે નહીં. કર્મચારીઓએ જ એમને ધક્કે ચઢાવ્યા હતા. નક્કી કોઇ મોટું રહસ્ય છે. રણજીતરાય આમ છુપાઇને પોતાનો જીવ બચાવે એવા નથી. એ મેનેજરની ઓફિસની બહાર નીકળ્યા ત્યારે કંપનીમાં સ્મશાનવત શાંતિ પ્રવર્તતી હતી. બધા જ કર્મચારીઓ પોતાના કામ પર ચઢી ગયા હતા. મજૂરો પણ દેખાતા ન હતા. વોચમેનને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે બે ટ્રકમાં મજૂરો સામાન લેવા ગયા છે. દેવનાથભાઇ નિરાશ થઇને કંપનીની બહાર નીકળ્યા. ત્યાં કોઇએ એમના નામની ધીમેથી બૂમ પાડી. એમણે આમતેમ જોયું ત્યારે ખબર પડી કે કોઇ એમને દૂર એક ઝાડ પાસે ઇશારાથી બોલાવી રહ્યું છે. એ કોણ હશે? અને શું કહેવા માગતું હશે? એવી ઉત્સુક્તાથી દેવનાથભાઇ ત્યાં પહોંચ્યા ત્યારે એ માણસે એમનો હાથ પકડી ઝડપથી ઝાડની પાછળ ખેંચી લીધા. જેથી કંપનીના દરવાજા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કંઇ દેખાય નહીં.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED