Prem - Nafrat - 62 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૬૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૨

મીતાબેનનું અસ્ખલિત બોલવાનું ચાલું જ હતું. એમના શબ્દોમાં એ સમયની ઘટના જીવંત થઇ રહી હતી:'દેવનાથભાઇ તારા પિતાને આમતેમ શોધી રહ્યા હતા ત્યારે પોલીસ એની કાર્યવાહીમાં વ્યસ્ત હતી. કંપનીના કેટલાક કર્મચારીઓએ ફરિયાદી બનીને એક પછી એક મજૂરના નામ લઇ કેસ નોંધાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે મજૂરોના નામ લઇ એમને બાજુમાં ઊભા કરવાનું શરૂ કરી દીધું હતું. મજૂરો બહુ મોટા ગુનેગાર હોય એમ એમની સાથે વર્તન થઇ રહ્યું હતું. એક- બે મજૂરે આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી ત્યારે એક પોલીસે કહ્યું:'ભાઇ, જેલમાં જવાની બહુ ઉતાવળ છે? પોલીસની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ બીજો કેસ નોંધી દઉં?'

પોલીસની ચીમકી સામે મજૂરોની બોલતી બંધ થઇ ગઇ હતી. દેવનાથભાઇ જ્યાં આ ઘટના બની હતી એની આજુબાજુમાં ચક્કર લગાવી આવ્યા હતા. એમને રણજીતરાય ક્યાંય દેખાયા ન હતા. મોકો જોઇને એક મજૂરને પૂછ્યું ત્યારે એણે એમ કહ્યું કે થોડીવાર પહેલાં મારામારી વખતે એ ટોળાની વચ્ચે દેખાયા હતા. એ બંને પક્ષને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પછી પોલીસ આવી અને એવી દોડધામ થઇ કે કોણ શું કરી રહ્યું છે એનો કોઇ ખ્યાલ જ ના આવ્યો. પોલીસનું કડક વલણ જોઇને મજૂરો હેબતાઇ ગયા હતા. એમને થયું કે ન્યાય માટે તે રજૂઆત કરી રહ્યા હતા અને તેમને જ હવે અન્યાય થઇ રહ્યો છે. દેવનાથભાઇનું નામ આરોપી મજૂરોમાં ન હતું તેથી એમને રાહત હતી પણ રણજીતરાયની ચિંતા કોરી ખાઇ રહી હતી. તેમણે એક વખત લખમલભાઇની નજીક જઇને એમને રણજીતરાય વિશે પૂછવાનો પ્રયત્ન કર્યો પણ એમની આસપાસ પોલીસના ત્રણ જવાનો હતા. એમની પાસે જવાનું શક્ય ન હતું. પોલીસની કાર્યવાહીથી મજૂરોમાં ગભરાટ ફેલાવા લાગ્યો હતો. બધાં લખમલભાઇ સામે યાચનાની નજરે જોઇ રહ્યા હતા. અત્યારે એમનો બીજો કોઇ બેલી દેખાતો ન હતો. મજૂરો વતી બોલે એવું કોઇ ન હતું.

અચાનક લખમલભાઇના દિલમાં રામ વસ્યા હોય એમ પોતાના કર્મચારીઓની પાસે ગયા અને એમને કંઇક સમજાવવા લાગ્યા. લખમલભાઇ એમ બોલતા સંભળાયા કે,'ભાઇઓ, આ મજૂરો ઘણા સમયથી કંપનીને સેવા આપી રહ્યા છે. એમની ભૂલ થઇ છે. એમને માફી આપી દો. પોલીસમાં જે ફરિયાદ નોંધાવી છે એ પાછી ખેંચી લો. એમણે આવેશમાં આવીને આ પગલું ભર્યું છે. એમને ઘર- પરિવાર ચલાવવાનો હોય છે. મને પણ ખબર ન હતી કે એમની તકલીફ શું છે? એમને પગાર ઓછો પડી રહ્યો છે એ જાણ્યા પછી હું થોડો વધારો કરવાનું જોખમ લેવા માગું છું. ભલે કંપનીને ખાસ નફો ના થાય પણ એમના ઘરમાં ચૂલો સળગવો જોઇએ. એમની જઠરાગ્નિની આગ ક્યારેક કંપનીને સળગાવી દેશે. તમે પુન: વિચાર કરો.'

દેવનાથભાઇને ખ્યાલ આવી ગયો હતો કે આ લખમલભાઇની ગોઠવેલી ચાલ જ હશે. કર્મચારીઓએ એમના કહેવાથી જ પોલીસ બોલાવી હશે અને ફરિયાદ કરવાનું સૂચન કર્યું હશે. એમણે જ આગ લગાવી હતી અને હવે પાણી છાંટી રહ્યા છે. એ સમય પર કર્મચારીઓએ પોતાના વિચારો સાથે બાંધછોડ કરવા સિવાય આરો ન હતો. એવું એમણે બતાવ્યું અને ફરિયાદ પાછી ખેંચી લેવા રાજી થયા હોવાનો દેખાવ કર્યો. લખમલભાઇએ જાહેરાત કરી કે કર્મચારીઓ ફરિયાદ પાછી ખેંચવા માગે છે. તેઓ મજૂરોને એક તક આપવા માગે છે. પોલીસને વિનંતી છે કે કાર્યવાહી રહેવા દે.

પોલીસે પહેલાં તો આનાકાની કરી. પછી મજૂરોને ચીમકી આપી કે હવે પછી કાયદો હાથમાં લેવાની અને કાયદા વિરુધ્ધ કોઇપણ વિરોધ કાર્યક્ર્મ કરવાની ભૂલ કરશો નહીં. તમારે રેલી કાઢવી હોય કે જે રીતે વિરોધ કરવો હોય એ રીતે પણ પોલીસની પરવાનગી લેજો. લખમલભાઇ અને કર્મચારીઓની તમારા પ્રત્યેની લાગણી જોતાં આ વખતે કોઇ કાર્યવાહી વગર છોડી મૂકીએ છીએ. લખમલભાઇએ પોલીસ અધિકારી અને એમના સ્ટાફનો આભાર માની ચા- નાસ્તા માટે પોતાની ઓફિસમાં આમંત્રિત કર્યા. મજૂરો વીલા મોંએ પોતાના કામ પર જવા લાગ્યા. એમને થયું કે હાથ તો લખમલભાઇનો જ ઉપર રહ્યો. એમના અન્યાય પર એમનો જ વિજય થયો. લખમલભાઇ ગર્વભરી ચાલ સાથે પોતાની ઓફિસમાં જઇ રહ્યા હતા ત્યારે દેવનાથભાઇ પોતાના પર જોખમ લઇને એમની નજીક જઇને પૂછવા લાગ્યા:'શેઠજી... શેઠજી... આપણા રણજીતરાય દેખાતા નથી...' દેવનાથભાઇના શબ્દો સાંભળીને લખમલભાઇએ એમની તરફ નવાઇથી જોયું. એમના ચહેરા પર કોઇ ભાવ ન હતા પણ એમની આંખો જાણે અગ્નિ ફેંકી રહી હોય એવું દેવનાથભાઇને લાગ્યું. એમને અપેક્ષા ન હતી કે કોઇ તેમને રણજીતરાય વિશે પૂછશે. દેવનાથભાઇને લાગ્યું કે એમણે બહુ મોટી ગુસ્તાખી કરી નાખી છે અને એનું પરિણામ ભોગવવું પડશે...

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED