સર્કસ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સર્કસ

સર્કસ

-રાકેશ ઠક્કર

નિર્દેશક રોહિત શેટ્ટીની નવી ફિલ્મ 'સર્કસ' ને પહેલાં દિવસે બધાં જ સમીક્ષકોએ સૌથી ખરાબ ફિલ્મ જાહેર કરી દીધી હતી. બોક્સ ઓફિસની નિષ્ફળતાને ભૂલી જઇએ તો પણ હવે 'સર્કસ' ૨૦૨૨ ની સૌથી બકવાસ ફિલ્મ જાહેર થઇ ચૂકી છે. થોડા દર્શકોએ જ રોહિતની મોટી સ્ટારકાસ્ટ સાથેની અત્યાર સુધીની મનોરંજન વગરની ફિલ્મ જોવાનો અનુભવ કરવાની હિંમત બતાવી છે. કોમેડી ફિલ્મના નામ પર દર્શકો ખરેખર છેતરાયા છે. રજૂઆત પહેલાં પ્રચારમાં થયેલા રોહિતના દાવા પોકળ સાબિત થયા છે. પ્રચારના એ કાર્યક્રમોમાં લોકોને કદાચ વધારે મનોરંજન મળ્યું હતું. સ્ટારકાસ્ટે પ્રચારમાં ખોટી પ્રશંસાનો જે અભિનય કર્યો હતો એ ફિલ્મ કરતાં વધુ સારો હતો. એમ લાગે છે કે જો નિર્દેશન દમદાર હોત અને અભિનય જોરદાર હોત તો ટીવીના રિયાલિટી શોમાં જવાની એમને જરૂર પડી ના હોત.

ક્રિસમસના પર્વ પર રજૂ કરવામાં આવેલી રણવીર સિંહના ડબલ રોલવાળી 'સર્કસ' કરતાં એ જેના પર આધારિત છે તે સંજીવકુમારની 'અંગૂર' ને OTT પર ફરી જોવી જોઇએ એવા પ્રતિભાવ જ સાબિત કરે છે કે રોહિત શેટ્ટીએ સ્ક્રીપ્ટ પર કોઇ મહેનત કરી નથી. 'કહીં કી ઇટ કહીં કા રોડા, ભાનુમતિ કા કુનબા જોડા' કહેવતની યાદ અપાવતી 'સર્કસ' ની પ્રેરણા ગણાતી નિર્દેશક ગુલઝારની ફિલ્મ 'અંગૂર' શેક્સપિયરની 'કોમેડી ઑફ એરર્સ' પર આધારિત સફળ ફિલ્મ હતી. ત્યારે 'સર્કસ' માં ભૂલોનો પાર નથી.

સામાન્ય રીતે 'સર્કસ' નામ સાંભળીને ચહેરા પર હાસ્ય આવી જતું હોય છે ત્યારે રોહિતની 'સર્કસ' જોઇને એ ગાયબ થાય છે. જબરજસ્તી પ્રસંગો ઊભા કરવાનો અને હાસ્ય ઉત્પન્ન કરવાનો એમણે ખોટો પ્રયાસ કર્યો છે. ફરહાદ શામજી જેવા ત્રણ લેખકો મળીને બે-ચાર સારા કોમેડી ડાયલોગ લખી શક્યા નથી. એવી અપેક્ષા સાથે ફિલ્મ જોઇ શકાય એમ નથી કે એમાં થિયેટર સાથે સર્કસનો આનંદ મળશે. અસલમાં વાર્તા એવી છે કે તેમાં સર્કસના બેકગ્રાઉન્ડની જરૂર ન હતી. ટાઇટલ જ ખોટું છે. નિર્દેશક એમાં સર્કસ બતાવી શક્યા નથી. સર્કસના ભવ્ય સેટ માટે કરેલો ખર્ચ વ્યર્થ જતો દેખાય છે.

વાત બે જોડિયા ભાઇઓની છે. ઊટીમાં સર્કસમાં કામ કરતા રૉય (રણવીર) ને વીજળીનો કરંટ લાગતો નથી પરંતુ એની અસર એ સમય પર જ બેંગલુરુમાં રહેતા ભાઇ રૉય (રણવીર) ને અનુભવાય છે. જ્યારે બેંગલુરુનો રૉય અને એનો ભાઇ જૉય (વરુણ) ઊટી જાય છે ત્યારે બંનેના સરખા ચહેરા હોવાથી ગરબડ ગોટાળા થાય છે. એક સામાજિક પ્રયોગ માટે જોડિયા ભાઇઓ અલગ કરવામાં આવ્યા હોય છે. એમની વાર્તા સૂત્રધાર કહે છે. એ કારણે વધુ ગૂંચવાડો ઊભો થાય છે. વાર્તાનું હાથ-પગ અને મોઢું જ દેખાતું નથી. પહેલા ભાગ સુધી દર્શકોને જકડી રાખવાનું જ મુશ્કેલ બન્યું છે.

ફિલ્મને કોમેડી અને સર્કસ સાથે જાણે કોઇ લેવાદેવા જ લાગતી નથી. ફિલ્મનું નામ 'સર્કસ' લખીને દર્શકોને ચૂનો લગાવવામાં આવ્યો છે. મનોરંજનના નામ પર અનેક કલાકારોને મહેમાન ભૂમિકામાં લઇને વેડફી નાખ્યા છે. ભૂમિકા નાની હોય કે મોટી કોઇ કલાકારને તેની અભિનય પ્રતિભા બતાવવાની તક રોહિતે આપી નથી. જૂના ગીતોનો ઉપયોગ કર્યો છતાં હસાવી શક્યા નથી. દીપિકા પાદુકોણનું આઇટમ ગીત ખાસ અસર ઊભું કરતું નથી. હાસ્ય માટે ક્યાંક રોહિતે પોતાની જ ફિલ્મોના દ્રશ્યોનો પણ ઉપયોગ કર્યો છે. ૧૯૮૨ ની 'અંગૂર' ની વાર્તા સરળતાથી સમજી શકાય એવી આજે પણ છે. જ્યારે 'સર્કસ' ની વાર્તાની ખબર હોવા છતાં ગૂંચવાડો ઊભો કરે છે. જોકે, 'ગોલમાલ' ના નિર્દેશકના નામ પર ફિલ્મ જોવાની ભૂલ હોંશિયાર દર્શકોએ કરી નથી.

રોહિતે ભલે 'સર્કસ' ને 'અંગૂર' ની રીમેક તરીકે ઓળખાવવાનું ટાળ્યું છે પણ હકીકતમાં એની ખરાબ નકલ કરી છે. ફિલ્મમાં જ્યાં 'અંગૂર' થી અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં નિરાશા જ મળે છે. લવસ્ટોરી, ગીતો, ઇલેક્ટ્રીક મેનની ફોર્મૂલા વગેરે સાથે અનેક ટોટકા કર્યા છે. વધારે પડતા મસાલા નાખવામાં એનો સ્વાદ બગાડી નાખ્યો છે. નકલી સેટથી સાઇઠ કે સીત્તેરના દાયકાની વાર્તા હોવાનો અહેસાસ થતો નથી. નબળી સ્ક્રીપ્ટને કારણે સારા અભિનેતા રણવીર સિંહની ભૂમિકાની ટીકા વધારે થઇ રહી છે. તે પોતાનું શ્રેષ્ઠ તો શું સામાન્ય પણ આપી શક્યો નથી. એવું કહેવાયું છે કે ફિલ્મમાં રણવીર સિંહે નહીં જાણે એના જેવા દેખાતા કોઇ કલાકારે રણવીર બનીને કામ કર્યું છે. રણવીરના ચાહકો એમના અભિનેતાને શોધી શકશે નહીં. રણવીરની અભિનય પ્રતિભાનો રોહિતે એટલો દુરુપયોગ કર્યો છે કે મુખ્ય ભૂમિકામાં હોવા છતાં તેનું ઉદાહરણ પૂરતું એક સારું દ્રશ્ય શોધવાનું મુશ્કેલ બન્યું છે. ભૂમિકા એવી લખાયેલી હતી કે રણવીર કારણ વગર ઓવર એક્ટિંગનો શિકાર થઇ ગયો છે. તેનો આશય સારી સ્ક્રીપ્ટ પર નહીં રોહિત સાથે કામ કરવાનો વધુ દેખાયો છે. તેનો અભિનય નોંધ લેવાને લાયક નથી. ઘણા સમીક્ષકોએ રણવીરની ખામી કાઢી નથી અને સ્ક્રીપ્ટને જવાબદાર ગણી છે. એનો અર્થ એ થયો કે રણવીરને સ્ક્રીપ્ટ પસંદ કરતા આવડતી નથી. તેની છેલ્લી કેટલીક ફ્લોપ ફિલ્મો એના ઉદાહરણ છે.

સંજય મિશ્રાના સૌથી વધુ વખાણ વધુ થયા એ બાબત જ કહે છે કે રણવીર પોતાની ભૂમિકાને ન્યાય આપવામાં સફળ થયો નથી. એક સમીક્ષકે પાંચમાંથી માત્ર અડધો સ્ટાર સંજયને કારણે જ આપ્યો છે! પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડિસ હંમેશા કરતી હોય એવી જ ભૂમિકામાં છે. છતાં ખાસ ભૂમિકા ન હોવાથી આકર્ષિત કરી શકતી નથી. 'ફુકરે' જેવી ફિલ્મોથી હાસ્ય કલાકાર તરીકે નામ કમાનાર વરુણ શર્મા ડબલ રોલમાં હોવા છતાં એક વખત પણ હસાવી શકતો નથી. આ વખતે એ પોતાનો કમાલ બતાવી શક્યો નથી. ટીકુ તલસાણિયા, જૉની લીવર, બ્રજેશ હીરજી વગેરે હાસ્ય કલાકારોમાંથી કોઇ પોતાની છાપ છોડી શકતા નથી. એમને સરખી તક મળી નથી.

નિર્દેશક રોહિત શેટ્ટી દરેક વખતે પોતાની સફળ ફિલ્મનું બધું શ્રેય પોતે જ લઇ જાય છે ત્યારે 'સર્કસ' ની નિષ્ફળતાની જવાબદારી એકલાએ જ લેવી જોઇએ ને?! કેમકે લેખન, કોમેડી, વાર્તા, ગીત-સંગીત, નિર્દેશન વગેરે કોઇપણ બાબતે ફિલ્મ ઉલ્લેખનીય બની નથી. રોહિતે એ સાબિત કર્યું છે કે હોલિવૂડની જેમ સીક્વલ અને મૂવી યુનિવર્સ બનાવવાનું ભારતના નિર્દેશકોનું ગજું નથી. અહીં સ્ક્રીપ્ટના સ્તર પર હોલિવૂડ જેવું કામ થતું નથી.