દશાવતાર - પ્રકરણ 43 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 43

          શૂન્ય મજૂરો અને નિર્ભય સિપાહીઓનો કાફલો જ્યારે ઊંચી ઇમારતો વચ્ચેના સાંકડા પટ્ટામાં દાખલ થયો ત્યારે પવનનું જોર ઘટ્યું. વિરાટે એના પિતાને પૂછ્યું, “કેમ અમુક શહેરોમાં સુરંગ માર્ગો અને ભોયરા છે?”

          "ખબર નહીં.” એણે કહ્યું, “કદાચ પ્રલય પહેલા લોકોએ એ બનાવ્યા હશે. અમુક લોકો કહે છે કે પ્રલય પહેલા પૃથ્વી પર ગરમી અતિશય વધી ગઈ હતી અને બહાર સૂરજના કિરણોમાં નીકળવું અશક્ય થઈ ગયું હતું. લોકોએ સૂર્યને પસંદ એવા ઓઝોન વાયુના પડનો નાશ કરી નાખ્યો એટલે એવું થયું હતું. સૂર્ય ગુસ્સે થયો હતો અને લોકોએ એ ઘટનાને સૂર્યપ્રકોપ નામ આપ્યું હતું. સૂર્યપ્રકોપમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા. દિવસેને દિવસે ગરમી પ્રચંડ વધતી ગઈ. સૂર્યનો પ્રકોપ વધતો જ રહ્યો. આખરે લોકો ખુલ્લામાં નીકળતા બંધ થઈ ગયા. શહેરોમાં દરેક ઇમારત નીચે ભોયરા અને સુરંગ માર્ગો બનાવવામાં આવ્યા. લોકો રોડ અને રસ્તાઓને બદલે સુરંગ માર્ગોનો ઉપયોગ કરવા લાગ્યા. પીવાના પાણી માટે પણ ભૂગર્ભ લાઈનો બનાવવામાં આવી હતી કેમકે બહાર સૂર્યનો તાપ એટલો આકારો હતો કે પાણી વરાળ બની જતું. જોકે કોઈને ચોક્કસ ખબર નથી કે હકીકતમાં ત્યારે શું થયું હતું. લોકોમાં અલગ અલગ વાતો થાય છે.”

          “કદાચ એમ જ હશે.” વિરાટે કહ્યું, “સૂર્યપ્રકોપ સિવાય લોકો શા માટે ભૂગર્ભ રસ્તાઓ વાપરે?”

          એણે તેનો થેલો સાથે લીધો હતો અને એના પિતાએ ટુલનો થેલો ખભે ભરાવ્યો હતો અને ટૂલબેગ કમરે બાંધી હતી. શૂન્યોમાં કાફલાને અનુસરતી એક બસ ખોરાક પાણી લઈને આવતી હતી અને બે રાક્ષસી મશીન તેમને અનુસરતા હતા. ક્યાય કોઈ ઇમારતના કાટમાળને લીધે રસ્તો બંધ થયેલો હોય તો કાટમાળ ખસેડવા એ હાથી જેવી સૂંઢવાળા મશીન જ કામ આવે એમ હતા.

          એકાએક વિરાટના પિતાએ એનું માથું પાછળથી પકડી એને નીચે નમાવ્યો. વિરાટે નવાઈથી એક પળ પહેલા જ્યાં એનું માથું હતું ત્યાંથી લોખંડના પતરાનો એક નાનો ટુકડો હવામાં ઊડતો જોયો.

          “વિરાટ..” એના પિતાએ કહ્યું, “દીવાલની આ તરફ હરપળ સાવધ રહેવું પડે છે. યાદ રાખ કે દિવસે પવન અહીં સૌથી મોટો દુશ્મન છે અને રાત્રે વીજળી સૌથી મોટી દુશ્મન છે.”

          “સમજી ગયો.” વિરાટે ટૂંકો જવાબ આપ્યો.

          હવાનું જોર વધવા માંડ્યું હતું. હવે શૂન્યો ચાલતા હતા એ ગલીમાં પવન સાથે કલરના પોપડા અને એવી કેટલીયે હલકી વસ્તુઓ ઊડતી હતી. જાણે બરફ પડતો હોય તેમ બધા સફેદ રંગ અને લાલ રેતથી રંગાઈ ગયા હતા.

          નિર્ભય સેનાનાયક જગપતિના ઇશારે કાફલો થોભવાના આદેશો છૂટયા. નિર્ભય સિપાહીઓએ લીલા વાવટા ફરકાવી પાછળ આવતી બસ અને મશીનોને રોકાવાનો ઈશારો આપ્યો. બધાને નજીકની એક સલામત દેખાતી ઇમરતમાં લઈ જવામાં આવ્યા. તોફાની પવન ધીમો ન થાય ત્યાં સુધી આગળ વધવું મુશ્કેલ હતું માટે એ સમય ભોજન માટે ઉપયોગમાં લેવાયો. બસને ઇમારતના ખુલ્લા દરવાજા નજીક લાવવામાં આવી અને ત્રણ નિર્ભય સિપાહીઓ બધાને ફૂડ પેકેટ આપવા લાગ્યા.

          બધા શૂન્યો એક હરોળ બનાવી ફૂડપેકેટ લેવા ઊભા રહ્યા. વિરાટ હરોળમાં ન ગયો એટલે નીરદે પુછ્યું, “તને ભૂખ નથી લાગી?”

          વિરાટને નવાઈ લાગી. હજુ હમણાં તો એ હવાના તોફાનથી બચીને માંડ અંદર આવ્યા હતા અને એટલામાં કોઈને ખાવાનું મન કઈ રીતે થાય?

          “તમને લાગે છે કે આવા હાલમાં મને ખાવાનું મન થાય?” એણે મોં બગાડ્યુ.

          “ન થાય પણ...” એણે ચિંતાતુર અવાજે કહ્યું, “પણ જો ફરી સાંજ પહેલા ખાવાનું ન મળવાનું હોય અને આઠથી દસ કલાક જેટલો સમય બંધિયાર અને ગુગળાવી મારે એવા સુરંગ માર્ગોમાં વિતાવવાનો હોય તો ખાઈ લેવું જ સમજદારી ભર્યું કહેવાય.”

          “મતલબ કોઈને હવે સાંજ સુધી ખાવાનું નહીં મળે.” વિરાટે પુછ્યું, “આપણે આ પેકેટ પર સાંજ સુધી ચલાવવાનું છે?”

          “હા સ્તો...” નીરદ હસ્યા, “અથવા તો તારા અડ્રેનાલિનના સહારે તું કામ કરી શકે.”

          “ચોક્કસ.” એ બોલ્યો, “દીવાલ આ પરની દુનિયા સમજાવવા બદલ આભાર.”

          “હવે તું એક શૂન્ય હોય એવું લાગે છે.”

          “મને એ જ તો નથી ગમતું.” વિરાટ એના પિતા સાથે ફૂડપેકેટ લેવા હરોળમાં ગોઠવાયો.

          “મને ખબર છે કે તને એ નથી ગમતું.” નીરદ એની પાછળ હરોળમાં ઊભા રહ્યા.

          વીસેક મિનિટ સુધી હરોળમાં ઊભા રહ્યા પછી એમને ફૂડપેકેટ મળ્યા. એ બંને ફૂડપેકેટ લઈ દૂર ખૂણા તરફ ગયા જ્યાં બીજું કોઈ નહોતું. પિતા પૂત્ર લોખંડના કાટ ખાધેલા બાંકડા પર બેઠા અને નીરદે ફૂડપેકેટના રેપર ફાડ્યા.

          “આ બ્રેડ છે.” નીરદે વિરાટને પેકેટમાંથી કાઢીને નરમ રોટલી જેવુ કંઈક આપ્યું. વિરાટ માટે એ ખોરાક અજાણ્યો હતો. એણે પહેલા બ્રેડ જોઈ હતી પણ ક્યારેય ખાધી નહોતી. વેપારીના મેળા વખતે જે શૂન્ય લોકો વેપારીઓના માલ સમાન ઉપાડવા રાખવામા આવતા એમને આવો જ ખોરાક આપવામાં આવતો. વેપારીઓ પોતે પણ એ બ્રેડ જ ખાતા કેમકે દીવાલની એ તરફના શૂન્ય લોકોને તો એ અછૂત માનતા એટલે એમણે બનાવેલું કશું ન ખાતા.

          વિરાટ ઘડીભર એને જોઈ રહ્યો અને પછી એક બચકું ભર્યું એ જ સમયે તેના પિતાએ કહ્યું, “એક મિનિટ, હમણાં ન ખાઈશ.” એણે એક પ્લાસ્ટિકના નાનકડા પાઉચને ખૂણા પરથી ફાડી એને આપ્યું, “આ ચટણી લગાવી લે તો સ્વાદ બદલાઈ જશે.”

          એણે બ્રેડ પર ટામેટાંની ચટણી ચોપડી અને પછી બીજું બચકું ભર્યું તો સ્વાદ જાણે એકદમ બદલાઈ ગયો. બ્રેડ વધારે સ્વાદિષ્ટ લાગી.

          “નમસ્તે.” કેશી એમની પાછળ આવી હતી, “હવે તને કેમ છે?” એણે પુછ્યું. એની સાથે એ છોકરી પણ હતી જેના કુત્રિમ શ્વાસની તરકીબથી વિરાટ બચી ગયો હતો.

          “હું ઠીક છુ.” વિરાટે કહ્યું અને એનો જીવ બચાવનાર છોકરી તરફ જોયું, “આભાર.”

          “આ ચિત્રા છે.” કેશીએ પરિચય કરાવ્યો, “એ મારી મા પાસે જ લખતા વાંચતાં શીખી છે અને અમે એક જ સાથે ગુરુ અખંડને ત્યાં જ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કર્યો છે.”

          વિરાટે ચિત્રા તરફ જોયું, “તેં મારો જીવ બચાવ્યો એ હું જીવનભર યાદ રાખીશ.”

          “સ્વાગત છે પણ મારા જીવનમાં એક લક્ષ છે.” એ હસી.

          “રહેવા દે ચિત્રા.” કેશીએ કહ્યું, “તેં એનો જીવ કઈ રીતે બચાવ્યો એ યાદ રાખવાની વાત નથી થઈ.”

          “હા, મારા કહેવાનો અર્થ એ નહોતો.” વિરાટે કહ્યું, “બસ તેં મને મદદ કરી એ હું યાદ રાખીશ.”

          “તો સારું છે.” ચિત્રાએ કહ્યું, “બાકી કઈ રીતે બચાવ્યો એ ભૂલી જજે કેમકે દીવાલની આપણી તરફ કોઈ મારી રાહ જુએ છે અને ટ્રીપ પૂરી થતાં જ ત્યાં જઈ એની સાથે પરણવાનું વચન આપીને આવી છું.”

          “એ છોકરો નસીબદાર છે જેને તું પરણીશ.” નીરદે કહ્યું, “જ્ઞાની છોકરી મળવી નસીબની વાત છે.”

          વિરાટ સમજી ગયો કે એના પિતા એની માને ધ્યાનમાં લઈ એ વાક્ય બોલ્યા હતા. જ્ઞાની છોકરી એના પતિને પણ એક યા બીજી રીતે જ્ઞાની બનાવી નાખતી.

          “એનું નામ અંગદ છે.” ચિત્રાએ કહ્યું, “એ પણ જ્ઞાની છે.” એ જરા બોલકણી હતી, “તું તેને ઓળખે છે?”

          “એ મારો મિત્ર છે.” વિરાટે કહ્યું, “હા, એ મારો બાળમિત્ર છે. એક સમયે અમે ગંગાની કેનાલ પર સાથે જ માછલીઓ પકડતાં.” વિરાટે હસીને ઉમેર્યું, “પણ હવે મને લાગે છે કે એ દેખાય એના કરતાં વધુ ઊંડો છે.”

          “કેમ એવું કહ્યું?” ચિત્રાએ અંગદની ગેરહાજરીમાં પણ તેનો પક્ષ લઈ દલીલ શરૂ કરી. વિરાટને તેના ગુરુ જગમાલે એકવાર કહ્યું હતું કે જે વ્યક્તિ તમારી ગેરહાજરીમાં પણ તમારા વિશે એક શબ્દ સહન ન કરી શકે એ જ તમને સાચો પ્રેમ કરે છે એ સમજી જવું. બાકી મોઢે સારા વખાણ કરી જાણતા લોકો તો પીઠ પાછળ ખરાબમાં ખરાબ નિંદા પણ કરી જાણે છે.

          “કેમકે એ મારો બાળમિત્ર છે અને એણે મને આજ સુધી કહ્યું પણ નથી કે એ કોઈના પ્રેમમાં છે.” વિરાટે જવાબ આપ્યો, “અંગદની આટલી તરફેણ કરવાની જરૂર નથી.”

          “કેમ તું બધુ એને કહે છે?” ચિત્રાએ બીજી દલીલ કરી, “તારું પણ કોઈ રહસ્ય હશે જે એ ન જાણતો હોય.”

          “ના, એને મારા વિશે બધી જ ખબર છે.” વિરાટે કહ્યું, “હું કોને ચાહું છુ ત્યાંથી લઈને હું શું ચાહું છુ એ બધુ જ એ જાણે છે. હું જેને ચાહું છુ એ પદ્મા એની ખાસ મિત્ર છે.”

          “એ જ પદ્મા જે ગંગાની કેનાલમાં કૂદકો લગાવતા પણ નથી ડરતી?”

          “હા, તો ભાઈ સાહેબે તને બધુ કહી દીધું છે. એમને?”

          “ના, ના, એવું નથી પણ હું એકવાર પદ્માને મળી હતી. એ અને અંગદ મને કૃષિ બજારમાં મળ્યા હતા.” ચિત્રાએ કહ્યું, “અને તું નસીબદાર છે કે તને એવી બહાદુર છોકરી મળી.”

          “આભાર.” વિરાટે કહ્યું. કેશીને ખાસ બોલવાની આદત નહોતી. એ ચૂપ ઊભી હતી.

          “ઠીક છે, મારા પિતા મારી રાહ જુએ છે.” હાથમાંથી બ્રેડ પર એક બચકું ભરતા ચિત્રાએ કહ્યું, “મારે જવું પડશે.”

          “ફરી મળીશું.” વિરાટે કહ્યું.

          “ચોક્કસ.” એ હસી અને બધા શૂન્યો ઊભા હતા એ તરફ ચાલી ગઈ.

          વિરાટ અને એના પિતા બ્રેડ અને બિસ્કિટ પત્યા ત્યાં સુધી ત્યાં બેસી વાતો કરતાં રહ્યા. વિરાટ જગમાલ ગુરુએ કહ્યું હતું એ મુજબ દરેક બાબતનું દરેક ચીજનું જીણામાં જીણું અવલોકન કરતો હતો. એ માટે તો એ દીવાલની આ તરફ આવ્યો હતો. એણે એ વિગતો એકઠી કરવાની હતી જે આજ સુધી કોઈએ ધ્યાનમાં લીધી નહોતી.

          એ લોકો વિશાળ ગૃહમાં હતા અને તૂટેલી બારીઓ અને દરવાજાના ગાબડાંમાંથી સૂરજના કિરણો ગૃહમાં દાખલ થઈ બધુ અજવાળતા હતા. ભોયતળિયું વિશાળ કદના પથ્થરના ચોસલાનું બન્યું હતું. ચોસલા એકદમ ચોરસ આકારના હતા. વિરાટે ઉપર જોયું. ઇમારતનો ઉપરનો ભાગ તબાહ થયેલો હતો. છતમાં વિશાળ ગાબડાં હતા અને જ્યાં ગાબડાં હતા ત્યાં હજુ લોખંડની ખિલાસરીઓ આમતેમ વળીને લટકતી હતી. દીવાલોમાં પણ ખાસ્સું એવું નુકશાન થયેલું હતું. આખી ઇમારત તેની બનાવટમાં વપરાયેલા લોખંડને લીધે જ ટકી રહી હતી એ દેખીતું હતું.

          વિરાટ જાણતો હતો કે એ તબાહી પ્રલયે મચાવી હતી પણ પ્રલયમાં થયું શું હશે? કદાચ તોફાની પવન. ના, પવન એટલુ નુકશાન ન કરી શકે. વીજળીના તોફાન? ના, વીજળીના તોફાન ભલે ભયાનક છે પણ એ એટલી મોટી ઇમારતોને અસર કરી શકે એમ નથી. જો એવું હોત તો આજ સુધીમાં રોજ રાતે થતાં વીજળીના તોફાનોએ બધી ઇમારતોને જમીનદોસ્ત કરી દીધી હોત. વાતાવરણમાં પરીવર્તન કે કુદરતી કારણોસર એ તબાહી થઈ શકે એવું લાગ્યું નહીં. કંઈક બીજું જ થયું હશે.

          કારુ અને દીવાલ આ તરફના લોકો પ્રલયના નામ પાછળ એ બધુ છુપાવે છે. એ પ્રલય નહીં પણ કંઈક બીજું જ હશે જેનાથી દુનિયા તબાહ થઈ. મારે તેની જડ સુધી જવું જ પડશે કેમકે પ્રલય પછી જ કારુ નામના નવા ભગવાનનો ઉદય થયો અને પહેલાના દયાળુ ભગવાન આકાશમાં ચાલ્યા ગયા મતલબ જે કંઈ પણ રહસ્ય છે એ પ્રલયમાં જ છે. પણ પ્રલય વિશે જાણવા મારે એક પુસ્તકની જરૂર છે. એવું પુસ્તક જેમાં પ્રલય વિશે દરેક વિગત હોય. એવું પુસ્તક જે કારુ કઈ રીતે ભગવાન બન્યો એ સમજાવે. મારે એ જ્ઞાનનું પુસ્તક શોધવું જ રહ્યું. એણે મનોમન નક્કી કર્યું.

ક્રમશ: