Dashavtar - 41 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 41

          વિરાટે એના ઉપર ઝૂકેલી એક શૂન્ય છોકરીનો ચહેરો જોયો. એ શૂન્ય લોકોના પરિધાનમાં હતી પણ એ એને ઓળખી ન શક્યો. છોકરીએ એનો ડાબો હાથ એની ગરદન નીચે મૂક્યો અને જમણા હાથથી એનું મોં ખોલ્યું. એ શ્વાસ નહોતો લેતો. હવા માટે એનું મોં ખોલાવાવું જરૂરી હતું. વિરાટ તે છોકરીને જોઈ રહ્યો. એ મરી રહ્યો હતો. એ શ્વાસ લેવા મથતો હતો પણ ફેફસા અને ઉરોદર પટલ જાણે નકામા થઈ ગયા હતા. એના વાયુકોષ્ઠો પ્રાણવાયુ માટે તડપતા હતા પણ એ શ્વાસ ભરી શકતો નહોતો.

          છોકરીએ વિરાટનું જડબું પહોળું ખોલ્યું અને મોમાં આંગળા નાખી મોઢામાં ગયેલી રેત બહાર કાઢી. એની માએ શીખવ્યું હતું કે જ્યારે પણ કોઈ શ્વાસ ન લઈ શકતું હોય તો એનું પહેલું કારણ છે એના મોમાં ગયેલો પદાર્થ જે હવાના રસ્તામાં અવરોધ ઊભો કરતો હોય. એ જ્ઞાની માની દીકરી હતી અને પોતે પણ જ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરતી હતી.

          છોકરીએ વિરાટના મોઢામાંથી રેતી કાઢ્યા પછી જમણા હાથના અંગૂઠા અને પહેલી આંગળીથી તેના નશાકોરા બંધ કરી નાખ્યા.

          શું કોઈ મને મારી નાખવા મથે છે? વિરાટના અભાન મનમાં પ્રશ્ન થયો. કેમ? અને કોણ? શું મેં છેલ્લે જેનો ચહેરો જોયો એ છોકરી? પણ એક શૂન્ય છોકરી મને કેમ મારવા માંગે?

          આમ પણ હું મરી રહ્યો છું કોઈ મને કેમ ગૂંગળાવી મારવાનો પ્રયાસ કરે? કોઈ મરતા માણસને મારવા માટે વીજળીના તોફાનમા બહાર રહેવાનુ જોખમ કેમ લે? મારા પિતા ક્યાં છે? કોઈ મને ગૂંગળાવીને મારી નાખવા મથી રહ્યું છે તો મારા પિતા કઈ કરતાં કેમ નથી? કે પછી એમને પણ કઈ થયું છે? પેલા નિર્ભય સેનાનાયક સામે બળપ્રયોગ કરવા બદલ ક્યાક એમને....???

          એને કશું સમજાયું નહીં પણ બીજી જ પળે એના ફેફસામાં થતી બળતરા ઓછી થઈ. રણમાં તરસ્યા માણસને કોઈ પાણી આપે અને રાહત થાય એવી રાહત તડપતા વાયુકોષ્ઠોને થઈ. વિરાટના ફેફસામાં પ્રાણવાયુ દાખલ થયો.

          મારા ફેફસામાં પ્રાણવાયુ કઈ રીતે આવ્યો? મારામાં ફેફસા હલાવવાની પણ શક્તિ નથી મારુ ઉરોદર પટલ કામ નથી કરતું તો..?

          એણે ફરી શ્વાસ લેવા પ્રયાસ કર્યો પણ એ નિષ્ફળ રહ્યો. ફેફેસા હજુ કામ નહોતા કરતાં. એકાએક એના હોઠ પર માનવ હોઠ જેવો સુવાળો સ્પર્શ થયો... કોઈ નરમ અડચણ એને શ્વાસ લેતા રોકતી હતી... ના, આ વખતે એ નરમ સ્પર્શ અડચણ નહોતો એ નરમ સ્પર્શ કોઈના હોઠ હતા. એ યુવતી વિરાટના મોમાં હવા ફૂંકતી હતી.

          એ છોકરી વિરાટને શ્વાસ આપતી હતી.

          એને સમયનું ભાન નહોતું. એને અંદાજ નહોતો કે એ કુત્રિમ શ્વાસઉચ્છવાસ ક્યાં સુધી ચાલ્યા. પણ એને એક અંદાજ આવી ગયો કે કોઈ એને મારવા નહોતું ઇચ્છતું. ઉલટા કોઈ એને બચાવતું હતું. ધીમેધીમે વાયુકોષ્ઠોમાં ગયેલો પ્રાણવાયુ નસોમાં લોહીમાં ઓગળ્યો અને વિરાટમાં શક્તિ આવી. એ ધીમે ધીમે છીછરા શ્વાસ લેવા લાગ્યો. એણે મહામહેનતે આંખો ખોલી. નીરદ તેની સામે જ ઊભા હતા. 

          એ રડવા માંગતો હતો. ડરથી નહીં પણ ખુશીથી કેમકે એ બંને જીવિત હતા. પણ એ રડી ન શક્યો.

          “વિરાટ...” એના પિતાએ પુછ્યું, “તું... ઠીક... છે...?”

          એને એ શબ્દો તૂટક તૂટક સંભળાયા પણ એને સમજાયા નહીં. એના પોતાના પિતાનો અવાજ એને અજાણ્યો લાગ્યો. એ અવાજ સાથે અનેક પડઘા ભળી ગયા હોય એમ બધુ ઘોંઘાટવાળું સંભળાયું. એક શબ્દ સમજાતો હતો તો બીજો શબ્દ પડઘામાં ડૂબી જતો હતો. એ આંખો ખુલ્લી રાખવા મથતો હતો પણ એની આંખો બંધ થઈ ગઈ અને એ ફરી અંધકારની દુનિયામા ચાલ્યો ગયો.

*

          વિરાટને સમયનો કોઈ ખ્યાલ નહોતો. એ અંધકારમાં વિલીન હતો કે ઉજાસમાં એ પણ એને સમજાતું નહોતું. કોઈ જૂની યાદ જેમ એને એક મંદિર કે ટાવર જેવુ કંઈક દેખાતું હતું.

          મંદિર અંધારિયું અને એકદમ ઠંડુ હતું. વિરાટ ત્યાં હતો. એ સપનામાં હતો પણ એ અલગ હતો. એ લગભગ ત્રિસેક વર્ષનો પુખ્ત આદમી હતો. એના દાઢી મૂછ હતા અને એણે શૂનયોના પરિધાનને બદલે વાદળી પેન્ટ અને સફેદમાં વાદળી ચોકડીવાળું શર્ટ પહેર્યું હતું.

          એ મંદિરને જોઈ રહ્યો હતો. એણે એ મંદિર બાળપણમાં પણ અનેકવાર સપનામાં જોયું હતું. એણે હજુ ક્યારેય હકીકતમાં પાટનગર જોયું નહોતું પણ દરેક સપનામાં એને લાગતું કે એ ચોક્કસ પાટનગરની મધ્યમાં આવેલું કારુનું મદિર છે. એ સમયસ્તંભ જેવા પથ્થરોનું અને અનંત ઊંચાઈનું હતું અને આકાશમાં જાણે વિલીન થઈ જતું હતું. જાણે એનો ઉપર ક્યાય છેડો જ નહોતો કે પછી એનો ઉપરનો છેડો વાદળોમાં અદૃશ્ય થઈ જતો હતો.

          વિરાટ એ મંદિર આસપાસના અંધકારમાં પાણીમાં તરતો હોય એમ તરતો હતો. એને કશું દેખાતું નહોતું બસ મંદિરનું ઝાખું રેખાચિત્ર એની નજર સમક્ષ હતું, એને કશું સંભળાતું પણ નહોતું. એને કંઈ સમજાતું નહોતું. એને અનુભવાતું હતું. એ ભય અનુભવતો હતો. એ મંદિર ભયનું મંદિર હતું. એ સ્થળ અંધકારનું સ્થળ હતું. દુનિયાભરની દુષ્ટતા જાણે ત્યાંથી જ ઉતપ્ન્ન થતી હતી. 

          અનંત સમય સુધી એ અંધકારમાં તરતા રહ્યા પછી વિરાટની જ્ઞાન-ઇન્દ્રિયો એના કહ્યામાં આવી હોય એમ એ હોશમાં આવ્યો. મંદિર જાણે એની આસપાસ ફરતું હતું કે પછી એ મંદિરની આસપાસ ફરતો હતો. વિરાટ ધીમે ધીમે મંદિરની નજીક પહોંચતો હતો. એ જેમજેમ મંદિરની નજીક જતો હતો તેમતેમ એ ઊંચે ને ઊંચે જતો હતો. આખરે એ મંદિરની ટોચ પર પહોચ્યો. હવે એ મંદિરને અડી શકે એટલો નજીક હતો.

          એની નજર મંદિર પર ફરકતી અધર્મ પતાકા પર ગઈ. વાદળોમાં ફરકતા એ વાવટામાંથી ધુવડ જીવતું થઈ બહાર આવ્યું અને એના પર તરાપ મારી. વિરાટ ચીસ પાડી ઉઠ્યો. એની આંખો ખૂલી ગઈ. એ કોઈ અજાણ્યા સ્થળે હતો. એ ક્યાં હતો એ એને ન સમજાયું પણ એણે હાશકારો અનુભવ્યો કેમકે એ સ્થળ પેલા દુષ્ટતાના પ્રતિક મંદિર જેવું તો નહોતું. એ ક્યાક બીજે હતો.

          “વિરાટ...” એણે નીરદનો અવાજ સાંભળ્યો, “હવે કેમ છે તને?”

          એની જ્ઞાનેન્દ્રિયો કામ કરવા લાગી અને એ દર્દથી ચિત્કારી ઉઠ્યો. છાતીમાં અસહ્ય પીડા થતી હતી. એ જબરજસ્ત ગૂંચવણમાં હતો કેમકે એને એટલુ જ યાદ હતું કે છેલ્લે એ લોકો વીજળીના તોફાનમા સપડાયેલા હતા. એ પછી શું થયું એ એને યાદ નહોતું.

          એણે બે ત્રણવાર આંખો પલકાવી એટલે આંખના લેન્સ બરાબર ફોક્સમાં આવ્યા અને એને નીરદનો ચહેરો દેખાયો. એ એક રૂમમાં હતો અને એના પલંગની બરાબર ડાબી તરફ બારી હતી. બારીની બરાબર ઉપરના ભાગે એક નાનકડી ફોક્સ લાઇટ પ્રકાશ રેલાવતી હતી. રૂમ કદમાં મોટો પણ જૂનો અને ખખધજ્જ હતો. દીવાલો તો ઠીક છતના પ્લાસ્ટરના પણ પોપડા ઊખડી ગયેલા હતા.

          શરૂઆતમાં એના પિતા પાછળ એને અમુક માનવ આકૃતિઓ આમતેમ ફરતી દેખાઈ પણ થોડીવારમાં એ ધૂંધળી આકૃતિઓ સ્પષ્ટ બની અને ઓળખાવા લાગી. એ એના લોકો હતા. બધા એની પથારીની આસપાસ ટોળે વળ્યા હતા. બધાની આંખોમાં એને કશું નહીં થાય એવી આશા ચમકતી હતી કે પછી ખૂણામાં સળગતી લાઇટના પ્રકાશને લીધે એ બધી આંખોમાં તેજ દેખાતું હતું?

          “પિ....તા....જી...” એણે બોલવા મથામણ કરી અને એ સફળ રહ્યો, “શું થયું હતું?”

          “વીજળી...” નીરદે કહ્યું, “તું ભાગ્યશાળી છે કે તારા શરીરને કશું થયું નથી.”

          “એ તો મને યાદ છે પણ એ પછી શું થયું?” વિરાટે પુછ્યું, “હું ક્યાં છું?”

          “તું સલામત છો.” તેના પિતા પહેલા તેની પાછળ ઊભી છોકરીએ જવાબ આપ્યો. વિરાટે એ છોકરી તરફ જોયું.

          “તું કોણ છે..?” એણે પૂછ્યું પણ ફરી એનું માથું ભારે થવા લાગ્યું હતું, “મને કોણે બચાવ્યો...?” હવે એના શબ્દો તૂટક તૂટક નીકળતા હતા, “એ... છો.. ક.. રી... કુત્રિમ... શ્વાસ...”

          એ વાક્ય પૂરું કરે એ પહેલા ફરી અંધકારે એને ઘેરી લીધો. એ ફરી બેહોશ થઈ ગયો.

*

          જે ઇમારતમાં શૂન્ય લોકોએ સુરક્ષિત શરણ લીધું હતું એની બહાર ત્રણ નિર્ભય સિપાહીઓ રાતે પહેરો લગાવતા બેઠા હતા. નિર્ભય સેનાનાયક જગપતિ અને ભૈરવનો કડક આદેશ હતો કે કોઈ આંખનું એક મટકું પણ નહીં મારે. સિપાહીઓ પૂરા ધ્યાનથી બાજ નજરે બહાર તાકી રહ્યા હતા. પહેરો કોઈ અજાણ્યો વ્યક્તિ બહારથી અંદર દાખલ ન થઈ શકે એ માટે હતો. ઘણીવાર એવું થતું. શહેરોના સમારકામ સમયે ગમે તે રાતે બાગીઓ હુમલો કરતાં અને શૂન્ય ગુલામોને ઉઠાવી જતાં. નિર્ભય સિપાહીઓને રહેશી નાખતા. એ પછી એ શૂન્ય ગુલમોને ક્યાં લઈ જવાતા એ કોઈને પતો ન મળતો.

          ચોકીદાર સિપાહીઓનું પૂરું ધ્યાન બહાર હતું એ સમયે ઇમારતના પાછળના ભાગે અંધારામાં એક ઓળો દેખાયો. ચાંદનીમાં તેના ચહેરા ઉપરનું રૂપેરી મહોરું ચમકતું હતું એ સિવાય એ અંધારમાં ભળી જતો હતો.

          દસેક મિનીટ લપાતા છુપાતા તૂટેલી ભીતો અને પ્રલય પહેલાના રસ્તા પર ત્યાગી દેવામાં આવેલા વાહનોના કાટમાળના સહારે એ બીજી એક ખંડેર ઇમારતના પાછળના ભાગે પહોંચ્યો.

          એ અર્ધખંડેર ઇમારતમાં કનિષ્ક અને એના સાથીઓ છુપાયા હતા. ખંડેરના પાછળના ભાગેથી એક ઓળો અંદર દાખલ થયો.

          “રક્ષક..” કનિષ્ક અને એના સાથીઓ જાગતા જ બેઠા હતા.

          રક્ષકે બે હાથ ભેગા કરી નમસ્કાર કાર્યા, “આપણી સદીઓની પ્રતિક્ષા પૂરી થઈ છે.” એણે શુભ સમાચાર આપ્યા.

          “હા, રક્ષક.” કનિષ્કે કહ્યું, “સવાર થતાં જ હું પોતે વનરરાજ સુધી સમાચાર લઈ જઈશ.”

          “હવે ચતુષ્કોણ પર હુમલો કરવાનો સમય આવી ગયો છે.” જટાસ્યાએ કહ્યું, “એ નિર્દય સિપાહીઓને ખબર પડે કે ઓલૂસ પહાડની ધર્મસેનામાં કેટલી આગ છે.”

          “હજુ સમય નથી થયો.” રક્ષકે ઠંડા અવાજે કહ્યું. એના અવાજમાં જટાસ્યા કે કનિષ્ક જેમ ઉશ્કેરાટ નહોતો.

          “સમય નથી થયો?” કૈરવે નવાઈથી પૂછ્યું, “અભેદ અવતાર આપણી સાથે છે અને હજુ સમય નથી થયો?”

          “એ આપણી સાથે છે પણ એને હજુ પોતાની શક્તિઓની જાણ નથી.” રક્ષકે કહ્યું, “કારુ સામે જંગ છેડતા પહેલા અવતાર એની આઠે દિવ્ય શક્તિઓ મેળવી લે એ જરૂરી છે.”

          “પણ...” જટાસ્યા કશુંક બોલવા જતો હતો.

          “નહીં જટાસ્યા...” કનિષ્કે કહ્યું, “મારા પિતાજી પણ એ જ કહે છે કે અવતાર કારુ સામે ત્યારે જ લડી શકે જ્યારે એને પોતાની શક્તિઓ કેમ વાપરવી એ ખબર હોય. એટલે જ તો એને દીવાલ પેલી પાર મોકલી દેવામાં આવ્યો હતો.” એ રક્ષક તરફ ફર્યો, “તો અમારા માટે શું આદેશ છે?”

          “માતેયના ગુપ્તચરોનું ધ્યાન ભટકાવવું...” મોહરાવાળે કહ્યું, “ગમે તે થાય વિષ્ણુયશાને મળવાનું ટાળવાનું છે.”

          “માતેયના ગુપ્તચરો આપણી પાછળ છે?” જટાસ્યાએ પુછ્યું, “પણ કેમ?”

          “માતેય આપણી પાછળ નથી પણ વિષ્ણુયશા પાછળ છે અને વિષ્ણુયશાની ઓલૂસ પહાડની મુલાકાતો એ ગુપ્તચરોથી છાની નથી.” રક્ષકે કહ્યું, “માતેય અવતારની અસલિયત જાણશે તો એને નિર્ભય સિપાહીઓના જોખમથી દૂર લઈ જવા આકાશ પાતાળ એક કરી નાખશે. માતેયના ગુપ્તચરોને મેં ચિત્રાંગ્ધમાં જોયા છે. એ લોકો આપણો કાફલો નીકળ્યો ત્યારે એના પર નજર રાખતા હતા. કોઈ પણ સંજોગોમાં એમને અવતાર વિશે જાણ ન થવી જોઈએ.” રક્ષકના અવાજમાં હવે જરા કડકાઈ ભળી, “ભલે એ માટે માતેયના ગુપ્તચરોને કેદ પકડવા પડે કે એમને દિવસો કે મહિનાઓ સુધી કોઈ અજ્ઞાત શહેરમાં બંધ રાખવા પડે તો એમ કરતાં ખચકાતાં નહીં.”

          “માતેય કારુની દુશ્મન છે..” કનિષ્કને કશું સમજાયું નહીં, “એમના ગુપ્તચારો પર હાથ નાખી આપણે એમની દુશ્મની કેમ વહોરવી જોઈએ? એમની પાસે ગુપ્તચરોનું મજબૂત જાળું છે અને એમની સેના પણ મજબૂત છે. કદાચ એ કારુ સામેના જંગમાં આપણી પડખે રહે..”

          “માતેય ચોક્કસ આપણી પડખે કારુ સામે પાટનગરમાં જંગ લડશે પણ જો પૂત્રપ્રેમમાં મોહાંધ બની એ કોઈ ઉતાવળું પગલું ભરી બેસે તો બધુ બરબાદ થઈ જશે અને એવું ન થાય એ માટે આપણે એમની સામે લડવું પડે તો પણ તૈયારી રાખવી પડશે.” રક્ષકે સમજાવ્યું, “જો માતેય કોઈ એક ખાસ શૂન્યને છોડાવવા હુમલો કરે તો કારુને સમજતા વાર નહીં લાગે કે એ શૂન્ય કોણ હશે અને એને છોડાવવા હુમલો કેમ થયો... એને બે વત્તા બે ચાર કરતા સમય નહીં લાગે.”

          “જી...” કનિષ્કે એની વાત સાથે સહમતી દર્શાવી, “માતેય કરતાં પણ મને વધુ ખતરો લોકેશનો છે. માતેયનો ભત્રીજો એકદમ પાગલ છે. મેં એને એકલાને આઠ આઠ નિર્ભય સિપાહીઓ સામે ભીડતા જોયો છે.”

          “માતેય પાસે એવા બહાદુરોની કમી નથી...” રક્ષક હસ્યો, “બસ જ્યાં સુધી અવતારના આગમનના સમાચાર એમને ન મળે એ લોકો હુમલો નહીં કરે બાકી એ પછી તો પ્રલય પહેલાના ભગવાન પોતે પણ માતેયને ચિત્રાંગ્ધ પર ચડાઈ કરતાં નહીં અટકાવી શકે.”

          “હું ધ્યાન રાખીશ.” કનિષ્કે ખાતરી આપી, “અમે સવારના ઉજાસ પહેલા ટર્મિનસ પહોંચી જઈશું અને ત્યાથી એ ગુપ્તચરોને ગૂંચવવા ભૂપતિ પાસે જતાં રહીશું.”

          “હા લોક પ્રજાના એ શહેરમાં એ ગુપ્તચરોને જીવતા પકડવા સહેલા રહેશે.”

          “એ ઠીક રહેશે.” રક્ષકે કહ્યું, “જય વાનરરાજ...”

          “જય વાનરરાજ...” કનિષ્ક બોલ્યો અને એ પછી એના સાથીઓએ અભેદ અવતારનો જયનાદ કર્યો.

          મહોરું પહેરેલો આદમી જે રસ્તેથી આવ્યો હતો એ જ રસ્તે પાછો ફર્યો. શૂન્યો જે ઇમારતમાં રોકાયા હતા ત્યાં પહોચતા જ એણે મહોરું કાઢી દીધું. હવે એ ઇમારતના પાછળના ભાગની ચોકી રાખતો નિર્ભય ચોકીદાર હતો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED