પ્રેમનું રહસ્ય - 12 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું રહસ્ય - 12

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨

અખિલે જોયું કે સારિકાએ પોતાની કારને એ જતો હતો અને અગાઉ સારિકા એને બેસાડીને લાવી હતી એના બદલે બીજા જ કોઇ રસ્તે લઇ જઇ રહી હતી. એણે રસ્તો ક્યાં જાય છે એ વિચારવાનું શરૂ કર્યું. સારિકાને હવે પૂછી લેવાની જરૂર હતી. એ ક્યાં અને શું કામ લઇ જઇ રહી છે એ જાણવું જરૂરી હતું. એણે આમતેમ નજર કરતાં પૂછ્યું:'સારિકા, આપણે કયા રસ્તે જઇ રહ્યા છે? મારે ઓફિસ જવાનું છે...'

'આ રસ્તે મારી કંપનીની ઓફિસ નજીક પડે છે. આજે તમને ઓફિસ બતાવી દઉં ને? અને ત્યાંથી તમારી ઓફિસના પેલા ચાર રસ્તા નજીક પડે છે...' સારિકાએ ખુલાસો કર્યો.

અખિલને આજે ઓફિસ જવાની ઉતાવળ ન હતી. એ સારિકા વિશે ધીમેધીમે બધું જાણવા માગતો હતો એટલે તૈયાર થઇ ગયો:'ઠીક છે...'

અખિલની સંમતિ પછી સારિકાએ લાખેણું સ્મિત આપ્યું એ કોઇપણ પુરુષના દિલને ઘાયલ કરવા પૂરતું હતું. અખિલે એવું જ મીઠું હસીને એને સ્મિતથી જવાબ આપ્યો.

દસ જ મિનિટમાં સારિકાએ એની ઓફિસની બિલ્ડિંગના પાર્કિંગમાં કારને લઇ જઇને મૂકી દીધી અને સાથે ઉપર આવવા કહ્યું. લિફ્ટ નવમા માળે પહોંચી રહી હતી એ દરમ્યાન એ વાતાવરણ સારિકાની હાજરીમાત્રથી મહેકી રહ્યું હતું. અખિલ કોઇ પરી સાથે આકાશમાં ઊડી રહ્યો હોય એવી લાગણી અનુભવી રહ્યો હતો.

સારિકાએ 'ગુડ સ્પા' ની બાજુની પોતાની ઓફિસમાં એને આવકાર આપ્યો. એ બે રૂમની ઓફિસ હતી. બહાર નાનકડો હૉલ હતો અને અંદર એસી ઓફિસ હતી. તેણે એસી ચાલુ કરીને માદક સ્મિત ફરકાવ્યું.

'આ તમારી ઓફિસ છે?' અખિલે એના ટેબલની સામેની ખુરશીમાં સ્થાન લઇ નવાઇથી પૂછ્યું. તેની ધારણા હતી કે કોલ સેન્ટરની કોઇ મોટી ઓફિસ હશે અને એમાં સારિકા નોકરી કરતી હશે. અહીં સ્થિતિ અલગ જ હતી. તે એકલી જ કામ કરતી લાગી અને વધુ રહસ્યમય લાગી રહી હતી. અખિલને થયું કે પોતે અહીં આવીને કોઇ ભૂલ તો કરી નથી ને?

'હા...' કહી એના મનની વાતનો પડઘો પાડતી હોય એમ સારિકાએ એના ટેબલ પર મૂકેલા બંને હાથની હથેળીઓમાં અચાનક એના નાજુક- નમણા હાથ મૂકી દીધા એથી રોમાંચની એક લહેર એના આખા શરીરમાં ફરી વળી. એના હાથમાં એવો ઓહક સ્પર્શ અને જાદૂ હતો કે સહેલાવવાનું મન થઇ જાય એમ હતું.

અખિલની વિચારધારાને તોડતી સારિકા આગળ બોલી:'તમને મારી ઓફિસમાં કેવું લાગે છે? તમે બહુ હેન્ડસમ છો!'

'આ શું કરી રહ્યા છો?' અખિલે થોડું ભાન થયું હોય એમ ધીમેથી પોતાના હાથ પાછા ખેંચવાનો પ્રયત્ન કર્યો.

'કેમ? મારો હાથ અને સાથ ગમતો નથી?' સારિકાએ નજરના જામ છલકાવીને પૂછ્યું.

'હં...' અખિલ જાણે એની નજર અને શરીરના આકર્ષણમાં ડૂબી રહ્યો હતો.

'મારો સાથ તમે ભૂલી ગયા?' સારિકા એને કંઇક યાદ કરાવી રહી હતી.

'તારો સાથ? હું... હું કંઇ સમજ્યો નહીં?' અખિલ ગૂંચવાયો.

'આપણે મળતા હતા. સાથે હરતા- ફરતા અને મજા કરતા હતા એ ભૂલી ગયો?' સારિકા એનો ચહેરો જ અખિલની આંખોને દેખાય એટલું નજીક મોં લઇ ગઇ હતી.

અખિલને લાગ્યું કે ચાંદની તેની સામે ઉતરી આવી હતી. એની મદમસ્ત આંખો, એના રૂપાળા ગાલ અને અમૃતનો ઘડો છલકતો હોય એવા હોઠ! આખા રૂપને પીવાનું મન થાય એવો ચહેરો હતો.

અખિલને સારિકાની વાત નવાઇ પમાડી રહી હતી. એણે સારિકાને એ દિવસે પહેલી વખત જોઇ હતી. એણે કારમાં લિફ્ટ આપી ત્યારથી જ એના તરફ પોતે ખેંચાઇ રહ્યો છે. એની પાછળ કોઇ મોટું કારણ છે? પોતે તો સંગીતા સાથે લગ્ન કરી ચૂક્યો છે. તો પછી સારિકા કેમ એમ કહે છે કે અમે મળતા હતા? મેં તો સ્કૂલ- કોલેજ કે એ પછી ક્યારેય કોઇ યુવતી સાથે પ્રેમ કર્યો નથી. કોઇની સાથે બ્રેકઅપ કર્યું નથી. પરિવારે પસંદ કરેલી સંગીતા ગમી જતાં લગ્ન કરી લીધા હતા. આ સારિકા મારા જીવનમાં ક્યાંથી આવી ગઇ? હું એની પાછળ મારા એક ખાસ કારણથી દોરાઇ રહ્યો છું ત્યારે એ બીજી જ વાત કેમ કરી રહી છે? તેની મારી સાથેની મુલાકાત પાછળનું રહસ્ય શું છે? હું એને વશ થઇ રહ્યો હોય એવું કેમ લાગી રહ્યું છે?

ક્રમશ: