સંસ્કાર Jay Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંસ્કાર

ગઈ કાલની વાત કરું, અમિતાભ બચ્ચન શ્રી દ્વારા ચાલતો એક શો 'કૌન બનેગા કરોડપતિ' પર એક અદ્ભુત દ્રશ્ય રચાયું. નાના બાળકો માટેનો વીક હોવાથી નાના નાના બાળકો ત્યાં હાજર હતા, લગભગ બધાની ઉંમર 13 વર્ષ આસપાસ હશે. 13 વર્ષની ઉંમરે બે પૈડે સાયકલ શીખતા માંડ આવડે ત્યાં એ બાળકો જ્ઞાન સાથે ત્યાં સુધી પહોંચી જાય એ વાત ખરેખર અદ્ભુત છે. અમુક પ્રશ્નો એવા કે જેના જવાબ આપણને પણ ના આવડે. એમાંથી એક બાળક જેનું નામ અંશુમાન પાઠક હતું એને અમિતાભ બચ્ચનજીને પોતે કંઈક વાત રજૂ કરવી છે એમ કહ્યું, અમિતજી એ હા કહ્યું એટલે બાળકે શૂઝ પહેરેલા ઉતારીને ઉભા થઈને બે હાથ જોડીને આંખો બંધ કરીને એક શ્લોક,
"गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु
देवो महेश्वरा
गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः
બોલીને સંભળાવ્યો. સાથે એ પણ ઉમેર્યું કે મારા ગુરુ મારા માતા-પિતા છે. આથી આ ચેક(જીતેલી રકમ) હું એમને ભેટ આપવા માંગુ છું. બાળક દોડીને એના પિતા પાસે પહોંચી જાય છે, અને એ ચેક એમના હાથમાં આપી દે છે. આ જોઈ અમિતજી આશ્ચર્ય સાથે પોતાના હાથે એ શૂઝ પહેરાવે છે. જ્યારે અમિતજી kbc નો કોઈ કીમિયો કરવાનું કહે છે ત્યારે એ બાળક 'તમારા અવાજની જગ્યા બીજું કોઈ નહીં લઈ શકે' એવો જવાબ આપે છે.

બીજી એક દ્રશ્યની વાત કરું તો એક એવું પણ છે, જ્યાં આજની યુવા પેઢી ટૂંકા કપડાં અને ટૂંકા વિચાર સાથે સોશિયલ મીડિયા પર વસી ગયું છે. જ્યાં મનોરંજનનો એક નકામો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં થોડીક ચાહકો માટે ગમે તે કરે છે, આ એક દૂષણ બીજા લોકો સુધી પણ પહોંચી ગયું છે. જે સોશિયલ મીડિયા પર રચ્યા-પચ્યા રહ્યા છે. એક જ પેઢીના આ બે તદ્દન વિભિન્ન પ્રકારના યુવા લોકો છે.

બાર વર્ષની ઉંમરે એક તરફ ગેમ્સની દુનિયામાં આગળ વધવું છે, તો બીજી તરફ સંસ્કૃતિને સાથે જોડાયેલ છે. એવી પેઢી છે જેનાં સપના, વિચારો, વ્યક્તિત્વ એ મોટા લોકોથી પણ અલગ છે. જે પોતે નાની ઉંમરના લીધે સ્પષ્ટ બોલી નથી શકતા પણ વિચારો અને હોસલો દુનિયા બદલવાનો છે. સાથેસાથે સંસ્કૃતિ, સંસ્કારનું અદ્ભુત સિંચન છે. મોટા વ્યક્તિને (ઉંમરમાં) પણ મોટિવેશન મળે એવી વાતો અને જ્ઞાન એમની પાસે છે, સમાજને એક અલગ નજરેથી જોવાનો એક નજરિયો છે.

જ્યારે એ જ પેઢીમાં સંસ્કારની અને સભ્યતાની એક ઉણપ દેખાય છે. એક વર્ગને આકર્ષવા માટે અને થોડીક પબ્લિસિટી માટે એ વર્ગ સમાજનું અને પોતાનું મૂળભૂત ભાન ભૂલી ગયો છે. સોશિયલ મીડિયા થકી એ દૂષણ એટલું ઊંડું ઉતરી ગયું છે કે ખ્યાલ જ નથી રહ્યો કે વ્યક્તિત્વ અને એ સભ્યતાના પાયાવિહોણા એક સમાજને જન્મ આપી રહ્યો છે,પોતે એક માનવી સભ્યતા અને સંસ્કૃતિથી દૂર જઈ રહ્યો છે એ ખ્યાલ જ નથી રહ્યો. એટલે જ એ દૂષણ ધીમે-ધીમે વ્યક્તિ અને સમાજના વ્યવહારુ જીવનમાં પણ ઊતરતું જાય છે. વિભિન્ન કુટુંબથી લઈને બળાત્કાર સુધીની દરેક દૂષણોનો સમાજમાં ક્યારે નિર્માણ થઈ ગયો, એનો ખ્યાલ પણ નથી રહ્યો.

આ પેઢીના આ બે જુદા-જુદા લક્ષણો અને રીતભાત માટે મહદઅંશે માતા-પિતા જવાબદાર છે. નાની ઉંમરે હાથમાં ગીતાને બદલે મોબાઈલ પકડાઈ દેવાય છે, ત્યારે જ એક નાનકડી ગુનાખોરી જન્મ લઈ લે છે, જે આગળ જતાં કેટલું નુકસાન કરશે એનો ખ્યાલ માત્ર ને માત્ર સમય બતાવે છે. નાની નાની ખોટી બાબતોમાં પ્રોત્સાહન આપીને માતા-પિતા ક્યારે ખુદ માટે મુશ્કેલ ઉભી કરતા હોય છે એ ખુદને પણ ખ્યાલ નથી હોતો. જે આગળ જઈને માતા-પિતાને દુખ આપે છે. ઘરનું વાતાવરણ પણ એટલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, માતા-પિતા અને બીજા સભ્યોનું વર્તન અને વાણી બાળકના માનસપટ પર ગંભીર અસર કરે છે. બાળકની સાથે, બાળકની સામે, વર્તન અને સારી બાબતો તથા સારા સંસ્કારોનું સિંચન, બાળકને ક્યારે મહાન વ્યક્તિત્વનું નિર્માણ કરી દે છે એનો ખ્યાલ નથી રહેતો. કાજલ ઓઝા વૈદ્યની એક લાઇન યાદ આવે છે કે "લાપસીમાં જેટલો ગોળ ઉમેરો એટલી વધુ મીઠી લાગશે".

- 🖊️. Jay Dave