પ્રેમનું રહસ્ય - 10 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું રહસ્ય - 10

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦

અખિલ હવે લિફ્ટને અટકાવી શકે એમ ન હતો. પહેલા માળ પરથી લિફ્ટ પસાર થઇ ત્યારે એને સંગીતાનો ખ્યાલ આવી ગયો. હવે લિફ્ટ સારિકાના સાતમા માળ પર જઇને જ અટકવાની હતી. અડધી રાત્રે એક એકલી સુંદર સ્ત્રીને ત્યાં જવામાં જોખમ હતું એ અખિલ જાણતો હતો. લિફ્ટમાં ગરમી લાગતી હતી છતાં તેના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. અખિલે સ્વસ્થ થતાં પૂછ્યું:'મારે પહેલા માળે ઉતરવાનું હતું...'

'મને ખબર છે...' સારિકા હસીને બોલી.

'તો પછી તમે સાતમા માળનું બટન કેમ દબાવી દીધું?' અખિલને નવાઇ લાગી રહી હતી. એ સાથે એક અજાણ્યો ડર વધી રહ્યો હતો. સારિકાનો ઇરાદો શું હશે?

'તમે પહેલા માળનું બટન ના દબાવ્યું એટલે મેં સાતમા માળનું દબાવી દીધું. મને એમ કે તમે મારે ત્યાં મુલાકાતે આવવા માગો છો...' સારિકાના અવાજમાં ખુશી હતી.

'અત્યારે? ના-ના, પછી આવીશ...' અખિલ પાછીપાની કરતો હોય એમ બોલ્યો.

લિફ્ટ સાતમા માળે પહોંચી ચૂકી હતી. બંને બહાર નીકળ્યા. સારિકાએ પોતાનો ફ્લેટ બતાવી પર્સમાંથી ચાવી કાઢી. આજુબાજુના બધા ફ્લેટ પર અખિલે એક નજર નાખી. બધા ફ્લેટના દરવાજા બંધ હતા. અખિલે લિફ્ટનો દરવાજો ખુલ્લો જ રાખીને કહ્યું:'અત્યારે મોડું થયું છે. ફરી ક્યારેક આવીશ.' અને એણે ઉમેર્યું:'સંગીતાને પણ સાથે લઇ આવીશ...'

સારિકાના જવાબની રાહ જોયા વગર 'ગુડ નાઇટ' કહી એણે લિફ્ટનો દરવાજો બંધ કર્યો અને પહેલા માળનું બટન દબાવ્યું ત્યારે રાહતના શ્વાસ લઇ શક્યો. સારિકાનું 'ગુડ નાઇટ' તેને સંભળાયું. તે વિચારવા લાગ્યો:'આ સ્રી કોણ છે? હું એની પાછળ ખેંચાઇ રહ્યો છું કે એ મને એની તરફ ખેંચી રહી છે? કંઇ સમજાતું નથી. અમુક સમય પર બુધ્ધિ બહેર જેવી મારી જાય છે. હું એની સાથે કેવું અને કેમ વર્તન કરું છું એનાથી પોતે જ અજાણ રહું છું. રોજ તો દાદર ચઢીને ઘરે જઉં છું. આજે એની સાથે કેમ લિફ્ટમાં ચઢી ગયો હોઇશ?

લિફ્ટ પહેલા માળે અટકી ત્યારે એની વિચારતંદ્રા તૂટી. તે વિચારોને લિફ્ટમાં જ ખંખેરીને ઝટપટ પોતાના ફ્લેટના દરવાજે આવ્યો. ચાવીથી લૉક ખોલી અંદર પ્રવેશી ગયો. પાછળ કોઇ આવતું હોય અને એને અંદર આવવા દેવું ના હોય એમ તરત જ દરવાજો બંધ કરી દીધો. પણ મનના દરવાજાને એ બંધ કરી શક્યો નહીં. ફરી સારિકાનો વિચાર ધસી આવ્યો:'એને મળવા બાઇક બગડવાનું નાટક મેં કેમ કર્યું હશે? એના રૂપમાં કંઇક છે કે શું?

અખિલે બાથરૂમમાં જઇ કપડાં કાઢી નાહી લીધું. તેને થયું કે સારિકાના નામનું પણ નાહી નાખવું જોઇએ. ઘરમાં પત્ની છે અને તે એક અજાણી સ્ત્રી તરફ કેમ ખેંચાઇ રહ્યો છે? એ પણ હું પરિણીત હોવા છતાં દોસ્તીનો હાથ કેમ લંબાવી રહી છે? અખિલને અચાનક એના ચારિત્ર્યનો વિચાર આવી ગયો. એનું ચરિત્ર કેવું હશે? કોલ સેન્ટરમાં એ ખરેખર શું કામ કરતી હશે? એનું જે કાતિલ રૂપ છે અને જે રીતે ફુલફટાક તૈયાર થઇને આવ-જા કરે છે એ પરથી તો એની કામગીરી શંકા પ્રેરે એવી છે.

અખિલ બેડરૂમમાં જઇ સંગીતાને પ્રેમથી નીરખી રહ્યો. કેટલી શાંતિથી ઊંઘે છે. પણ આ ઓફિસના કામ કરતાં સારિકાએ મારી ઊંઘ ઉડાડી દીધી છે. અખિલે સંગીતાની બાજુમાં ઊંઘવાનો પ્રયત્ન કર્યો. આંખો બંધ કરી દીધી. સારિકાનો જ હસતો ચહેરો દેખાયા કરતો હતો. એણે ભગવાનનું નામ સ્મરણ શરૂ કર્યું. ઊંડા શ્વાસ લીધા અને મન પર કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે નિદ્રાદેવી પ્રસન્ન થયા.

અખિલ સવારે ઊઠ્યો ત્યારે સંગીતા રસોઇ સહિતના બધાં કામ પરવારી ગઇ હતી.

અખિલે આળસ મરડતાં બૂમ પાડી:'સંગીતા...'

સંગીતાએ 'આવું છું' કહ્યું.

અખિલે પાંચ મિનિટ રાહ જોઇ. ફરી બૂમ પાડી:'સંગીતા... ક્યાં છે?'

સામેથી બૂમ આવી:'બસ! આવું જ છું...'

બીજી પાંચેક મિનિટ વીતી ગઇ હશે. અખિલને નવાઇ લાગી. સંગીતા શું કરતી હશે? તે બેડ પર બેઠો થયો. ભગવાનનું નામ સ્મરણ કર્યું. પછી ઊભો થયો અને બારણામાં સંગીતાએ પ્રવેશ કર્યો. સંગીતાએ લાઇટની સ્વીચ ચાલુ કરી. એનો ચહેરો જોઇને અખિલ નવાઇમાં ડૂબી ગયો. આ સંગીતા જ છે...?

ક્રમશ: