ભેડિયા Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેડિયા

ભેડિયા

-રાકેશ ઠક્કર

નિર્દેશક અમર કૌશિકની ફિલ્મ 'ભેડિયા' ના ટ્રેલર પરથી એવી આગાહી થઇ હતી કે ફિલ્મ બોલિવૂડના સારા દિવસો લાવી શકે છે. દેશી હોરર યુનિવર્સ તૈયાર થઇ રહ્યું હોવાની વાત ચાલી હતી. એ અપેક્ષા 'ભેડિયા' પૂરી કરતી નથી. વરુણ ધવને એ વાત સાબિત કરી દીધી છે કે અભિનયમાં તેણે બદલાપુર, સૂઇધાગા અને 'ઓક્ટોબર' થી આગળ પ્રગતિ કરી છે. સોશિયલ મિડિયા ઉપર તો એનો આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય ગણાયો છે. ગોવિંદાની જેમ વરુણ માત્ર રોમાન્સ અને કોમેડીમાં જ માહિર નથી. 'ભેડિયા' માં તે ઓવર એક્ટિંગનો શિકાર થાય એવી શક્યતા હતી છતાં 'ભાસ્કર' અને 'વરુ' ની બંને ભૂમિકાઓ વચ્ચે સંતુલન સાધવામાં સફળ થયો છે.

વરુણને 'ભેડિયા' માં હોરર દ્રશ્યોમાં અભિનય બતાવવાની તક મળી છે. માણસમાંથી વરુમાં રૂપાંતર થાય છે એ દ્રશ્ય તેની અભિનય ક્ષમતાનો પરિચય આપવા પૂરતું ગણાયું છે. ચહેરા પરના હાવભાવ અને શારિરીક ફેરફાર લાવવામાં તેણે પોતાને મહેનતુ અભિનેતા સાબિત કર્યો છે. વરુણે આ પ્રકારની અલગ ભૂમિકાઓ વધારે કરવાની જરૂર છે. ફિલ્મની વાર્તા એવી છે કે ભાસ્કર (વરુણ) બગ્ગા (સૌરભ શુક્લા) માટે કામ કરતો હોય છે અને તેના કઝીન જનાર્દન (અભિષેક) સાથે રોડ બનાવવાના કામ માટે અરુણાચલપ્રદેશ જાય છે. ત્યાં જોમિન (પૉલિન) અને પાંડા (દીપક) સાથે મુલાકાત થાય છે. રોડ માટે પ્રકૃતિ સાથે છેડછાડ માની જંગલના આદિવાસીઓ પોતાની જમીન આપવા અને વૃક્ષો કાપવા દેવા રાજી હોતા નથી. અલબત્ત અહીં 'કાંતારા' જેવું વાતાવરણ નથી. ભાસ્કર એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે એ દરમ્યાનમાં એક વરુ હુમલો કરીને કરડી જાય છે. ભાસ્કર જીવ બચાવી લે છે પણ એનામાં વરુની શક્તિ આવી જાય છે. તેને ડૉકટર અનિકા (કૃતિ) પાસે લઇ જવામાં આવે છે. પાંડા એવો ખુલાસો કરે છે કે જંગલમાં એક વિષાણુ (વરુ) નિવાસ કરે છે અને જંગલનું નુકસાન પહોંચાડનારાનો નાશ કરી દે છે. અને મોતનો એક સિલસિલો શરૂ થઇ જાય છે. વરુણ વરુમાંથી મુક્ત થઇ શકે છે કે નહીં? વિષાણુ એ ભયાનક સત્ય છે કે દંતકથા? જેવા સવાલોના જવાબ છેલ્લે મળે છે.

વરુણને કોમેડીની તક ઓછી મળી છે. તેનું એ કામ અભિષેક બેનર્જી પૂરું કરે છે. જો એ ના હોત તો ફિલ્મ ઠંડી પડી ગઇ હોત. દીપક ડોબરિયાલ દર્શકોનો ફિલ્મમાં રસ બનાવી રાખવામાં મદદ કરે છે. કૃતિ સેનનની ભૂમિકા તેના ચાહકોની અપેક્ષા કરતાં નાની છે. તેણે અલગ લુક સાથેની ભૂમિકામાં છેલ્લે ચોંકાવી દીધા છે. ફિલ્મમાં અભિનય સિવાયના પાસાઓમાં સંવાદો ઘણી જગ્યાએ દમદાર છે. 'આજ કે જમાને મેં નેચર કી કિસકો પડી હૈ, હમારે લિએ બાલકનીમેં રખા ગમલા હી નેચર હૈ' અને 'કોઇ બાત નહીં ભાઇ તેરે લિએ જો મર્ડર હૈ ઉનકે (જાનવર) લિએ વો ડિનર હૈ' જેવા સંવાદ રંગ જમાવે છે. ગીત- સંગીતમાં 'ઠુમકેશ્વરી' તો પ્રચાર માટે હતું પણ બીજાં અપના બના લે, જંગલ મેં કાંડ હો ગયા, બાકી સબ ઠીક વગેરે ઠીક છે. 'ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ' નો સરસ ઉપયોગ કર્યો છે.

'ભેડિયા' ની તરફેણમાં તે એક અલગ પ્રકારની અને સારી VFX વાળી ફિલ્મ છે એ બાબતો સામે તેની 'સ્ત્રી' સાથે સરખામણી થતાં સામાન્ય ગણવામાં આવી છે. કેમકે હોરર- કોમેડીનો વિચાર સારો હોવા છતાં વાર્તા બહુ સામાન્ય છે. નિર્દેશકે હાસ્ય માટે ફિલ્મી ટુચકા પર આધાર રાખ્યો છે. પહેલો ભાગ બહુ ખેંચવામાં આવ્યો છે એ જ રીતે પ્રિક્લાઇમેક્સ વધુ લાંબો છે. પર્યાવરણની અસરની વાતના મુદ્દા પર હજુ વધારે કામ કરવાની જરૂર હતી. વરુણનું કામ સારું હોવા છતાં સહાયક કલાકારો ઘણી જગ્યાએ એના પર ભારે પડ્યા છે. ફિલ્મ રજૂ થયા પછી અભિષેક અને દીપકના ચાહકો વધી ગયા છે. અરૂણાચલના જંગલોના દ્રશ્ય જોવા જેવા છે. હાસ્ય અને ડર સાથે એક સંદેશ આપી જતી 'ભેડિયા' ને એક વખત જોઇ શકાય એમ છે. ફિલ્મના અંતમાં સીક્વલની શક્યતા રાખવામાં આવી છે.