મનોજ દરરોજ કશીશનો પીછો કરતો હતો. કશીશ ખૂબજ રૂપાળી અને સુંદર છોકરી હતી જેટલી તેનામાં સુંદરતા ભરેલી હતી તેટલી જ તે ડાહી પણ હતી.
કશીશના કોલેજ આવવાના અને જવાના સમયે તે કશીશની સોસાયટીની બહાર તેની રાહ જોતો જ ઉભો હોય અને જેવી કશીશ કોલેજ જવા માટે નીકળે કે તરત જ તેની પાછળ પાછળ જાય. મનોજ બીજી કોઈ કોલેજમાં ભણતો હતો. એકવાર તેના ક્લાસમાં ભણતી એક ચાંદની નામની છોકરી સાથે તેણે કશીશને જોઈ હતી ત્યારથી કશીશ તેનાં દિલમાં વસી ગઈ હતી. તેણે ચાંદનીને કશીશ સાથે પોતાનું સેટિંગ કરી આપવા કહ્યું પરંતુ ચાંદનીએ તેને સમજાવ્યો કે કશીશ તે ટાઈપની છોકરી નથી તે તારી સાથે વાત પણ નહીં કરે એટલે પછી તેણે બધી તપાસ કરીને શોધી કાઢ્યું કે કશીશ કોણ છે? ક્યાં રહે છે? અને કઈ કોલેજમાં ભણે છે? અને સતત તેનો પીછો કરવાનું શરૂ કરી દીધું.
કશીશ મનોજની આ વાતથી સાવ અજાણ હતી. એક દિવસ મનોજે કશીશને ઉભી રાખીને પોતાના દિલની વાત જણાવી કે, તું મને ખૂબ ગમે છે અને હું તને ખૂબ પ્રેમ કરું છું. કશીશ સામાન્ય ઘરની છોકરી હતી. તેને આવી કોઈ વાતોમાં કોઈ રસ નહોતો.
આમ ને આમ થોડા દિવસો પસાર થઈ ગયા. મનોજે કશીશનો પીછો કરવાનું ચાલુ જ રાખ્યું પરંતુ કશીશ તેના પ્રત્યે બિલકુલ ધ્યાન આપતી નહીં અને પોતાની એક ફ્રેન્ડ નેહા સાથે દરરોજ કોલેજ જતી અને આવતી.
એક દિવસ નેહા કોલેજ આવવાની નહોતી એટલે કશીશ એકલી જ કોલેજ જઈ રહી હતી તો મનોજે તેને રસ્તામાં રોકી અને ફરીથી તેણે કશીશ આગળ પોતાના પ્રેમનો પ્રસ્તાવ રજૂ કર્યો અને એકવાર પોતાના બાઈક ઉપર બેસીને પોતાની સાથે બહાર આવવા કહ્યું. કશીશે આ વખતે પણ તેને સ્પષ્ટ શબ્દોમાં "ના" પાડી દીધી અને ધમકી પણ આપી કે હવે ફરીથી મને રસ્તામાં આ રીતે હેરાન કરીશ અને મારો પીછો કરીશ તો હું પોલીસ કમ્પલેઈન કરી દઈશ. એ દિવસ પછી મનોજે કશીશનો પીછો કરવાનું બંધ કરી દીધું એટલે કશીશના મનને શાંતિ થઈ કે, "હાંશ છૂટ્યા"
કશીશે પોતાની સાથે જે કંઈ પણ બન્યું હતું તે વાત કોઈને જણાવી પણ નહીં. અરે તેની સાથે દરરોજ આવનાર તેની ફ્રેન્ડ નેહાને પણ તેણે આ વાત ન જણાવી.
અને ફરીથી એક દિવસ નેહા કોલેજ નહોતી જવાની એટલે કશીશ એકલી જ કોલેજ જવા માટે પોતાના ઘરેથી નીકળી અને ફરીથી મનોજે રસ્તામાં સૂમસામ જગ્યા જોઈને કશીશને આંતરી અને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો કશીશ તેનાથી ભાગી છૂટવા માંગતી હતી અને તેણે મનોજના હાથ ઉપર જોરથી બચકું ભર્યું અને તે મનોજની પકડમાંથી છૂટી ગઈ અને દોડીને ઘર તરફ જવા લાગી પરંતુ મનોજ એમ તેને છોડે તેમ નહોતો મનોજે પોતાના ખિસ્સામાં રહેલી એક બોટલ કાઢી અને તે કશીશની પાછળ પાછળ દોડ્યો જેવી કશીશની નજીક ગયો તેણે કશીશના વાળ જોરથી પકડ્યા અને કશીશે પાછળ જોયું કે તરતજ તેણે કશીશના મોં ઉપર પેલી બોટલમાં રહેલો એસિડ છાંટ્યો અને પોતે ત્યાંથી ભાગી છૂટયો. કશીશને મોં ઉપર અને હાથ ઉપર સખત બળતરા થઈ રહી હતી તેણે ખૂબ બૂમો પાડી પરંતુ ત્યાં નિર્જન રસ્તા ઉપર તેને બચાવવા વાળું કોઈ નહોતું.
કશીશનો મોટા ભાગનો ચહેરો એસિડથી બળી ચૂક્યો હતો અને બંને હાથ ઉપર પણ તે દાજી ગઈ હતી. તેને હોસ્પિટલાઈઝ્ડ કરવી પડી.
મનોજ ઉપર પોલીસ કેસ થયો છે અને તે હજુપણ જેલમાં છે....
સમાજમાં રહેલા આવા હેવાનો માટે કડકમાં કડક કાયદાની જોગવાઇ હોવી જોઈએ તો આવી કેટલીયે કશીશને આપણે બચાવી શકીએ.
નમસ્કાર 🙏
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/11/22