વસુધા - વસુમાં - પ્રકરણ  - 70 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ  - 70

વસુધાએ દૂધમંડળીનાં મકાનમાં સર્વ સભ્યો અને ગામ લોકો વચ્ચે જે 15-20 મીનીટનું જે વ્યક્તત્વ આપ્યું બધાં આફરીન પુકારી ગયાં હતાં. ગામનાં ચોરે ચૌટે અને ઘર ઘરમાં વસુધાનું નામ વહેતું થઇ ગયું હતું. જે જાણતાં હતાં કે નહોતાં જાણતાં બધા વસુધાને ઓળખવા લાગ્યાં બધાંનાં મોઢે એકજ વાત હતી કે આ ગુણવંતભાઈની વહુ તો બહું ગુણીયલ નીકળી આટલી નાની વયે આ સ્ત્રીનાં વિચાર તો જુઓ...

બધાંનાં મોઢે એ વાત હતી કે પીતાંબર ગયો પણ વસુધાએ આખા ઘરનો ભાર ઉપાડી લીધો છે હવે દૂધમંડળીની ચેરમેન બની ગઈ બધાએ એક અવાજે એની નિમણુંક માન્ય કરી લીધી જે સ્ત્રીઓ ઘરમાં કે કુટુંબમાં બોલી નહોતી શક્તી એ બધામાં જાણે પ્રેરણા મળી અને બોલતી થઇ ગઈ હતી.

ગુણવંતભાઈને બધાં મંડળીમાંથી ઘરે આવ્યાં અને ગુણવંતભાઈ ઉત્સાહમાં હજી કંઈ કહેવા જાય ત્યાંજ ભાનુબહેન અને દિવાળી ફોઈ હરખાઈને બોલ્યાં “ભાઈ તમે કશુંજ ના કહેતાં પહેલાં અમારી વાતો સાંભળો. અહીં ઘરે બેઠાં ગામનાં બધાં આવીને અમને વધામણી આપી ગયાં કે તમારી વસુધા દૂધ મંડળીની ચેરમેન થઇ ગઈ વાહ કહેવું પડે વહુ હોય તો આવી એનાં માવતરનાં સંસ્કાર અને ઉછેર આજે દીપીઉઠ્યાં છે.”

વસુધાએ શરમાઈને નમ્રતાથી કહ્યું "શું ફોઈ તમે... હું તો મારુ કામજ કરી રહી છું બધાનો સાથ સહકાર રહેશે તો ડેરી પણ સરસ ઉભી કરીશું અને કુશળતાથી સંચાલન કરીશું”.

ભાનુબહેને એની નજર ઉતારતાં કહ્યું “કુળ દિપક તો ખોયો પણ સાસરાં અને પીયર બંન્ને કુળને ઉજાળનારી વહુ અમને મળી છે ભગવાન શિવ મારાં મહાદેવનાં સદાય આશીર્વાદ રહે.” ગુણવંતભાઈએ કહ્યું “ભાનુ તને શું કહું ? આપણી વસુધાએ બોલવાનું શરૂ કર્યું અને બધે સોંપો પડી ગયો બધાંજ વસુધાને એકચિત્તે સાંભળતાં હતાં અને એની વાતો વિચારોને બધાએ તાળીઓથી વધાવી લીધી હતી આજ સુધી ક્યારેય કોઈ ચેરમેન આવી રીતે નથી નીયુક્ત થયું આજે લાપસીનાં એંધાણ ચૂલે ચઢાવજો આજે હું ખુબ ખુશ છું” એમ કહીને ઓસરીનાં હીંચકા પર બેસી આનંદથી હીંચી રહ્યાં.

સરલાએ કહ્યું “માં સાચેજ ભાભી આજે એક નેતા જેવી દેખાતી હતી હું તો સંભાળતીજ રહી વાહ કહેવું પડે.” વસુધાએ કહ્યું "સરલાબેન ભાભી નહીં તમારી વસુધા છું આમ નીકટ સંબંધ છે સખીનો એને દૂરનું નામ ના આપો.” સરલાએ વસુધાને વળગીને કહ્યું “હાં તું મારી સખીજ છે મને આજે જાણે કેટલી હિંમત વધી ગઈ તને જોઈને”.

ગુણવંતભાઈનાં ખોરડામાં આજે આનંદ આનંદ હતો. બધાએ જમવાનું પતાવીને સુવાની તૈયારી કરવા માંડી. વસુધાએ આકુને લઈને મેડીએ એનાં રૂમમાં આવી ગઈ પાછળ પાછળ સરલા પણ આવી ગઈ. વસુધાએ આકુને થોડીવાર રમાડી આકુ એ જાણે સમજતી હોય એમ ખીલ ખીલાટ હસતી હતી. વસુધાએ એને જોઈને છાતીએ વળગાવી દીધી. એણે પલંગ પર બેસતાં આકુને સુવાડી અને સરલાને કહ્યું “સરલાબેનઆજે પીતાંબર જ્યાં હશે ત્યાં ખુશ હશે આપણી આ પ્રગતિ જોઈને મને આશીર્વાદ આપતાં હશે”. એમ કહી બારી બહાર આકાશ તરફ જોઈ રહી.

સરલાએ કહ્યું “વસુ કાલે તો ભાવેશ આવવાનાં એમની જોડે બધી વાત પતાવી સુરેશભાઈને મળવાં એમની સાથેજ જતાં રહીશું. આપણો અને ગામ લોકોનો ઉત્સાહ શમે પહેલાં એનું બધું નક્કી કરી આવીશું.”

વસુધાએ કહ્યું “સરલાબેન આ ઉત્સાહ ચૂલે મુકેલ દૂધનો ઉભરો નથી કે શમી જાય. હવે આજ લગન અને ઉત્સાહથી બધાં કામ કરીશું સામે જે સ્થિતિ આવે એનો સામનો કરીશું સાથે મળીને સંઘર્ષ અને મહેનત કરીશું. જે લક્ષ્ય નક્કી કર્યું છે એને પામીને રહીશું.”

સરલા વસુધાની સામે જોઈ રહી અને બોલી “વસુ તું તો વસુ જ છે તારી આવી વાતોજ મને ખુબ ગમે છે તારી મહેનત, તારાં વિચાર સાચેજ પ્રેરણાદાયક હોય છે.”

વસુધાએ ખોટાં ખોટાં ખીજાતાં કહ્યું “સરલાબેન બસ કાયમ વખાણની વાતો ના કરો ક્યાંક હું ફુલાઈને ફાટી ના પડું” અને બંન્ને જણાં ખડખડાટ હસી પડે છે. આકુ એમને હસતાં જોઈ ઊંઘમાંથી ઉઠી હસવા લાગી.

વસુધાએ કહ્યું “એય આકુ આંખો બંધ કરીને અમારી વાતો સાંભળે છે લુચ્ચી...” એમ કહી વ્હાલ કરી લીધું આકુ પણ જાણે સમજતી હોય એમ ગાલમાં ખંજન પાડી હસવા લાગી.

વસુધાએ કહ્યું “મારી આકુ આમને આમ વરસની થઇ ગઈ ખબર પણ ના પડી એ મોટી થાય એમ એની કેળવણી કરવી પડશે એનાં ઉછેરમાં કોઈ કચાસ ના રહે એનું પણ ધ્યાન રાખવું પડશે બીજા કામોનાં બોજ નીચે મારી આકુનું બાળપણ છીનવાવા નહીં દઉં.” એમ કદી એને વળગાવીને સુઈ ગયાં.

સવારે 9:30 વાગે તો ગુણવંતભાઈનાં ઘર પાસે આંગણાંમાં ગાડી ઉભી રહી. સરલા અવાજ સાંભળતાંજ બહાર દોડી આવી વસુધા લાલી સાથે ગમાણમાં હતી... આકુ ઘોડીયામાં હજી સૂતી હતી. દિવાળીફોઈ મેથીનાં પાંદડાં જુદા પડતાં હતાં. ભાનુબહેન રસોડામાં હતાં. સરલાને બહાર દોડી જતાં જોઈને ગુણવંતભાઈ હીંચકા પર છાપું વાંચતાં ઉભા થઇ એ પણ બહાર ગયાં.

ભાવેશકુમાર આવી ગયાં હતાં. સરલાએ એમને હસતાં હસતાં આંખમાં વહાલ સાથે આવકાર્યા. આજે ભાવેશ કુમાર પણ કંઈક અલગજ મૂડમાં જણાંતાં હતાં. એમણે સરલાને વ્હાલથી પૂછ્યું “સરલા કેમ છે ? હું આવી ગયો છું.” એમકહેતાં કહેતાં કારમાંથી બેગ કાઢી... સરલાએ બેગ હાથમાંથી લઇ લેતાં કહ્યું “રાતથી તમારાં વિચારોમાં હતી ક્યારની રાહ જોતી હતી તમે સિદ્ધપુરથી અહીં આવવાનાં કલાક ગણતી હતી તમે બહુ વહેલાં ઘરેથી નીકળ્યાં લાગો છો કે ઝડપથી કાર હંકારીને આવ્યા...”

ભાવેશે ગુણવંતભાઈ ઉભેલા હોવા છતાં શરમ છોડીને કહ્યું “તારાથી દૂર હતો હતો આજે તને મળવાનો ઉમળકોજ એટલો હતો કે જલ્દી પહોંચી ગયો.”

ગુણવંતભાઈએ બધું સાંભળ્યું ના સાંભળ્યું કરીને કહ્યું “આવો આવો કુમાર બધાં તમારીજ રાહ જુએ છે આવો.” એમ કહીને ઘરમાં આવકાર્યા.

સરલા ખુશ થતી બેગ લઈને ઘરમાં આવી અંદરનાં રૂમમાં બેગ મૂકી આવી ભાવેશ કુમારનાં હાથમાં એક થેલી હતી એ એમણે હીંચકા પર મૂકી. ત્યાં ભાનુબહેન રસોડામાંથી અને દિવાળીફોઈ ભાજી સાફ કરવાનું બાજુમાં મૂકી એમની પાસે આવ્યાં અને બોલ્યાં “આવી ગયાં ભાઈ...” બેસો ભાનુબહેને કહ્યું “બે દિવસથી આ હરક પદુડી તમારી રાહ જુએ છે.”

ભાવેશ કુમારે સરલાની સામે જોતાં કહ્યું “આ સાચી વાત આ વખતે હરખ બંન્ને બાજુ છે” એમ કહીને હસ્યાં ત્યાં વસુધા વાડામાંથી હાથ લૂંછતી લૂંછતી આવી અને બોલી “આવો ભાવેશકુમાર તમે યોગ્ય સમયે અને સમયસર આવી ગયાં”. ભાવેશકુમારે પૂછ્યું “એટલે ?”

વધુ આવતા અંકે પ્રકરણ -71