વસુધા - વસુમાં - પ્રકરણ  - 69 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ  - 69

દૂધ સહકારી મંડળીનાંજ મકાનમાં મીટીંગની તૈયારીઓ ચાલે છે. ગુણવંતભાઈએ બધાં સભ્યોને મીટીંગમાં હાજર રહેવા ખાસ આગ્રહ કરેલો.

વસુધા, સરલા, ગુણવંતભાઈ, રમણભાઈ, કરસન, ભાવના, રશ્મી, કાશી આહીર, બધાં હાજર હતાં અન્ય દૂધ ઉત્પાદકો, પશુપાલકો જે કોઈ મંડળીમાં સભ્ય હતાં તે બધાં હાજર હતાં. ધીમે ધીમે બધાં પોતાનાં સ્થાન ગ્રહણ કરી રહેલાં. છેલ્લે છેલ્લે લખુભાઈ સાથે ગુમાસ્તો પ્રવિણ પણ આવી ગયો.

લખુભાઈએ કહ્યું “માફ કરજો થોડું મોડું થયું પણ મારે ખેતરે ખેતીવાડી ખાતાવાળા પાક સંરક્ષણનું નિર્દેશન આપવાં આવેલાં અને મેં એમને વિનંતી કરી છે કે તેઓ ગામમાં ગ્રામ સેવકો સાથે રાખી દરેક ખેડૂતને ખેડૂત સભા કરીને બધી જાણકારી આપે.”

હાજર સર્વ સભ્યોએ લખુભાઈનું સૂચન તાળીઓથી વધાવી લીધું ગુણવંતભાઈએ કહ્યું “લખુભાઈ તમે ગામમાં સરસ કામ કરી રહ્યાં છો એનો અમને આનંદ છે હવે આજની સભાનું પ્રમુખસ્થાન તમે સંભાળી સભા આગળ ચલાવો લગભગ બધાં સભ્યો હાજર છે.”

લખુભાઈએ કહ્યું “ગુણવંતભાઈ તમારો ખુબ ખુબ આભાર. સર્વપ્રથમતો હું અહીં સરપંચ નહીં પણ દૂધઉત્પાદક તરીકે હાજર છું અને દૂધ મંડળીનાં સર્વ નવા સભ્યોનું મંડળીમાં હાર્દીક સ્વાગત કરું છું.”

“હું ઈચ્છું છું કે જૂની કારોબારીનાં સભ્યોને મંડળીમાંથી છૂટાં કરવામાં આવ્યાં છે આમ પણ તેઓ એમનાં કુકર્મોથી જેલનાં સળીયા પાછળ છે એમની સજા એમને મળી ગઈ. આજે મારુ મન આપણાં ગામની વહુ દીકરીઓને અહીં જોઈ આનંદીત થઇ ગયું છે. હું આપણાં ગામની વહુ દીકરી વસુધાને ખાસ આગ્રહ કરું છું કે તે દૂધ મંડળીનું પ્રમુખ સ્થાન સંભાળે..”.

“આપણે સર્વ સંમત્તિથી નિયુક્તિ કરીએ હું આશા રાખું કે સર્વ સભ્યોને મંજુર હશે... જેને વિરોધ હોય એ હાથ ઊંચો કરે અને ઉભા થઇ પોતાની વાત જણાવે.”

ત્યાં રમણભાઈ ઉભા થયાં... ગુણવંતભાઈ તથા અન્યોને આશ્ચર્ય થયું રમણભાઈ ઉભા થઈને બધાનાં ચહેરાં જોઈ કહ્યું “મિત્રો હું વિરોધમાં નથી ઉભો થયો આ વહુ દીકરી ખુબ હોંશિયાર, મહેનતુ, ગામનાં લોકોનું હીત કરનારી મહત્વકાંક્ષી છે એને મારો ટેકો જાહેર કરું છું.”

હાજર રહેલાં બધાં સભ્યોએ રમણકાકાની વાતને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી. રમણકાકાએ કહ્યું “આજની નારી ખુબ જાગૃત અને હુંશિયાર છે મને દીકરી વસુધા ઉપર ખુબ વિશ્વાસ છે કે એ દૂધ મંડળીનો ખુબ વિકાસ કરશે. હું બેસતાં પહેલાં કહી દઉં કે વસુધા ગામમાં સહકારી ધોરણે અને એય મહિલા મંડળ બનાવીને ડેરીનું કામ અને સંચાલન કરવા માંગે છે એને પણ ટેકો આપું છું અને અમારાં બધાં તરફથી સહકારની ખાત્રી આપું છું.” એમ કહી બેસી ગયાં.

જેટલાં હાજર હતાં બધાં સભ્ય શાંતિથી સાંભળી રહેલાં ક્યાંય કોઈનો વિરોધ નહોતો. પણ ભૂરા ભરવાડનો છોકરો કાળીયો ભરવાડ અંદર ને અંદર બબડી રહ્યો હતો. એને કોઈનો સાથ ન હોવાંથી ચૂપ બેસી રહેલો એનો બાપ જેલમાં હતો અને વસુધાએ જ અંદર કર્યો હતો એને વસુધા અને ગુણવંતભાઈ પણ ખુબ ખાર હતો પણ વિવશતા હતી એટલે ચૂપ બેઠો હતો.

ગુણવંતભાઈએ ઉભા થઈને કહ્યું “મારી વહુ દીકરીનું નામ આગળ કરી સરપંચશ્રી લખુભાઈ અને મિત્ર રમણભાઈનો ખુબ ખુબ આભારી છું... વસુધા મહિલા સશક્તિકરણ કરવા માટે આગળ આવે છે. સ્ત્રી માત્ર ઘરનો ચૂલો સળગાવી વાડો સંભાળી બેસી રહે એવું નથી ઇચ્છતી એ આપણાં ગામમાં ડેરીનું સ્થાપન કરવા માંગે છે જેથી દૂધ અને તેની બનાવટોનું વેચાણ ઉભું કરી વધુ આવક મેળવી શકાય. આ અંગે હું વસુધાનેજ કહું કે એ બધાને જણાવે કે એ શું કરવાં માંગે છે”.

બધાની નજર નાની સાવ 24/25 વર્ષની વસુધા પર સ્થિર થઇ. રશ્મિ, ભાવના, કાશી, સરલા બધાએ તાળીઓ વગાડીને વસુધાને વધાવી લીધી.

વસુધાએ સાડીનો છેડો માથે ચઢાવ્યો ઉભી થઇ એણે પૂરાં આત્મવિશ્વાસ સાથે બધાં સભ્યો તરફ નજર ફેરવી અને સૌપ્રથમ બધાને નમસ્કાર મુદ્રા કરીને બોલી.

“આપણાં ગામનાં આગેવાન વડીલો, સરપંચશ્રી મંડળીનાં સર્વ માનનીય સભ્યો આપ સહુનાં પ્રેમ અને સહકાર સાથે હું કામ કરવા માંગુ છું મારે અહીં પ્રમુખ બનવાની કોઈ ઘેલછા નથી મારે કોઈ પદ કે સન્માન નથી જોઈતું મારે મારાં ગામની બધી સ્ત્રીઓ, બહેનોને સ્વાવલંબી અને આત્મસમ્માન સાથે જીવતી જોવી છે.”

“મારાં જીવનમાં કરુણ ઘટનાં બની પણ હિંમત નથી હારી મારાં પતિ સૂક્ષ્મ રીતે સતત મારાં સાથમાં છે. મારા પિતા સમાન સસરાજી, બહેન સરલા બધાનો પ્રેમ, વિશ્વાસ અને સાથ છે એટલેજ હું અહીં ઉભી છું.”

“ગામની દરેક સ્ત્રી, બહેન, દીકરી મારી સાથીદાર છે ગામમાં ડેરી બને તો આવક વધે... દૂધ ઉત્પાદન વધુ કરવાની પ્રેરણા મળે. ગામમાંથી એકઠું થતું દૂધ ડેરીને ઓછું પડશે તો આજુબાજુનાં ગામની સ્ત્રીઓને પ્રેરીત કરીશું. ધીમે ધીમે સમય જતાં અને પ્રગતિ કરતાં કરતાં બધાંને સાથે જોડીશું.”

“સર્વ સભ્યોને મારી વિનંતી છે કે અમે ગામની માં -બહેન -દીકરીઓ છીએ અમને સાથ આપજો ઉત્સાહ આપજો. અનુભવી વડીલોને વિનંતી છે કે અમારી તમે દોરવણી કરજો અમને માર્ગદર્શન આપજો તમારાં સાથ અને આશીર્વાદથી અમે અમારાં લક્ષ્યને ચોક્કસ પૂરું કરીશું...” બધાં સતત તાળી વગાડી રહ્યાં હતાં.

દૂધ મંડળીનાં મકાનની અંદર અને બહાર સભ્યો સિવાયનાં ગામ લોકો એકઠાં થવાં લાગ્યાં હતાં મંડળીની અંદર અને બહાર વસુધાને સાંભળવાં ભીડ એકઠી થવા લાગી હતી વસુધાને પણ ઉત્સાહ આવી રહેલો.

વસુધાએ કહ્યું “મારે એક વાત કરવી છે ગામમાં આપણે સ્વચ્છતાની હજી ઘણી જરૂર છે લખુંકાકા ખુબ મહેનત કરી રહ્યાં છે એમને આપણે સાથ સહકાર આપવો જોઈએ.”

“આપણાં વાડામાં આપણાં પશુમિત્રો, માતાઓ એટલેકે ગાય,ભેંશ,બકરી... આવાં બધાં પ્રાણીઓ આપણાં મિત્રો છે માતા છે એમનાથી આપણું જીવન ચાલે છે એમની કાળજી લેવાવી જોઈએ. વેટરનીટી દવાખાનું આપણાં ગામમાં હોવું જોઈએ એની આપણને અગવડ પડે છે છેક શહેરમાં ગાય/ભેંશ લઇ જવામાં અગવડ પડે છે સારવારમાં મોડું થાય છે. એનાં આહાર અને એની સ્વસ્થતા ખુબ જરૂરી છે. નિરોગી પશુ શુદ્ધ દૂધ આપશે જેથી એનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આપણે પશુપાલકો છીએ એમનાં પાલક... એટલે આપણી જવાબદારી બને છે.”

“આગળ જતાં ડેરી અને પશુપાલન અંગે આપણે એનાં નિષ્ણાંતોને પણ ગામમાં આમંત્રિત કરીશું. બધી માહિતી મેળવીશું આજે આટલું કહી હું આપનો આભાર માનું છું...”





વધુ આવતા અંકે -પ્રકરણ 70