પ્રેમનું રહસ્ય - 7 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું રહસ્ય - 7

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૭

કુંદન સાથે વાત કરીને અખિલ પોતાનું કામ હાથ પર લઇ ચૂક્યો હતો. તેનું મન કામમાં પરોવાતું ન હતું. વિચારોના કેન્દ્રમાં સારિકા હતી. સંગીતા સાથેના લગ્ન પછી અખિલના મનમાં આજ સુધી કોઇ સ્ત્રી વિશે વધારે વિચાર આવ્યા ન હતા. બહુ સહજતાથી એ સ્ત્રીઓ સાથે મળતો રહ્યો હતો. સારિકા એમાં અપવાદરૂપ બની રહી હતી કે શું? એના વ્યક્તિત્વમાં કોઇ જાદૂ હતો કે શું? અખિલનું મન ચકરાઇ રહ્યું હતું. અચાનક તેને થયું કે સારિકા વિશે કુંદનને વાત કરવી જોઇએ. એ કુંવારો જ છે. સારિકા તેને ગમી શકે છે. લગભગ એ કુંવારી જ છે. એણે પોતાના પરિવાર વિશે વાત કરી ન હતી. પછી તેનું મન એને એમ વિચારીને અટકાવવા લાગ્યું કે પહેલાં એના વિશે પૂરતી જાણકારી મેળવવી જોઇએ. ઉતાવળ કરવી નથી.

અખિલ સાંજે ઓફિસેથી બહાર નીકળ્યો અને બાઇક પર એ ચાર રસ્તા પર આવ્યો ત્યારે ટ્રાફિક હતો. ન જાણે કેમ એક મિનિટ બાજુ પર ઊભો રહી ગયો. એની નજર ટ્રાફિકમાં સારિકાની કારને શોધી રહી હોય એમ ફરી રહી. એક તબક્કે એને એવો વિચાર આવી ગયો કે સારિકાની કંપનીની ઓફિસ નજીકમાં જ છે... ના-ના હજુ તો ન જાન ના પહેચાન, મેં તેરા મહેમાન જેવું લાગશે. અને એ પડોશણ સાથે એવું તે શું કામ આવી ગયું કે મળવા જવું જોઇએ...? પાછળથી કોઇ કારનો હોર્ન વાગ્યો અને અખિલે વિચારોમાંથી ઝબકીને બાઇક ઉપાડી પોતાના ઘર તરફ વાળી લીધી.

અખિલે પોતાનું બાઇક રોજની જગ્યા પર મૂક્યું. કંઇક વિચારતો વોચમેન પાસે આવ્યો. પોતે સારિકાના ફ્લેટનો નંબર તો પૂછ્યો જ ન હતો. તો પછી વોચમેન કેવી રીતે કહી શકવાનો હતો? છતાં એને પૂછ્યું કે આ બિલ્ડીંગમાં કોઇ નવું રહેવા આવ્યું છે? જો એણે સુંદરી સારિકાને જોઇ હશે તો એક પુરુષ તરીકે તરત જ એના વિશે કહેશે એમ લાગતું હતું. વોચમેન નેપાળી હતો. એને એવો કોઇ ખ્યાલ ન હતો. અખિલને એનો જવાબ અપેક્ષિત હતો. છ માળના બિલ્ડીંગોમાં કોણ ક્યારે આવે અને જાય એની એ બહુ ઓછી ખબર રાખી શકે છે. વળી રાતની પાળીનો વોચમેન અલગ છે. એને કદાચ ખબર હોય શકે.

અખિલ પોતાના ફલેટ પાસે આવ્યો અને બેલ મારતાં અટકી ગયો. એણે ઘડિયાળમાં જોયું. તે દરરોજ કરતાં પાંચ- દસ મિનિટ વહેલો આવ્યો હતો. મનમાં શું થયું એનો એને જ ખ્યાલ ના રહ્યો અને બીજા માળે ગયો. દરેક માળ પર ચાર ફ્લેટ હતા. બે ખુલ્લા હતા. એમાં બાળકોની ચહલપહલ હતી. બાકીના બેમાંથી એકના દરવાજે તાળું હતું અને એક દરવાજા પર રહેતા નંદુ પબારીને એ ઓળખતો હતો.

અખિલ કુતૂહલવશ બીજા માળે ગયો. ત્યાં પણ એક પછી એક ફ્લેટનું અવલોકન કરીને ગણતરી માંડી કે અહીં સારિકા રહેતી ના હોય શકે.

એ ત્રીજા માળે ગયો. ત્યાં બધાં જ ફ્લેટના દરવાજા બંધ હતા. અહીં તેની કલ્પનાશક્તિએ જવાબ આપી દીધો. એકાદ ફ્લેટમાંથી સારિકા બહાર નીકળી આવે તો કેવું સારું! મનમાં વિચાર ઝબક્યો એ સાથે મોબાઇલ રણક્યો. એણે ઝડપથી જોયું કે સંગીતાનો ફોન હતો. ફોન ઉપાડવાને બદલે લીફ્ટનું બટન દબાવ્યું અને પહેલા માળે આવી ગયો. રીંગ પૂરી થઇ એની સાથે જ એણે પોતાના દરવાજાની ડોરબેલ દબાવી હાશકારો લીધો.

સંગીતાએ દરવાજો ખોલી કહ્યું:'આવી ગયા! મને એમ કે રસ્તામાં હોય તો એક-બે વસ્તુ લેતા આવો. વાંધો નહીં ઉતાવળ નથી. આવતીકાલે લેતા આવજો. આવી જાવ...'

'હું બિલ્ડીંગ સુધી આવી ગયો હતો એટલે ફોન ઉપાડ્યો નહીં...' બોલ્યા પછી અખિલને પોતાની જાત પ્રત્યે જ સવાલ થયો કે સંગીતાને ખુલાસાની જરૂર ન હતી છતાં પોતે કેમ કહ્યું હશે? પોતે ઉપર સારિકાની તપાસ કરવા ગયો હતો એટલે?

રોજની જેમ અખિલે પરવારીને અલકમલકની વાતો સાથે જમી લીધું.

સંગીતા કામ પરવારીને બેડરૂમમાં આવી ત્યાં સુધીમાં અખિલને ઘણા વિચાર આવી ગયા હતા. એના ભાગરૂપે જ એણે સોસાયટીની વાત શરૂ કરવાનું નક્કી કર્યું ત્યાં સંગીતાએ જ સામેથી વાત શરૂ કરી. એ વાત રહીશોની આવન- જાવન પર આવી ગઇ ત્યારે એણે પૂછ્યું:'આપણી બિલ્ડીંગમાં કોણ રહેવા આવે છે અને ચાલ્યું જાય છે એની ખબર પડતી નથી નહીં...?'

'ગઇકાલે એક નવા રહેવા આવ્યા જ ને?' સંગીતાએ કહ્યું.

'કોણ...?' અખિલ જાણવા ઉત્સુક થઇ ગયો હતો.

'એક સ્ત્રી છે. નામની ખબર નથી. હું પૂછવાનું ભૂલી ગઇ. આજે બપોરે આવી હતી. કહેતી હતી કે નવી જ રહેવા આવી છું. સોસાયટી વિશે પૂછતી હતી...' સંગીતાએ માહિતી આપી.

'એ કેવી દેખાતી હતી?' એવો પ્રશ્ન અખિલના ગળા સુધી આવીને અટકી ગયો. થૂંક સાથે એને ગળી ગયો. પોતાની ઉત્સુક્તાને દબાવીને જાણે એની પડી ના હોય એમ પૂછ્યું:'ઘણા લોકો નવા રહેવા આવે છે. જીવનની દોડધામમાં કોઇની પાસે વાત કરવાનો ક્યાં સમય હોય છે? એ કંઇ કામ માટે આવી હતી?'

'ના, પણ દેખાવે જેટલી સુંદર હતી એટલી જ સ્વભાવની સારી હતી. બળ્યું મેં નામ કેમ ના પૂછ્યું?' સંગીતા અફસોસ વ્યક્ત કરવા લાગી.

'કંઇ નહીં. તને ખાસ મળવા આવી છે એટલે આવતી જ રહેશે ને?' અખિલે મનોમન વધુ માહિતીની આશા વ્યક્ત કરી.

'ના, એ તો હું બહાર ચંપલ ગોઠવતી હતી ત્યારે ઉપર જતી વખતે મળી હતી...હા, તમારા એક બૂટની જોડી ખરાબ છે તે ફેંકી દીધી છે હોં... બીજા નવા લઇ આવીશું. બહારગામ જઇએ ત્યારે જોઇશે...' સંગીતાએ એ સ્ત્રી કરતાં બૂટની વાતને વધારે મહત્વ આપ્યું હતું.

'વાંધો નહીં... એ કયા માળે રહેવા આવ્યા છે?' અખિલે નવા રહીશની વાત ચાલુ રાખી.

'એની તો ખબર નથી. પણ એ એક વખત મળ્યા પછી લાખોમાં ઓળખાય જાય એવી છે...' સંગીતા ઇર્ષાથી બોલી હોય એમ અખિલને લાગ્યું.

'એવું કેમ?' અખિલના મનમાં એ નવી રહીશ સારિકા હોવાની ગણતરી પૂરી થઇ રહી હતી.

'એ હીરોઇનને ટક્કર મારે એવી દેખાય છે. તૈયાર પણ એવી થઇ હતી કે...' સંગીતાએ વાત અધૂરી જ છોડી દીધી અને કંઇક યાદ આવ્યું હોય એમ 'હું શાક સમારી લઉં. કાલની રસોઇની તૈયારી બાકી છે...' બોલતી રસોડામાં જતી રહી.

અખિલને થયું કે એ સ્ત્રી સારિકા જ હોવી જોઇએ. પણ એની વાત કરવામાં સંગીતાને કેમ બહુ રસ ના પડ્યો? એ વધારે પડતી સુંદર છે એટલે? હવે એ સારિકા જ છે એવું કેવી રીતે નક્કી થશે?

અખિલ વિચારમાં હતો અને એના ફોનની રીંગ રણકી. મેનેજર પટેલનો ફોન હતો.

'અખિલ, સોરી આજે તારે પાછું ઓફિસે જવું પડશે. તે દિવસ જેવું જ કામ આવી ગયું છે. બીજી કંપની છે. આજે રાત્રે જ એનો અહેવાલ તૈયાર કરીને આપવો પડે એમ છે. તું આવતીકાલે આવીશ નહીં તો ચાલશે. આજે કામ સંભાળી લે...' મેનેજર પટેલના અવાજમાં દિલગીરી હતી.

'પટેલ સાહેબ, વાંધો નહીં. હું જઉં છું.' અખિલે લાંબી વાત કર્યા વગર સરળતાથી સંમતિ આપી દીધી એની મેનેજરને નવાઇ લાગી પણ આનંદ થયો હોય એમ કહ્યું:'આભાર!'

અખિલે પોતાના જ મનને સવાલ કર્યો:'તેં કંપની માટે હા પાડી કે સારિકાને મળવાના આશયથી?

ક્રમશ: