" કૉલેજ કેમ્પસ "ભાગ-49
અને પરી તેમજ આકાશ માતાજીના મંદિરના પરિસરની જગ્યાની સફાઈ કરાવવાથી માંડીને હવનની બધીજ તૈયારી બરાબર કરાવવાની જવાબદારી સોંપીને આવતીકાલે હવનના સમયે અમે સમયસર આવી જઈશું તેમ કહીને નીકળી ગયા.
પરી પોતાની માં માધુરીની તબિયતને લઈને આજે થોડી વધારે ચિંતિત અને ઈમોશનલ હતી. હવે માં ગાયત્રી માધુરીની તબિયતને સુધારવામાં મદદ કરે છે કે નહિ તે આપણે આગળ જોઈશું....
બીજે દિવસે હવનની સંપૂર્ણ તૈયારી માતાજીના મંદિરના પરિસરમાં થઈ ગઈ હતી. ખૂબજ સુંદર હવનકુડની રચના કરવામાં આવી હતી. પરી અને નાનીમા પણ સમયસર તૈયાર થઈને મંદિરે પહોંચી ગયા હતા, હવન કુંડની આજુબાજુ બે મહારાજ ગોઠવાઈ ગયા હતા અને તેમની સામેની બાજુ યજમાન તરીકે પરી અને નાનીમાને ગોઠવી દેવામાં આવ્યા હતા. મહારાજે માતાજીનું આહ્વાન કર્યું અને હવન શરૂ કરી દીધું હતું. વાતાવરણ શુદ્ધ, શાંત અને ભક્તિમય બની ગયું હતું. આકાશ અને તેના મમ્મી પપ્પા પણ સમયસર આવી ગયા હતા.
બંને મહારાજ વારાફરથી "ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધીયોયોન: પ્રચોદયાત" ગાયત્રી મંત્ર બોલી રહ્યા હતા અને સાથે સાથે પરી અને નાનીમા પણ ગાયત્રી મંત્ર બોલી રહ્યા હતા અને હવનમાં આહુતિ આપી રહ્યા હતા.
નાનીમાના ચહેરા ઉપર, કંઈ કેટલાય સમય બાદ પોતાની ઈચ્છા પૂર્ણ થઈ હોય તેનો જે આનંદ અને શાંતિ મળે તેવો આનંદ અને શાંતિ પથરાયેલી દેખાતી હતી.
પરીએ ઓરેન્જ કલરના એટલે કેસરિયા કલરના સુંદર ચણિયાચોળી પહેર્યા હતા જેમાં તે ખૂબજ સુંદર નાની સાધ્વી જેવી નિર્મળ અને પવિત્ર લાગી રહી હતી. આજે આકાશની નજર તેની ઉપરથી હટતી નહોતી.
થોડીવાર પછી આકાશને અને તેના મમ્મી પપ્પાને પણ હવનમાં આહુતિ આપવા માટે બેસાડવામાં આવ્યા.
નાનીમાએ પોતાના સગા સંબંધીઓને અને પતિ મોહિતભાઈના અંગત મિત્ર વર્તુળને પણ હવનમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું.
એક પછી એક બધા મહેમાનો પધારી રહ્યા હતા. નાનીમાને ક્રીશા, શિવાંગ અને છુટકી હવનમાં ન આવી શક્યા તેનું દુઃખ થઈ રહ્યું હતું અને જાણે તેમની ખોટ સાલી રહી હતી.
આકાશ હવનમાં આહુતિ આપવા માટે બિલકુલ પરીની બાજુમાં ગોઠવાઈ ગયો હતો અને મનમાં ને મનમાં માતાજીને પ્રાર્થના કરી રહ્યો હતો કે પરી તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય અને જો તેમ થશે તો તે ફરીથી આ રીતે આ જ જગ્યાએ સુંદરરીતે માતાજીનું હવન કરાવશે તેવી તેણે માનતા પણ રાખી લીધી હતી. પરંતુ પરીના મનમાં આવો કોઈ જ વિચાર અત્યારે ન હતો તે મનોમન માતાજીને એક જ પ્રાર્થના કરી રહી હતી કે, " હે માં મારી મોમ માધુરી ભાનમાં આવી જાય અને બિલકુલ સાજી થઈ જાય, મારે મારી મોમ જોઈએ છે, મારે તેની સાથે વાત કરવી છે મારે મારી માં કેવી છે તેને ઓળખવી છે, તેનાં હ્રદયને સ્પર્શવુ છે તેને મનભરીને ભેટવું છે બસ, મારે તો મારી માં જ જોઈએ છે " અને તેની આંખના ખૂણા ભીનાં થઈ ગયા હતા અને કોઈની નજર ન પડે તે રીતે તે ફટાફટ પોતાની આંખો લૂછવા લાગી પરંતુ આકાશની નજર તેની ઉપર જ અટકેલી હતી તેથી તેણે ઈશારાથી પરીને પૂછ્યું પણ ખરું કે, " શું થયું, કેમ રડે છે ? "
પરીએ પણ ઈશારાથી, " કંઈ નહીં " એટલું કહીને જવાબ આપી તે બિલકુલ શાંત થઈ ગઈ.
હવન શાંતિથી પૂર્ણ થઈ ગયું એટલે બરાબર બાર વાગ્યાને ઓગણચાલીસ મિનિટે યજ્ઞકુંડમાં શ્રીફળ હોમવામાં આવ્યું. જેવું યજ્ઞકુંડમાં શ્રીફળ હોમ્યું કે તરત જ બહાર વરસાદના છાંટા પડયા જાણે તે પણ હવનમાં હાજરી પૂરાવવા માટે આવ્યા હતા અને આ વરસાદના છાંટા જોઈને હવન કરાવનાર જાણકાર શાસ્ત્રીજી મહારાજે નાનીમાને કહ્યું કે, " માતાજીએ સુખરૂપ તમારા આ હવનનો સ્વિકાર કર્યો છે અને આ વરસાદના અમી છાંટણા તે અત્યારે તમને કોઈ શુભ સંકેત આપી રહ્યા છે કે નજીકના સમયમાં તમને કોઈ અણધારેલી સફળતા કે પ્રાપ્તિ મળશે. "
માતાજીના અને મહારાજશ્રીના આ આશિર્વચનથી નાનીમા તેમજ પરી બંને ખૂબજ ખુશ થયા અને નાનીમાએ બંને મહારાજને બસીક્ષ આપી ખુશ કર્યા. પરી પણ બંને મહારાજને પગે લાગી અને તેમના આશીર્વાદ લીધાં.
પછી બધા જમણવાર રાખ્યો હતો તે જગ્યાએ પહોંચી ગયા. દાળ, ભાત, શાક, લાડુ અને પુરીનું જમણ તૈયાર હતું. નાનીમા આવેલ દરેકે દરેક વ્યક્તિ સાથે પરીની ઓળખાણ કરાવતા હતા અને કોઈ જ્યારે એમ કહેતું કે, " આ તો બીજી માધુરી જ છે " ત્યારે નાનીમા ખૂબજ ખુશ થઈ જતાં અને પરીના ઓવારણાં લઈ બેસતાં અને મનમાં બોલતાં કે, " મારી માધુરી તો નજરાઈ ગઈ પણ હવે મારી પરીને કોઈની નજર ન લાગવી જોઈએ " અને પરી નાનીમાની આ હરકત ઉપર જરા મીઠો છણકો પણ કરી લેતી કે, " આટલા બધાની વચ્ચે આ શું કરે છે નાનીમા ? " ત્યારે નાનીમા તેને સમજાવતાં કહેતા કે, " એ તો તને ના ખબર પડે બેટા "
આકાશ ક્યારનો આ બધું જોઈ રહ્યો હતો પછી તે પોતાના મમ્મી પપ્પાને લઈને પરીની નજીક આવ્યો અને પરીને તેના મમ્મી પપ્પાની ઓળખાણ કરાવી. પરી તે બંનેને પગે લાગી અને તેમને જમવા માટે કહ્યું.
આકાશ જમવા માટે પરીની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ પરી તો નાની નાની બાલિકાઓને ગોયણી માટે બોલાવી હતી તેમને પ્રેમથી અને શાંતિથી જમાડવામાં બીઝી હતી. તેણે આકાશને એકલા જ જમી લેવા માટે કહ્યું પણ આકાશ આજે પરીને મૂકીને જમવા માટે તૈયાર ન હતો.
આકાશ પરીની આગતાસ્વાગતા અને દરેકને પ્રેમથી આગ્રહપૂર્વક જમાડવાનો પરીના શોખને નીરખી રહ્યો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, "આટલી રૂપાળી અને આવી ડાહી, ઠરેલી, હોંશિયાર અને વિવેકી છોકરી જો પત્ની તરીકે મળી જાય તો મારો તો બેડો પાર થઈ જાય અને આજે તો પરીને મારા દિલની વાત કરી જ લેવી છે." તેમ વિચારતો હતો અને એટલામાં પરી તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને તેને જમવા માટે કહેવા લાગી.
બંને જમવા જવા માટે આગળ વધ્યા.
હવે શું આકાશ આજે પોતાના દિલની વાત પરીને કરી શકશે ? પરી તેનો શું જવાબ આપશે ? પરી પોતાની માં માધુરીને મળવા માટે જઈ શકશે ? અને જશે તો તેનું શું પરિણામ આવશે ? ક્રીશાને અને શિવાંગને તે વાત ગમશે ? ઘણાંબધાં પ્રશ્નો આપણી સામે ઉભા છે. જવાબ આપણે જોતાં રહીશું... આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/11/22