Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 48

" કૉલેજ કેમ્પસ "ભાગ-48
આકાશના બધાજ ફ્રેન્ડ્સ પરીને તેમજ આકાશને બંનેને હાફ એન અવર વધુ બેસવા માટે રીક્વેસ્ટ કરવા લાગ્યા પરંતુ પરી હવે વધુ બેસવા માટે તૈયાર નહોતી. તો આકાશના બધાજ ફ્રેન્ડ્સે પરી પાસે પ્રોમિસ માંગી કે તે અહીંયા અમદાવાદમાં છે ત્યાં સુધી દરરોજ આ રીતે તેમને મળવા માટે આવશે. પરીએ તેમને પ્રોમિસ આપી કે, " આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ફોર ઈટ "
અને પછી હસીને બધાને બાય કહીને બંને ઘરે જવા માટે નીકળ્યા.
રસ્તામાં પરી આકાશને પૂછી રહી હતી કે, " કેટલા સમયથી તે આ ગૃપ સાથે જોડાયેલો છે અને દરરોજ રાત્રે તે આ રીતે અહીં આવે છે ? "

આકાશે વિચાર્યું નહોતું કે પરી તેને આવો પ્રશ્ન પૂછશે પણ પૂછી જ લીધો છે તો હવે તેનો જવાબ આપ્યા વગર આકાશનો છૂટકો પણ નહોતો એટલે તેણે પરીને શાંતિથી જવાબ આપ્યો કે, " ના, રોજ હું અહીંયા બેસવા માટે નથી આવતો પણ થોડા દિવસ થાય એટલે આ બધા મિત્રો યાદ આવી જાય ત્યારે આવું છું. પણ તે મને કેમ આવું પૂછ્યું. "
પરી: કંઈ નહીં. બસ એમજ.
અને આકાશ આગળ કશું જ ન બોલી શક્યો.
પરી પણ ચૂપ રહી અને એટલામાં આકાશે વાત બદલતાં પરીને પૂછ્યું કે, " પરી નાનીમાએ હવન માટેનો કયો દિવસ નક્કી કર્યો ? "
પરી: ના નાનીમા આજે નક્કી કરશે.
આકાશ: ઓકે ઓકે.
બસ આ વાતો હજી તો ચાલી જ રહી હતી અને એટલામાં તો પરીનું ઘર આવી ગયું એટલે આકાશે પોતાનું બુલેટ નાનીમાના ઘર પાસે રોકી લીધું અને પરી નીચે ઉતરી ગઈ આકાશે હસીને તેને બાય કહ્યું અને સવારે મળીએ તેમ કહીને તે નીકળી ગયો.

પરીએ ડોરબેલ વગાડ્યો એટલે નાનીમાએ દરવાજો ખોલ્યો અને તરતજ પરીને પૂછ્યું કે, " કેમ બેટા આટલું બધું મોડું કર્યું, કેટલે ગયા હતા ? "
પરી: મોડું નથી થયું નાનીમા, સમયસર જ ઘરે આવી ગઈ છું અને ક્યાં બેસવા ગયા હતા તે તો મને પણ ખબર નથી પણ આકાશ અહીંથી થોડે દૂર લઈ ગયો હતો એટલી મને ખબર છે. "
નાનીમા: બેટા, રાતના સમયે બહુ દૂર સુધી નહીં જવાનું, વાંધો નહીં જો કે આકાશ તો ઘરનો જ દિકરો છે. પણ અત્યારે સમય બહુ ખરાબ છે બેટા એટલે મને થોડી ચિંતા થાય.
પરી નાનીમાને ભેટી પડી અને નાનીમાને માધુરીની યાદ અપાવતી રહી. પછી સૂઈ જવા માટે અંદર પોતાના રૂમમાં ગઈ અને એકદમ આકાશ હવન વિશે પૂછતો હતો તે યાદ આવ્યું એટલે તે નાનીમાને હવન ક્યારે કરવું છે તેમ પૂછવા લાગી.

નાનીમાએ જણાવ્યું કે, " એક દિવસ પછીનો દિવસ સારો દિવસ છે અને રવિવાર પણ છે તો આપણે પરમદિવસે એટલે કે રવિવારે જ હવન રાખીએ. "
પરી પણ ખૂબજ ઉત્સુકતાથી બોલી કે, " ઓકે નાનીમા તું જેમ કહે તેમ. તો આપણે આવતીકાલે બધી હવનની તૈયારી કરી લઈએ. "
નાનીમા: તૈયારીમાં તો કંઈ કરવાનું નથી બેટા બધું જ આપણે મહારાજને બોલાવીને સોંપી દીધું છે પણ તારે જવું હોય તો મંદિરે એક આંટો મારી આવજે બેટા અને સવારે આપણે બસ હવનમાં બેસવા માટે તૈયાર થઈને જવાનું છે.
પરી: ઓકે, નાનીમા હું તો હવનમાં બેસવા માટે સરસ યલો કલરની ચણીયાચોળી લઈને આવી છું તે જ પહેરવાની છું.
નાનીમા: સારું બેટા, તારે જે પહેરવું હોય તે પહેરજે હવે અત્યારે આપણે સૂઈ જઈશું બેટા ?
પરી: હા નાનીમા, ગુડ નાઈટ
નાનીમા: ગુડ નાઈટ બેટા.
અને નાનીમા અને પરી બંને શાંતિથી સૂઈ ગયા હવે સવાર પડજો વહેલી.

સવાર સવારમાં હજી તો સૂર્યનાં સોનેરી કુમળા કિરણો પરીના રૂમની બારીમાંથી તેનાં ચમકદાર મોહક મુખ ઉપર પડે અને તેની મીઠી નિંદર ઉડે તે પહેલાં આકાશનો ફોન આવી ગયો અને ઊંઘમાં ને ઊંઘમાં જ પરીએ ફોન ઉપાડ્યો.
પરી: હલો, કોણ?
આકાશ: એય આકાશ બોલું, ઉઠ હવે સવાર પડી ગઈ ચાલ આપણે ચાલવા જવાનું છે. હું તને લેવા માટે આવું છું.
પરી: અંહ, મારે ચાલવા-બાલવા નથી આવવું. ઊંઘવા દે ને યાર. ફોન મૂક.
અને આકાશે હસીને એમ કહીને ફોન મૂકી દીધો કે, " ઓકે ચાલ, ઉઠીને મને ફોન કરજે.

નાનીમા આજે થોડા વહેલાં જ ઉઠી ગયા હતા અને પોતાના રુટિન મુજબ માતાજીના દર્શન આરતી વગેરે કરવા લાગ્યા અને ઘંટડીનો મીઠો રણકાર તેમજ આરતીના મીઠાં ગાનથી પરી ઉઠી ગઈ અને ચૂપચાપ નાનીમાની બાજુમાં જઈને બેસી ગઈ‌. નાનીમાએ તેને લાડથી પ્રેમથી આરતીના તેમજ માતાજીના આશીર્વાદ આપ્યા અને તે માતાજીને વિનંતી કરી રહ્યા કે, " મારી પરીની રક્ષા કરજે માં અને ક્યારેય પણ તે તકલીફમાં હોય તો તેની મદદે તું જઈને ઉભી રહેજે માં. "

પરી નાહી ધોઈને તૈયાર થઈ અને આકાશ તેને લેવા માટે આવ્યો. બંને જણાં હવન કરવાનું હતું તે મંદિરમાં મહારાજશ્રીને મળવા માટે ગયા અને શાંતિથી થોડી વાર ત્યાં બેઠાં. પરીને પોતાની માં માધુરી યાદ આવી ગઈ અને તે આકાશ સાથે પોતાની માંની વાતો શેર કરવા લાગી અને તેની તબિયતની ચિંતા કરવા લાગી અને તેની આંખમાં પાણી આવી ગયું.

આકાશે તેને પાણી લાવીને પીવડાવ્યું અને સાંત્વના આપી અને વિશ્વાસ આપ્યો કે, તું માતાજીના હવનમાં બેસીશ ને તો માતાજી પાસે તારી મોમની તબિયત સારી થઈ જાય અને તે બિલકુલ ઓકે થઈ જાય તેવા આશીર્વાદ માંગજે તો માં ગાયત્રી તારી ઈચ્છા ચોક્કસ પૂરી કરશે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે.

અને પરી તેમજ આકાશ માતાજીના મંદિરના પરિસરની જગ્યાની સફાઈ કરાવવાથી માંડીને હવનની બધીજ તૈયારી બરાબર કરાવવાની જવાબદારી સોંપીને આવતીકાલે હવનના સમયે અમે સમયસર આવી જઈશું તેમ કહીને નીકળી ગયા.

પરી પોતાની માં માધુરીની તબિયતને લઈને આજે થોડી વધારે ચિંતિત અને ઈમોશનલ હતી. હવે માં ગાયત્રી માધુરીની તબિયતને સુધારવામાં મદદ કરે છે કે નહિ તે આપણે આગળ જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/11/22