દશાવતાર - પ્રકરણ 28 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 28

          વિરાટ દીવાલની પેલી તરફ ગયો ત્યારથી પદ્મા બેચેન હતી. કોઈ કામમાં એ જીવ નહોતી પરોવી શકતી. વિરાટ તેને કેનાલે છોડી ગયો એ પછી કેનાલમાં કૂદવું કે માછલાં પકડવા મુશ્કેલ બની ગયા હતા. પાણીમાં કૂદકો લગાવતા જ વર્ષો પહેલાનો વિરાટ બાળક બનીને તેની સામે આવી જતો. તેને વિરાટે ડૂબતી બચાવી એ દૃશ્ય આંખ સામે ખડું થઈ જતું. કોઈની સાથે વાત કરવી પણ ન ગમતી. અરે, ખુદ અંગદ સાથે પણ તેને એકલું લાગતું. અંગદ એનો બાળમિત્ર હતો. પદ્માને વિરાટ કે અંગદ સાથે હોય ત્યારે ક્યારેય એકલું ન લાગતું.

           એ ચિંતિત હતી પણ કોને કહેવું? દીવાલની આ તરફ લોકો ક્યાં લાગણીઓ સમજતા જ હતા? શૂન્યને વળી લાગણી શું? એ પોતાના મનની વ્યથા કોઈને કહી શકતી નહોતી. અંગદને પણ એ કશું કહેવા માંગતી નહોતી કેમકે અંગદ નાની નાની વાતે ઉશ્કેરાઈ જતો. તેના મનમાં પણ વિરાટ જેમ દીવાલ પેલી તરફના લોકો પર ભારોભાર રોષ હતો. એકવાર તો તેણે વેપારીના મેળામાં લૂંટ કરવાની યોજના બનાવી હતી પણ પદ્મા અને વિરાટને એ ખબર પડતાં તેને રોક્યો હતો. વેપારીના મેળામાં લૂંટ કરવી એ મોતને આમંત્રણ આપવા જેવુ હતું. ખુદ ભદ્રા અને તેના અવલ્લ નંબરના બદમાશો પણ એવા વિચાર ન કરતા.

           તેને એક જ ચિંતા સતાવતી હતી. વિરાટ દીવાલની પેલી તરફ કોઈ મૂર્ખાઈ કરી બેશશે તો? કદાચ એ કોઈ સાહસ કરી બેસે તો? કદાચ એ કોઈ નિર્ભય સિપાહીનો હુકમ માનવાનો ઇનકાર કરશે તો?

           વિરાટ કેનાલથી ગયો એ પછી પદ્મા કૃષિ બજાર ગઈ અને સાંજ સુધીનો સમય અંગદ સાથે ગાળ્યો હતો. એ વિરાટને વળાવવા સ્ટેશન ન જઈ શકી કેમકે સ્ટેશને અઢાર વર્ષ પહેલા જવા પર પ્રતિબંધ હતો. અંગદથી છુટ્ટા પડી એ પોતાની ઝૂંપડીએ ગઈ પણ કાયમી પ્રાણપ્રિય લાગતી એ ઝૂંડપી એ દિવસે જાણે ખાવા દોડતી હતી.

           એને જરાય ભૂખ નહોતી છતાં મા સાથે જમવા બેસવું પડ્યું કેમકે એ માને દુખી કરવા નહોતી માંગતી. જ્યારે પણ એ ભૂખી રહે તેની મા ઉદાસ થઈ જતી. પોતે પણ ન ખાતી. ભલે એ પૂરા હોશમાં નહોતી છતાં મા હતી અને એક મા ભલે ગમે તે હાલમાં હોય તેના બાળકની ચિંતા કર્યા વગર રહી ન શકે.

           અંધારું ઘેરું થયું અને આગગાડીની સીટી સંભળાઈ ત્યાં સુધીમાં ભોજન પૂરું ગયું. એ ઝૂંપડી બહાર સળગતા ફાનસ નીચે બેસી તેની અને વિરાટની મીઠી યાદો વાગોળતી રહી. એ કદંબ વનમાં એકબીજાને મળતા, વિરાટ તેના માટે ક્યારેક જંગલમાથી કેરીઓ તોડી લાવતો. એ તેની કેટલી ફિકર કરતો, તેનો ગુસ્સો, તેનો પ્રેમ એ બધી વાતો જાણે તેની છાતી પર ભારે પથ્થરની જેમ બેસી ગયા હતા. એ બહાર હવામાં પણ ગૂંગળામણ અનુભવવા લાગી.

           આખરે કંટાળીને એ અંદર ગઈ અને મા પાસે જઈ સૂઈ ગઈ. જોકે એ ઊંઘી ન શકી. અડધી રાત સુધી એ ઝૂંપડીની છતને તાકી રહી.

           એ જાગી ત્યારે એક સપનું જોઈને જાગી હતી. એ વિરાટના સપના દિવસભર જોયા કરતી પણ રાતે ક્યારેય એ એના સપનામાં આવ્યો નહોતો. એ રાતે એણે પહેલીવાર વિરાટને તેના સપનામાં જોયો.

           સપનામાં એ દીવાલની પેલી તરફ હતો. એ કોઈ તબાહ શહેરના છેડાની એક ખંડેર ઇમારત પાસે ઊભો હતો. તેની આસપાસ ખુલ્લા મેદાનમાં મેદની સમાતી નહોતી. જોકે એ શૂન્ય લોકો નહોતા. એ મેદની શૂન્યોની નહોતી. એ ભીડમાં લોક પ્રજા, નિર્ભય સિપાહીઓ અને દેવતાઓ હતા. વિરાટની આસપાસ ઊભી એ મેદનીમાં દરેકના હાથમાં હથિયારો હતા. એ બધા કોઈ યુદ્ધ લડવા જતાં હોય તેવી તૈયારીમાં હતા. વિરાટ એ બધાનો સેનાનાયક હોય તેમ એમને સૂચનાઓ આપતો હતો.

           સપનામાં સૌથી વિચિત્ર બાબત હતી એક સફેદ ઘોડો. વિરાટ સફેદ ઘોડા પર સવાર હતો. ઘોડો શૂન્ય લોકો માટે અજાણ્યું પ્રાણી હતું. દીવાલની આ તરફ ઘોડાઓ માત્ર વેપારીના મેળા વખતે જ જોવા મળતા. રેત લઈને વહેતો પવન જોરમાં હતો. ઘોડાની કેશવાળી દક્ષિણ તરફ ફરકતી હતી. સ્ટેશન જેવી વિધુતની ફોક્સ લાઈટોમાં એ કેશવાળી એવી લાગતી હતી જાણે આગમાં ઘઉના સરાં નાખીએ અને તણખા થતા હોય.

          “દેવદત્ત....” વિરાટે તલવાર હવામાં ઊંચકી અને ઘોડાને નામ લઈ બોલાવ્યો. તેની તલવાર નિર્ભય સિપાહીઓની તલવાર જેમ વાંકી નહોતી. એ સીધી હતી. એ તદ્દન નોખી બનાવટની હતી.

          ઘોડો આગળના બે પગ પર ઊભનાળે થયો. તેના લોખંડી અવયવોમાં ગજબ સંચાર થયો. બે પગે ઊંચા થયેલા ઘોડા પર હાથમાં તલવાર લઈ સવાર વિરાટ તેને અવતાર દેખાયો. તેણે ઘોડાને ડચકાર્યો એ સાથે જ ઘોડો તીરની જેમ ઉત્તર દિશા તરફ વછૂટયો. એ મેદાનમાં ખડી મેદની પણ એટલી જ રાહ જોતી હોય તેમ હથિયારો હવામાં ઊંચા કરી તેની પાછળ જવા લાગી. કેટલાક લોકો ઘોડા પર હતા, કેટલાક નિર્ભય સિપાહીઓ આક્રમણ વખતે લઈને આવે તેવી મોટરસાઇકલો પર અને કેટલાક તો એવા મશીન પર હતા જે શૂન્યોએ ક્યારેય જોયા જ નહોતા.

          તેઓ જંગના મેદાનમાં હતા. એક પળમાં આખું રણમેદાન ધૂળની ડમરી, લલકાર અને હુંકારના અવાજથી ભરાઈ ગયું. પછી એને બીજી તરફની સેના દેખાઈ. બીજી તરફ પાટનગરના સિપાહીઓ હતા. એ સિપાહી કરતાં વધારે લોહી તરસ્યા જાનવર દેખાતા હતા. સેનાના સંખ્યાબળની સરખામણી કરીએ તો વિરાટ અને તેની સેના માટે એ જંગ જીતવી અસંભવ હતું. તેમની સામેના સિપાહીઓનું સંખ્યા બળ તેમના કરતાં દસેક ગણું વધારે હતું.  

          મોટા ભાગે વિરાટને અનુસરતા સિપાહીઓ બખ્તર વગર હતા. તેમના શરીર ફોક્સ લાઇટના ઉજાસમાં ચમકતા હતા. દુશ્મન સેનાના મોટાભાગના સિપાહીઓ બખતરોમાં સુરક્ષિત હતા. એમની પાસે અજીબ મશીન હતા. એ મશીન સામે વિરાટ અને તેની સેના અમુક મિનિટો જ ટકી શકે તેમ લાગતું હતું.

          બંને સેના એકબીજા સાથે ટકરાઇ, કોઈ તલવારો ઢાલને ભટકાઈ તો કોઈ લોહીમાં ભીંજાઇ, કોઈ ભાલા ઘોડાઓના શરીરમાં ઉતરી ગયા તો કેટલાક લોકો મશીનો નીચે કચડાઈ ગયા. મિનિટોમાં તો રણમેદાનમાં રેત લોહીથી ભીંજાઇ ગઈ.  

          નિર્દય જંગ લડાતી રહી. હવામાં લોહીની વાસ અને મરણચીસો ભળવા લાગી. કોઈ ગજબના મશીન ધમાકા કરવા લાગ્યા અને ધુમાડાના ગોટા ફોક્સ લાઇટોના અજવાળાને આગળ વધતું અટકાવવા માંડ્યા. રણમેદાન એક પળમાં રણમેદાન મટી જાણે નરકનો અખાડો બની ગયું.

          વિરાટની સેના મરણિયો પ્રયાસ કરતી રહી પણ તેમની તાલીમ, સંખ્યા અને હથિયારો બધુ જ ઓછું હતું. અમુક સમયમાં ખેલ ખતમ થઈ જાય તેમ હતો. કોણ જીતશે અને કોણ હારશે એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કદાચ વિરાટની સેનાને પણ અંદાજ આવી ગયો હતો કે અંત નજીક છે. એ સિપાહીઓ વાનરરાજની જયના નાદ સાથે યા હોમ કરી મશીનો અને મોતના મોંમાં કૂદી પડતાં હતા.

          જોકે હજુ વિરાટ જે તરફ હતો ત્યાં કારુની સેનામાં હાહાકાર મચેલો હતો. તેની તલવાર દુશ્મનના હાથ પગ અને માથા કાપતી હતી. તેનો ઘોડો દેવદત્ત જાણે ચમકતા લોઢાંનો બન્યો હોય તેમ દુશ્મન સિપાહીઓના માથા કચડી આગળ વધતો હતો.  

          થોડા સમયમાં પાટનગરના સિપાહીઓ સમજી ગયા કે વિરાટ અને દેવદત્તના રસ્તામાથી ખસી જવામાં જ ભલાઈ છે. દેવદત્ત આગળ ધીમે ધીમે મેદાન ખાલી થવા લાગ્યું હતું.

          “રત્નમેરુ તને બચાવી નહીં શકે.” જેનું અડધું શરીર વજ્રનું અને બાકીનું શરીર માનવ જેમ હાડમાંસનું બનેલું હોય તેવો એક તેના અડધા શરીર જેવા ધાતુના ઘોડાને કૂદાવતો વિરાટ તરફ ધસી આવ્યો.

          વિરાટ કે દેવદત્ત સાવધ થાય એ પહેલા એ લોખંડનો ઘોડો હવામાં ઉછળ્યો અને હવામાં જ વજ્રના માણસે વિરાટની છાતી સોસરવી તલવાર પરોવી નાખી. લોખંડના ઘોડાના પગ જમીનને અડક્યા એ પછીની પળે વિરાટ દેવદત્ત પરથી નીચે પટકાયો.

          “આ તલવારથી તું ભગવાનને હરાવીશ એવું ધાર્યું હતું?” વજ્રમાનવે રાડ પાડી.

          “રત્નમેરુ તારા વિનાશ...” વિરાટ વધુ ન બોલી શક્યો કેમકે વજ્રમાનવે ફરી તલવાર તેની છાતીમાં ભોકી અને પદ્મા ચીસ પાડીને બેઠી થઈ ગઈ.

          દીવાલની આ તરફની ઠંડી રાતમાં પણ એના વાળ પરસેવાથી ભીના થઈ ગયા હતા. ઓશીકું પલળી ગયું હતું. એ ઊંઘમાં રડતી હતી. ખાટલામાં બેઠી થઈ ત્યારે આસુ ગાલ પરથી સરતા હતા.

          “પદ્મા...” તેની મા પણ ચીસ પાડીને બેઠી થઈ. તેને લાગ્યું જાણે એને કંઈક થયું છે.

          “શું થયું?” માએ એની ફરતે હાથ વીંટાળી દીધા. બાળપણમાં એ ડરી જતી ત્યારે એ એમ જ કરતી, “હું અહીં જ છું. હું તારી સાથે છું.” એ માનસિક રીતે અસ્વસ્થ હતી છતાં બાળકની ચીસે તેને એક પળમાં હોશમાં લાવી દીધી.

          “હું તારી સાથે જ છુ, બેટા..” એ બોલી, “મને માફ કર... જ્યારે તારે મારી જરૂર હતી હું તારી સાથે નહોતી...”

          “બધુ ઠીક છે મા..” એ તેની માને ભેટી પડી. મા પાગલ નહોતી. એને છેકથી વિશ્વાસ હતો કે મા પાગલ નથી. એ પાગલ નથી એ રહસ્ય જાણે પદ્મા જ જાણતી હતી. એ હકીકત મા દીકરી વચ્ચે સ્નેહના બંધન જેમ સચવાયેલું હતું.

          એ જાણતી હતી કે મા જ જાણે છે કે પ્રેમ શું છે. પ્રેમને મા એ લાગણી સમજતી જે માનવ માટે પાયાની લાગણી છે. એ લાગણી વગરનો માનવ માનવ નથી. જે લાગણી એ વિરાટ માટે અનુભવતી તેવો જ પ્રેમ એના માતા-પિતા વચ્ચે હતો.

          બધા એની માને પાગલ સમજતા પણ એના માટે એ ક્યારેય એક પાગલ સ્ત્રી નહોતી. એ જાણતી હતી કે મા એક દિવસ જરૂર ઠીક થઈ જશે. એ દુખમાં ગરકાવ છે.

          બધા કહેતા કે તે પાગલ છે કેમકે એ ક્યારેય લોકો વચ્ચે કશું બોલતી નહીં. પદ્માના પિતા પાછા ન આવ્યા એ પછી એ સૂનમૂન રહેવા લાગી. કોઈએ એ પછી તેને બોલતા સાંભળી નહોતી પણ પદ્માએ તેને સાંભળી હતી. એ ઘણીવાર માને રાતે ત્રિલોકનું નામ લઈ એકલી રડતાં જોતી. એ ટૂંટિયુંવાળી ખાટલામાં પડી પડી કલાકો સુધી રડતી.

           એ એક જ નામ હજારવાર બોલ્યા કરતી જાણે એ નામ કોઈ મંત્ર હોય. એ નામ હતું ત્રિલોક. એના પિતાનું નામ. એ નામ એ દરેક રાતે ઊંઘમાં પણ બોલ્યે જતી જાણે એ નામ ભગવાનનું નામ હોય. અને ખરેખર પણ તેના માટે ત્રિલોક જ ભગવાન હતો. એ બીજું કશું ન બોલતી એટલે લોકો તેને પાગલ સમજતા પણ પદ્મા જાણતી હતી કે એ પાગલ નથી. તેને બીજું કશું બોલવાનું જરૂર જ ક્યાં હતી? એ નામ જ તો તેનું જીવન હતું. એ નામ જ તેનો શ્વાસ હતું. એ નામ જ તેના હ્રદયના ધબકારા હતું. એ નામ જ તો તેને જીવતી રાખતું હતું.

           એ કારણે જ એ બીજું કશું કે બીજા કોઈથી ન બોલતી. દુનિયાના બીજા શબ્દોનું એના માટે કોઈ મહત્વ નહોતું. બીજા દરેક શબ્દો તેના માટે નકામા હતા. એ ત્રિલોક વગરના દુખી વર્તમાનને બદલે ત્રિલોક સાથે ગાળેલા સુખી ભૂતકાળમાં વધુ જીવતી. એ ત્રિલોકના દર્દનાક અંત બદલ પોતાને જવાબદાર સમજતી. ખુદને પીડા આપતી.

           પદ્મા જાણતી હતી કે પોતાની જાતને દુખી કરવાથી કે રડવાથી કશું વળવાનું નથી. તેના પિતા પાટનગરના કારાવાસમાં હતા જ્યાં નિર્ભય સિપાહીઓની આખી પલટન પહેરો ભરતી હતી. પણ મા એ હકીકત સ્વીકારવા તૈયાર નહોતી કે ત્રિલોક હવે ક્યારેય પાછો નહીં આવે. દુનિયમા લોકો માટે હજારો લાખો શબ્દો હતા પણ તેના માટે હવે દુનિયામાં એક જ શબ્દ હતો જે એ હજારો લાખો વાર બોલતી રહેતી – ત્રિલોક.

           “તું રડે છે.” માએ એને પુછ્યું.

           એણે ખૂણામાં લટકતી ફાનસ તરફ જોઈ કહ્યું, “ના...”

           મા થોડીવાર કઈ બોલ્યા વગર એને તાકી રહી પછી એના ખભા પર હાથ મૂકીને બોલી, “બેટા રડવાનું બંધ કર.”

           એણે હકારમાં માથું હલાવ્યું, “હા, મા.” એણે માના મોંએ વર્ષો પછી બેટા શબ્દ સાંભળ્યો હતો.

           “રડીશ નહીં..” માએ તેના આંસુઓ લૂછયા, “એ પાછો આવશે.”

           “મને વિશ્વાસ છે.” એણે કહ્યું. તેને નવાઈ લાગી કે મા એ પણ જાણતી હતી કે પોતે કેમ રડે છે.

           “મેં ખરાબ સપનું જોયું મા..”

           “એ તારા પ્રેમની કસોટી લેવા આવે છે.” માએ એક ઊંડો શ્વાસ લીધો, “એ ખરાબ સપના તારી પરિક્ષા લેવા આવે છે કે એ તને તોડી શકે તેમ છે કે નહીં પણ ક્યારેય એને તારા વિશ્વાસ કરતાં વધુ મજબૂત ન થવા દઈશ.” મા પણ હવે રડવા લાગી, “હું પણ દરેક રાતે એવા ખરાબ સપના જોઉં છું.”

           “મને ખબર છે મા. મને ખબર છે તું રોજ રાતે પિતાજી પર પાટનગરની કારાવાસમાં શું ગુજરતું હશે એના સપના જુએ છે અને એકલી એકલી રડે છે.”

           “પણ મેં એ સપનાઓ સામે ક્યારેય હાર નથી માની. મે તેમને મારો વિશ્વાસ ડગાવી શકે તેટલા મજબૂત નથી થવા દીધા.” એ મક્કમતાથી બોલતી રહી, “દુનિયાની કોઈ તાકાત મારો વિશ્વાસ ડગવી શકે નહીં. એ તારા પિતા જેવો જ વચનનો પાક્કો છે એ જરૂર પાછો આવશે.”

           પદ્માએ નિસાસો નાખ્યો. મા હજુ પૂરી હોશમાં નહોતી. એ હજુ એમ જ માનતી હતી કે ત્રિલોક જરૂર પાછો આવશે પણ પદ્મા જાણતી હતી કે લોકો પાટનગરની એ કાળકોટડીઓ વિશે શું કહેતા હતા. એ કોટડીઓમાં કેદ માણસ છ માસ કરતાં વધુ ન જીવતા. ત્યાં આપવામાં આવતી યાતનાઓ અમાનવીય હતી. માનવ તો શું કોઈ જાનવર પણ એ યાતનાઓ સામે ન ટકી શકે.

ક્રમશ: