Double XL books and stories free download online pdf in Gujarati

ડબલ XL

ડબલ XL

-રાકેશ ઠક્કર

જાડા શરીરને શરમજનક ગણવાના મુદ્દા પર નિર્દેશક સતરામ રમાનીએ ફિલ્મ 'ડબલ XL' બનાવી છે. એમાં ભારે શરીરવાળી સોનાક્ષી સિંહા અને હુમા કુરેશીની કેટલાક સંવાદોમાં હલ્કી- ફુલ્કી થોડી કોમેડી જરૂર છે. પરંતુ કદકાઠી સામાન્યથી વધુ હોય એમાં સ્ત્રીના અંગત જીવનને બદલે વ્યવસાયિક જીવન પરની એની અસર બતાવી છે. જે મુદ્દા પર ફિલ્મ બનાવી છે એના માટે નિર્દેશક બહુ સંવેદનશીલ દેખાતા નથી.

ફિલ્મની કોઇ ટ્વિસ્ટ કે ટર્ન વગરની વાર્તા એવી છે કે રાજશ્રી (હુમા) ની ઉંમર ૩૦ થી વધી ગઇ હોવાથી માતાને લગ્નની ચિંતા કોરી ખાય છે. દીકરીના લગ્ન ન થવાનું કારણ માતા એના જાડા શરીરને માને છે ત્યારે દાદી અને પિતા તેના ભરાવદાર શરીર મુદ્દે સહજ છે. રાજશ્રીને લગ્ન કરવા નથી અને ક્રિકેટમાં પ્રસ્તુતકર્તા બનવું છે. છતાં મા જીદ છોડતી નથી. બીજી તરફ સાયરા (સોનાક્ષી) નામની એક છોકરી ફેશન ડિઝાઇનર છે અને પોતાનું લેબલ લોન્ચ કરવા માગતી હોય છે. બંનેનો ઉછેર અલગ પ્રાંતમાં થયો છે અને સપના અલગ છે. સમાનતા એ છે કે સમાજના રવૈયાથી પોતાના જાડાપણા માટે હિનતાની લાગણી ધરાવે છે. સાયરા પોતાના પ્રેમી સાથે લંડનમાં ફેશન લેબલ લોન્ચ કરવા જઇ રહી હોય છે અને રાજશ્રી રમતગમતની પ્રસ્તુતકર્તા તરીકે પસંદ થઇ ચૂકી હોય છે પણ મોટાપાને કારણે એમના એ સપના તૂટી જાય છે. ત્યારે એમની જિંદગીમાં શ્રીકાંત (મહત) અને જોઇ (જહીર) આવે છે અને ઘણું બધું બદલવા લાગે છે.

બોલિવૂડમાં અગાઉ આ વિષય પર ભૂમિ પેડનેકરની 'દમ લગા કે હઇશા' બની ચૂકી છે ત્યારે નિર્દેશકે સારી નિયત સાથે 'ડબલ XL' બનાવી હોવા છતાં મુદ્દાથી ભટકી ગયા છે. જાડાપણાથી લોકોના આરોગ્યને શું તકલીફ થાય છે એના ઉપર પણ વિગતે વાત કરવાનું લેખક ચૂકી ગયા છે. બંને હીરોઇનો માટે લંડનમાં બધું સરળતાથી પાર પડે છે એ બાબત નવાઇ પમાડે છે. મુદ્દો સંવેદનશીલ છે પણ ઇમોશનલ કરી દે એવા દ્રશ્યોનો સદંતર અભાવ છે. હુમાએ ભારતમાં કેવા પ્રયત્ન કર્યા એ બતાવ્યું જ નથી. એ જ રીતે સોનાક્ષીનો ભૂતકાળ પ્રભાવી બનતો નથી. નવાઇની વાત એ છે કે હુમા સહિત ફિલ્મના નવ નિર્માતા છે. બોલિવૂડમાં હવે ફિલ્મો નહીં પણ પ્રોજેક્ટ બનતા હોય એનું આ એક ઉદાહરણ પણ કહી શકાય એમ છે. એક નિર્માતા OTT સાથે સોદો કરાવી આપે છે અને બીજા સેટેલાઇટ રાઇટ્સ વેચી આપે છે.

ફિલ્મને 'જરા હટકે' સાબિત કરવાનો પ્રયાસ કરવામાં એની વાર્તા પર ધ્યાન આપવામાં આવ્યું નથી. મેરઠની છોકરીને રમતગમતમાં પ્રસ્તુતકર્તા બનવું છે. અને માત્ર ક્રિકેટ જ રમતની દુનિયા હોય એવો અભિગમ છે. બીજી દિલ્હીની છોકરીને ફેશન ડિઝાઇનર બનવું છે. તો નિર્દેશકે એમને લંડન લઇ જવાની શું જરૂર હતી એવો પ્રશ્ન થાય છે. એ પરથી સ્પષ્ટ સમજી શકાશે કે એમનું વિદેશમાં શુટિંગ કરવાથી સબસીડીનો લાભ મળે એમ હતો.

દર્શકોની કમનસીબી એ છે કે ફિલ્મની પ્રશંસા કરી શકાય એવું એકપણ પાસું નથી. ૧૫ કિલો વજન વધારીને સોનાક્ષીએ પોતાની ભૂમિકાને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત એના કરતાં હુમાએ દિલથી અભિનય વધુ કર્યો હોવાથી વધુ પ્રભાવિત કરે છે. કેમકે હુમાએ જાહેરમાં એ વાતનો એકરાર કર્યો છે કે તે પણ તેના પાત્રની જેમ બૉડી શેમિંગનો શિકાર થઇ ચૂકી છે. સોનાક્ષી અને હુમાને એ વાત પર દાદ મળી રહી છે કે એમણે વજન વધારીને આવી ભૂમિકા કરવાનું સાહસ કર્યું છે. શુભા ખોટે અને કંવલજીત નાની ભૂમિકામાં પણ છાપ છોડી જાય છે. પૂર્વ ક્રિકેટર કપિલ દેવ કે હાલના શિખર ધવન મહેમાન ભૂમિકામાં આકર્ષણનું કેન્દ્ર બનતા નથી.

ફિલ્મના ગીત- સંગીતની તો વાત જ કરવા જેવી નથી. અર્થ વગરના શબ્દો સાથેનું 'તાલી તાલી' જેવું ગીત પણ તાલ આપવા મજબૂર કરે એવું નથી. ફિલ્મને હજુ ટૂંકી કરવાથી વધુ મનોરંજક બની શકી હોત. સોશિયલ મિડિયાના આ જમાનામાં બધાને પરફેક્ટ ફિગર જોઇએ છે ત્યારે બૉડી શેમિંગના એક જરૂરી મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે એવો બસ સંતોષ લઇ શકાય એમ છે. સોનાક્ષી એક દ્રશ્યમાં રડતાં રડતાં હુમાને કહે છે કે,'ઇન લોગોને હમારે સપને કા સાઇઝ નહીં દેખા, સિર્ફ હમારા સાઇઝ દેખા.' ફિલ્મ એવો સંદેશ આપી જાય છે કે પોતાના સપનાં પૂરા કરવા માટે શારીરિક નહીં માનસિક રીતે બદલવાની જરૂર છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED