ફોન ભૂત
-રાકેશ ઠક્કર
નિર્દેશક ગુરમીત સિંહની ફિલ્મ 'ફોન ભૂત' થી વધારે મનોરંજનની આશા રાખી શકાય એમ નથી. કેમકે એમાં મગજ વગરની કોમેડી છે અને ખાસ ડરાવતી નથી. રોલર કોસ્ટર રાઇડ પર લઇ જવાનો આભાસ ઊભી કરનારી ફિલ્મની સ્ક્રીપ્ટ નબળી છે.
ફિલ્મમાં મેજર (સિધ્ધાંત) અને ગુલ્લૂ (ઇશાન) નામના બે મિત્રોને ભૂતનો નાનપણથી જ ક્રેઝ હોય છે. તેઓ ભૂતની થીમ પર જ પાર્ટી આપે છે. એક વખત એમની મુલાકાત ખરેખર ભૂતની રાગિની (કેટરિના) સાથે થાય છે. ત્રણેય સાથે મળીને 'ફોન ભૂત' નામની હેલ્પલાઇન શરૂ કરે છે અને લોકોને ભૂતોથી મુક્તિ અપાવે છે. પણ બંનેને જ્યારે ખબર પડે છે કે રાગિની એની જિંદગી ખરાબ કરનાર તાંત્રિક આત્મારામ (જેકી શ્રોફ) થી બદલો લેવા માગે છે ત્યારે વાર્તામાં એક રોમાંચક મોડ આવે છે. રાગિનીનો ફ્લેશબેક પણ આવે છે.
અત્યાર સુધી આઇટમ ગીત અને ગ્લેમરસ ભૂમિકાઓ કરીને લોકપ્રિય રહેલી કેટરિના એક અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન બનાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે મહત્વની કેન્દ્રિય ભૂમિકા હોવા છતાં 'ફોન ભૂત' પછી તેને સાઇન કરવા ઘણા નિર્માતાઓ ફોન કરશે એવી આશા તે રાખી શકે એમ નથી. કેટરિના ગ્લેમર અને ડાન્સથી એના ગીતોને વિશેષ બનાવતી હોવા છતાં તે વાર્તાને મદદરૂપ થતા નથી એટલે ગીત- સંગીત નબળાઇ બની જાય છે. કેટને સ્ક્રિપ્ટ પસંદ કરતાં આવડતું નથી એ સાબિત થાય છે. તે હજુ હિન્દી ભાષાને અંગ્રેજીના અંદાજમાં જ વધારે બોલે છે.
અક્ષયકુમાર અને સલમાન પોતાનાથી અડધી ઉંમરની હીરોઇનો સાથે કામ કરી શકે છે તો પોતે દસ વર્ષ નાના હીરો સાથે કામ કરી શકે છે એ બતાવવા જ કેટરિનાએ સિધ્ધાંત અને ઇશાન સાથે કામ કર્યું હોય એવું લાગે છે. પોતાની ભૂમિકાને તેણે ગંભીરતાથી લીધી નથી. કેટરિના પોતાનો કરિશ્મા જાતે જ ખતમ કરી રહી છે. તેણે પતિ વિકી કૌશલની મદદ લેવી જોઇએ.
પોસ્ટર પર 'એક ભયાનક કોમેડી' તરીકે ઓળખવામાં આવેલી આ ફિલ્મ અસલમાં ઘણી વખત માથું પકાવી દે એવી ભયાનક લાગશે. હોરર- કોમેડી ફિલ્મોના ઝોનરની કોઇ શરતો એ પૂરી કરતી નથી. નિર્દેશક હોરર અને કોમેડી વચ્ચે સંતુલન સાધી શક્યા નથી. ડરામણા દ્રશ્યો નથી અને કોમેડીના પંચ નામ પૂરતા જ છે. તે ડરાવીને હસાવી શક્યા નથી. હોરર ફિલ્મોના પાત્રોના નામોનો સહારો લેવાથી કોમેડી સર્જાતી નથી. વોઇસ ઓવર છે ત્યાં સારી કોમેડી સર્જાય છે. એક દ્રશ્યમાં ભૂત ભાગતાં ભાગતાં લાહોર પહોંચી જાય છે ત્યારે બેકગ્રાઉન્ડમાં સનીની ફિલ્મ 'ગદર' નું સંગીત આપ્યું છે. આવા કેટલાક દ્રશ્યો મજેદાર લાગે છે. પરંતુ ઘણી જગ્યાએ હોરર માટે હિન્દી ફિલ્મના ગીતોને બદલે દમદાર ડરામણું સંગીત જરૂરી હતું. હોરરનું તો નામનિશાન નથી. જેકી શ્રોફનો દેખાવ વિલન જેવો ખતરનાક હોવા છતાં ટપોરી ભાષામાં સારી કોમેડી પૂરી પાડે છે. બંગાળી બોલતી 'ચિકની ચુડેલ' તરીકે શિબા છબ્બડનું કામ સારું છે. પ્રતિભાશાળી ગણાતા સિધ્ધાંત અને ઇશાન ઘણા દ્રશ્યોમાં ઓવરએક્ટિંગનો શિકાર બન્યા છે. તેમને સોલો હીરો તરીકે ફિલ્મો કેમ મળતી નથી એનું આ ઉદાહરણ છે. ત્રણ ફિલ્મો પછી પણ પોતાની એક અભિનેતા તરીકે ઇમેજ બનાવી શક્યા નથી.
ફિલ્મના ટ્રેલરે આશા વધારી હતી પણ એમાં ડર કે હાસ્ય પૂરતા નથી. 'મિર્ઝાપુર' વાળા નિર્દેશક ગુરમીત સિંહે હોલિવૂડની ૨૦ વર્ષ જૂની 'ફોન બૂથ' ની રીમેક હોવાનું જાહેરમાં કહ્યું નથી. કેમકે એવી ફિલ્મ બનાવી શક્યા નથી. જૂની હોરર ફિલ્મો જેવો જ ક્લાઇમેક્સ છે. દિમાગ લગાવ્યા વગર મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે. તર્ક શોધવાનો પ્રયત્ન કરવામાં મગજ બગડે એમ છે. આ 'ફોન ભૂત' કરતાં તો અમિતાભની વર્ષો જૂની 'ભૂતનાથ' કદાચ વધારે સારી લાગશે. 'ફોન ભૂત' ને તો બાળકો પણ પસંદ કરી શકે એમ નથી. નિર્દેશન, અભિનય, હોરર, કોમેડી, ગીત-સંગીત, સંવાદ વગેરે બધું જ માત્ર અમુક ટુકડામાં જ સારું છે એટલે એક વખત જોવાની ભલામણ થાય એમ નથી. સાવધાન! છેલ્લે 'ફોન ભૂત' ની સીક્વલ બનાવવાનો સંકેત આપવામાં આવ્યો છે.