પ્રેમનું રહસ્ય - 5 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું રહસ્ય - 5

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૫

અખિલને થયું કે સંગીતાને એ વાતની ખબર હતી કે એ મોડો આવવાનો છે એટલે એ કંઇ કહ્યા વગર ક્યાંક ચાલી ગઇ હોય તો પણ આટલી રાત સુધી ઘરે પાછી ના આવે એવું બને નહીં. એ આમ કહ્યા વગર ક્યાંય જાય એવી નથી. એ કોઇ વાત એનાથી છુપાવતી નથી. ભરપૂર પ્રેમ કરે છે. તો પછી આમ અચાનક ક્યાં જતી રહી હશે?

અખિલે વધારે વિચાર કરવાને બદલે સંગીતાનો મોબાઇલ નંબર ડાયલ કર્યો.

સંગીતાના મોબાઇલમાં રીંગ જવા લાગી. અને ઘરમાં જ એની રીંગટોનમાં 'આને સે ઉસકે આયે બહાર...' ગીતની ધૂન વાગવા લાગી. અખિલ દોડતો રીંગ સંભળાતી હતી એ તરફ ગયો. ઘરમાં બીજા રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો.

અખિલે ફોન કટ કરીને જોયું તો સંગીતા બીજા રૂમમાં બેડની બાજુમાં જ ઝોકે ચઢી ગઇ હતી. તેણે આ રૂમમાં પહેલાં એક નજર કરી ત્યારે બેડ પર કોઇ દેખાયું નહીં એટલે અંદર વધારે તપાસ કરી ન હતી.

તે સંગીતાને ધીમેથી ઉઠાડતાં બોલ્યો:'સંગુ... સંગુ ચાલ અંદર બેડ પર સૂઇ જા...'

'હં... તમે આવી ગયા?' સંગીતાએ આંખો ખોલી આનંદના સ્વરે કહ્યું અને એને બાઝી પડી. અખિલે પણ એને બાથમાં ભરી પ્રેમ કર્યો.

થોડીવારે સંગીતા અને અખિલ પોતાના બેડમાં ગયા.

'અખિલ, બહુ મોડું થયું? તું આવ્યો કેવી રીતે?' સંગીતાની આંખમાં ફરી ઊંઘ ઘેરાવા લાગી હતી.

'હા, કામ જલદી પૂરું ના થયું એટલે નીકળાયું નહીં...' અખિલ કેવી રીતે આવ્યો એ વાતનો જવાબ ટાળી ગયો.

'તારું બાઇક તો લઇ ગયો ન હતો. કોઇ સાધન વગર કેવી રીતે આવ્યો? મને તારી ચિંતા થતી હતી. તું ડિસ્ટર્બ ના થાય એટલે ફોન ના કર્યો. મોબાઇલ પર સિરિયલ જોતાં શાક સુધારતાં તારી રાહ જોતાં હું ક્યારે સૂઇ ગઇ એનો ખ્યાલ જ ના રહ્યો...' સંગીતા એને ભેટીને ધીમા અવાજે બોલી.

'સંગુ, મને એક જણની કારમાં લિફ્ટ મળી ગઇ હતી. તું અત્યારે શાંતિથી સૂઇ જા. સવારે વાત કરીશું...' અખિલે સારિકાનું નામ આપવાનું ટાળીને એના માથા પર હાથ ફેરવતાં કહ્યું.

સંગીતા કોઇ જવાબ આપ્યા વગર સૂઇ ગઇ ત્યારે અખિલને રાહત થઇ. તેના મનમાં ગડમથલ શરૂ થઇ ગઇ કે તે સારિકા સાથે કારમાં ઘરે આવ્યો હતો એ વાત કહેવી કે નહીં? વાત કહેવાથી તેને કોઇ શંકા ના ઉપજવી જોઇએ. પણ ના કહેવાથી પાછળથી જવાબ આપી શકાશે નહીં. સારિકા આ જ બિલ્ડીંગમાં રહે છે. ગમે ત્યારે બંને મળી જશે ત્યારે પોતાના પરનો એનો વિશ્વાસ ડગમગી જશે. સારિકાને પણ પ્રશ્ન થશે કે મેં આ વાત સંગીતાથી કેમ છુપાવી હશે?

અખિલને એટલી ઊંઘ આવી રહી હતી કે તે કોઇ નિર્ણય પર આવ્યા વગર ઊંઘી ગયો.

સવારે તે જલદી ઊઠી શક્યો નહીં. સંગીતાએ એને ઓફિસના સમય પહેલાં ઉઠાડ્યો ત્યારે ઊઠીને ફટાફટ તૈયાર થઇ ગયો. સંગીતાએ વહેલા ઊઠીને એના માટે ટિફિન તૈયાર કરી દીધું હતું. અખિલ ઉતાવળમાં હતો. તે બાઇકને પંકચર કરાવીને જવાનો હતો. ઝટપટ ચા-નાસ્તો પતાવી નીકળી ગયો એટલે સંગીતાને બીજી કોઇ વાત કરવાનો સમય ના મળ્યો. અખિલને મનમાં પ્રશ્ન થયો કે તે સંગીતાને સાચી વાત કહેતાં કેમ ખચકાઇ રહ્યો છે? એનો જવાબ એની પાસે જ ન હતો.

અખિલ બાઇકને દોરીને થોડે દૂર આવેલા પંકચરવાળા પાસે લઇ ગયો. ત્યાં ઊભા રહીને ઓફિસના કામના એક-બે ફોન કરી લીધા. બાઇક તૈયાર થયું અને એણે ઓફિસ તરફ મારી મૂક્યું.

ગઇકાલે રાત્રે સારિકાની મુલાકાત થઇ હતી એ ચાર રસ્તા આવ્યા ત્યારે એનું મન મલકી ઊઠ્યું. તેણે અમસ્તો જ પોતાની પુરુષ જાત સામે સવાલ કર્યો. શું પોતે કુંવારો હોત તો સારિકા પ્રત્યેનું એનું વર્તન અને વલણ અલગ રહ્યું હોત? શું સારિકા એટલી બધી સુંદર છે કે કોઇપણ પુરુષનું મન ડોલાવી દે?

એના મને જ એને જવાબ આપ્યો:'હા, હકીકતને કોઇ નકારી શકે નહીં. એના રૂપમાં કોઇ ખેંચાણ હતું...'

વિચારમાં ને વિચારમાં ક્યારે ઓફિસમાં પ્રવેશી ગયો એનો ખ્યાલ જ ના રહ્યો.

એ પોતાની ખુરશી પર બેઠો ના બેઠો ત્યાં જ ઇન્ટરકોમ પર મેનેજર સાહેબનું ફરમાન આવી ગયું. એમણે પોતાની કેબિનમાં બોલાવ્યો હતો.

'જી, ગુડ મોર્નિંગ સર!' કહીને એ મેનેજરની કેબિનમાં પ્રવેશ્યો.

'અખિલ કાલે રાત્રે તેં મોડે સુધી કામ કરીને કંપનીની ઇજ્જત રાખી લીધી. મેં રાત્રે જ તારો મેસેજ જોયો હતો. બહુ મોડું થયું હતું નહીં?' મેનેજર ખુશ હતા.

'હા સર..' અખિલે ટૂંકમાં પતાવ્યું.

'આમ તો હું તારી સાથે બેઠો હોત પણ મારે રાત્રે એક મહેમાનને લેવા એરપોર્ટ જવાનું હોવાથી નીકળી ગયો હતો. રાત્રે તું કોની સાથે ઘરે ગયો હતો?' મેનેજર કંઇક વિચાર કરીને અચાનક પૂછી બેઠા.

અખિલે જોયું કે એમની નજરમાં જાણે કોઇ જવાબ હતો. એ જાણતા હોય એમ પૂછતા લાગ્યા. શું એમણે રાત્રે એરપોર્ટ આવતા- જતાં મને સારિકા સાથે જોઇ લીધો હશે?

ક્રમશ: