આગગાડીના ડાબે પડખે ડ્રાઇવરની કેબીન નજીક ઊભા નિર્ભય સિપાહીએ લીલા રંગનો, અણીદાર, ત્રિકોણ વાવટો ફરકાવ્યો. વાવટા પર બરાબર મધ્યમાં ઘુવડનું મોં ચીતરેલું હતું. લીલા વાવટામાં સફેદ રંગે ચીતરેલા ઘુવડની આંખો કાળા રંગની હતી. વાવટો ફરકતા જ આગગાડીએ કાન ફાડી નાખે તેવી ચિચિયારી નાખી. વિરાટના ડબ્બામાં હતો એ નિર્ભય સિપાહી કારના દરવાજા નજીક ગયો અને સળગતી ફાનસ હાથમાં રાખી બહાર ઊભા સિપાહીને બતાવી. તેની ફાનસમાંથી વિચિત્ર પ્રકારનો લીલા રંગનો ઉજાસ રેલાતો હતો. એ ઉજાસ વિચિત્ર હતો કેમકે એ શૂન્યોની ફાનસ જેવો કેસરી રંગનો નહોતો. નવાઈની વાત એ હતી કે એ ફાનસ સળગતી હોવા છતાં જરા સરખી પણ ઘાસતેલની વાસ ફેલાતી નહોતી.
આગગાડીએ ફરી એક ચિચિયારી નાખી. નિર્ભય સિપાહીએ ફાનસવાળો હાથ અંદર ખેચી લીધો અને ફાનસ બુજાવી નાખ્યું. વિરાટને સમજાયું નહીં કે આ લોકો લીલા ફાનસ અને લીલા વાવટાની રમત કેમ રમે છે પણ એટલુ તો ચોક્કસ હતું કે એ શૂન્યપ્રજા જેમ અંધશ્રધ્ધા અને પરંપરા નિભાવવા માટે કશું ન કરતા. કદાચ એ ક્રિયા કોઈ સલામતીના પગલારૂપે હતી.
આગગાડી બહાર પાટાની ડાબી તરફ નિર્ભય સિપાહી હજુ એમ જ લાકડી હલાવતો ઊભો હતો. હવામાં ફરફરતી ત્રિકોણ ધજા પર ચીતરેલ ઘુવડની કાળી આંખો આગગાડીને જોઈ રહી હતી. એ વિરાટનો ભ્રમ હતો કે સાચું હતું પણ જાણે એ ઘુવડે આંખો ખોલી અને તેના મોટા ડોળા વિરાટને જ જોઈ રહ્યા હતા.
એ ભ્રમ હતો. કદાચ ભયને લીધે એને ભ્રમણા થવા લાગી હતી. તો પછી ગુરુ જગમાલ કેમ કહેતા કે ઘુવડ કારુનું પ્રતિક છે? એ ભ્રમ નહોતો એમ વિરાટને લાગ્યું કેમકે દીવાલ પેલે પાર જઈ આવેલા લોકો કહેતા કે દીવાલની પેલી તરફ દરેક શહેર પર એવા વાવટા ફરકે છે. સમારકામ થયેલી દરેક ઇમારતની ટોચ પર એવો વાવટો લગાવવામાં આવે છે. ઘુવડ અને કારુ વચ્ચે કંઈક સબંધ તો હતો જ. એવી પણ અફવા હતી કે કારુ પાસે એક શક્તિશાળી રથ છે જેના પર ઘુવડ ચીતરેલું છે અને તેના મંદિર આકારના મહેલ પર હૂબહૂ એવું જ ઘુવડ ચીતરેલ ધર્મ પતાકા લહેરાય છે. પાટનગરની મધ્યનું એ મંદિર શાપિત છે. તેની આસપાસની ભૂલભુલૈયામાં કેટલાય એવા પ્રાણીઓ ભટકે છે જે પૃથ્વીના છે જ નહીં. એ પ્રાણીઓ નરકના છે અને છેલ્લા પાંચસો વર્ષથી એ ભૂલભુલામણીમાં ભૂખ્યા તરસ્યા રસ્તો શોધતા ભટકે છે. જ્યારે કોઈ માણસ ચોરી છૂપીથી મંદિરમાં દાખલ થવાનો પ્રયત્ન કરે ત્યારે એ નરકના જાનવરો એના હાડકાં સુદ્ધાં ખાઈ જાય છે.
લોકો કહેતા કે કારુ તેનો ઘુવડ ચીતરેલો રથ લઈ નીકળે ત્યારે તેના રથ પર એવા જ નરકના કાગડા ઉડતાં રહે છે જેને લોકપ્રજા કાકસ તરીકે ઓળખે છે. એ જ્યાં પણ જ્યાં એ કાગડાઓ તેની સાથે જ જાય છે અને તિણી ચિચિયારીઓ કરતાં રહે છે. એ કાકાસ નામના કાગડાઓની આંખો લાલ રંગની હોય છે અને તેમની પાંખો સડી ગેયલા પાંદડા જેવી બેડોળ હોય છે. કારુ ઘોડાઓને નફરત કરે છે. એ પોતે પાટનગરમાં સવારી કરવા માટે એક ગજબ જાનવર રાખે છે જે દેખાવે રણના ઘોડા ખચ્ચર જેવુ છે પણ લોહી માંસને બદલે ચમકતી ધાતુનું બનેલું છે.
એકાએક આંચકા સાથે વિરાટ આગળ નમ્યો. વિચારોમાં લીન હોવાથી એ આગળની સીટ સાથે અથડાઈ ગયો હોત પણ સીટબેલ્ટને લીધે એ બચ્યો. તેના નીચે કંઈક ખસતું હોય તેમ તેને લાગ્યું. ના, એ બધા ખસતા હતા. એ આગગાડી સાથે ધીમી ગતિએ ખસવા લાગ્યા. આગગાડી ચાલવા લાગી હતી
ગતિમાન આગગાડીમાં બેસવાનો એ અનુભવ જે પહેલીવાર અનુભવી રહ્યા હતા એ રોમાંચક હતો કે ડરાવણો એ તેમને સમજાતું નહોતું. બધા એકબીજા તરફ જોઈ રહ્યા હતા. ખાસ તો યુવકોના જીવ અધ્ધર થઈ ગયા. જો બૂમ બરાડા પાડવાની સજા મૃત્યુ ન હોય તો જરૂર દરેક યુવક આનંદમાં આવી ચીસો પાડવા લાગ્યો હોત. બધાના ચહેરા પર ઉત્તેજના હતી પણ કોઈ એને દીવાલની આ તરફ જેમ બૂમ બરાડા પાડી વ્યક્ત કરી શકે તેમ નહોતું કેમકે કોઈએ ચાલુ આગગાડી બહાર ફેકાવું નહોતું. એ બધા શાંત રહી આગગાડીને ખસતી જોઈ રહ્યા.
આગગાડી ચાલતી નહોતી પણ ધીમી ગતિએ ખસતી હતી. એટલી ધીમી ગતિએ કે વિરાટને લાગ્યું જો આગગાડી આ જ ઝડપે દોડે તો તેમને દીવાલ પેલી તરફ ટર્મિનસ જતાં એક અઠવાડીયા કરતાં પણ વધારે સમય લાગે. પણ પછી તરત જ તેને સમુદ્રના ઘૂઘવાટ કરતાં મોજા જેવો અવાજ સંભળાયો. તોફાની મોજા કિનારાના પથ્થરો સાથે અથડાતાં હોય તેવા પ્રચંડ અવાજ સાથે આગગાડીએ ગતિ પકડી.
એ મોજા જેવો અવાજ આગગાડીના બીજા એંજિનનો અવાજ હતો. ગુરૂ જગમાલે વિરાટને કહ્યું હતું કે મુસાફર ગાડીમાં બે એંજિન મશીનો હોય છે. આગગાડી સ્ટેશન છોડતા જ જાણે જમીનમાં ઉતરી ગઈ. અમુક મિનિટો સુધી તો બહાર બસ અંધકાર જ હતો અને એને લાગ્યું કે આસપાસ કઈ જોઈ શકાય એમ નથી. જોકે એ અંધકારમાં પણ વિરાટ જોઈ શકતો. બીજા કોઈને કશું સમજાયું નહોતું પણ એણે જોયું કે સ્ટેશન બહાર નીકળવાને બદલે આગગાડી સીધી જ ભૂગર્ભની સુરંગમાં ઉતરી ગઈ હતી. સુરંગમાં જ દોડીને એ દીવાલની પેલી તરફ પહોંચી ગઈ હતી. આગગાડી જ્યારે ધીમો ઢાળ ચડીને સુરંગ બહાર નીકળી ત્યારે તેઓ દીવાલની બીજી તરફ હતા. દીવાલ પાર કરવા માટે ભૂગર્ભ સુરંગના રસ્તાનો ઉપયોગ થતો હતો. એ બાબત આ જ સુધી કોઈને સમજાઈ નહોતી. બધા એમ સમજતા કે કોઈ ચમત્કારિ રીતે આગગાડી ઘડીભરમાં દીવાલને ઓળંગી નાખે છે કેમકે આજ સુધી દીવાલની આ તરફ કોઈ વિરાટની જેમ અંધારામાં સ્પષ્ટ જોઈ શકતું નહોતું.
હવે આગગાડી હવાઈ માર્ગ પર દોડતી હતી. ઊંચા પિલ્લરો પર પાટા નાંખેલા હતા અને એના પર આગગાડી કેનાલના ધસમસતા પાણી જેમ આગળ વધતી હતી. રાત હતી પણ ચાંદનીના ઉજાસમાં ચારે તરફ પ્રલયે કરેલો વિનાશ નજરે ચડતો હતો. પ્રલય પહેલાના દયાળુ ભગવાનનો પાડ કે આગગાડીની એ મુસાફરી રાતની મુસાફરી હતી નહિતર દિવસના ઉજાસમાં એ તબાહી જોતાં મોટાભાગના યુવક છોકરા છોકરીઓ રાડો પાડવા લાગ્યા હોત અને બધાને નિર્ભય સિપાહીઓએ આગગાડી બહાર ફેકી દીધા હોત!
જોકે વિરાટને એ તબાહી દિવસ જેટલી જ સ્પષ્ટ દેખાતી હતી. તેના માટે અંધકાર ક્યારેય અડચણ બન્યો નહોતો. તેના માટે અંધકારમાં જોવું સામાન્ય બાબત હતી એટલે ચંદ્રના અજવાળે તો તેને દિવસ જેવુ સ્પસ્ટ દેખાય એ સ્વાભાવિક હતું.
કલાકો સુધી આગગાડીની બંને તરફ જાણે રેતમાં ઊગી નીકળી હોય તેવી ગગચુંબી ઇમારતો હવાઈ માર્ગને ઢાંકી દેતી ઊભી હતી. દરેક ઇમારત દયનીય હાલતમાં હતી. અમુક તો એટલી નમેલી હતી કે જાણે હમણાં એ તૂટી પડશે અને આખે આખી આગગાડી એના નીચે રેતમાં ધરબાઈ જશે. મોટાભાગે ઇમારતોમાં વિશાળ કોતરો જેવી તિરાડો પડેલી હતી. એ સ્થળે પ્રલયની સૌથી વધારે અસર દેખાતી હતી. એ ઇમારતોનું સમારકામ કરવું પણ અશક્ય હતું કેમકે અમુક તો રેતમાં અડધા સુધી દટાયેલી હતી. કેટલીક અડધી તૂટેલી બીહામણા ભૂત જેમ ઊભી હતી તો કેટલીક ઇમારતો પર જાણે ઉલ્કાઓ પડી હોય તેવા મોટા ગાબડાં પડેલા હતા. લગભગ બધી ઇમારતોમાં બારીઓના બદલે મોટા મોટા બાકોરાં હતા. એ બાકોરાં પાર અંધકાર અને તૂટેલા લોખંડના સળિયા સિવાય કઈ દેખાતું નહોતું.
લોકો કહેતા એ મુજબ જ ત્યાં ચારેકોર માત્ર અને માત્ર ઇમારતો હતી. કોઈ અર્ધ ખંડેર, કોઈ સંપૂર્ણ ખંડેર, કોઈ રેતમાં દફન તો કોઈ જાણે રેતમાંથી બહાર નીકળવા મથતી હોય તેવી રેતથી સહેજ બહાર પણ અર્ધા કરતાં વધારે ભાગ રેતમાં ડૂબેલો હોય તેમ અર્ધદફન થયેલી ઇમારતો ભયનું વાતાવરણ ફેલાવતી હતી. ક્યાય જમીનનું કોઈ નામો નિશાન નહોતું. બસ અફાટ સાગર જેમ ચારેબાજુ રેત ફેલાયેલી હતી અને એ કાટમાળ ઇમારતો જાણે એ રેતના સાગરમાં તરતી હોડીઓ હતી.
ચંદ્રના કિરણો તૂટેલા કાચના ટુકડા અને હજુ જે ધાતુને કાટ લાગ્યો નહોતો એ બધા ભાગને ચમકાવતાં હતા. પાટાની બંને તરફ ઝળુંબીને ઊભી એ ઇમારતોના શાપિત પડછાયા નીચે આગગાડી માપી ન શકાય એવી ગતિએ દોડતી હતી જાણે એને પણ બની શકે તેટલી ઝડપે એ ગોજારી ઇમારતોથી દૂર ચાલ્યા જવું હોય.
“અનુભવીઓ...” કારમાં ફરતાં નિર્ભય સિપાહીએ હવે બોલવાનું શરૂ કર્યું, “તમારી સાથે આવેલા યુવકોને જ્ઞાન આપો કે પ્રલય શું કરી શકે છે અને દીવાલની પેલી પાર તમને ભગવાને કેમ સુરક્ષિત રાખ્યા છે. એમને એ પણ જણાવો કે ભગવાને રચેલા કાયદા કાનૂનનું પાલન ન કરો તો શું થાય છે.”
બધા શૂન્યોએ હાથ ઊંચા કરી સહમતી દર્શાવી. બધા તરફ એક નજર કરી નિર્ભય સિપાહી તેમની કારમાંથી બીજી કારમાં જવાનો દરવાજો ખોલી ચાલ્યો ગયો. તેણે પોતાની પાછળ દરવાજો બંધ કર્યો એ સાથે જ બધા હાથ નીચા થયા અને વડીલો યુવકોને સમજાવવા લાગ્યા.
“આ તબાહી, બેટા...” નીરદની આંખમાં આસું ચમક્યા. શૂન્યો પોતાને એવી રીતે ગુનેગાર માનતા હતા જાણે એ આખો પ્રલય એમની કોઈ ભૂલને લીધે આવ્યો હોય.
“આ ઇમારતોમાં એક સમયે માણસો રહેતા. અમુક મોટી ઇમારતોમાં તો હજારો લોકો એક સાથે રહેતા પણ એક દિવસ પ્રલય આવ્યો અને બધુ બરબાદ કરી નાખ્યું.”
વિરાટ નીરદની સામે જોઈ રહ્યો. એ સાંભળવાનો ડોળ કરતો રહ્યો પણ તેનું મન કંઈક અલગ વિચારતું હતું – એ નિર્ભય સિપાહી કેમ ડબ્બા બહાર ચાલ્યો ગયો? તેની પાસે કોઈ જવાબ નહોતો. એ જવાબ કોઈ શૂન્ય પાસે નહોતો. પણ... તેની અંદરના જ્ઞાની પાસે એનો જવાબ પણ હતો. એ જવાબ હતો – બ્રેઇનવોશિંગ. વિરાટે એ વિશે જ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું હતું. તમારું બ્રેઇનવોશિંગ ભય કે ધાક ધમકીથી ન થઈ શકે. નિર્ભય સિપાહી તેમની તલવારોના જોરે શૂન્યોને તેમની વાત માનવા મજબૂર કરી શકે પણ તેમની વાતમાં વિશ્વાસ કરવા મજબૂર ન કરી શકે. એટલે જ એ ડબ્બા બહાર ચાલ્યો ગયો કેમકે અશિક્ષિત અને ખાસ ન સમજતા શૂન્ય લોકો એમનું એ કામ કરી દેતા. યુવક શૂન્યોને જો તેમના માતપિતા જ એમ કહે કે એ તબાહી માટે આપણે જવાબદાર છીએ અને ફરી ક્યારેય જો આપણે દેવતાઓએ રચેલા કાયદાનો ભંગ કર્યો તો આવા જ માઠા પરિણામ ભોગવવા પડશે ત્યારે શું થાય? જે કામ નિર્ભય સિપાહીઓની તલાવરો ન કરી શકે એ કામ તેમના પોતાના લોકો જ અજાણ્યે કરી આપતા. તેઓ પોતાના જ બાળકોનું બ્રેઇનવોશ કરતાં અને એટલે જ યુવાનીમાં પ્રેવેશે ત્યાં સુધીમાં દરેક શૂન્ય માનવ મટી શૂન્ય બની જતો. કારુએ માસ્ટર પ્લાન બનાવ્યો હતો. કદાચ હજારો નહીં પણ લાખો વર્ષો સુધી પણ આમ જ ચાલ્યા કરે તો શૂન્ય લોકો ગુલામ જ રહેવાના હતા.
નિર્ભય સિપાહીઓ સાબિત કરવા માંગતા હતા કે જો તેઓ કોઈ નિયમનો ભંગ કરે તો પ્રલય જેવી તબાહી ફરી આવશે. તેઓ કહેતા કે શૂન્યો જ પ્રલય માટે જવાબદાર હતા પણ એ શી રીતે શક્ય હતું? તેમના જન્મ પહેલા પાંચ સો વર્ષ જૂની ઘટના માટે તેઓ શી રીતે જવાબદાર હોઈ શકે? પણ શૂન્યો એટલુ ન વિચારતા. કદાચ દેવતાઓ કહે કે વર્ષો પહેલા સમુદ્રનું પાણી મીઠું હતું અને પીવાલાયક હતું પણ તમે શૂન્ય લોકોએ ભગવાને બનાવેલા કાયદાઓનો ભંગ કર્યો એટલે એ ખારું થઈ ગયું તો શૂન્ય લોકો એ પણ સાચું માની લે એમ હતા. કદાચ કોઈ નિર્ભય સિપાહી કહે કે પ્રલય પહેલા ચંદ્ર સૂર્ય જેટલો જ તેજસ્વી હતો પણ તમારા લીધે એ ઝાંખો પડી ગયો તો એને હકીકત માની શૂન્ય લોકોના ચહેરા પણ ઝાંખા પડી જાય કેમકે તેઓ ચંદ્રને ઝાંખો પાડવા બદલ પોતાની જાતને ગુનેગાર સમજે. દેવતાઓ જે કહે તે શૂન્ય લોકો માને એ વિરાટને જરા પણ ન ગમતું. એ શૂન્ય લોકોને જીવ જેમ ચાહતો અને તેમના માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હતો છતાં તેને ક્યારેક ક્યારેક તેમના અજ્ઞાન અને મૂર્ખતા પર ગુસ્સો આવતો. કોઈ માણસ એટલુ મૂર્ખ કઈ રીતે હોય શકે?
દીવાલની પેલી તરફના દેવતાઓ તો એમ પણ કહેતા કે શૂન્ય લોકોને ગુસ્સે થવાનો હક્ક નથી. ગુસ્સો એ માનવની એક સંવેદના છે. જેમ ભૂખ, તરસ, પ્રેમ, નફરત છે એમ જ ગુસ્સો પણ માનવ મનનો પાયાનો ગુણ છે એ હક કે અણહક કઈ રીતે હોઈ શકે?
વિરાટ માનતો કે જો તમને ક્યારેય ગુસ્સો ન આવે તો એનો અર્થ એ છે કે તમારા શરીરમાં સંવેદનાના સંચાલન કરતાં ભાગમાં કંઈક ખામી છે. શું ગુસ્સો જરૂરી નથી? પોતાના લોકોને મરજી વિરુધ્ધ દીવાલની પેલી તરફ જોખમી કામો કરવા લઈ જવામાં આવે તો શું મારે ગુસ્સે ન થવું જોએ? દેવતાઓના કાયદાનો અજાણ્યે ભંગ કરી દેનારને મારી નાખવામાં આવે તો શું મારે ગુસ્સે ન થવું જોઈએ? સમુદ્રના પેટાળમાં સંતાયેલો પ્રલય ગમે તે ઘડીએ આવી અમને તાણી જાય એમ હોય છતાં એક દીવાલ અમને ઉત્તરમાં સલામત સ્થળે જતાં રોકતી હોય તો શું મારે ગુસ્સે ન થવું જોઈએ? વિરાટ વિચારતો.
એણે ગુસ્સા ઉપર ગુરુ જગમાલ સાથે પણ ચર્ચા કરી હતી. ગુસ્સાને લઈને તેના વિચારો નોખા હતા. એ કહેતો કાબૂ બહારનો ગુસ્સો વિનાશ નોતરે છે છતાં માનવમાં ગુસ્સો હોય એ પણ જરૂરી છે. ગુસ્સો જ છે જે તમને ગમે તે લડાઈમાં અણીના સમયે વિધુતમય કરી શકે છે અને તમે મરણિયા બની જાઓ છો. જો ગુરુ જગમાલ કહે એ સાચું હોય તો વિરાટને સૌથી વધારે જરૂર ગુસ્સાની હતી કેમકે તેણે લડવાનું હતું, અણી પર આવી લડવાનું હતું અને એ ગુસ્સો તેને મરણિયા બની લડવા વિધુતમય કરે એ જરૂરી હતું.
*
આગગાડીના છેલ્લા ડબ્બામાં એક નિર્ભય સિપાહી દાખલ થયો. એણે પોતાના જરા વધુ પડતી લંબાઈના પહેરણના ગજવામાંથી રાખોડી રંગનો કોઈ તરલ પદાર્થ નીકાળ્યો. એ જેલી જેવો તરલ પદાર્થ લગભગ હથેળી જેટલા જ કદ અને પહોળાઈનો હતો પણ જેવો નિર્ભય સિપાહી એ જેલી પદાર્થને પોતાના ચહેરા નજીક લઈ ગયો તે પદાર્થ જાણે સજીવ હોય તેમ તેનું કદ ફેલાવા માંડ્યુ અને એ પાતળો બનવા લાગ્યો. રાખોડી પદાર્થ બરાબર તેના ચહેરાના કદનો થયો ત્યારે જાણે એ મહોરું પહેરતો હોય એમ નિર્ભય સિપાહીએ તેને પોતાના ચહેરા પર મૂક્યો. તરલ જેલી પદાર્થ કોઈ અવકાશી જીવની જેમ તેના ચહેરા પર એ રીતે ફેલાઈ ગયો કે જાણે તેણે કોઈ મહોરું નહીં પણ બીજી ચામડી પહેરી લીધી હોય.
એ મહોરું પહેરી દરવાજા તરફ ફર્યો એ જ સમયે દરવાજો ખૂલ્યો અને બીજો એક નિર્ભય સિપાહી અંદર દાખલ થયો. જોકે હવે પહેલા સિપાહીની માત્ર આંખો જ ખુલ્લી હતી. તેનો બાકીનો ચહેરો આછો રાખોડી દેખાતો હતો. ચાંદનીમાં એ રાખોડી મહોરું ચાંદી જેમ ચમકતું હતું.
“રક્ષક આપ...” નવા દાખલ થયેલા સિપાહીએ બે હાથ જોડ્યા, “નમસ્કાર.”
“નમસ્કાર, અલંગ.” મહોરું પહેરેલા વ્યક્તિએ કહ્યું, “વ્યવસ્થા થઈ.”
“હા, પણ એક ચૂક થઈ ગઈ છે.” અલંગે કહ્યું, “એ યુવક જે ડબ્બામાં છે એમાં ભૈરવનો વફાદાર જોહર ચોકીદારી કરે છે. હું એની જગ્યા બદલવાનો પ્રયત્ન કરું તો ભૈરવને શંકા પડે.”
“જોહર ત્યાં છે તેનો કોઈ વાંધો નથી.” રક્ષકનો અવાજ ખોખરો હતો, “પણ ભૈરવને કોઈ શક થાય તેવું નથી કરવાનું.”
“બીજો કોઈ હુકમ?” અલંગે પુછ્યું.
“આગળની સૂચનાઓ તને જગપતિ આપશે.”
“જી...” અલંગે ફરી હાથ જોડ્યા, “આપ અહીં આવશો એવી કલ્પના પણ નહોતી.” અલંગના અવાજમાં સ્વામીભક્તિ હતી, “આપને રૂબરૂ મળવું એ મારું સદભાગ્ય છે. મેં ક્યારેય પોતાને એ લાયક નથી સમજ્યો.”
“અલંગ, તું હંમેશાંથી એને લાયક છો અને એટલે જ તને આગગાડીમાં એ યુવકનું પૂરું ધ્યાન રખાવની જવાબદારી સોપવામાં આવી છે.”
“હું એ સારી રીતે નિભાવીશ.” અલંગે કહ્યું, “એ યુવક પર કોઈ જોખમ હશે તો હું જીવ પણ આપી દઈશ.”
“તારા જેવા વફાદાર હશે તો પાટનગર પર એક દિવસ હિમાલયના સાચા દેવતાઓનું રાજ હશે.” રક્ષકે કહ્યું.
અલંગ ફરી માથું નમાવી બહાર નીકળી ગયો. થોડાક સમય પછી રક્ષકે પોતાનું સજીવ મહોરું ઉતાર્યું અને આગગાડીમાં છેલ્લેથી ત્રીજા ડબ્બામાં જઈ બાકીના નિર્ભય સિપાહી જેમ તે ડબ્બાનો ચોકીદાર બની ગયો. એ ફરી નિર્ભય સિપાહીઓમાંથી એક બની તેમનામાં ભળી ગયો. મહોરા વિના એ એક નિર્ભય સિપાહી જ હતો. જોકે તેની વફાદારી બાકીના નિર્ભય સિપાહીઓના ભગવાનને બદલે દીવાલની બીજી તરફથી આવેલા એક યુવક તરફ હતી.
ક્રમશ: