કોરોના કથાઓ - 16. બાર વર્ષના બેઠા.. SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કોરોના કથાઓ - 16. બાર વર્ષના બેઠા..

બાર વરસના બેઠા..
2020નું વર્ષ માનવજાત ક્યારેય ન ભૂલી શકે એવું આવ્યું. એમાં પણ કોરોનાએ તો કાળો કેર વર્તાવ્યો. લોકો ઘરમાં ને ઘરમાં રહ્યાં. ભલભલા ઓછું નીકળતા ને સાવચેતીઓનું અક્ષરશઃ પાલન કરનારા ઝડપાઈ ગયા અને બિન્ધાસ્ત ફરનારાથી કોરોના પણ ડરીને દૂર રહયો.
એમાંયે ઘરમાં જ રહેનારા વૃદ્ધો સમાજથી, તેમનાં સામાજિક વર્તુળથી દૂર થઈ ગયા. એમાં એક રમુજી ઘટના મારા નજીકના બે વડીલો સાથે બની જે અહીં વર્ણવું છું.

"પપ્પા, ગજબ થ..ઈ ગયો. નલીનકાકા મળ્યા હતા. એમણે કીધું ઝાલા કાકાને કોરોનાએ ઝાલ્યા. બિચારા અકાળે ગુજરી ગયા." મિત્રનો પુત્ર ઘરમાં પેસતાં જ અંદર રૂમમાં કોઈ વોટ્સએપ સાહિત્ય વાંચવામાં મગ્ન તેના પિતા દવે સાહેબને કહી રહ્યો.

"હેં??? પરમદિવસે સાંજે તો જયુભાઈએ કહ્યું હતું કે એમનો તેમની ઉપર ફોન હતો. સાવ નરવા હતા. હસતા ને હસતા. મને ઊલટું કહેતા કે માસ્ક બાસ્ક પહેરી ઘરની નજીક ફર. આવીને હાથ ધોઈ નાખ. હું જો.. અરે ભાઈ, કોરોના કોઈના બાપનો સગો નથી. હું કોઈને મળ્યો નથી પણ ઘરમાં છું તો બેઠો છું. બિચારા.. હરિ હરિ.."
દવેકાકાએ ઊંડો નિ:સાસો નાખ્યો.

"બહુ ભારે થઈ. ક્યારે કાઢી જવાના છે તે કાંઇ કહ્યું? ઘેર લાવવાના છે એમ કહ્યું કે હોસ્પિટલમાંથી સીધા લઈ ગયા?

" ના. એવી ખબર નથી. કદાચ બે ત્રણ દિવસ અગાઉ ગુજરી ગયા હશે. મને તો હું પેલા મોલમાંથી આપણી ગ્રોસરી લઈને બહાર આવતો હતો ત્યાં મોલ પાસે નલીનકાકા મળ્યા. મને તમને કહેવા કહ્યું."

"લે. તો ખાસ કોઈને ખબર નહીં હોય. ચાલ અમારાં પેંશનર ગ્રુપમાં કહી દઉં પણ .. ક્યારે બની ગયું હશે આ? હું હમણાં કોરોનાની ચેતવણીઓને લીધે બહાર નથી નીકળતો એમાં ખબર ન પડી. ક્યારે બન્યું હશે આ?"

"એ ખબર નથી. નલિનભાઈએ કહ્યું. તેઓ પણ લગભગ ઘેર જ હોય છે. એમને પણ એમનાં વૉટસએપ ગ્રુપથી આજે સવારે જ ખબર પડી"

"હરે હરે.. હે ઈશ્વર.. કોનું ક્યારે શું થશે તે કહી શકાતું નથી. હાલ, એમનાં મીસીસ કાલિંદીબેનને બે ચાર દિવસમાં મળી આવીશ. બે ચાર કેમ? આજે સાંજે જ. આપણા તો ઘર જેવા સંબંધો. કોરોનામાં બહાર ન નીકળીએ એ સમજ્યા પણ અંગત મિત્ર જાય ને એને ઘેર બે શબ્દો આશ્વાસનના પણ કહેવા ન જઈએ એ ખોટું. બેસણું તો હમણાં રખાય નહીં."

દવેકાકા એમ કહેતા તરત રસોડામાં પહોંચ્યા. બહાર ઉભી કાકીને કહે, "અરે ક્યાં છો? કહું છું ઝાલા સાહેબ ગુજરી ગયા. કહે છે કોરોનામાં ગયા.હવે આજે સાંજે જઈ આવીએ કાલીંદી બહેન પાસે. આઇસોલેશનમાં હશે તો બહારથી કોંસોલેશન આપી દેશું."
કાકી પણ બે ક્ષણ આભાં બની જોઈ રહ્યાં. સાંજે જ બન્ને, બેસણાં સ્પેશિયલ ઇસ્ત્રીટાઈટ શ્વેત વસ્ત્રો ધારણ કરી નીકળી પડ્યાં ઝાલાસાહેબને ઘેર જવા.
.........
ઝાલા સાહેબનાં ઘર નજીક ઉબેર ઉભી રાખી દવેકાકા આગળ ચાલ્યા અને પગની તકલીફ હોઈ કાકી પાછળ દોરાયાં. નજીકનાં ગાર્ડન પાસે પહોંચ્યાં ત્યાં દવેકાકા ચોંક્યા. સામેથી બીજું કોઈ નહીં ને એ માસ્ક સાથે .. લાગે છે તો ઝાલા સાહેબ જ. એ જ બેફિકર ચાલ, એ જ ચારે તરફ દ્રષ્ટિપાત..
દવેકાકાએ ખાત્રી કરવા ધારીને જોયું. આ તોબરા જેવા માસ્ક પાછળ એકને બદલે બીજું લાગે. ઘણા સરખા લાગે.
દિવસે કોઈ દિવસ ભૂત બૂત થાય નહીં. છે તો ઝાલા સાહેબ જ! હવે શું જવાબ દેવો?
હોઠ સાજા તો ઉત્તર ઝાઝા.
ઝાલાસાહેબ એક ક્ષણ ડઘાઈને દવેકાકા સામે જોઈ રહ્યા. ચશ્માં ઊંચાંનીચાં કરી ખાતરી કરી કે પોતે સામે એમના મિત્ર દવેને જ જુએ છે.
"સાલું એમ કેમ બને? દવે તો હોસ્પિટલમાંથી જ.. પરબારો કોરોનાગ્રસ્ત બોડીનો નિકાલ.. તો આ હાલતી ચાલતી બોડી કોની છે?
હવે મળ્યા તો વાત તો કરવી પડશે ને! સાલો ફટટુ ઘરમાં જ બેઠો રહેતો ને ફોન પણ નહોતો ઉપાડતો. ભલા ફોનમાંથી વાયરસ જાય? લોકો પણ. કચ્છમાં એક મામલતદારે માઈકમાં શ્લોકો બોલવાથી કોરોના ફેલાશે કહી પ્રતિબંધ મુકેલો જ ને!
અરે બહાર ખાવા કે જાત્રાએ ન જઈએ. માસ્ક પહેરી ખુલ્લી હવા લેવા ન અવાય?"
ઝાલાકાકાની વિચારધારા તૂટી. દવે સામેજ ઉભો હતો ને..
"લે.. હાથ મિલાવવા જતો હતો. ભાઈ, હું નજીકમાં રખડું છું પણ બધાને નમસ્તે જ કરું છું." કહેતાં તેમણે સામે આવી ગયેલા દવેકાકા સામે હાથ જોડ્યા. એ વખતે પણ તેમના ફોટા સામે ગુલાબની પાંખડીઓ મૂકી હાથ જોડતા હોય એવો વિચાર આવ્યો.
"હેં? .. ઓહો.. હો... દવે સાહેબ, તમે ? કઈ બાજુ? એ પણ મારા એરિયામાં? અને આ સફેદ ઝબ્બા લેંઘા માં? ક્યાં જાઓ છો? લે કર વાત. ભાભી પણ પાછળ આવે છે ને! પણ આમ?" ઝાલાસાહેબે મિત્ર દવેને આવકાર્યા.

"બસ એમ જ. એં.. એતો.. જસ્ટ આ બાજુ ફરવા આવેલો. તમે.. એં.. અર.. તમે.. તમારી તબિયત કેમ રહે છે? હમણાં આપણે ફોન પણ નથી થયો અને તમે દેખાતા પણ નથી. કોરોનાની મહામારી વચ્ચે તબિયત આમ તો સારી છે ને?" દવે કાકાએ ખરખરો કરવાને બદલે ખબર પૂછ્યા.

"રહે. ચાલ્યા કરે. ઉંમર ઉંમર નું કામ કરે. કાલિંદી ખૂબ સાચવે છે. આ ગાર્ડનમાં અંધારા પહેલાં ચાલવા આવેલો. હું તો નજીકમાં આંટો મારી લઉં હોં! આ મંદિર બંદીર હમણાં ખૂલ્યાં. ગાર્ડન તો હવે છે જ ને!" ઝાલાસાહેબે તત પપ કરતાં વાત શરૂ કરી.
દવે ને વળી ગાર્ડનમાં! સજોડે! પણ આમ કોઈને ઉપાડવા આવ્યાં હોય એવાં બેય કેમ લાગે છે? ઝાલાએ મનોમન કહ્યું અને તેમને સવારે છાપાંમાં જોયેલ સમાચાર યાદ આવ્યા.
"પણ.. પણ.. કહું છું, દવે સાહેબ, આજે સંદેશમાં મેં જે. સી. દવે નાં અવસાનના સમાચાર વાંચ્યા.. મારૂં તો હાર્ટ અટકતું રહી ગયું. આપણે તો કેટલા જુના મિત્રો? સાથે જ ખૂબ લાંબો સમય નોકરી પણ કરી. તમને કેમ છે આજકાલ, દવે સાહેબ? અને આ ભાભી સફેદ સાડીમાં? કોઈ ટપકી ગયું હોય ત્યાં જઈને આવો છો કે શું?"
ઝાલાએ ભાભી સામે પણ સ્મિત વેર્યું. ભાભી આમેય ગોરાં ને આ સફેદ સાડીમાં શોભે છે. તેમણે વિચાર્યું.

"ના રે ના ઝાલા સાહેબ. આ ગરમીના દિવસોમાં કોટન અને સફેદ ડ્રેસ પડી રહેલા તે સમી સાંજે ફરવા કાઢ્યો. એય.. બે માણસ છીએ સાજાં નરવાં."- 'ભાભી'એ બચાવ કર્યો.
"તે કાલિંદી કેમ છે? તમે તો છો જ ડાહીનો છૂટો ઘોડો પહેલેથી. એ ડાહી ઘરમાં બેસે છે ને આ મહામારીમાં? એને કેમ છે?" ભાભીએ દિયર કે જેઠ જે કહો, સાથે મઝાક કરી.

"સરસ છે. ચાલો. સાથે ચાલીએ." કહી ઝાલાસાહેબે થોડી ઉતાવળે પગ ઉપાડ્યા.

"તે.. દવે સાહેબ, તમારી તબિયત તો સારી છે ને?" સાથે ચાલતા જુના મિત્ર કમ કલીગને તેમણે પૂછ્યું.

"ઝાલા સાહેબ, હું તો રોજ સુતા પહેલાં ભગવાનનો આભાર માનું છું કે આજે આ કપરા કાળમાં જીવ્યો ને સવારે ઉઠું એટલે એક દિવસ જીવવા મળ્યો એટલે થેન્ક ગોડ કહું છું. બાકી ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે! ચાલો, અહીં સુધી આવ્યા છીએ તો તમારે ઘેર પણ આવીએ."
ઝાલાસાહેબ ક્યાંથી ઘેર આવવા કહે? કાલિંદી પણ સફેદ સાડી બદલી તૈયાર થયેલી. દવેને ઘેર ખરખરો કરવા આવવા.

'"હેં?.. હા હા, જરૂર. એક મિનિટ હોં? જે શ્રી કૃષ્ણ. સારું અહીં ગાર્ડનમાં જ મળી ગયા તે. બસ એક મિનિટ હોં.. દવે સાહેબ! એક ફોન આવે છે. સહેજ વાત કરી લઉં."
ઝાલાસાહેબ થોડે દુર જઈ ફોન કરવા લાગ્યા.

"જરૂર. તો સારું. ઝાલા સાહેબ, હું પણ એટલીવાર પેલી બાજુ આંટો મારી લઉં."
કાલિંદીને ફોન લગાવ્યો. સાલી 40 સેકંડ તો જરૂરી સુચનની સરકારી રેકોર્ડ વાગે. ત્યાં સુધીમાં આ લોકો બીજાં પચાસ ડગલાં ગેઈટ તરફ જતાં રહેશે.
એટલીવારમાં તો દવેએ પણ એકલા પડતાં જ ફોન લગાવ્યો.
"અરે બેટા, તને નલીન કાકાએ કોનું કહ્યું? અરે, જીવે છે.. કહું છું, જીવે છે.. ઝાલા સાહેબ તો જીવે છે. આ થોડે દૂર ચાલે. એમને ખબર ન પડે એ રીતે તને ફોન કરું છું. તારી મમ્મીને પણ સફેદ સાડલામાં જોઈ ગયા."
અહીં ગાર્ડનનો ગેઈટ આવી ચુકેલો. સામે જ એક શેરી દૂર ઝાલા સાહેબનું બિલ્ડીંગ દેખાતું હતું. ઝાલાએ એ 40 સેકન્ડ કોરોનાની જાહેરાત આપનાર સરકારને ભાંડી. ફોન લાગ્યો.
" એ કહું છું, સાંભળ, જે. સી. દવે સાહેબ તો જીવે છે .. આ સારું થયું આપણા ઘર પાસે જ અહીં ગાર્ડનની બહાર જ મળ્યા. આપણે એમને ત્યાં જવા નીકળ્યાં, આપણું ઘર બતાવવા ઉબેરને ગાઈડ કરવા બહાર નીકળ્યો, ગાર્ડનના રસ્તે પહોંચ્યો ત્યાં એ જ સામા મળ્યા. તું જલ્દીથી સફેદ સાડી બદલી નાખ. મારી સાથે એ અને ભાભી આવે છે. પેપરમાં ગુજરી ગયા એ કોઈ બીજા જે. સી. દવે હશે. હવે એમ જ ભાભી કોઈ બહાનું બતાવી મળવા આવતાં હતાં એમ કહે છે પણ હું સમજું ને? મને એલોકોએ મુઓ ધાર્યો, મેં એમને.
અરે, આ હમણાં ઘેર આવીએ છીએ.
અમે બેય.. આ બાર વરસના બેઠા.
-સુનીલ અંજારીયા