લક્ષ્મી અને ધર્મ Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લક્ષ્મી અને ધર્મ

   જ્યાં આગળ પૈસાની વાતો છે, સ્ત્રીઓની વાતો જ્યાં હોય ત્યાં નર્યો કુસંગ છે. જ્યાં ધર્મની વાત હોય, સાચા સુખની વાતો હોય, જ્યાં કોઈને સુખી કરવાની ઈચ્છાઓ, ભાવનાઓ હોય, એવી બધી વાતો હોય ત્યાં સત્સંગ છે. મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ તો હોય નહીં, ને લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં. એ બે માયા થકી તો આ જગત ઊભું રહ્યું છે. હા, માટે ત્યાં ધર્મ ખોળવો એ ભૂલ છે. એટલે લક્ષ્મી ને સ્ત્રીસંબંધ હોય ત્યાં આગળ ઉભું ના રહેવું. ગુરૂ જોઇને કરવા. લીકેજવાળો હોય તો કરવો નહીં. બિલકુલે ય લીકેજ ના જોઈએ. ગાડીમાં ફરતા હોય તો ય વાંધો નથી, પણ ચારિત્રનો ફેઈલ હોય તો વાંધો છે. બાકી આ અહંકાર હોય તેનો વાંધો નથી કે ‘બાપજી, બાપજી’ કરીએ તો ખુશ થાય તેનો વાંધો નથી. ચારિત્ર્યનો ફેઈલ ના હોય તો લેટ ગો કરવા જોઈએ. મુખ્યમાં મુખ્ય વસ્તુ ચારિત્ર છે.

    બાકી વ્યવહાર ચારિત્ર એટલે આ વ્યવહારમાં કોઈને દુઃખ ના થાય એવું વર્તન હોય. દુઃખ દેનારને ય દુઃખ ના થાય એવું વર્તન. અને વિષય બંધ હોવા જોઈએ. વ્યવહાર ચારિત્રમાં મુખ્ય બે વસ્તુ કઈ? કે વિષય બંધ હોવો જોઈએ. ક્યો વિષય? સ્ત્રી વિષય અને બીજું લક્ષ્મી. લક્ષ્મી હોય ત્યાં ચારિત્ર હોઈ શકે નહીં.

   બાકી જ્યાં લક્ષ્મી લેવામાં આવે છે, ફી તરીકે લક્ષ્મી લેવામાં આવે છે, વેરા તરીકે લક્ષ્મી લેવામાં આવે છે, ત્યાં ધર્મ ના હોય. પૈસા હોય ત્યાં ધર્મ ના હોય, ને ધર્મ હોય ત્યાં પૈસા ના હોય. એટલે સમજાય એવી વાત ને? જ્યાં વિષય ને પૈસા હોય ત્યાં ધર્મ જ નથી.

   મોક્ષ હોય ત્યાં ફી હોય નહીં. ડૉક્ટરે ય ફી લે અને મોક્ષવાળા પણ ફી લે, ત્યારે ફેર શો? મોક્ષવાળા કોઈ જગ્યાએ ફી લેતાં હશે?

   હવે પૈસો સારે રસ્તે જાય એવું કરવું. સારે રસ્તે એટલે આપણા સિવાય પારકા માટે વાપરવું. કંઈ ગુરૂને જ ખવડાવી દેવાનું નહીં. ગુરૂ તો પાછા એની છોડીઓ પૈણાવે ને છોકરા પૈણાવે? જે અડચણવાળા હોય, દુઃખી હોય એને કંઈ આપવું. અગર તો સારા પુસ્તક છપાવીને આપતાં હોય, તો લોકોને હીતકારી થાય ને જ્ઞાનદાન કહેવાય. સારે રસ્તે ધર્માદા જતો હોય તો જવા દેવો.

   પછી, કેટલાક પધરામણી કરાવીને પૈસા પડાવી લે છે. આ ગુરૂઓ પગલાં પાડે તો ય રૂપિયા લે, તે આ ગરીબના ઘેર પગલાં પાડો ને! ગરીબને શું કરવા આમ કરો છો? ગરીબના સામું જોવાનું નહીં ?

   અલ્યા, રૂપિયા ખોવે છે ને વખત નકામો બગાડે છે. એમના પગલાં પાડ્યા કરતાં, કોઈ ગરીબનું પગલું પાડ કે જેમાં દ્રરિદ્રનારાયણ પધાર્યા હોય. આ બધાં ગુરૂઓનાં પગલાંને શું કરવાનાં?! પણ પબ્લિક એવી લાલચુ છે, તે કહેશે, ‘પગલાં પાડે તો આપણું કામ થઇ જાય ને છોકરાને ઘેર છોકરો થઈ જાય. આજ પંદર વર્ષથી નથી તો.’

      જેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ, તેને આ જગતના તમામ સૂત્રો હાથમાં આપવામાં આવે છે. પણ ભીખ જાય તો ને! કેટલા પ્રકારની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, બધી ભીખ, ભીખ ને ભીખ છે! ત્યાં આપણું દળદર શું ફીટે?

   આ તો બધા ભીખને માટે નીકળેલા છે. એમનું પેટ ભરવા નીકળ્યા છે. સહુ સહુનું પેટ ભરવા માટે નીકળ્યા છે. અગર તો પેટ ભરવાનું ના હોય તો કીર્તિ કાઢવી હોય, કીર્તિની ભીખ, લક્ષ્મીની ભીખ, માનની ભીખ! જો ભીખ વગરનો માણસ હોય તો એની પાસે જે માંગો તે પ્રાપ્ત થાય. ભીખવાળા પાસે આપણે જઈએ તો એ પોતે સુધરેલો ના હોય ને આપણને ય સુધારે નહીં, કારણકે દુકાનો ચાલુ કરી છે લોકોએ અને આ ઘરાકો મળી આવે છે નિરાંતે!

   બાકી અત્યારે આ સંતો વેપારી થઈ ગયા છે. જ્યાં પૈસાનો વ્યાપાર ચાલે છે એ સંત જ ના કહેવાય. અને આપણા લોકોને એની સમજણે ય નથી.

   સંત પુરૂષ, તો પૈસા લે નહીં. દુખિયો છે તેથી તો એ તમારી પાસે આવ્યો છે ને પાછા ઉપરથી સો પડાવી લીધાં! તે આ હિન્દુસ્તાનને ખલાસ કરી નાખ્યું હોય તો આવા સંતોએ ખલાસ કરી નાખ્યું છે. સંત તો એનું નામ કહેવાય કે જે પોતાનું સુખ બીજાને આપતા હોય, સુખ લેવા ના આવ્યા હોય.

   આ કંઈ સુખી છે? મૂળ તો દુઃખી છે લોકો અને એની પાસે રૂપિયા લો છો?! દુઃખ કાઢવા માટે તો ગુરૂ પાસે જાય છે ને, ત્યારે તમે એના પચ્ચીસ રૂપિયા લઈને એનું દુઃખ વધારો છો! એક પઈ ના લેવાય. બીજા પાસે કંઈ પણ લેવું એનું નામ જુદાઈ કહેવાય અને તેનું નામ જ સંસાર. એમાં એ જ ભટકેલો છે. જે લેનાર માણસ છે એ ભટકેલો કહેવાય. એને પારકો જાણે છે માટે એ પૈસા લે છે. ભક્તોની એક પઈ પણ ના પકડાય. આ વેપાર જેણે કાઢ્યા છે એ પોતે નાદાર સ્ટેજમાં જશે. એટલે જે કંઈ એની આ સિધ્ધિ પ્રાપ્ત છે એ ખોઈને જતાં રહેશે. જે થોડી ઘણી સિધ્ધિ પ્રાપ્ત થઈ તેના આધારે માણસો બધા ભેગા થતાં હતાં. પણ પછી સિધ્ધિ ખલાસ થઈ જાય. કોઈ પણ સિધ્ધિનો દુરપયોગ કરો તો સિધ્ધિ ખલાસ થઈ જાય. આ દુનિયામાં જેટલી સ્વચ્છતા એટલી દુનિયા તમારી, તમે માલિક છો આ દુનિયાનાં! જેટલી સ્વચ્છતા તમારી!! સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય, જેને ભીખારીપણું જ ના હોય!!

   એટલે આત્મા વસ્તુ જુદી છે, લોકોને ધર્મમાં વેપાર જોઈએ છે, બધે વેપારમાં ધર્મ રાખજે, કહે છે. વેપાર જે કરતો હતો તે તેની મહીં ધર્મ રાખજે. પણ ધર્મમાં વેપાર ના કરીશ. નહીં તો ઉચ્છેદિયું થશે.

   અને લોકોનું કલ્યાણ તો ક્યારે થાય? આપણે ચોખ્ખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા! પ્યોરિટી એ જ આખા જગતનું આકર્ષણ કરે! પ્યોરિટી!!!